ભોંયરાનો ભેદ - 6 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોંયરાનો ભેદ - 6

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૬ : સોભાગચંદે શું કીધું ?

ફાલ્ગુનીએ પેલા અજાણ્યા જુવાનનો ડાબો હાથ પકડી રાખ્યો હતો. જાણે મડાગાંઠ ભીડી હોય એમ એ ભીડાઈ ગઈ હતી. ભલે પોતે કપાઈ મરે, પણ હાથ છોડે નહિ !

ટીકૂએ પણ સ્ફૂર્તિથી છટકીને જુવાનનો જમણો હાથ પકડી લીધો અને કોઈ જળો વળગે એમ એ હાથને વળગી પડ્યો. પેલા જુવાને છટકવા માટે ઘડીભર કોશિશ કરી પણ, પછી કોણ જાણે કેમ, એ ઊભો જ રહી ગયો અને જોર જોરથી ડોકું ધુણાવવા લાગ્યો. એ શા માટે આમ ટાઢો પડી ગયો એની છોકરાંઓને સમજ ન પડી. કદાચ એનું એક કારણ હોડીમાંથી સંભળાયેલો બોલાટ હશે.

હોડીમાં ઊભાં ઊભાં બીજલ બોલી ઊઠ્યો હતો : ‘સલીમ ! આ તો એ જ છે... એ જ...!’

અને તરત જ સલીમ પણ બોલી ઊઠ્યો હતો : ‘હા, માળું ! લાગે છે તો એ જ ! પણ એ અહીં શા સારુ આવ્યો હશે ? આમ લપાઈને કેમ બેઠો હશે ? જે હોય તે, પણ આપણે જલદી પાછા વળીએ. જલદી જલદી શેઠને આ વાત કરી દઈએ !’

આટલું બોલીને સલીમે ગાંડાની જેમ હલેસાં વીંઝવા માંડ્યાં. બીજલ પણ એકદમ હોડીના પાટિયા ઉપર બેસી ગયો જોર જોરથી હલેસાં હલાવવા લાગ્યો.

અને આંખના પલકારા જેટલી વારમાં તો બંને જણ વહેલી પરોઢના ઝાકળમાં અલોપ થઈ ગયા. એમની હોડી કઈ બાજુ ગઈ એ પણ દેખાતું બંધ થઈ ગયું. થોડીક વાર સુધી એમનાં હલેસાંના છપાકા સંભળાતા રહ્યા. અને પછી તો એ પણ બંધ થઈ ગયા.

એ લોકોનો અવાજ બંધ થઈ ગયો અને એ ઠીકઠીક દૂર જઈ રહ્યા હશે એવું લાગ્યું ત્યારે આખરે પેલો જુવાન બોલ્યો. એના અવાજમાં ગુસ્સો હતો. નારાજગી હતી. છતાં એનો અવાજ ધીમો હતો. હજુ હમણાં જ હોડી હંકારી ગયેલા દાણચોરો એનો અવાજ સાંભળી ન જાય એની એ જાણે તકેદારી રાખવા માગતો હતો. એ ભીંસાતે અવાજે બોલ્યો, ‘ચક્રમો ! જુઓ તમે શું કરી બેઠાં ? હું કલાકોથી આ ઠંડી હવામાં થરથરતો ચોકી રાખતો બેઠો હતો. મારો મારો વિચાર એ બંને ગઠિયાઓની હિલચાલ તપાસવાનો હતો. પણ તમે અડબંગની જેમ વચ્ચે કૂદી પડ્યાં ! કૂદી પડ્યાં એટલું જ નહિ, ચીસાચીસ પણ કરી મૂકી અને એ લોકોને સાવધ કરી દીધા. અને હજુ બરાબર અજવાળું નથી થયું, છતાં ચોરની નજર તો ગીધ જેવી હોય છે. જો એ લોકો મને ઓળખી ગયા હશે તો આખી વાત ઉપર પાણી ફરી વળશે. તમને ભાન નથી કે એ લોકો...’

એકદમ એ જુવાનનો હાથ છોડી દઈને ટીકૂ બોલી ઊઠ્યો, ‘એટલે શું તમે એ લોકોના સાગરીત નથી ?’

ફાલ્ગુનીએ પણ એને છોડી દીધો અને પૂછ્યું, ‘તો પછી તમે અહીં છુપાઈ કેમ રહ્યા હતા ?’

જુવાન છૂટો થયો એટલે એણે કપડાં સમારવા માંડ્યાં. છોકરાંઓની પકડથી ખેંચાઈ ગયેલાં કોલર-બાંયો સરખાં કર્યાં, પછી રેતી ખંખેરતાં ખંખેરતાં એ બોલ્યો, ‘હું તો અહીં છુપાઈને એ જ જોવા માગતો હતો કે આ લોકો દાણચોરીનો માલ ક્યાં છુપાવે છે...’

લે, કર વાત !’ ટીકૂ બોલી ઊઠ્યો, ‘અમે પણ એ જ જોવા માગતાં હતાં !’

‘શું જોવા માગતાં હતાં ?’

‘આ દાણચોરો માલ ક્યાં છુપાવે છે તે !’

‘એટલે તમને ખબર તો છે જ કે એ લોકો દાણચોરો છે.’

ટીકૂ બોલી ઊઠ્યો, ‘હાસ્તો વળી ! અમને... એટલે કે મને તો પહેલેથી જ ખબર હતી કે આ લોકો દાણચોરો છે. પણ મોટેરાંઓ મારી વાત માનતાં જ નહોતાં ને ! પણ હવે સૌને ખાતરી થઈ ગઈ છે કે આ લોકો દાણચોરો જ છે.’

‘તમારાં મોટેરાંઓ એટલે કોણ ?’

ટીકૂ કહે, ‘એક આ ફાલ્ગુનીબેન, પછી વિજયભાઈ અને નાની મીના. અમે લોકો સોમજીના મહેલમાં અમારા કાકા સાથે રહેવા અમદાવાદથી આવ્યાં છીએ.’

પેલો જુવાન હવે ધૂળ-રેતી ખંખેરી રહ્યો હતો. તે એકદમ ટીકૂ તરફ વળીને બોલ્યો, ‘સોમજીના મહેલમાં ? પેલા જૂના ખંડેરમાં ? તો તો એનાથી થોડેક જ છેટે, ભાટિયા ગામને રસ્તે આવેલું એક મકાન પણ જોયું હશે અને તમે ત્યાં રહેતી શીલાને પણ કદાચ મળ્યાં હશો !’

આટલું બોલતાં એ જુવાનનો ચહેરો એકદમ આકળવિકળ બની ગયો. શીલાનું નામ દેતી વેળા એનું મોં વીલાઈ જતું હોય એવું લાગ્યું.

એટલે વાતચીતનો દોર હવે ફાલ્ગુનીએ ઉપાડી લીધો. એ બોલી, ‘મિસ્ટર ! તમે અમને ઘણા સવાલો પૂછી લીધા. હવે અમે તમને થોડાક સવાલો પૂછીએ. અમે શીલાને ઓળખીએ છીએ, પણ તમે એને ક્યાંથી ઓળખો ? અને તમે અહીં શા માટે લપાયા હતા ? તમારે ને આ દાણચોરોને શો સંબંધ છે ? તમે એમના પર છૂપી નજર શા માટે રાખતા હતા ?’

જુવાન કહે, ‘એ બધું હું તમને સમજાવીશ. પણ અત્યારે નહિ. અત્યારે તો મારે ક્યાંક છુપાઈ જવું પડશે. પણ મારે શીલાને મળવું બહુ જરૂરી છે. તમે એને સોમજીના મહેલ ઉપર બોલાવી લાવો ખરાં ? હું ત્યાં આવીશ. લગભગ દસ વાગે એને બોલાવજો.’

ફાલ્ગુનીએ જુવાનને ધારીધારીને જોયો. એણે સારા કાપડનાં પાટલૂન-પહેરણ પહેરેલાં હતાં. પગમાં સરસ જૂતાં હતાં. ચહેરો ઘાટીલો હતો અને વાળ લાંબા ને વાંકડિયા હતા. એની આંખોમાં નિખાલસતા હતી. એ કોઈ બદમાશ ટોળકીના સભ્ય જેવો તો નહોતો લાગતો. ઉંમર હશે પચીસેક વરસની.

એની વિનંતી ફાલ્ગુની ટાળી ન શકી. એ બોલી, ‘અમે શીલાને જરૂર બોલાવી લાવીશું. પણ એ તો કહો કે તમે છો કોણ ?’

જુવાન કહે, ‘મેં કહ્યું ને કે એ બધું વખત આવ્યે તમને સમજાઈ જશે. અત્યારે તો મારે કારણે તમારા ઉપર કશી આફત આવે તે પહેલાં હું જાઉં.’

આમ કહીને જુવાન લાંબા ડગલાં ભરતો ચાલવા લાગ્યો અને દરિયાકિનારાની ઝાડી તથા પરોઢના ઝાકળમાં એ થોડી જ વારમાં અલોપ થઈ ગયો.

એક બાજુ એ જુવાન દોડી ગયો અને બીજી બાજુ વિજય અને મીના આવી પહોંચ્યાં. વિજય બોલી ઊઠ્યો, ‘આ અંધારામાં તમને માંડ માંડ ખોળ્યાં !’

મીના કહે, ‘અમે તમારી થોડીક ઘાંટાઘાંટ સાંભળી. પછી બધા અવાજો એકદમ શમી ગયા. અમને તો લાગ્યું કે દાણચોરો તમને ઉઠાવી ગયા. શી વાત છે ? શું થયું ?’

ફાલ્ગુની કહે, ‘અમે દાણચોરોની હોડીને કાંઠા તરફ આવતી જોઈ કે તરત આ ઝુંડમાં સંતાવા દોડ્યાં. ત્યાં તો ટીકૂ ત્યાં લપાઈ બેઠેલા એક માણસની ઉપર જ પડ્યો.’

ટીકૂ કહે, ‘પહેલાં તો અમને લાગ્યું કે એ દાણચોર જ હશે. પણ હવે એવું નથી લાગતું.’

‘એમ કે ? હવે શું લાગે છે ?’

ટીકૂ કહે, ‘એ છૂપી પોલીસનો માણસ લાગે છે.’

પછી દરિયાકાંઠેથી પાછા વળતાં ફાલ્ગુનીએ થોડી વાર પહેલાં જે કંઈ બન્યું હતું એની વાત કરી. પેલા જુવાન સાથે જે સવાલ-જવાબ થયા એ પણ કહ્યા.

એ સાંભળીને મીના પણ બોલી ઊઠી, ‘મને ટીકૂની વાત સાચી લાગે છે. આ માણસ કોઈ ડિટેક્ટિવ હોવો જોઈએ. નહિતર એને શીલાના નામની ને એવી બધી માહિતી ક્યાંથી હોય ?’

ફાલ્ગુની કહે, ‘એ જે હશે એની થોડા જ કલાકમાં ખબર પડી જશે. ટીકૂ, તું દોડતો દોડતો જા અને શીલાને ખાનગીમાં કહી આવ કે આજે દસ વાગે સોમજીના મહેલ પર આવે. જો, સાવધ રહેજે ! પેલા બે ખલાસીઓએ આપણને અને પેલા અજાણ્યા માણસને જોઈ લીધાં છે. એમણે આ વાત જરૂર સોભાગચંદ મામાને કહી હશે.’

ટીકૂ કહે, ‘ચિંતા ન કરો. હું એવી રીતે લપાઈને જઈશ કે હવાનેય ખબર નહિ પડે.’

મીના કહે, ‘પણ હવા તો સર્વત્ર છે, ટીકૂ મહારાજ !’

આમ હસવાની વાતો કરતાં તેઓ ખંડિયેરો નજીક પહોંચી ગયાં ત્યારે દિનકરકાકા એમની વહેલી સવારની ટેવ પ્રમાણે ખુલ્લી હવામાં આંટો મારવા નીકળ્યા હતા. છોકરાંઓને જોતાં જ એ બોલી ઊઠ્યા, ‘અરે બાળકો ! તમે ઘણાં વહેલાં ઊઠી ગયાં છો ને શું !’

વિજય કહે, ‘અમનેય વહેલાં ઊઠીને થોડુંક ચાલવાની ટેવ છે, કાકા.’

કાકા કહે, ‘અચ્છા, સાંભળો ! આજે મારે થોડુંક કામ પતાવવા માટે ભાટિયા ગામમાં જવું પડે એમ છે. બપોરે પાછો આવીશ. ત્યાં સુધી તમે એકલાં રહી શકશો ને ?’

‘જરૂર, જરૂર !’ બધાં એક સાથે બોલી ઊઠ્યાં.

‘તમને અહીં ગમે તો છે ને ? કંટાળો તો નથી આવતો ને ?’

‘કંટાળો ?’ ફાલ્ગુની સહેજ હસીને બોલી, ‘અરે કાકા ! કંટાળો તો દૂર રહ્યો, અમને તો અહીં ભારે આનંદ આવી રહ્યો છે. અમારાં દિમાગને એટલું બધું ખાતર મળી ગયું છે કે થોડા વખતમાં જ અમારે માથે ઝાડ ઊગી નીકળે તો નવાઈ નહિ !’

છોકરાંઓ કેવું જોખમ ઊઠાવી રહ્યાં છે અને કેવા ભયંકર દાણચોરો સામે મેદાને પડ્યાં છે એની દિનકરકાકાને ખબર નહોતી. એટલે ફાલ્ગુનીની વાત એ પૂરી સમજ્યા નહિ. એને ખાલી હસવાની વાત ગણીને એમણે હસી કાઢી. એ ફરી પાછા પોતાના ટહેલવાના કામમાં પડી ગયા અને છોકરાંઓ પોતાને રહેઠાણે ગયાં – એક જણ સિવાય ! આ એક જણ આપણો ટીકૂ. તેણે શીલાના ઘરની વાટ પકડી લીધી. શીલાનું ઘર નજીક આવતાં જ એણે પગલાં ધીમાં પાડ્યાં. લપાતોછુપાતો ઘરની પાછળના ભાગમાં ચાલ્યો. એને ખબર હતી કે અત્યારના પહોરમાં શીલા ઘરની પાછળના રસોડામાં જ હશે. કાં તો સવારનાં ચા-પાણી બનાવતી હશે અને કાં તો વાસણ માંજતી હશે.

ઘરની પાછળ નીચી સરખી વંડી હતી. ટીકૂએ પહેલાં તો વંડી પાછળથી ડોકું કાઢીને બધાં બારીબારણાં તપાસી લીધાં. ક્યાંય સોભાગચંદ મામા કે એમના સાગરીતો બેઠા કે ઊભા નથી ને એનું ધ્યાન રાખી લીધું. પછી ચપળતાથી વંડી કૂદીને એ આંગણામાં પહોંચી ગયો અને દોડતો દોડતો પાછલે બારણે ગયો. એ બારણું ખુલ્લું જ હતું. એની અંદર પેસતાં જ રસોડું આવતું. શીલા અત્યારે પ્રાયમસ સળગાવીને ચા-દૂધ બનાવી રહી હતી. ટીકૂને એ ગમ્યું. પ્રાયમસના અવાજમાં એની વાતનો અવાજ દબાઈ જશે.

પહેલાં તો શીલા એને જોતાં જ ચોંકી ગઈ. પરંતુ આજ-કાલ જે ભેદી, જોખમી અને ચિત્રવિચિત્ર બનાવો બની રહ્યા હતા એ જોતાં આવી ગુપચુપ આવન-જાવન સ્વાભાવિક જ હતી. રસોડાના એક ખૂણામાં ટીકૂને ઊભો રાખીને એણે પૂછ્યું, ‘શી વાત છે ?’

ટીકૂએ પરોઢના પહોરમાં બનેલી બધી વાત ટૂંકમાં કહી દીધી. પછી કહ્યું, ‘એ અજાણ્યો જુવાન તમને મળવા માટે બરાબર દસ વાગે અમારે ત્યાં આવશે. તમે ચૂપચાપ અહીંથી છટકી નીકળજો.’

‘પણ એ છે કોણ ? મને ક્યાંથી ઓળખે ? મને મળીને શું કરશે ?’

‘એની તો અમને ખબર નથી. પણ દસ વાગે તમે મળશો એટલે બધી વાતની સમજણ પડી જશે. મને તો લાગે છે કે એ પોલીસનો ડિટેક્ટિવ છે !’

‘અચ્છા ! હું દસ પહેલાં આવી જઈશ. હવે તું ચૂપચાપ છટકી જા !’ શીલાએ ટીકૂને સાકરનો એક મોટો બધો ગાંગડો આપતાં કહ્યું. અને પછી ઉમેર્યું, ‘તું સારા સમાચાર લાવ્યો છે, માટે લે, તારા મોંમાં સાકર !’

ટીકૂ જેવી રીતે આવ્યો હતો એવી જ રીતે સાવધાનીથી પાછો નીકળી ગયો અને અર્ધા કલાકમાં તો સોમજીના મહેલે પહોંચી ગયો. ત્યાં સુધીમાં ફાલ્ગુની-મીનાએ સવારનો નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો. ટીકૂ નાસ્તા ઉપર તૂટી પડ્યો. વહેલી સવારની દોડધામ પછી એની ભૂખ ભીમસેનની જેવી ઊઘડી હતી.

હવે સૌએ દસ વાગવાની રાહ જોવાની હતી. અહીં ચારે ભાઈબેનો રાહ જોતાં હતાં. ત્યાં શીલા રાહ જોતી હતી. અને આજુબાજુનાં ખંડેરો અને ઝાડીઝાંખરાંમાં ક્યાંક પેલો અજાણ્યો યુવાન રાહ જોતો હતો.

કામમાં હતા દાણચોરો.

સલીમ અને બીજલે સવારના પહોરમાં જે જોઈ લીધું હતું તેની વાત સોભાગચંદ સુધી પહોંચાડવા તેઓ અધીરા બની ગયા હતા. પણ એમનેય ઘણાં કામ હતાં. પહેલાં તો દાણચોરીનો માલ ગુપ્ત સ્થળે છુપાવવાનો હતો. પછી હોડીને ઠેકાણે મૂકવાની હતી. પછી સલીમને ગામમાં કોઈકની મુલાકાત લેવાની હતી. એટલે તે ભાટિયામાં ગયો અને બીજલ એકલો સવારની વાત વાગોળતો વાગોળતો સોભાગચંદ પાસે પહોંચ્યો. એ વેળા સવારના સાડા નવેક વાગી ગયા હતા.

એણે સોભાગચંદના ઓરડામાં ધસી જઈને ફટોફટ બધો અહેવાલ આપી દીધો.

સોભાગચંદે પૂછ્યું, ‘તેં બરાબર જોયું છે ? એ જ હતો કે બીજું કોઈ ? પરોઢના અંધારામાં બરાબર ન પણ દેખાયું હોય !’

બીજલ કહે, ‘દરિયાલાલના સોગન, શેઠ ! એ એ જ હતો. એ અમારી ઉપર જ જાસૂસી કરતો હશે. પણ સદભાગ્યે પેલાં છોકરાંઓને ઠેબે ચડી ગયો. અમે પાછા વળ્યા ત્યારે છોકરાંઓ એને ઠમઠોરતાં હતાં. પણ એને કારણે અમે માલ કાંઠા ઉપર ઉતારી ન શક્યા. બધોય માલ આપણા છૂપા અડ્ડા ઉપર લઈ જઈને છુપાવી દેવો પડ્યો !’

સોભાગચંદનાં ભવાં ચડી ગયાં. આંખોમાં એક તીખી ચમક આવી ગઈ. હોઠ દાબીને એ બોલ્યો, ‘એ જો ખરેખર આવ્યો હોય તો મામલો જોખમી ગણાય. કોઈ પણ સંજોગોમાં એનો ને શીલાનો ભેટો નહિ થવો જોઈએ. તમે લોકો એને શોધી કાઢો અને આપણા અડ્ડામાં પૂરી દો.’

‘ભલે, શેઠ.’ કહીને જેવો બીજલ વળ્યો કે તરત એની નજર બારી બહાર પહોંચી ગઈ. એ ચોંકી ગયો અને બોલ્યો, ‘શેઠ ! આ શું ? આ છોકરી અત્યારના પહોરમાં ક્યાં જતી હશે ?’

સોભાગચંદે બારી બહાર નજર કરી, ‘શીલા ! એ ક્યાંય બહાર જવાની હોય એવું તો એણે કીધું નથી ! તો કદાચ... હા, પેલા પ્રોફેસરવાળાં છોકરાંઓને મળવાય જતી હોય ! તું જલદી જલદી જા, બીજલ ! છોકરીનો પીછો કર ! એક ઘડી પણ એને તારી નજરથી વેગળી થવા ન દઈશ, સમજ્યો ? જા, જલદી જા !’

(ક્રમશ.)