'ઓતપ્રોત થયેલા એ સબંધો ગયા વિસરાઇ ,
નવા લોકોની યાદમાં પ્રિયજનો ગયા ભૂલાઇ..
'ના જાણે સ્મૃતિઓની મૂડીનું કેટલું ચડ્યું વ્યાજ ,
વીતી ગયેલો અતીત ,વર્તમાને સાંભર્યો આજ...
'શમણાંમાં ખોવાઈ ભૂલ્યો વીતેલો ભવ્ય ભૂતકાળ , બની રહ્યા ચિત્રો ધૂંધળા જે હતા સાથ સદાકાળ...
'સતાવતા અડધી રાતે શમણામાં પ્રિયજનના સાદો ,
પ્રતીત કરાવી રહ્યા સાથમાં વિતાવેલી સર્વસુંદર યાદો..
'ઝડપી ગતિએ વહી રહેલા સમયને કરતા રહ્યા વ્યતીત ,
મનની વેદનાઓ સતાવતી વારે - વારે વીતેલો અતીત..
'અનુભવી રહ્યું મન વ્યગ્રતા , દલને દઝાડી રહ્યા ડામ ,
હૈયામાં છુપાયેલી વેદના આપી રહી દુઃખના અંજામ...
'યાદોની બની ગઈ ચોપડી , ગયા કરમાઈ સબંધના ફૂલ ,
સુંદર યાદો ભૂંસાતી રહી જે હતી આ જીવનમાં અમૂલ...
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
ક્યાં ગયું..?
વીતી ગયો અતીત, વહેતા વર્તમાનના શાણપણમાં સાંભરતું બાળપણ ક્યાં ગયું ???
થઈ સવાર રવિ રેલાવે રોશની , છવાયેલું રાતભર ધરતી પરનું એ ઝાકળબિંદુ ક્યાં ગયું ???
થયું પરોઢ રાતરાણી થયા વિદાય, ફેલાયો અજવાસ , રાતભર રહેલું અંધારું ક્યાં ગયું ???
થઈ પ્રીત, પ્રેમમાં ગળાડૂબ થયા માનવીઓ, તૂટતાં એ પ્રીત ચાલેલું પ્રેમપ્રકરણ ક્યાં ગયું ???
સ્વાર્થી માણસ ભૂલ્યો સુંદર સંસ્કારોને, ખબર નહીં તેના દિલમાં વહેતુ પ્રેમનું ઝરણું ક્યાં ગયું ???
થઈ શુભ સવાર, ઉડી ગઈ ઊંઘ, વહી ગઈ રાત નિંદરમાં
સતાવતું એ સુંદર શમણું ક્યાં ગયું ???
વીતી ગયો વખત થાક્યું તન મન આવ્યું ગઢપણ, ખબર નહીં જુવાનીનું જોશ ક્યાં ગયું ???
ઉજવાઈ ગઈ દિવાળી , શરૂ થયું નવું વર્ષ, ખબર નહીં વહેતુ જૂનું વર્ષ ક્યાં ગયું ???
*********************************************
થતી પરોઢે..
વહી રહી નિર્મલ હવાની ખુશ્બૂ પરોઢીએ ,
કરી રહી સહુના અંતર શુદ્ધ..
લઈ રહ્યા નવીન આનંદ મીઠી નિંદરમાંથી
જાગેલા સૌ અબાલ વૃદ્ધ..
પક્ષીઓના કલરવથી બની રહ્યો જનનીસમી
ધરતી સુંદર સમયકાળ..
પાંખોએ ક્યારે ઉડીશુ આ નવા નીલ ગગનમાં
આવું વિચારી રહ્યા વિહગબાળ..
હળ બળદ લઈને જવા લાગ્યા મા ધરાના પુત્રો
નવીન આશા સાથે ખેતર ભણી..
હંકારતા બળદોને હરખાતા મને વિચારી રહ્યા
સૌ સારા વાના કરશે અલખધણી..
વિચરી રહ્યું અનેરા ઉલ્લાસની ઝલક સાથે
ગૌચરોમાં પશુઓનું સુંદર ધણ..
મળશે અપાર પુણ્ય એવી આશા સાથે સ્ત્રીઓ
ચબૂતરે નાખી રહી પક્ષીઓને ચણ..
પનિહારીઓ ભરી રહી પાણીના બેડલાઓ
સંભળાઈ રહ્યા વલોણાંના મીઠાં નાદ..
કરી રહેલા કામમાં મદદ માટે સખીઓ દઇ રહી
એકબીજાને મીઠાં ટહુકોનો સાદ..
ખીલી રહ્યા પુષ્પો રચી રહ્યા નવ આકર્ષણ કેરી
નવીનતા ભરી અદ્ભૂત માયાજાળ..
ભૂખથી પીડીત બનેલા નવી વસ્તુઓની જીદ કરી
કરુણ સાદે રડી રહ્યા માનવબાળ..
શોભતી સારસ પક્ષીઓની સુંદર જોડી
નરની ચાંચમાં હતી ચાંચ માદાની..
થતા પરોઢ સુંદર રથ જોડીને આવી પહોંચી
સુંદર સવારી સૂરજદાદાની..
**********************************************
આવું પણ થાય છે..
સુખ , સમૃદ્ધિ , એશ્વર્ય ધનવાનોને ત્યાં વધુ ઢોળાય છે..
ગરીબ શ્રમની આગમાં હર કોઈના પગમાં રગદોળાય છે..
જ્યાં નથી સરસ્વતીનો છાંયો ત્યાં લક્ષ્મી પણ રોળાય છે..
અંધશ્રદ્ધાના આડંબરમાં અભણ પ્રજા પણ ભોળવાય છે..
ગમે તે હોદ્દાની લાયકાત માટે ધનવાન લોકો જ ચૂંટાય છે..
ગરીબ લાયક હોવા છતાં ડિગ્રી અને હોદ્દા માટે લૂંટાય છે..
એકબીજાના મન મળી જતા પ્રેમનો માંડવો પણ મંડાય છે..
ક્યારેક અકસ્માત થતાં સુહાગી ચુડલાઓ પણ રંડાય છે..
પ્રેમીઓ દ્રારા એકબીજાની યાદમાં રાત આખી જગાય છે..
ક્યાંક ના મળતા પ્રીત એકબીજાની યાદમાં પણ જીવાય છે..
ક્યાંક વધારે પડતી સુંદરતા પણ લોકો દ્રારા જ વખણાય છે..
તો ક્યાંક વધારે સૌંદર્યતાના કારણે સ્ત્રી પણ જોખમાય છે..
ક્યાંક સમૃદ્ધિના કારણે અમીરોની હવેલીએ હીરા જડાય છે..
તો ક્યાંક રાજનીતિમાં અનેકના ખૂનના ખેલ પણ ઘડાય છે..
ક્યાંક સ્ત્રી ઉપર તો ક્યાંક પુરુષ ઉપર અત્યાચાર કરાય છે..
તો ક્યાંક ગરીબ દર્દીઓનો મફતમાં ઉપચાર પણ કરાય છે..
અથાક પરિશ્રમ થકી સિતારાઓ વિશ્વ ફલક પર છવાય છે..
મહેનતથી મળેલા સાચા એ ગુણોની ઝલક ત્યાંજ જોવાય છે.
નિદોષોને સાથ આપવા માટે સમય પણ ક્યાં રોકાય છે..
ના કરેલા ગુનાઓની સજા પણ એમના માથે ભોંકાય છે..
********************************************