અહી હું આજની પેઢીના યુવાનોને ઉદ્દેશી ને કહેવા માંગુ છું કે મિત્રો ઝડપી પૈસા કમાવા અને મોટું નામ બનાવાના ચક્કરમાં પોતાની જિંદગી હોડમાં ના મૂકશો. તમારા વતન ને ક્યારે ભૂલશો નહિ અને શહેરની મોહમાયા માં ફસાઈ તમારા માતા પિતા અને વતનને ના તરછોડશો. તમારામાં આવડત હશે તો ત્યાં રહી પણ સુખી રહી શકશો,મોટા મોટા શહેરો ની ચકાચોંધ ની આંધળી દોટમાં ના જોડાશો.
***********************************
એવોર્ડનીં એ સમીશાંજમાં રોશનીના ઝગમગાટ વચ્ચે તમામ બોલિવૂડના સિતારાઓ બેસ્ટ એક્ટર ઓફ ધ યર માટે કોનું નામ લેવામાં આવશે એ ધડકતા હૈયે સ્ટેજ સામે ઇન્તેજારી થી જોઈ રહ્યા હતા.
એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ વન એન્ડ ઓન્લી મિસ્ટર "રોનક કુમાર", અને કેમેરા નું ફોકસ ઔડીએન્સ ની વચ્ચે બેઠેલા રોનક પર જાય છે. બોલિવૂડ ના તમામ સિતારાઓ ની નજર નવા આવેલા એ ઉભરતા કલાકાર પર જાય છે, અને તાળીઓના ગડગડાટ થી એને વધાવી લે છે.
રોનક હરખના આંશુ સાથે સ્ટેજ પર એવોર્ડ સ્વીકારવા જતો હોય છે ત્યાંજ, એનું બેલેન્સ જાય છે અને એ પડી જાય છે. અને ત્યાં જ રોનકનું સ્વપ્ન તૂટી જાય છે અને એની આંખો ખુલી જાય છે.
અરે યાર ક્યાં સુધી મારે આ સપનાની દુનિયામાં રહી એવોર્ડ લેવા પડશે, મારેં બોલિવૂડના ટોચના અભિનેતા બનવા કેટલી રાહ જોવી પડશે?? આ નાનકડા ગામ માં પડ્યો રહીશ તો મારું આ સ્વપ્ન ક્યારેય નહીં પૂરું થાય, દુઃખી થતા રોનક વિચારે છે.
ત્યાં જ રોનક ના પિતા એને પોતાની પાસે બોલાવી કહે છે દીકરા રોનક ચાલ મારી સાથે ખેતરે આજે પાક વાઢવાનો સમય છે જો તું મારી સાથે આવી જાય તો મને મદદ થઈ રહેશે, અને તારે પણ હવે ખેતીવાડી શીખી લેવી પડશે ને બેટા.
ગુજરાત ના નાનકડા અંતરિયાળ ગામ માં રોનક રહેતો હતો, એના પિતાને નાનકડું ખેતર હતું, એમાં થોડો ઘણો મોસમી પાક થતો એમાંથી એમના પરિવાર નું ગુજરાન ચલાવતા.
રોનક ને નાનકડા ગામ માં રહી ખેતીવાડી કરવાની જરા પણ ખુશી નહોતી, એનેતો માયાનગરી મુંબઇમાં જઈ હીરો બનવું હતું.
રોનક ગુસ્સાથી ઊભો થતાં બોલે છે, તમને મે કેટલી વાર કહ્યું છે કે મને આ બધામાં કોઈ જ રસ નથી, મારે તમારી જેમ આ ગામડા માં રહી ને ગરીબીમાં નથી સબડવું, હું તો હીરો બનવા જ જનમ્યો છું અને મુંબઈ માં જઈ ને એક દિવસ જરૂર મોટો અભિનેતા બનવાનો, તમને મારા સપનાં ક્યારેય નહીં સમજાય.
અરે દીકરા મુંબઈ એક માયા નગરી છે ત્યાં અપડાજેવા ભોળા લોકો નું કઈ કામ નથી, એની મોહ માયા માં ઘણા યુવાનો હોમાઈ જાય છે. રોનક ના પિતા એને સમજાવતા કહે છે.
હું તમારી જેમ આ ગામડામાં સડવા નથી માંગતો પણ જવાદો તમને ક્યારેય નઈ સમજાય, કહી રોનક ઘરમાંથી નીકળી જાય છે.
તમે ચિંતા ના કરો આપડા દીકરાને એની ભૂલ જરૂર થી સમજાઈ જશે, એ હજુ બાળક છે અને નાદાન પણ, એને દુનિયા હજુ જોઈ નથી એટલે, પણ એક દિવસ એને જરૂર થી તમારી વાત સમજમાં આવશે, રોનક ની માતા રોનક ના પિતાને દિલાસો આપતા કહે છે.
અને એક દિવસ રોનક ઘર છોડી ને મુંબઈ એક મિત્ર પાસે જતો રહે છે. એના માતા પીતા ખૂબ દુખી થાય છે અને દિવસો એકબીજાના સહારે પસાર કરે છે એ આશા માં કે એમનો દીકરો જરૂર પાછો આવશે.
રોનક થોડા દિવસો ઉત્સાહ માં વિતાવે છે, અલગ અલગ ડિરેક્ટર્સ ની ઓફિસો ના ચક્કર લગાવતો રહે છે પણ એની પાસેના પૈસા અને હિંમત ખૂટતા એને નાનકડી હોટેલ માં એક વેઇટર ની જોબ કરવી પડે છે. એને ઘણી વાર માતા પિતા પાસે જવાની ઈચ્છા પણ થાય છે પણ એનો અહંકાર એને રોકી લેછે. જેમ તેમ કરી રોનક પોતાના દિવસો પસાર કરી રહ્યો હોય છે ત્યાં જ...
આખી દુનિયા કોરોના રૂપી મહામારી ના ઝપેટમાં આવી જાય છે, એમાં મુંબઈમા આ વાઈરસ આગની જેમ ફેલાઈ જાય છે, નોકરી ધંધા પડી ભાંગતા રોહન ની જોબ પણ જતી રે છે.
એ જે ચાલી માં રહેતો હતો એ પણ આ વાઈરસ ની ઝપેટ માં આવી જાય છે, લોક ડાઉન ને કારણે રોનકની પરિસ્થિતિ બહુજ ખરાબ થઈ જાય છે, ખાવાના પણ સાંસા પડવા લાગે છે, ત્યારે રોહન ને પોતાની માતા યાદ આવે છે જે એને પ્રેમ થી દરરોજ સરસ સરસ વાનગીઓ જમાડતી હોય છે ત્યારે રોહન ને એ બધું જમવાનું દેશી લાગતું હોય છે અને અત્યારે મુંબઈ મા બ્રેડ ખાઈ ને ગુજારો કરવો પડે છે.
રોહન ને ત્યારે ખૂબ પસ્તાવો થાય છે, કાશ મે માતા પિતા ની વાત સમજી હોત તો અત્યારે મારી આ હાલત ના હોત.
ગામડામાં ભલે પૈસા ઓછા હતા પણ હું ખુશી અને નિરાંતે થી મારું જીવન પસાર કરી રહ્યો હોત. શહેર ની હોટેલમાં નોકરની જોબ કરવી એના કરતા ખેતી કામ ઘણું સારું.
પણ હવે બઉ મોડું થઈ ગયું હતું, કોરોના ના કહેરમાં રોહન એવો તો ફસાયો હતો કે લાખો મજદુરો ની જેમ એ પણ પોતાના ઘરે જઈ શકે એમ નહોતો.
અને ત્યાં જ રોહન નો ફોન વાગે છે, ફોનમાં પિતા નું નામ જોતા આજે પહેલીવાર રોહન ખુશ થઈ જાય છે અને ફોન ઉપાડે છે.
થોડી વાર ની શાંતિ પછી એનાં વહાલા પિતા નો અવાજ આવે છે, બેટા રોહન....
ત્યાં જ રોહન બોલી ઊઠે છે પપ્પા તમે સાચા હતા, આ માયા નગરી છે, હું નઈ જીવી શકું અહી, મારું શું થશે અહી, મને તમારી અને મમ્મી ની બહુ યાદ આવે છે.
અને રોહન ના પિતા બોલી ઉઠે છે બેટા તારો સમાન તૈયાર રાખ તારો આ બાપ બેઠો છે હજુ, હું આજે જ તને લેવા નીકળું છું દીકરા.
અને બંનેની આંખોમાંથી અવિરત આંશુ વહેવા લાગે છે બંને, રોહન પિતા થી જોજનો દૂર બેઠા હતો પણ છતાં જાણે પિતા માથા પર વહાલથી હાથ ફેરવતા હોય એમ લાગ્યું.
મિત્રો મારી આ રચના એ તમામ લોકો ને સમર્પિત છે જે લૉકડાઉન ના આ માહોલ માં ફસાઈ ગયા છે જે માઇગ્રંત વર્કર છે જે પોતાની કોઈને કોઈ મજબૂરી માં પૈસા કમાવા અને રોજી રોટી કમાવા પોતાનાં કુટુંબ ને ગામ માં છોડી શહેર માં આવ્યા છે અને પોતાના વતન જવા તડપી રહ્યા છે. ભગવાન કરે અને આ સમય જલ્દી ખતમ થાય અને બધા લોકો સહી સલામત પોતાનાં ઘરે જઈ શકે.