અમુક લોકો એક સાથે ઘણાં કામ કરતાં હોય છે. લગ્ન જીવન પછી ઘર બહારના કામ કરવાં એ દરેકના હાથની વાત નથી. એમાં પણ એક સ્ત્રી માટે તો જરૂરથી કઠિન છે. આજે જે બહેનની વાત કરવી છે એમાં કંઈક એવું જ કૌવત છે. એક કાંકરે અનેક પક્ષીઓ મારવાની એમની જૂની ટેવ છે. નામ છે ધારા પુરોહિત ભટ્ટ. લગ્ન પછી પણ અનેક કામો એકસાથે કરતાં બહેન વિશે બધી વાતો એક જ લેખમાં લખવામાં મને પરસેવો વળી જશે. તો મને ગમતી અમુક વાતો શેર કરું છું.
જીજે-10 જામનગર ઘણી રીતે ગુજરાતમાં વખણાતું રહ્યું છે. અનેકવિધ વાતોએ જામનગરને દરેકના હોઠ પર ચર્ચામાં રાખ્યું છે. પરંતુ જ્યારે અમુક વર્ષો પછી જામનગરની વાત કરવી હશે તો ધારા બહેનને એકાદ પન્ના પર ટાંકવા પડશે. જરૂરિયાતમંદ બાળકો અને સ્ત્રીઓ માટે અવિરત કામ કરતું એક ટ્રસ્ટ એટલે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ. આમ તો 25 લોકોનો સ્ટાફ આ કામમાં જોડાયેલો છે. પરંતુ ધારાબહેનને મોભી કહી શકાય. ધારા બહેનના પતિ પરિમલ ભાઈ ભટ્ટ પણ કદમમા કદમ મિલાવીને હર હંમેશ સાથ આપી રહ્યા છે. છેલ્લા ૩ વર્ષથી આ ટ્રસ્ટ અવિરત નેક કામ કરતું આવ્યું છે.
તમે વિચારો કે એક જ ટ્રસ્ટ કેટલું કરી શકતું હશે? આવો હું તમને ગણાવું. સલાહ કેન્દ્ર, મેરેજ બ્યુરો, બહેનોને પગભર થવા માટે વિવિધ વર્ગો, કાનૂની શિક્ષણ શિબિર, આરોગ્ય શિક્ષણ શિબિરો, વિવિધ તહેવારોમાં જામનગરના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સાથે તેઓને વિવિધ મદદ પુરી પાડીને ઉજવણી કરવી, બહેનો-દિકરીઓ માટે હાઈજીન અવેરનેસ કાર્યક્રમો અને સેનેટરી પેડ વિતરણ અને આવું તો કંઈ કેટલુંય. જો તમે પણ માથું ખંજવાળવા લાગ્યા ને! પણ
પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એકસાથે આટલું બધું કરી રહ્યું છે. ના ના હજુ મેઈન કામ તો કહેવાનું બાકી જ છે.
હાપાની જવાહરનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગણપતનગર દિગ્જામ સર્કલ પાસેનો વિસ્તાર આ બન્ને વિસ્તાર પુષ્પાંજલિ દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. ત્યાં રહેતા બાળકોનું શિક્ષણ, પોષણ, આરોગ્ય વગેરેની જવાબદારી આ ટ્રસ્ટ લઈ રહ્યું છે. આ વિસ્તારના ૧૫૦ જેટલા બાળકો આજે જે જીવન જીવી રહ્યા છે એમાં હાથી ઘોડાનો ફરક છે. માત્ર હું નથી કહેતો, બાળકોના માતા પિતા આવીને ધારા બહેનને કહે છે કે અમારા બાળકો પેહલા અમારું પણ નોહતાં માનતા એ આજે સૌનો આદર કરતા થયા છે.
ગાળો બોલવી એ બાળકો માટે ગોળ ખાવા જેવી વાત હતી. પણ અત્યારે પુષ્પાંજલિએ કંઇક હટકે કામ કરીને તેમની શિકલ બદલી નાખી છે. હવે તો જો બાળકો જ એકબીજા ગાળો બોલતા હોય તો આપોઆપ અરસ પરસ સમજાવી દે છે. કોઈ મહાપુરુષ એવું કહી ગયા છે કે, માણસના જીવનમાં એક ગુણ લાવવો હોય તો ૧૨ વર્ષ નીકળી જાય છે. તો વિચારો કે માત્ર ૩ વર્ષમાં ધારા બહેન અને એમની ટીમે અસાધારણ બદલાવ માટે કેટલી મથામણ કરવી પડી હશે.
મહિલાઓ માટે પણ પુષ્પાંજલિએ કરેલું કામ અવગણી ન શકાય. બહેનો માટે સ્વરોજગારની વાત હોય કે પછી તેમના સ્વાસ્થ્ય માટે કોઈ પગલું હોય. સેનેટરી પેડનું વિતરણ હોય કે પછી અવેરનેસ કાર્યક્રમની વાત હોય, નવરાત્રીમાં જરૂરિયાતમંદ બાળકીઓને અલગ અલગ રીતે પ્રોત્સાહન આપવાનું હોય કે પછી તહેવારો ઉજવવાની પણ વિવિધ રીત હોય. હંમેશા પુષ્પાંજલિ આગળ રહ્યું છે. પેહલા કહ્યું એમ લખીશ તો ઘણું લખાશે. પણ આટલું કહીને વિરમુ છું. જો આપ પણ જામનગર જાઓ તો નીચે હું સંસ્થા વિશે માહિતી આપુ છું, મુલાકાત લેજો. સાથે જ કોઈ આ ભગીરથ કાર્યમાં જોડાવા માંગતા હોય અથવા પોતાના વિસ્તારમાં કઈ આવું શરૂ કરવા માંગતા હોય તો નીચે માહિતી આપુ છું.
પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ:- રાજરાજેશ્વરી સોસાયટી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક પાછળ, ઉદ્યોગ નગર જકાતનાકા પાસે, ઈન્દિરા માર્ગ, જામનગર.
સંસ્થા ઓફીસ નંબર: 2561556
મોબાઈલ નંબર : 8000240891
7874707271