પાઠશાળા બની મારી જીવનશાળા. Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાઠશાળા બની મારી જીવનશાળા.



આજે વાત કરવી છે મારી એ જીવનની પાઠશાળાની કે જ્યાં મારા જીવનનું ઘડતર થયું છે અને મને જ્યાં સમજણ મળી છે સાથે જીવન જીવવાની કળા પણ શીખવા મળી છે અને મને સ્વર્ગથી પણ વધારે વહાલી છે એવી મારી શાળા એટલે શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢણા.


હા,વિનય મંદિર એટલે ખરેખર ઓક્સિજનની ફેકટરી કારણ કે ભાવનગર જીલ્લામાં કદાચ ક્યાંય આટલાં વૃક્ષો અને આટલું મોટું મેદાન નહિ હોય અને તે પણ ગ્રાન્ટેડ શાળામાં.હું એમ કહું કે અમારી શાળામાં વૃક્ષો ના હતાં પણ વૃક્ષો વચ્ચે અમારી શાળા હતી.


જેમ ઓક્સિજનની ફેકટરી કુદરતે આપી તેમાં સૌથી વધુ નસીબ તો તારે સાંપડ્યું જયારે આ સ્કૂલને ઉત્તમ,ઉમદા,કર્તવ્યનિષ્ઠ ગુરુજનો મળ્યા જેણે મુક્ત મને શ્વાસ લેતા શીખવ્યું .આ શાળાની એક આગવી વિશેષતા એ હતી કે શાળા ઓળખાતી હતી શિક્ષણ થકી અને શિક્ષણ ઓળખાતું હતું માત્રને માત્ર અહીંના શિક્ષકો થકી જ.અમારી આજુબાજુના વિસ્તારમાં જ નહિ પણ અમારા સમગ્ર તાલુકા કક્ષાએ તેની એક આગવી ઓળખ ઓળખાતી એટલે શિક્ષણ. અહિ ખરેખર ગુરુની પ્રતિમાને શોભાવે તેવા અને અમારા સૌને માટે જીવનની કેડી કંડારનાર વંદનીય અને હંમેશા મારી જેવાં પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરનાર ગુરુજી મળ્યા.


જેમાં અમારી શાળા શરૂ થઈ ૧૯૮૩ માં ત્યારથી અમારા પ્રથમ અમારા શિક્ષક શ્રી એટલે ભાવશંગભાઈ ટાંક એટલે કે અમારા સૌનાં ટાંક સાહેબ એ પોતે એટલા શિસ્ત અને સમયના આગ્રહી કે સિહોરથી કોઈ ખાનગી વાહનમાં આવવાનું હોય તો પણ ક્યારેય શાળાએ મોડા પહોંચ્યા હોય તેવું મને સ્મરણ નથી શિસ્તની બાબતમાં કોઈનું પણ સહેજ પણ ના ચલાવી લે. સામાજિક વિજ્ઞાન એટલું સહજ રીતે ભણાવે કે ક્યારે સમય જતો રહે તે ખબર જ ના રહે.હું જેમની પાસેથી અંગ્રેજી વાંચતા લખતા શીખ્યો તે અમારા આચાર્ય શ્રી હસમુખભાઈ કે રાજ્યગુરુ તેમને અંગ્રેજી વિષયમાં એટલુ જ્ઞાન કે ગમે તે કોલેજના પ્રોફેસર હોય તેવું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન. સાથે જ પોતે બ્રાહણ એટલે ચાર વેદનું જ્ઞાન પણ ખરું જ.અમારા સાહેબ શ્રી પ્રવિણભાઈ વાઘેલા એટલે અમારા વાઘેલા સાહેબ, જે વર્ગખંડમાં પ્રવેશે એટલે બધાના મુખ પર હાસ્યનું મોજું ફરી વળે એટલે બઘાને તેની ભાષામાં કહે “હજી શરૂ તો થવા દો .“ જે અમારા સંસ્કૃત અને હિન્દી વિષયમાં સહજ રીતે આપણી આજુબાજુ બનતી ઘટનાના ઉદાહરણ આપીને બાળકોને રસપૂર્વક સમજાવતા.હું આજે કંઈ પણ લખવા પ્રયત્ન કરી રહયો છું તેનો યશ આ સંસ્થાને આભારી છે અને અમારા ગુજરાતી વિષય ભણાવતાં અરવિંદભાઈ ઘોરી એટલે કે ઘોરી સાહેબને આભારી છે.મને ૨૦૦૬માં અસ્મિતાપર્વની વાત કહેતા.દર શનિવારે અભ્યાસ બહારની વાર્તા કહેતા જેના લીધે ત્યારથી મને મારી પર્સનલ બુક લખવાની એક સારી ટેવ પડી અને લખવા માટે મારા મનમાં ઊંડે ઊંડે બીજ રોપાયું હશે.ગુજરાતી વિષય એટલો મસ્ત રીતે ભણાવે કે નજર સમક્ષ તે દ્રશ્ય સામે તરી આવે. અમારા સાહેબ શ્રી ખીમજીભાઈ નાવડિયા મને નહિ પણ કોઈને પણ સાહેબનું નામ ના આવડે એટલે અમારા નાવડિયાભાઈ મને ધોરણ ૧૦ સુધી તો ખબર જ ના પડી કે ખરેખર તેમનો વિષય કયો છે..? કારણ કે વૃક્ષો વાવવાના હોય,બાળકોને કેમ વૃક્ષો વાવવા , કેમ ખામણા કરવા,આવડા મોટા વિસ્તારમાં વાડ બનાવવાની હોય,શાળામાં પાણી ના આવતું હોય,મોટર ખરાબ હોય કે ટીવી ખરાબ થઈ ગઈ હોય કે પછી શાળામાં સંખ્યા વધવાથી વધારાના વર્ગો શરૂ કરવાં પડે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ભણાવે., સામાજિક વિજ્ઞાન પણ ભણાવે અને જરૂર પડે અંગ્રેજી પણ બાળકોને શીખવે અને છેલ્લે અમારાં યોગ ગુરૂ પણ એ જ.શાળાના મેદાનમાં નાવડિયા ભાઈ ચાલતા નહિ પણ દોડતાં હોય તેવું લાગે બાળકોને કામ કરાવે અને પોતે પણ બાળકો સાથે કામ કરે અને બાળકોને નાની નાની વાતનું ધ્યાન કઈ રીતે રાખવું તેની કેળવણી આપતા જાય એટલે મને ધોરણ ૧૦ પુરૂ થયું ત્યારે જ ખબર પડી કે નાવડિયા સાહેબનો મુખ્ય વિષય કૃષિવિદ્યા પ્રેક્ટીકલ છે.


માધવજીભાઈ કે.વસાણી એટલે અમારા બધાના માધુભાઈ અલગ જ વ્યક્તિત્વ સાયન્સના વિષયો ભણાવે એટલે થોડો કંટાળો આવે પણ સાહેબ પોતાની એક આગવી ઓળખથી ભણાવે એટલે વ્યંગ કરે એટલે હાસ્ય આપોઆપ ચહેરા પર ખીલી ઉઠે.તેઓ હંમેશા કહેતા કે વર્ગખંડમાં ધ્યાન આપો એટલે ટ્યુશન કરાવવાની જરૂર ક્યારેય ના પડે અને ના સમજાય ત્યાં તરત મને પૂછી લો અને મને આજે પણ યાદ છે કે ધોરણ ૯માં સૌથી અઘરું લાગતું પ્રકરણ ૧૧ કરણીનું આખું જ બોર્ડ પર સાહેબે બે વાર કરાવ્યું હતું અને એ બુક આજે પણ મારી પાસે સાચવેલી પડી છે.જરૂર પડે મારી જેવા વિદ્યાર્થીને તો અલગ સમય આપીને ભણાવે.વિધાર્થી કંટાળે પણ સાહેબ ના કંટાળે.

મનજીભાઈ પટેલ એટલે કે અમારી શાળામાં કલાર્કની ફરજ બજાવતાં વ્યક્તિ મનુભાઈ. મનુભાઈ ની અલગ જ ઓળખ તે મોટાભાગે ઓફિસમાં જ હોય અને કંઈક કામમાં રોકાયેલા જ હોય પણ જયારે પણ બહાર ઉભા હોય ત્યારે અચૂક તેમને ઘેરીને ૧૫-૨૦ છોકરાઓનું ટોળું હોય જ અને તે છોકરાને જોવો એટલે ખડખડાટ હસતા હોય. ધીરજલાલ મહેતા એટલે કે અમારી શાળાના ધીરુકાકા કારણ કે જે કોઈ શાળામાં આવે તે બધાનાં કાકા.સફેદ કપડા અને માથે સફેદ વાળ કોઈ પણ વ્યસન નહિ અને મૃદુ સ્વભાવ વધારે મૌન રહે જયારે પણ બોલે ત્યારે હાસ્ય ફેલાય અને જે પણ વિધાર્થીને રિસેસ કે રજાનો સમય હોય એટલે તે કાકાની મસ્તી કરવા પહોચી જ જાય.તે સમયે ભલે આ શાળાના કાયમી કર્મચારી ના હતા પણ જેનો જિંદાદિલ સ્વભાવ છે અને અમારા કમ્પ્યુટરના શિક્ષક છે તેવા શિક્ષક જયેદ્રભાઈ સોલંકીને યાદ કર્યા વગર તો ના જ રહી શકાય.


મારો પગપાળા પ્રવાસ માંડવડા ડેમ., મારો પ્રવાસ મહારાષ્ટ્ર ., શનિવારે યોજાતી પ્રાર્થના સભા., કે ડિસેમ્બરમાં યોજાતો પાક-ઉત્સવ કે પછી શાળાના મેદાનમાં બધાં મિત્રો સાથે રહેવાનો આનંદ કારણ કે અહિ મિત્રો પણ ભાઈ જેવા મળ્યા હજી પણ હાકલ કરો ત્યાં ભેરુડા દોડી આવે. આજે તમને કઈ કઈ વસ્તુ ના કહેવી તે સમજાતું નથી કારણ કે આ શાળા એ તો પી.એચ.ડી.નો વિષય છે. કારણ કે શું – શું ન લખી શકાય.કારણ કે આ શાળાએ અને અહીંના ગુરુજનોએ એટલું આપ્યું છે તે ક્યારેય ના જ ભૂલી શકાય. આ શાળામાં અભ્યાસ કરેલ વ્યક્તિ આ શાળાને ક્યારેય ભૂલી ન જ શકે તે હું આપને ગર્વથી કહું છું.આ શાળાએ કેટલા અધિકારી આપ્યા કેટલા સફળ બીઝનેસમેન આપ્યાં અને તેનાથી વધુ ભારતીય નાગરિકને જે શોભે તેવા સંસ્કાર અને સંસ્કૃતિનું ઘડતર કર્યું.આ માટે અહીના ગુરુજનોએ સમયની આહુતિ આપી જે ક્યારેય ના ભૂલી શકાય અને આજે તેમાંથી બે વ્યક્તિ અમારી સાથે નથી સ્વ. લગાડતા પણ મુંજવણ થાય તેવા રાજ્યગુરુ સાહેબ અને અમારા સૌના ધીરુકાકા.બાકી બધા ગુરુજનોમાંથી ભાવશંગભાઈ ટાંક,પ્રવિણભાઈ વાઘેલા,અરવિંદભાઈ ઘોરી અને મનુભાઈ વય નિવૃત થયા.


હાલ હું ભાવનગર રહું છું એટલે મારા ગામડે જવાનું ઓછુ થાય છે અને જયારે પણ જાવ છું ત્યારે જાહેર રજા હોય છે એટલે આ મંદિર બંધ હોય છે એટલે બહારથી જ દર્શન કરીને યાદ કરું છું કે એ ૧૦૯૫ સોનાનાં દિવસો ક્યારે પાછા આવશે..‼!

મિત્રો માફ કરજો મારા લેપટોપ માં અમુક ટેકનિકલ ખામી સર્જાતા શનિવારે મારો આર્ટિકલ પ્રસિદ્ધિ કરી શક્યો નહિ.
🙏🙏🙏

આપના પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.

મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨