એક દોસ્તી..એક સાચી શુભ શરૂઆત... Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દોસ્તી..એક સાચી શુભ શરૂઆત...

થ્રી... ટુ...વન...ગો...
અને એક વ્હિસલ ની સાથે ૨૦૦ મીટર રનીંગ રેસ ની શરૂઆત થઈ.

આજે શહેરની સૌથી મોટી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નિમિત્તે અલગ અલગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા બાળકો ખૂબ જોશભેર અલગ અલગ કોમ્પીટીશનમાં ભાગ લઇ રહ્યા હતા.

અને એ કોમ્પીટીશનનાં ભાગ રૂપે જ અત્યારે એમાંની એક રનીંગ રેસ ચાલી રહી હતી. આ રેસ એટલા માટે આકર્ષણનું કારણ બની રહી હતી કેમ કે દર વર્ષની જેમ બધાની નજર રોહન પર મંડાયેલી હતી રોહન છેક છેલ્લા 5 વર્ષ થી આ રેસ જીતતો આવ્યો હતો.

રેસમાં રોહન સૌથી આગળ દોડી રહ્યો હતો ત્યાં જ પાછળથી ધીરે ધીરે રામ પણ આગળ વધવા લાગ્યો. બધાને રામની ઝડપ જોતા લાગ્યું આ વર્ષે કદાચ રામ જ જીતી જશે અને રોહનના પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક કરશે. બધાની નજરો રામ અને રોહન પર મંડાયેલી હતી રેસ ની બસ છેલ્લી થોડી ક્ષણો બાકી હતી. જરા સરખું અંતર બાકી હતું ત્યાંજ રામનો પગ વળી જતા એ ત્યાં જ જમીન પર પડી ગયો અને રોહન આગળ નીકળી ગયો, સતત છઠ્ઠા વર્ષે પણ રોહન આ રેસ જીતી ગયો.

રામ ઉદાસ મનથી પોતાની હાર જોઈ રહ્યો અને વિચારી રહ્યો કે કાશ મારી પાસે સારા સ્પોર્ટ્સ શુઝ હોત તો હું જરૂર આ રેસ જીતી શક્યો હોત અને આગળ વધી એક રમતવીર બનવાનું મારું સપનું પૂરું કરી શકતો.

રામ એક ખૂણામાં બેસી પોતાની ગરીબી ઉપર આજે પહેલી વખત અફસોસ કરી રહ્યો, ત્યાંજ રોહન અને એના મિત્રો આવી રામ ની મજાક ઉડાવવા લાગ્યા, જોયું નીકળી પડ્યો હતો મારી બરોબરી કરવા તારી લાયકાત તો મારી પાસે ઊભા રહેવાની પણ નથી, ક્યાં ક્યાંથી લાવીને સ્કૂલ વાળાઓ કેવા લોકોને એડમિશન આપે છે, તારા જેવા ગરીબને આવી હાઈ ફાઈ સ્કૂલમાં ભણવા મળે છે એ જ મોટું નસીબ છે, એનાથી વધારે મેળવવાની આશા તારે ના રાખી જોઈએ. સરખા કપડા અને સ્પોર્ટ્સ શુઝ લાવવાની તો ત્રેવડ નથી, અને નીકળી પડ્યો મને હરાવવા, સ્વપ્નમાં પણ હવે આવા વિચારો લાવતો નહીં , આટલું બોલીને રોહન અને એના મિત્રો રામની ગરીબી પર હસી રહ્યા, રામ બોલે પણ શું, એક ગરીબની ક્યાં કોઈ આવાજ હોય છે.

રોહન શહેરના ધનાઢ્ય પરિવારમાંથી આવતો એક લૌતો દીકરો હતો જ્યારે રામ એક ગરીબ પરિવારમાંથી આવતો બાળક જે ભણવામાં હોશિયાર હોવાથી આર.ટી.ઈ ના કોટા હેઠળ આ શાળામાં એડમિશન મળ્યું હતું.

પોતાની ગરીબીને કારણે રામ હંમેશા રોહન અને એના મિત્રો માટે મજાકનું રમકડું બની રહેતો, રામ એક હોશિયાર અને સાલસ બાળક હોવાથી સ્કૂલમાં શિક્ષકોનો માનીતો હોવાને કારણે પણ રોહન માટે તે ઈર્ષાને પાત્ર બની રહ્યો હતો, માટે તે રામ ને સતાવવાની કોઈ તક ના છોડતો.

એક દિવસ રવિવાર હોવાથી રોહન એની માતા સાથે પોતાની આલીશાન કારમાં ફરવા નીકળ્યો હતો, ત્યાંજ એક ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોવાથી એની કાર ઉભી રહેતા એક બાળક આવી કાર સાફ કરવા લાગ્યો. રોહનની નજર જેવી તેના પર પડી એ ચોંક્યો, એ બાળક બીજું કોઈ નહિ પણ રામ હતો રોહન એ વિચારતા ખુશ થયો કે ચલો કાલે ફરીથી રામને પરેશાન કરવાનું એક સરસ ટોપીક મળી રહેશે, રોહનની આમ કોઈ બાળકને જોઈ વિચાર કરતો દેખી, એની માતાએ એનું કારણ પૂછતાં, રોહન અભિમાનથી છલકાઈ બધીજ વાત પોતાની માતાને કહે છે, પોતાના દીકરાને કોઈ ગરીબની લાચારી પર હસતો દેખી એક માતાનું માતૃત્વ આજ લજવાઈ ઉઠયું.

અરે મારા દીકરાના આવા વિચારો, શું પૈસાનો નશો એના પર એટલો છે કે એક ગરીબ ની લાચારી એના માટે આનંદનું કારણ છે? એક માતાનાં મનમાં આજે હજારો ઉઠલ પાથલ મચી રહી.

દીકરા એક વાત કહું, તું શાંતિથી સાંભળીશ? રોહનની માતા બોલી, પોતાની મમ્મી ને આમ ગંભીર જોઈ રોહન પણ વિચારમાં પડતો બોલ્યો, હા મમ્મી બોલને તારી વાત હું ક્યારેય ના સાંભળવું એમ બને. દીકરા મારા સાંભળ જો તારી પાસે જે સુખ સગવડ વૈભવ અને જરૂરિયાતની તમામ વસ્તુઓ છે એ બધું તારા પપ્પાની મહેનતની કમાણી છે. એક જમાનામાં તારા પિતા પણ ગરીબીમાં રહેતા હતા, પણ એમણે ખૂબ લગનથી નાના-મોટા તમામ કામો મહેનત અને લગનથી કર્યા, માટે આજે આ વૈભવ મેળવ્યો છે. તારી સ્કૂલ નો આ બાળક પણ આ ઉંમરે આજે મહેનત-મજૂરી કરી એના કુટુંબમાં મદદરૂપ થઇ રહ્યો છે, જ્યારે તું શું કરી રહ્યો છે? તું સાચા મનથી તારી તુલના એની સાથે કર ખરેખર વામળું અને ગરીબ કોણ છે?

રોહનને જીવનમાં પહેલી વખત પોતાના વિચારોમાં પાંગળતા લાગી, અને એક મક્કમ નિર્ણય કરીએ ને માતા ને થેંક યૂ મમ્મી કહે ભેટી પડ્યો.

બીજા દિવસે સ્કૂલમાં જઈ રોહન એના મિત્રોને મળી માતા એ કહેલી વાત સમજાવે છે, હવે બધા બાળકોને પોતાના વિચારો પ્રત્યે શરમ અનુભવાય છે બધા રામ માટે જરૂર કઈ કરશે એમ વિચારી છૂટા પડે છે.

બીજા દિવસે રામના ઘરનું બારણું ખખડે છે, એક ગરીબ ના ઝૂંપડા જેવી ખોલીમાં ડોરબેલ તો ક્યાંથી હોય, જરાક સરખા ધક્કાથી બારણું ખૂલી જાય છે એની સાથે જ રામના ઘરમાં રહેલી ગરીબી ડોકિયું કરી ગઈ, ખૂણામાં પડેલા થોડા મેલા ઘેલા ગોદડા, થોડાક વાસણો થી બનેલું રસોડું, ખીંટી પર લટકાવેલા મેલા કપડા, એક બાજુ તૂટેલો ખાટલો અને એના પર બેસેલા બે નાના ભૂલકાં, બીજી તરફ રામ એના માતા-પિતા સાથે બેસી ભણી રહ્યો હતો.

દરવાજો ખુલતા રામની નજર અંદર પ્રવેશતા માણસ પર પડી તે આગંતુક બીજો કોઇ નહીં પણ રોહન અને એના કેટલાક મિત્રો હતા. રોહનને જોઈ રામ તરત ઊભો થઈ ઉમળકાભેર સ્વાગત કરવા લાગે છે, ખાટલા પર બેસેલા નાના ભાઇ-બહેનને ઉઠાડી રોહન અને એના મિત્રો માટે બેસવાની જગ્યા કરી હરખ હેલો રામ બોલે છે, મા બાપુ આ જુઓ આં મારા શાળાના દોસ્તારો છે, રામની આવી દિલદારી જોઈ રોહન અને એના મિત્રો ની આંખ આંસુથી છલકાઈ ગઈ. આપણે રામની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, પણ એની દિલદારી કેવી છે આપણા પ્રત્યે. એની સામે આપણે ખરેખર ગરીબ ઠર્યા.

રોહન ઉભો થઇ રામ ને ભેટી પડે છે, અને બોલે છે દોસ્ત રામ આજે અમે અહીં તને તમારો મિત્ર બનાવવા આવ્યા છીએ, અમે તારી સાથે કરેલા ખરાબ વર્તન માટે પ્લીઝ માફ કરી દે. આજે અમને માણસની સાચી યોગ્યતા એના પૈસા નહીં એના દિલમાં રહેલી લાગણી અને સંસ્કારમાં હોય છે તે સમજાયું છે.
અને આપણી મિત્રતાના સ્વરૂપે અમે તને એક ભેટ આપવા માંગીએ છીએ, એને તારે જરૂર સ્વીકાર કરવો પડશે, નહિ તો અમે સમજશું કે તું અમને તારી મિત્રતા ને લાયક નથી સમજતો. રામ હસ્તે મુખે રોહનની ભેટ સ્વીકારે છે અને બધા મિત્રો એકબીજાને ભેટી પડે છે, રામ ના પગ માં આજે એના મિત્રો એ આપેલી ભેટ, સ્પોર્ટ્સ શૂઝ ચમકી રહ્યા હતા.

આજે એક નવી મિત્રતા ની શરૂઆત થઈ.

**************
મિત્રો ખરેખર એક સાચી માતા હંમેશા પોતાનાં બાળકમાં સાચા સંસ્કારોનું સિંચન કરે છે, અને પોતાના બાળકને ખોટા રસ્તે જતા રોકે છે. એક સાચો મનાવી પણ સમય સાથે પોતાની ભૂલ સુધારીલે એનાથી રૂડું શું હોય. બસ જરૂર છે એક નવી શરૂઆત ની.

જાગ્યા ત્યારથી સવાર....👈👈👈👈

****************
Dhruti Mehta (અસમંજસ)