કૂબો સ્નેહનો - 47 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 47

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 47

ભાવજગત કુદરતે ધારણ કરેલા વિકરાળ સ્વરૂપ સામે ડગ્યા વિના અમ્મા, મક્કમ આત્મવિશ્વાસ સાથે સમય સામે બાથ ભીડવા સક્ષમ હતાં.. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

અમ્માએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. હૉસ્પિટલ પહોંચીને વિરાજને જોઈને એમને પીડા વધી રહી હતી. અમ્માનું દિલ જોર જોરથી આક્રંદ કરી કહી રહ્યું હતું કે, 'હું એવું શું કરું કે, મારો વિરુ પથારીમાંથી બેઠો થાય અને અમ્મા એવું બોલીને મને વળગી પડે !!'

વિરાજને માથે હળવે હળવે હાથ ફેરવી એની સાથે વાતો કરવા લાગ્યાં, એને પંપાળી પંપાળીને વાતો કરાવવા પ્રયત્નો કરી રહ્યાં હતાં.

"ઉઠ.. જો.. જોને.. તારું ભાવતું મગસ, સુખડી, થેપલાં લાવી છું.."

પછી તો આમ્માએ વિરાજને હચમચાવી મૂક્યો હતો, અમ્માનું ભયંકર દર્દ જોઈને ઘડીક ક્ષણ માટે ત્યાં નિસ્તબ્ધતા વ્યાપી ગઈ હતી.

“વિરુ જો તને લેવા તારી અમ્મા આવી છે, આંખો તો તારે પટપટાવવી જ પડશે, બોલવું જ પડશે.. તું ના ઉઠે તો..., આપણા બિલીના સમ છે.. બાળપણમાં મહાદેવજીને બિલીપત્ર અર્પણ કરતાં કરતાં તું કહેતો હતો ને કે, 'હે.. મહાદેવજી.., અમારું રક્ષણ કરજો.. અમારું કલ્યાણ કરજો.. ક્યારેય અમે ભૂલથી પણ ભૂલ કરીએ તો રોકી લેજો..’ ઉઠ વિરુ ઉઠ.. તારું-મારું કરેલું અર્પણ ફોગટ નહીં જાય વિરુ.. તારે ઉઠવું તો પડશે જ.."

"પુણ્યના પોટલા બાંધવા સ્હેલા છે.. પશ્ચિમનાં અજવાળાં જીરવવા અઘરાં છે દીકરા !! છૂટા પડવાની વેદના કરતાં આ ચિંતા વધારે હતી..!! જે વાતની બીક સતાવતી હતી એવું જ થઈને રહ્યું.."

ભીતરથી, અંતર વલોવાઈ દ્રવી ઉઠે, એવું દ્રશ્ય ખડું થઈ ગયું હતું. ત્યાં હાજર દરેકના પાંપણ પર આંસુ સવારી કરવા લાગ્યાં હતાં.

એ પછી તો અમ્માના હ્રદયના ધબકારા વધી ગયાં, હાથ પગ ઠંડા પડી ગયાં અને, અમ્મા ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યાં હતાં. દીક્ષા એમની હાલત જોઈને ગભરાઈ ગઈ, "અચાનક અમ્માને કશું થઈ ગયું કે શું?" એણે દોડધામ મચાવી દીધી હતી, ડૉક્ટર આવી ગયાં, અમ્માને ત્યાં સોફામાં સૂવાડીને સ્ટેથોસ્કોપ મૂકીને ચેક કર્યા અને કહ્યું, "મેન્ટલ સ્ટ્રેસને કારણે બ્લડપ્રેશર હાઇ થઈ ગયું છે.. ગભરાવાની કોઈ જરૂર નથી, એમને શરીરથી અને માનસિક રીતે આરામ કરવાની જરૂર છે.. બીજો કોઈ પ્રોબ્લેમ નથી.."

"અમ્મા સતત ચોવીસ કલાકના ટ્રાવેલિંગથી તમે થાકી ગયા છો, ઘરે જઈને થોડોક આરામ કરો.. વિરાજની કંડીશન પહેલાં કરતા ઘણી સુધારા પર છે.. અહીં ડૉક્ટર, નર્સો એ બધાં ધ્યાન રાખવા માટે છે જ ને..?."

અમ્માના કાન અને જીભ જાણે બ્હેરા બની ગયાં હતાં. સૂતાં સૂતાં પણ ઘરે ન જવા માટે હાથ હલાવી નકારો ભણી રહ્યાં હતાં..

એક તો લાંબી મુસાફરીનો થાક અને વિરુને જોઈને અમ્માનું મગજ કંઈ જ સમજવા સ્થિર નહોતું કે, કોઈનું બોલેલું અમ્માના મગજ સુધી પહોંચે..આટલી વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન જ બંસરીના પપ્પા સુબોધભાઈ વોર્ડમાં એન્ટર થયા.

"કેમ છે હવે વિરાજને? પોતાની અમ્માને મળીને કોઈ ચેન્જ દેખાય છે?"

"અરે... આવો, આવો અંકલ..!! વિરુમાં તો કોઈ ચેન્જ નથી દેખાતો, પણ ટ્રાવેલિંગના થાકને કારણે અમ્માની તબિયત થોડીક નાજુક થઈ ગઈ છે.. તમે સમજાવો એમને આરામ કરવા માટે ઘરે આવે.."

અને સુબોધભાઈની ઓળખાણ કરાવતા દિક્ષાએ કહ્યું હતું, અમ્મા આ સુબોધભાઈ.. બંસરીના પપ્પા.."

અમ્માએ અને સુબોધભાઈએ હાથ જોડીને એક બીજાને જય શ્રી કૃષ્ણ કર્યા હતાં.

"આ બધું જે થઈ ગયું છે એ., આપણી સમજ અને વિચારો વિરુદ્ધ થઈ ગયું છે.. તમારા આવવાથી ઈશ્વર કરે વિરાજને જલ્દી સારું થઈ જાય. અને થઈ જ જશે.."

"આંખો બંધ કરીને ચાલવાથી વાગે ત્યારે જ આંખો ખૂલે છે.. ઈશ્વર આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે.."

"તમને મળીને ખૂબ રાજીપો થયો. વિરુ અને દિક્ષાના મોઢે તમારા વિશે જે વાતો સાંભળી હતી, એનાથી વિશેષ જાજરમાન ઠસ્સાદાર વ્યક્તિત્વ છે આપનું.."

અને વિરાજના પગ પાસે જઈને એને પંપાળી સ્હેજવાર રહીને સુબોધભાઈ બોલ્યા,

"તમે ઘરે જઈને આજની રાત આરામ કરો.. પછી તમારે જ એને સાચવવાનો છે.! હું વિરાજ સાથે છું આજની રાત.. ચિંતા ન કરો.. સહુ સારાવાના થશે !!"

બહું સમજાવ્યા પછી આખરે હૉસ્પિટલથી ઘરે જવા માટે અમ્માએ તૈયારી દર્શાવી હતી.

ઘરે પહોંચતા સુધી એક કલાક સુધી દિક્ષા આખા રસ્તે અમ્માને હિંમત આપી સાંત્વના આપી રહી કે,

"પરિસ્થિતિ પર તો આપણો કાબુ નથી, પણ એને સ્વીકારવા તૈયાર રહેવું જ પડશે. આપણે અહીં રહીને વિરુને સાજા કરવામાં હિંમત બાંધવાની છે. આપણે મનથી મજબૂત રહીશું તો વિરુની પણ સારસંભાળ રાખી બેઠો કરી શકીશું.."

"વિરાજના મગજ સુધી લોહી ફરતું થાય અને આપણી સાથે વાતો કરવા લાગે એનાથી બીજું શું જોઈએ આપણે !!.. ડૉક્ટરો દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે.. પણ ભગવાન જાણે આગળ શું થશે....?.. હરિ ઇચ્છા બળવાન.. ઈશ્વરના દરબારમાં આપણું કંઈ જ ચાલતું નથી.."

દુનિયાદારીનું ઝેર ધોળીને પચાવી ગયેલા અમ્મા પોતાની પીડાને છુપાવીને બીજાને પ્રસન્નતા વહેંચવી એ જ એમનો સ્થાયી સ્વભાવ રહ્યો હતો. ખુમારી સાથે જીવન વ્યતીત કરેલ આમ્માના ગળે આજે મસમોટા ડૂમા બાજી ગયાં હતાં. બસ બધું સાંભળી રહ્યાં હતાં. કપાળે કૂવો અને પાંપણે પાણી હતાં. પથારીવશ વ્યક્તિ પોતાની સાથે પોતાના નજીકના વ્યક્તિઓને પણ થોડાંક થોડાંક બિમાર કરતો જતો હોય છે.

ઘરે પહોંચીને ઘરમાં પ્રવેશ કરતાં જ દિક્ષા બોલી, "અમ્મા નાહીધોઈને ફ્રેશ થઈ જાઓ પછી જમીને આરામ કરીએ."

બંસરીએ રસોઈ તૈયાર કરીને આયુષ અને યેશાને જમાડીને સૂવાડી દીધાં હતાં, ને એ અમ્મા અને દિક્ષાની રાહ જોઈ રહી હતી.

જમવા પ્રત્યે અમ્માને અરુચિ પેદા થઈ ગઈ હતી એટલે દિક્ષાની જમવાની વાત સાંભળીને અમ્મા બોલ્યાં,
"જ્યાં સુધી ખિચડીને છાશ કહણીને મારા હાથે વિરુને કોળિયા કરીને નહીં જમાડુ ત્યાં સુધી મારી ક્ષુધાધ્વંસ પુરાશે નહીં.."

"જ્યારથી વિરુના એક્સિડન્ટની વાત સાંભળી છે, ત્યારથી છેલ્લા કેટલાયે દિવસથી સરખું તમે જમ્યા નથી, વિરુને બેઠો કરવા માટે મજબૂત બનવું પડશે, એના માટે આપણું ધ્યાન આપણે જાતે જ રાખવું પડશે અને જમવું તો પડશે ને અમ્મા? ક્યાં સુધી ભૂખ્યા રહીને પોતાની જાત પર અત્યાચાર કરવાનો?"

આઘાતથી શિથિલ થઈ ગયેલું અમ્માનું મગજ કંઈ બોલવા કે વિચારવા સક્ષમ નહોતું. પરાણે બે-ચાર કોળિયા ભરી લીધાં અને તરત સૂઈ ગયાં, કેમકે શરીરમાં થાક જ પુષ્કળ પ્રમાણમાં હતો અને સવારે વિરુ પાસે હૉસ્પિટલમાં જલ્દી પહોંચવાની પણ તાલાવેલી હતી.. રસ્તો બહુ લાંબો છે ને મૃગજળની પેલે પાર પોતાનું વતન છે ત્યાં સુધી પહોંચવાનું પણ છે !!!

અહીં તો કેટલાયે કલાકો ને દિવસોની ઊંઘ અને શરીરના થાકને પણ ઘડીક આરામથી ભાગવું પડે છે. સાંઢિયાના પાણીની સાંખે શરીરને જીવવાનું હોય છે કેમકે, મંજીલ હજુ કેટલી કાપવાની છે ક્યાં ખબર છે? સવારે નિત્ય કાર્ય પતાવીને અમ્મા સાત્વિક અને શોભાયમાન પોતાનો કાયમી પહેરવેશ ગુજરાતી સાડી સજ્જ થઈ ગયાં હતાં.

એ પછી એ સાથે લાવેલા કાન્હાનું લાલનપાલન કરવા લાગ્યાં હતાં. રાધા કૃષ્ણ મંદિરના ઝાલરનો ગુંજારવ ભેળવ્યો હોય એવા રણકદાર અવાજ સાથે મંગળાષ્ટક, ભજન, થાળ, આરતી કરી સેવા પૂજા પતાવી. પણ મન વિરાજ સાથે ભટકતું હતું.

ત્યાં સુધીમાં દિક્ષાએ ઘરના કામ નિપટાવી દીધાં હતાં. ઘરમાં ફરતાં અચાનક અમ્માની નજર ટેબલ પરની કંકુની ડબ્બી પર પડી. એમનાથી અનાયસે પૂછાઈ ગયું, "કંકુની આ ડબ્બી અહીં ક્યાંથી આવી !?"

દિક્ષાએ કહ્યું,
"વર્ષોથી આ ડબ્બી વિરુ એમની સાથે રાખે છે. જ્યારે પણ અમ્માની યાદ આવે ડબ્બી સૂંઘી લે છે.. અને એ કાયમ એવું કહેતા, 'આ કંકુની ડબ્બી સૂંઘવાથી, અમ્મા મારી સાથે હોય એવો અહેસાસ મને થાય છે..'

"વર્ષો પહેલાં જ્યારે વિરાજ અમદાવાદ શહેરમાં ભણવા ગયો ત્યારે કુમકુમની ડબ્બી સંતાડીને એજ લઈ ગયો હશે. ખોવાઈ ગયેલી એ જ આ ડબ્બી છે."

"હા અમ્મા આ એ જ કુમકુમની ડબ્બી છે.. અને વિરુ કહેતા, 'અમ્મા કોરા કુમકુમનો જ ચાંદલો હંમેશાં કરતાં.. ચાંદલો કર્યા પછી અમ્મા જાજરમાન લાગતાં હતાં.. અમ્માને પાવલી જેવડા કુમકુમના ચાંદલામાં બાળપણથી નિહાળતો આવ્યો છું હું.. અમ્માનું કપાળ તેજસ્વી લાગતું.. અમારે ગેસ નહોતા.. અમ્મા સઘડી પર જ રસોઈ કરતાં.. ફૂંકણી મારીને જ્યારે સઘડી સળગાવતાં ત્યારે પછી તો જોવા જેવી થતી.. અકળાવનારી ગરમી અને સઘડીના તાપથી અમ્મા પરસેવે રેબઝેબ થઈ જતાં હતાં. પરસેવાનો રેલો કપાળના ફાટકથી અડી કોરા કુમકુમના ચાંદલામાં સમાઈ જતો.. અને પછી તો પરસેવાના રેલા સાથે નાક પર લસરી નાકની સીધી ડાંડીએ આગળ વધી કુમકુમ વાળું ટપકું નીચે પડવાની તૈયારીમાં હોય અને અમ્મા કબજાની બાયથી લૂંછી નાખતાં.. ત્યાં બીજો રેલો રેલી કરવા તૈયાર જ હોય.. પણ અમ્મા સાડીના પાલવના છેડાથી પરસેવાનો રેલો લૂંછી ચાંદલો સરખો કરતાં.. ત્યારે અમ્માનું કપાળ જગદંબા જેવું ચકચકિત લાગતું.. કપાળની આન-બાન-સાન તો અમ્માના કપાળ પરના કોરા કુમકુમમાં દ્રશ્યમાન હતી.."

એકધારી શબ્દ સાંકળ બોલે જતી દિક્ષાના મનોભાવ અમ્મા, સહજતાથી કળી ગયાં હતાં. એની આંખોમાં પણ વિરાજ માટે એટલું જ દર્દ દેખાઈ રહ્યું હતું. વિરાજનું આટલું બારીકાઈ ભર્યું નિરક્ષણ અમ્માને માટે વધુને વધુ અકળાવનારું હતું.. પાંપણના પાણી અને રડવાનું ઓલવવાનો અમ્માનો પુરાણો અંદાજ હતો. અમ્મા ત્યાંથી વાત ફેરવીને બોલ્યા હતાં,
"હૉસ્પિટલ જવા નીકળીશું.?"

"હા અમ્મા.. હું બંસરીની રાહ જોઈ રહી હતી. હૉસ્પિટલમાં આવવા માટે નાના બાળકોને પરમિશન નથી, એટલે આયુષ અને યેશાને એના ઘરે લઈ જાય પછી આપણે નીકળીએ.."

"હા વહુ બેટા.. પણ એને જૉબ પર જવાનું હશેને?"

'એના મમ્મી, સરલા આન્ટી પાસે મૂકીને એ જૉબ પર જશે.. એના ભાઈની દીકરી લિઝા સાથે એ રમશે, પાછા ફરતા આપણે એ બંનેને લેતા આવીશું.."

અને ત્યાં જ ડોરબેલ વાગ્યો. દિક્ષાએ દરવાજો ખોલતા વેત બંસરીએ હળવો હોકારો કર્યો.

"જય શ્રી કૃષ્ણ.. અમ્મા.."
"હેલો.. આયુષ-યેશા.. આર યુ રેડી? લેટ્સ ગો ફોર પ્લેય વીથ લિઝા.. વી આર લેટ.!"

"યસ દીદી.. વી આર રેડી.. લેટ્સ ગો.." આયુષ તો તૈયાર જ હતો, અને આમ પણ બહું સમય પછી લિઝાના ઘરે જવાનું હોવાથી બંને ખુશ ખુશ હતાં. બંસરી એ બેઉંને લઈને એના ઘરે જવા નીકળી અને અમ્મા ને દિક્ષા હૉસ્પિટલ જવા નીકળ્યાં.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 48 માં કાન્હાને લાડ લડાવતા હોય એવું જ અમ્માનું હૉસ્પિટલમાં વિરુનું લાલનપાલન..

-આરતીસોની©