મીઠાઈના દુકાનદારે હાથ લાંબો કરી સામે ઉભેલા સાત-આઠ વર્ષના એક ગરીબ ગરીબ બાળકને ડંડો ઉગામાતા કહ્યું.
બે દિવસથી ભૂખ્યો ગરીબ બાળક રડતાં- રડતાં આજીજી કરતો હતો..પણ પથ્થર દિલ સમા મીઠાઈના દુકાનદાર ઉપર એની કોઈજ અસર થતી નહોતી.
"લાલા તગેડી મૂક આ ભીખમંગાને... ખબર નહીં ક્યાંથી આવી ચડે છે'.. દુકાનદારે ત્રાડ પાડીને એના નોકરને હુકમ કર્યો..
લાલો એને કાઢી મુકે એ પહેલા કિશોરે ઉતરેલા ચહેરે ચાલવા માંડ્યું. એનું સુકલકડી જેવું શરીર , ભૂખને પ્રદર્શિત કરતો એનો તેજવિહીન ચહેરો , ઊંડી ઉતરી ગયેલી આંખો જોઈને એવું લાગતું હતું કે આ તેનું બાળપણ છે કે ઘઢપણ ?? હાથ એકદમ પાતળા સોટી જેવા અને તેના ઉપર ઉગી નીકળેલી ભૂરી રુવાંટીઓ , ફાટેલી ચડ્ડી તથા મેલું શર્ટ અને ચપ્પલ વિહોણા તેના ઉગાડા પગ તેની દરિદ્રતાની છબીને ઉઘાડી કરી રહી હતી.
તે અત્યારે રસ્તાની ફૂટપાથ ઉપર ચાલી રહ્યો હતો. પેટની ભૂખ સહન ના થતા એ તેના ઉગાડા પગને માંડ-માંડ આગળ ધકેલી રહ્યો હતો.
રસ્તાઓ આજે નવી રોશનીથી ચમકી રહ્યા હતા.. રસ્તાની આજુબાજુ આવેલા મકાનો સુંદર દીવડાથી ઝગમગી રહ્યા હતાં. ચારેકોર ફટાકડા ફૂટવાના ધડાકાઓ અને લોકોની આનંદભય મિશ્રિત ચીસોથી વાતાવરણ ધમધમી રહ્યું હતું. અમીર લોકોના બાળકો મોજથી મીઠાઈઓ તથા ફટાકડાની મોજ ઉડાવી રહ્યા હતા. કારણ કે આજે દિવાળીની શુભસાંજ હતી.
આ બાજુ પેલો ગરીબ કિશોર માંડ-માંડ ઘરે પહોંચ્યો.. તેના બે નાના ભાઇ-બહેન તેને વીંટળાઈ વળ્યાં.
"રાજુ.. કાંઈ મળ્યું બેટા..' બીમાર 'મા'નો ઝુંપડામાંથી કણસતો અવાજ આવ્યો..
"ના...મા..´ માનો દુઃખભર્યો અવાજ સાંભળી રાજુ માંડ આટલું જ બોલી શક્યો.
ઝુંપડામાં બીમાર પડેલી એ સ્ત્રીએ પોતાના બાળકનો આવો જવાબ સાંભળીને ઊંડો નિસાસો નાખ્યો અને એ ધીમા અવાજે ફાટેલા ચાદરના ટુકડામાં મોઢું સંતાડીને રડી પડી.
પોતાની માં તથા ભાઇ ભાંડુઓની આવી દશા જોઈ એ કિશોર રડી પડ્યો.. મોટોભાઈ શા માટે રડી રહ્યો છે એ ના સમજાતા એના બંને નાના ભાઇબહેન એને ટગર- ટગર તાકી રહ્યા. પછી એ બન્ને પણ એને વળગી રડવા માંડ્યા.
આ ચાર જીવોના આક્રંદ રુદને ઝુંપડા આસપાસના વિસ્તારને ગમગીન બનાવી દીધું.
પણ શહેરી વિસ્તારના છેડે આવેલા આ લોકોનું દુઃખ સાંભળે પણ કોણ ??
ત્યાંજ સામે વૃક્ષ પર બેઠેલી ચીબરીએ ચરરર..ચરર કર્યો.
આ પક્ષી બોલે ત્યારે લોકો અશુભ ઘટના બનવાની હોય એવી આશંકા કરતા હોય છે.પણ તેના અવાજમાં આજે ભિન્નતા દેખાઈ રહી હતી. આજે જાણે તે આ ગરીબોને મદદ કરવા માટે પ્રભુને પ્રાર્થના કરતી ના હોય. એવું લાગી રહ્યું હતું.
આંખો લૂછી એ ઉભો થયો બંને ભાઇબહેનને ગળે લગાડી બોલ્યો. 'જુલી.. અખિલ મારા વ્હાલા ચિંતા ના કરો હું હમણાં તમારા માટે ખાવાનું લઈ આવું હો.."
તેના દિલાસાભર્યા શબ્દો સાંભળીને અખિલ અને જુલીનો નાનકડો બાળ ચહેરો ખીલી ઉઠ્યો.
ફરીથી એ ચાલ્યો. તેના બે નાના ભાઇભાંડુ તેને જતો જોઈ રહ્યા. કંઈક મળશે એવી આશા સાથે એ ચાલ્યો પણ એને ઊંડે સુધી ભય સતાવી રહ્યો હતો કોઈ મને ફરીથી તો કાઢી નહીં મૂકેને.. પણ નાના ભાઇબહેન અને માની યાદ આવતા એણે એ ભય ખંખેરી નાખ્યો અને ચાલવા માંડ્યો.
સમયની કેવી કારમી કઠિનાઈ હતી અમીરોના ઘરમાં મીઠાઈ ઓની મહેફિલો જામી હતી જયારે ગરીબોની ઝૂંપડીમાં ખાવા ના પણ ફાંફા હતા.
તે ફરીથી શહેરના મુખ્ય માર્ગની બાજુમાં આવેલા ફૂટપાથ ઉપર ચાલવા લાગ્યો. ભૂખ અને થાકથી એનું બાળમગજ સુન્ન બની ગયું હતું. સમજણશક્તિ વધારે વિકસી ના હોવા છતાં બીમાર 'મા' અને તેના બે નાના ભાઈબહેન અખિલ અને જુલીના ભૂખ્યા માસુમ ચહેરાના ભાવો તેને આગળ વધારી રહ્યા હતા.
રાજુ જયારે પાંચ વર્ષનો હતો.ત્યારે જ એના પિતા કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. એની 'મા' મજૂરીકામ કરી તેમનો ઉછેર કરી રહી હતી. પણ આજે સતત પાંચ દિવસથી એ બીમાર હતી.ત્રણ દિવસ ઘરમાં જે સામાન હતો એમાંથી ખાવાનું ચાલ્યું.. આજે સતત બે દિવસથી આ આખું કુટુંબ ભૂખથી પીડાઈ રહ્યું હતું.
રાજુની આંખો સાવ નિસ્તેજ બની ગઈ હતી.તેનો બાળચહેરો એકદમ કરચલીઓ યુક્ત બની ગયો હતો. પગમાં ચાલવાની જરાય શક્તિ નહોતી છતાં તે પગને આગળ ધકેલી રહ્યો હતો.
એના પગ ફૂટપાથ પરથી ઉતરી મુખ્ય રસ્તા પર ચાલવા લાગ્યા. એનું મગજ હવે ધીમે-ધીમે બહારની ભૌતિક દુનિયાનું અસ્તિત્વ ભૂલી રહ્યું હતું.
ત્યાં ફરીથી રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ ઉપર બેઠેલી ચીબરીએ ફરીથી ચરર.. ચરર.. અવાજ કર્યો. અને સામેની બાજુએથી એક પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કાર તેની સાથે અથડાઈ.. તણખલાની માફક તેનું શરીર ફંગોળાઈને દૂર જઈ પડ્યું.
નશામાં ધૂત થઇને સ્વીફ્ટમાં બેસેલા યુવાને તેના તરફ ધ્યાન આપ્યા વગર ગાડીને હંકારી મૂકી.
આ ઝાડ પર બેઠેલી ચીબરી અને ત્યાં પેલા ઝુંપડાવાળા ઝાડ પર બેઠેલી ચીબરીઓ ચરર.. ચરર.. અવાજ કરીને એકબીજા સાથે ઝગડવા લાગી. પહેલી ચીબરી જાણે બીજી ચીબરીને કહી રહી હતી કે મેં આને બચાવવાની મંગલકામના ઓ કરી હતી જયારે તું એના મોતનેલઈ આવી.
બંને ચીબરીઓના ચરર.. ચરર.. અવાજ વચ્ચે જ રાજુનું શરીર થોડી વાર તરફડીને મૃત્યુ પામ્યું.
તેના મૃત મોંઢા ઉપર હજુ પણ માઁ અને નાના ભાઇ- બહેનને કંઈક ખવડાવવાના ભાવો અંકિત થયેલા હતા.