કૂબો સ્નેહનો - 45 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 45

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 45

મંજરી સમજી જ નહોતી શકતી કે, પોતાનો ભઈલું આવું કંઈ કરી શકે!! અને એ જાણવા અધિરી થઈ ગઈ હતી કે, વિરુ ભઈલુંને અચાનક એવું શું થયું કે પરિવાર સાથેનો સ્નેહનો સેતુ તોડી નાખ્યો હતો.?!! સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો ❣️

વિરાજની એવી શું મજબૂરી હતી કે નતાશાની મોહપાશમાં કેદ થઈ ગયો હતો. વિચારોની ખાઈમાં ખાબકી પડેલી દિક્ષાને એનું કોઈ નિરાકરણ નહોતું મળતું. દિક્ષાએ એની વાત આગળ વધારતા કહ્યું,

"આમ એકાદ મહિનો નીકળ્યો હશે, પછી તો વિરુએ ઘરે આવવાનું સમુળગુ બંધ જ કરી દીધું હતું.. એક દિવસ ગયો, બે દિવસ, ત્રીજા દિવસ પછી તો મારી ચિંતા વધતી ગઈ.. મારા મગજમાં સવાલોનું ઘમાસાણ મચી ઉઠ્યું હતું.. મારાથી વિરુને ખુશ રાખવામાં કે સાચવવામાં એવી તો શું કમી રહી ગઈ હતી..?! સાવ આવું કોઈ છોડીને ચાલી જાય..??!

ઑફિસમાં સાથે કામ કરતા કલિંગ, સંદિપને ફોન કરી પુછતાં એણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહે, 'ખબર નથી વિરાજ ક્યાં ગયો છે ? બે દિવસથી ઑફિસ પણ નથી આવ્યો, દિક્ષા ભાભી એ..'

પછી તો મને ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે, એ નતાશા સાથે જ હશે..!! મારી ફ્રેન્ડ બંસરીને બોલાવીને મેં વિગતે એને જાણ કરી.. એણે કહ્યું, 'દિક્ષા, તું ચિંતા ન કર.. નતાશાને ત્યાંથી હું તપાસ કરાવું છું, વિરાજ એની સાથે જ છે કે બીજે કશે કામથી ગયો છે..'

છેવટે અમને જાણવા મળ્યું કે, વિરુ હૉસ્પિટલમાં એડમિટ છે.. હું ખૂબ ગભરાઈ ગઈ, સીધાં અમે હૉસ્પિટલ પહોંચી ગયાં હતાં, પણ નતાશાએ બળજબરી કરીને અમને મળવા જ ન દીધા.. અમે હૉસ્પિટલમાં ત્યાંના વૉર્ડના ઇન્ચાર્જ ડૉક્ટરને મળ્યાં..

એમણે કહ્યું, 'વિરાજને માથામાં કોઈ એક જગ્યાએ ભારે ઇન્જરી થઈ છે, જેને કારણે એ જીવનનો વિતેલો અમુક હિસ્સો ભૂલી ગયા છે.. ક્યારેક મગજના કોઈ એક ચોક્કસ ભાગ પર ઈજા પહોંચતા એ વ્યક્તિ છ થી આઠ વર્ષ સુધીનો સમય ભૂલી જાય છે..‌ જેમકે સુપર માર્કેટમાં જુદા જુદા કંમ્પાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાએ વસ્તુઓ ગોઠવાયેલી પડી હોય છે, એમ‌ જ આપણા મગજમાં જે જે નાના મોટા બનાવો બન્યા હોય એ મેમરી અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલી પડી હોય છે અને જે ભાગ ઉપર ધક્કો વાગ્યો હોય એ જગ્યા પરની મેમરી લોસ થઈ નીકળી જાય છે..'

હું પ્રેગ્નન્ટ છું એ વાત વિરુને જણાવી મારા તરફ ખેચવા માંગતી હતી એવામાં, એની મેમરી લોસ થવાની વાત સાંભળી, હું તો વિરુને ગુમાવવાના ડરથી સુન્ન થઈ ગઈ હતી.. આ શું થઈ ગયું હતું એ જ સમજાતું નહોતું..!!

બંસરીએ ઊંડી તપાસ કરતા ખબર પડી વિરુ અને નતાશા બે દિવસ પહેલા કોઈ જગ્યાએ મળવાના હતા. નતાશા વિરુની રાહ જોઈ બેઠી હતી ત્યાં થોડેક દૂર વિરુ સ્લિપ થઈ ગયા અને ત્યાંને ત્યાં જ અનકૉન્સિયસ થઈ ગયા હતા.. લોકો ટોળે વળી ગયાં હતાં અને કોઈએ નાઈન વન વન કરી એમ્બ્યુલન્સ બોલાવી.. આ બધી ધમાલમાં બેફિકર નતાશા ત્યાંથી થોડેક દૂર બેઠી મોબાઇલ ફોન પર વાતો કરે જતી હતી એને કોઈ અંદાજો નહોતો કે વિરુ પડીને બેભાન થઈ ગયા છે..

એણે કોઈને પુછ્યું, 'વ્હોટ હેપન ધેર ઇઝ..'
'સમ ગાઈઝ આર સ્લીપ ધેર.. વુઝ નેમ ઇઝ વિરાજ..'

'ઓહ.. વિરાજ ઇઝ સ્લીપ??'

નતાશા વિરુ પાસે દોડી આવી અને એને જોઈને હેબતાઈ ગઈ કે, 'વિરાજને આ શું થઈ ગયું!!?'
વિરુને હૉસ્પિટલ લઈ જઈને એણે સારવાર ચાલુ કરાવી દીધી હતી.. વિરુ બે દિવસ હૉસ્પિટલમાં બેભાનાવસ્થામાં હોવા છતાંયે એણે મને કોઈ જાણ નહોતી કરી.. એમની ચિંતામાં આ બાજુ ઘરે હું અડધી ગઈ હતી..

હૉસ્પિટલમાં બે દિવસ સુધી અનકૉન્સિયસ રહ્યા બાદ ભાનમાં આવ્યા ત્યારે છેલ્લા આઠ વર્ષમાં જે બન્યું હતું એ બધું જ ભૂલી ગયા હતા..

કરમની બળૂકી હું પતિના હોવા છતાં પણ સાવ નિરાધાર થઈ ગઈ હતી.. વિરુ જાગૃત અવસ્થામાં આવી ગયા પછી પણ અને આ દુનિયામાં મારી નજર સમક્ષ હયાત હોવા છતાં મારી પાસે નહોતા.. કે મને અને આયુષને ઓળખતા નહોતા.. નતાશા કહે એ જ કરતા હતા.. આંધળા ભૂત થઈ એની મસ્તીમાં મસ્ત થઈ ગયા હતા.. નતાશાને તો જોઈતું હતું ને વૈદ્યે કીધું જેવું થયું હતું.. એને જે જોઈતું હતું એને મળી ગયું હતું.. ને અમારા નસીબ અવળાં ફરી રહ્યાં હતાં..

હું ફરી પ્રેગ્નેન્ટ હતી એની અનહદ્ ખુશી હતી, તો સાથે સાથે વિરુએ પોતાને છોડી દીધાનું દુઃખ પણ હતું.. એમને જણાવવું હતું પણ નતાશા અમારા બંને વચ્ચે ઢાલ બનીને અમને તોડી રહી હતી. ત્યાં જ આયુષની બર્થ-ડે પાર્ટી કરવાનું નક્કી કર્યું.. બંસરીના પપ્પા-મમ્મી મને સમજાવી રહ્યા હતા કે, વિરાજનું અહીં તમારા બંને સામે આવવું જરૂરી છે, નહીંતર એ ક્યારેય નહીં આવે.. અંકલ-આન્ટીના કહેવાથી વિરુને ગમે તેમ કરીને પાર્ટીમાં આવવા મેં મજબૂર કર્યા હતા. બર્થ-ડે પાર્ટીના દિવસે અમે કેક લેવાં ગયાં, અને... વિરુનો એક્સિડેન્ટ થયો બસ બધું વેરવિખેર થઈ ગયું..."

"આપણે‌ જ તો ઘરનો આધારસ્તંભ છીએ ભાભી.. એટલે જ, જરા પણ વિચલિત થયા વગર આવેલી તમામ પરિસ્થિતિનો ધીરજથી નિરાશ થયા વિના સામનો કરવાનો છે અને ઈશ્વરનું સ્મરણ કરી આત્મબળથી, હિંમતથી કામ લેવાનું છે..

અને ભાભી આમ્માએ તો પોતાના કરમમાં કે જીવનમાં ક્યારેય એકાદેય ચમકતો તારલો દીઠો નથી.. હું સમજી શકું છું કે તમારે તો હવે અમ્માને પણ એ અજાણ્યા દેશમાં સાચવવા પડશે.. તમે તો ઘણા હિંમત સાથે અજાણ્યા દેશમાં એકલપંડે બાથ ભીડી છે, એ કંઈ કમ નથી.. બસ બધું જ સમુસુતરું પાર પડે એવી પ્રભુને પ્રાર્થના છે.."

"છેલ્લીવારીનું વિરુને ગળે મળ્યા ટાણે આંખો ભીની હતી એ બહું યાદ છે.. કેમેય કરીને ભૂલાતું નથી.. એ કાળે અમારો નાનકડો માળો વિખરાયો એ કેમનું ભૂલાય.!! થોડા સમય પહેલાં તો એમની બર્થ-ડે અમે ઘરે રહીને જ મનાવી હતી. ત્યારે ઠંડી બહુ હતી અને કેક પણ લેવા જવાય એવું વેધર નહોતું, એટલે ઓરિયો બિસ્કિટ ગોઠવીને, જામ લગાવી કેક કાપવાની લહેજત્ ઉઠાવી હતી.. વિરુ તો રાજી રાજી થઈ ગયા હતા.. નાનકડો પરિવાર ઘડીકમાં વિખરાઈ ગયો.."

વિરાજ સાથે વિતાવેલી સારી નરસી પળોને દિક્ષા, મંજરી સાથે વહેંચી રહી હતી. દિક્ષાની આંખોમાં ચોમાસું વહી રહ્યાંનું દુઃખ મંજરીની સજળ આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું.. એ વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરતી રહી કે, 'વિરુ ભઈલુંને જલ્દી સારું થઈ જાય અને દિક્ષુ ભાભીની તકલીફો દૂર થાય..'

દિક્ષાનું મન વિક્ષિપ્ત થઈ રહ્યું હતું. ચર્ચી સમેટાઈ ગઈ, તેણે આ અંદરનાં રોજે રોજનાં ચિત્રો ચેકી નાખવા પ્રયત્નો કરવા માંડ્યાં હતાં. દિક્ષાએ પોતાના હૈયે જે વિરુ સાથે અઢળક ખુશીઓ વહેંચવાના અને જીવનભર સાથ નિભાવવાના વિશાળ સપના સજાવ્યા હતાં એ ધીમે ધીમે રાત્રીના અંધકાર સાથે અથડાઈ અથડાઈને તેમાં જ વિલીન થઈ રહ્યાં..

હવે અમેરિકા નીકળવા માટે વચ્ચે એક દિવસનો સમય રહ્યો હતો. આમ્માએ વિરાજની ગમતી અને ભાવતી દરેક વાનગી તૈયાર કરી દીધી હતી.

પ્રભાતે હરિસદનની ગોદમાં બાલરશ્મિના કિરણો સાથે ચિંતાના વાદળો રમી રહ્યાં. ઊંઘની ચાદર વિખરાઈ ગઈ હતી. ચિંતામાં આખી રાતનો ઉજાગરો, આમ્માના ચહેરે કપાળપરની ત્રિપુંડ રેખાઓમાં સ્પષ્ટ દેખાતો હતો.

સવારે નિત્ય પ્રાતઃકાર્ય પતાવી અમ્મા, કાન્હાની મૂર્તિ હાથમાં લઈને કાકલૂદી કરતા હતા કે, "હે કાન્હા મારી ઉંમર વિરુને આપી દે પણ એને બેઠો કરી દેજે.. હે.. કાન્હા, એના ભાગની પીડા તું મને આપી દેજે.. એનું બધું દરદ મને આપી દેજે અને મારું સ્વાસ્થ્ય એને આપી દેજે.. પણ એને હાલતો ચાલતો કરી દે હે કાન્હા.. તારી આ જવાબદારી છે.."
એમ કહીને આમ્માએ કાન્હાની મૂર્તિ એક પેટીમાં સાચવીને મૂકીને સાથે લેવાની તૈયારી કરી લીધી હતી. મંજરીએ અમ્માને બેગ ભરવામાં મદદ કરી સાથે સાથે વિરાજની ચિંતા વ્યક્ત કરતાં બોલતી રહેતી હતી.

"અમ્મા, રોજેરોજ ફોન કરીને વિરુની તબિયત જણાવતાં રહેજો.." પણ અમ્મા સૂન્ન હતાં.
દિક્ષાએ પાસપોર્ટ અને બીજા તમામ પેપર્સ તૈયાર કરી દીધાં હતાં. સાંજે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સમયસર પહોંચી વળવા ટેક્ષી બુકિંગ કરાવી દીધું હતું.

મંજરીએ ભઈલું માટેના જલ્દીથી જલ્દી ખુશ ખબર આપવા કહ્યું અને "અહીંનું બધું હું સંભાળી લઈશ બિલકુલ ચિંતા ન કરતાં અને હસતી આંખે બધાં પાછાં ફરજો.." કહીને, અમ્મા અને દિક્ષાને ભીની આંખે વિદાય આપી.

મધદરિયે પેટાળમાં વમળો ઘુમ્યા
મધરાતે ગમગીન વિચારો ડાકલા વગાડે

વાદળો વચ્ચેથી સૂરજ દાદા ડોકાયા
મોરલાએ ટહુકી વૈરાગી રાગ છેડ્યો

મંદિરમાં ઘંટારવ ગુંજ્યો
આશ્રમના વૈષ્ણવો ઉમટ્યા
ગોધૂલી ટાણે ગાયોનો ધણ દોડ્યો
ભાગોળે ધૂળના ગોટેગોટા ઊડ્યા

ઘરની ભીંતો મૌન સંવાદ રેલાવે
ને આંખો એમાં ચોમાસું સળગાવે
પાંપણની પાળે બેસી મન પંપાળી
આંખોમાં ઉજાગરા ભરીને રાતનું અંધારું ઓસરતું ગ્યું.. ઓસરતું ગ્યું...©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 46 માં.. આમ્માની અમેરિકા સફર અને વિરાજ સાથે મુલાકાત...

-આરતીસોની ©