Bhoyrano Bhed - 10 - last part books and stories free download online pdf in Gujarati

ભોંયરાનો ભેદ - 10 - છેલ્લો ભાગ

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૦ : ભેદ ઉકેલ્યો

વિજય સાવધાનીથી અને છતાં ઝડપથી ચાલી રહ્યો હતો. દાણચોરો હજુ ટાપુ ઉપર હોય એવું શક્ય તો નહોતું લાગતું. છતાં એ લોકો કદાચ હોય પણ ખરા, એની સંભાવના વિચારીને જ કામ કરવાનું હતું. હવે ફરી વાર એ લોકોના હાથમાં સપડાઈ જવાનું પાલવે એમ નહોતું. દાણચોરોની ધીરજનોય અંત આવી શકે છે. કોને ખબર, આ વેળા એ લોકો હાથ-પગ-માથું ભાંગી પણ બેસે !

ટાપુ કાંઈ બહુ મોટો નહોતો. કલાકેકની ઉતાવળી દોડમાં તો વિજય લગભગ આખો ટાપુ ખૂંદી વળ્યો. ખેડૂત જે રીતે ખેતરમાં ઊભા ચાસે હળ હાંકે એ રીતે એ દોડતો હતો.

કલાક પછી એ નિરાશ થઈ ગયો. એને લાગ્યું કે પેલા લોકોએ ટીકૂ વગેરેને ખરેખર ક્યાંક ઝાડ સાથે જ બાંધ્યાં હશે અને હવે ટાપુ છોડી જતી વેળા એમનેય હોડીમાં નાખીને લઈ ગયા હશે.

આવી નિરાશાને કારણે વિજયના પગ ઢીલા પડી ગયા. એ થોડોક બેધ્યાન પણ બની ગયો. અને એટલે જ પેલા પથરા સાથે અથડાઈ ગયો. એક મોટો પથ્થર અડધો-પડધો ઘાસમાં દટાઈને પડ્યો હતો અને વિજયનો પગ એની સાથે અથડાઈ ગયો હતો. પગમાં બૂટ પહેર્યા ન હોત તો જરૂર એકાદ આંગળી ભાંગી જાત.

એણે નીચે જોયું. પથ્થરની સાથે થોડોક ચૂનો પણ લાગેલો હતો. એટલે એ કશાક બાંધકામનો ભાગ હતો. જૂના બાંધકામનો ભાગ.

એણે આજુ-બાજુ તપાસ કરવા માંડી તો જણાયું કે ઘાસની વચ્ચે એક આછી-આછી કેડી પણ વરતાઈ રહી હતી. અને એ કેડીને આધારે આગળ વધતાં વિજયે એક વાવ જોઈ. વાવ નીચી હતી. પહેલાં કદાચ કોઈએ ફરતી પાળી બાંધી હશે. પણ પછી એ પાળી તૂટી ગઈ હતી. પગે અથડાયેલો પથ્થર એ પાળીનો જ ભાગ હતો.

જૂના જમાનામાં આખા સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ઠેર ઠેર આવી વાવો જોવા મળતી. વટેમાર્ગુઓને પાણી મળી રહે એ માટે એ વાવો બાંધવામાં આવતી. વાવની રચના ખાસ જાતની રહેતી. પહેલાં તો પગથિયાંની મોટી હારમાળા હોય. એવી દરેક હારમાળાને એક ‘મતવાલું’ કહેતા. વાવો એકથી માંડીને સાત મતવાલાં સુધીની રહેતી. જૂનાગઢ પાસેના ઉપરકોટમાં અડીકડી વાવને સાત મતવાલાં અને બસો જેટલાં પગથિયાં છે ! એ મતવાલાંને છેડે ગોળ કે ચોરસ બાંધેલો કૂવો રહેતો.

વિજયે તપાસ કરી. ત્રણ મતવાલાંની જૂની ને સાંકડી વાવ હતી. પણ હવે એમાં પાણી નહોતું. એણે પગથિયાં જોયાં. એ સાવ અવાવરુ નહોતાં. કદાચ આ જ વાવમાં દાણચોરોએ ટીકૂ, મીના, શીલા અને બકુલને કેદ કર્યા હશે !

એ ઝડપથી પગથિયાં ઊતરવા લાગ્યો. જેમ ઊંડો ઊતરતો ગયો એમ અંધારું વધવા લાગ્યું. અવાવરુપણાની અને જૂના પથ્થરોની એક ખાસ ભીની વાસ હોય છે. એ વાસથી એનું નાક ભરાઈ ગયું. છતાં એ ઊતરતો જ રહ્યો. અને ત્રણે મતવાલાં ઊતરી ગયો પછી કૂવો આવ્યો. એ પણ ખાલી હતો. કૂવા ફરતી એક પાળી બાંધવામાં આવી હતી. એક માણસ ચાલી શકે એવડી એ પાળી હતી. એમાં સામેની બાજુ એક બારી જેવું દેખાતું હતું. એ શું હશે ?

વિજયને યાદ આવ્યું કે જૂના જમાનામાં કેટલીક વાવો સાથે ભોંયરા પણ ગાળવામાં આવતાં. એની અંદર ઊતરીને પથ્થર આડો કરી દો એટલે કોઈને ખબર ન પડે કે અહીં પોલાણ હશે !

વિજયે પેલી પાળી પર ધીરે ધીરે ચાલવા માંડ્યું. સૂકા કૂવાનું તળિયું એ પાળીથી પાંચેક મીટર નીચે હતું. જો પાળી તૂટે તો પોતે તળિયે જઈ પડે. પણ વિજયને લાગતું હતું કે એવો ડર રાખવાની જરૂર નથી. પેલા દાણચોરો જરૂર આ પાળી પર દરરોજ દરરોજ આવ-જા કરતા હશે. સામે દેખાતા ગોખલાની પાછળના ભાગમાં જ ક્યાંક તેઓ દાણચોરીનો માલ સંઘરતા હશે.

એણે પાળી પૂરી કરી. પેલા ગોખલામાં પેઠો. અંદર અંધારું હતું. આંખો એ વાતાવરણથી ટેવાય એ માટે એ ઘડીભર ઊભો રહ્યો.આંખો મીંચીને ઉઘાડી. ચાર કદમ લાંબો-પહોળો એક ઓરડો હતો. અને સામે જ એક બારણું હતું ! મજબૂત લાકડાના એ બારણાને તાળું લગાડેલું હતું !

જલદી જલદી બારણા નજીક પહોંચીને એણે બૂમો પાડવા માંડી : ‘ટીકૂ ! મીના ! શીલા ! બકુલભાઈ ! તમે અંદર છો ?’

‘હા, અમને અહીં પૂરી દીધાં છે, વિજયભાઈ !’ અવાજ ટીકૂનો હતો.

‘અચ્છા ! હવે થોડી જ વારમાં તમને છોડાવું છું ! બારણાથી જરાક છેટાં રહેજો !’

આમ કહીને વિજયે જલદી જલદી આજુ-બાજુ નજર ફેરવી. એ ઓરડો સાવ ખાલી હતો. એટલે એ વળી પાછો બહાર નીકળ્યો. પગથિયાંઓની બાજુમાં કેટલાય તૂટેલા પથ્થરો હતા. એમાંથી એક ખાસ્સો મોટો પથ્થર ઊંચકીને એ પાછો ગોખલામાં પેઠો. પેલા તાળા ઉપર હમ્મ હમ્મ કરતાં એણે પથ્થર મારવા માંડ્યો. એક, બે, ત્રણ... છ ઘા મારતાં તો તાળું તૂટી ગયું. બારણું એક ધમાકા સાથે ઊઘડી ગયું. વિજય કૂદીને એ બારણાની અંદર પેઠો. અંદર રહેલાં છોકરાં એને ભેટી પડ્યાં.

અને ત્યારે જ એક ભયંકર ઘટના બની ગઈ. વિજયે જે જોરથી પથ્થર વીંઝેલા એને કારણે પેલા બારણાની ઉપરનો આડો પથ્થર તૂટી પડ્યો. ધમધમાધમ કરતાં કંઈ કેટલાય પથ્થરોનો ઢગલો બારણામાં જ થઈ ગયો. પછી તો સદીઓથી તોળાઈ રહેલી ભોંયરાની છત પણ તૂટી પડી ! એ તરફથી પાછાં વળવાનો માર્ગ જ બંધ થઈ ગયો !

આ બધું ઘડીના છટ્ઠા ભાગમાં બની ગયું. અંદર પૂરાયેલાં પાંચે જણ કશું સમજે તે પહેલાં તો વાવ તરફનો રસ્તો જડબેસલાખ પુરાઈ ગયો !

વળી પાછો એ જ સવાલ સૌનાં મનમાં ઊગી નીકળ્યો : હવે શું ?

થોડી ઘડી તો તદ્દન ડઘાઈ ગયેલાં પાંચે જણ એ સવાલને મનમાં ને મનમાં વાગોળતાં રહ્યાં.

પછી વિજયે પહેલ કરી. એ બોલ્યો, ‘આ વાવની અંદર બનાવેલું ભોંયરું ખાલી આટલું ટૂંકું ન હોઈ શકે. પહેલાંના જમાનામાં આવાં ભોંયરાં કોઈક બીજા સાથે જોડાતાં હતાં. એટલે આપણે તપાસ કરીએ કે આ ભોંયરુંય ક્યાંય નીકળે છે કે નહિ !’

ટીકૂ પાસે ટોર્ચ હતી. એ લઈને વિજય આગળ ચાલ્યો. એની પાછળ ટીકૂ, મીના અને શીલા ચાલ્યાં. બકુલ છેક પાછળ રહ્યો. એકની પાછળ એક એમ એ લોકો એક સાંકડી નેળમાં ચાલવા લાગ્યાં.

રસ્તામાં છોકરાંઓએ કહ્યું કે, દાણચોરો સલીમ અને બીજલ બીજી વાર આવ્યા હતા. ભોંયરામાં મૂકેલો બધો માલ ઊઠાવી ગયા હતા. જતાં જતાં કહી ગયા હતા કે, અમે દૂર પાકિસ્તાન જઈને કાગળ લખીશું કે તમને ક્યાં પૂર્યાં છે. ત્યાં સુધીમાં તમે મરી જાવ તો તમારાં નસીબ !

વિજયે પોતાના અને ફાલ્ગુનીના સાહસની વાત કરી. જણાવ્યું કે કદાચ ફાલ્ગુનીએ પોલીસને કહીને દાણચોરોને પકડાવી પણ દીધા હશે.

ભોંયરું તો અનંત લાગતું હતું. અંદર અંધારું ઘોર હતું. ટોર્ચ વગર તો આગળ વધાય જ નહિ. અહીં તહીં દીવાલોના પથ્થર ખવાઈ ગયા હતા. દરિયો નજીક જ હતો. એનાં ખારાં પાણીની આ અસર જણાતી હતી.

લગભગ બે કલાક સુધી આવી સાંકડી, અંધારી અને ગંધાતી ગલીમાં ચાલ્યા પછી એ લોકો ઊંચે ચડવા લાગ્યાં. પાકાં બાંધેલાં પગથિયાં હતાં.

લગભગ બસો પગથિયાં ચડ્યા પછી સામે પ્રકાશ દેખાયો. પાંચેય જણ હર્ષના પોકારો કરી ઊઠ્યાં. પોતે ક્યાં આવ્યાં છે એની ખબર નહોતી, પરંતુ ભોંયરાનો બીજો છેડો પણ છે અને તે સૂરજપ્રકાશવાળી જગાએ નીકળે છે એ પણ ઓછા આનંદની વાત નહોતી.

એ પ્રકાશ જોઈને સૌના જીવમાં જીવ આવ્યો. ઘડીભર તો સૌ ડરી ગયેલાં કે આ ભોંયરાનો કદાચ અંત જ નહિ આવે. પણ એનો અંત આવ્યો એથી સૌ ઉત્સાહમાં આવી ગયાં. બબ્બે-ત્રણત્રણ પગથિયાં કૂદીને તેઓ ઉપર ચડવા લાગ્યાં.

ભોંયરામાંથી સૌપ્રથમ બહાર નીકળ્યું વિજયનું મસ્તક. અને એણે જે જોયું તેથી તો આભો બનીને ઊભો જ રહી ગયો ! એની આંખો ચકળવકળ આજુ-બાજુ ફરવા લાગી.

એને ભોંયરાના મોંમાં જ થંભી ગયેલો જોઈને પાછળ આવી રહેલો ટીકૂ બોલી ઊઠ્યો, ‘કેમ થંભી ગયા, વિજયભાઈ ? કાંઈ ભૂત-બૂત જોયું કે શું ? કે આંખો અંજાઈ ગઈ ?’

ટીકૂની ટીકાએ વિજયને સાવધાન કરી દીધો. એ કૂદકો મારીને ભોંયરા બહાર નીકળ્યો. એ કહે, ‘જરા તમે સૌ બહાર નીકળીને જુઓ કે હું કેમ નવાઈ પામી ગયો હતો !’

એક પાછળ એક, એમ સૌ ભોંયરાની બહાર નીકળ્યાં. જેમ નીકળતાં ગયાં તેમ સૌ વિજયની જેમ જ નવાઈ પામતાં ગયાં. કારણ કે એ લોકો નીકળી પડ્યાં હતાં બરાબર એ જ ભોંયરામાં કે જે દિનકરકાકાએ શોધી કાઢ્યું હતું ! પેલે દિવસે ખંડિયેરનું ખોદકામ કરવા ગયેલા કાકાને શોધતાં તેઓ આવેલાં અને એમને એકાએક આ ભોંયરામાંથી નીકળતા જોઈને તેઓ ચોંકી ગયેલાં.

‘આનો અર્થ તો...’ ટીકૂ બોલી ઊઠ્યો.

વિજય કહે, ‘આનો અર્થ એ જ કે આ ખંડેરમાંથી જ આ ભોંયરું છેક સામે પારના ટાપુ ઉપર પહોંચે છે !’

બકુલ કહે, ‘આ તો અદ્દભુત શોધ કહેવાય !’

શીલા કહે, ‘પણ આપણે આ શોધની વાત પછી કરીશું. પહેલાં તો ગામ તરફ જઈએ અને જોઈએ કે મામાનું શું થયું ! સલીમ અને બીજલ પકડાયા કે નાસી ગયા ? અને ફાલ્ગુનીબેન સલામત છે કે મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે ?’

વિજય કહે, ‘આપણે દિનકરકાકાને પણ મળવું જોઈએ. ચાલો, સોમજીના મહેલ પાસે થઈને ભાટિયા તરફ જઈએ.’

એટલે સૌ ઉતાવળે ડગલે સોમજીના મહેલ તરફ ચાલ્યાં. પણ ત્યાં જઈને જોયું તો બારણે તાળું છે. એટલે કે ફાલ્ગુનીને લઈને કાકા ભાટિયા ગયા હશે. સૌએ ગામ તરફ ચાલવા માંડ્યું. સૌની ચાલ ઉતાવળી હતી. ટીકૂ અને મીના તો રમતિયાળ ગલૂડિયાંની જેમ દોડતાં જ હતાં.

આમ ઉતાવળી ચાલે તેઓ સોભાગચંદ મામાને ઘેર પહોંચ્યાં ત્યારે ત્યાં પોલીસ પહેરો બેસી ગયો હતો ! બહાર બે પોલીસવાળા રોન મારતા હતા અને બીજા થોડાક અંદર જડતી લેતા હોય એમ લાગ્યું.

બકુલે પૂછ્યું, ‘શું દાણચોરો પકડાઈ ગયા ?’

પોલીસવાળા કહે, ‘હા. ઇન્સ્પેક્ટર સાહેબે એમને અને એમનો દાણચોરીનો માલ સંઘરનાર એક વેપારીને હવાલાતમાં પૂરી દીધા છે. પણ તમે કોણ છો ?’

બકુલ કહે, ‘મારું નામ બકુલ છે.’

એ સાંભળતાં જ પોલીસવાળાની આંખ ચમકી ઊઠી. એણે બીજા પોલીસવાળાને ઇશારો કરી દીધો. બંનેએ મળીને બકુલનાં બેય બાવડાં પકડી લીધાં અને કહ્યું, ‘પેલો સોભાગચંદ કહેતો હતો કે તું તો ભાગીદાર છે, જુવાન ! હવે તને જવા નહિ દઈએ.’

બકુલ કહે, ‘તમારા ઇન્સ્પેક્ટરને બોલાવો. મારે એમની સાથે કશીક વાત કરવી છે.’

‘ભલે. ઇન્સ્પેક્ટર સાહેબ આ મકાનની અંદર જ છે. જડતી લે છે.’

બકુલે પૂછ્યું, ‘ફાલ્ગુની અને પ્રોફેસર સાહેબ ક્યાં છે ?’

‘એ તો છોકરાંઓને શોધવા પેલા બેટ ઉપર ગયાં છે.’

બકુલ કહે, ‘બેન શીલા ! તું અને વિજય ને બધાં જાવ અને એમને કહો કે આપણે સૌ સલામત રીતે છૂટી આવ્યાં છીએ.’

એ સાંભળતાં જ શીલા પોક મૂકીને રડી પડી. ‘ભાઈ ! તમે સલામત કહો છો, પણ આપણે ક્યાં સલામત છીએ ? મામા પકડાતાં પહેલાં જરૂર તમને કશાકમાં ફસાવતા ગયા છે !’

બકુલ કહે, ‘બેન ! તું રડ મા ! ચિંતા ન કર ! સાચને કદી આંચ આવતી નથી. હું નિર્દોષ છું અને નિર્દોષ પુરવાર થઈશ.’

એટલામાં ઇન્સ્પેક્ટર બહાર આવ્યા. બહુ ભલા માણસ હતા. એમણે કહ્યું, ‘છોકરાંઓ ! તમે ખૂબ બહાદુરીનું કામ કર્યું છે અને એ માટે તમને સરકાર ઇનામ આપશે. પણ હવે વળી પ્રોફેસરને અને પેલી બેબીને શોધવા માટે તમારે બેટ તરફ દોડવાની જરૂર નથી. અરે, બલવીર ! કરસન ! તમે બંને જાવ અને પ્રોફેસરને અને પેલી બહાદુર બેબીને બોલાવી લાવો. કહેજો કે આ છોકરાંઓ સલામત આવી ગયાં છે. અને જુઓ ! જીપ લઈને જાવ ! એ છોકરીએ પણ કંઈ દોડા કર્યાં છે રાતભર ! ધન્ય છે તમને, બાળકો !’

બે પોલીસવાળાને આ રીતે રવાના કરીને ઇન્સ્પેક્ટર બકુલ તરફ વળ્યા. એને પકડી રાખનાર પોલીસવાળાઓને કહ્યું, ‘છોડી દો એને ! એ ગુનેગાર નથી ! એ જો દાણચોરોનો મળતિયો હોત તો દાણચોરોએ એને આ છોકરાંઓ સાથે કેદ કર્યો ન હોત ! હાં, જુવાન, જરા એ કહે કેતું આ મામલામાં કેવી રીતે ફસાઈ ગયો ?’

બકુલ કહે, ‘હું મારી વાત કહેવા ક્યારનો તલસતો હતો, પણ તક જ નહોતી મળતી. વાત એમ છે કે હું અને શીલા અનાથ બની ગયાં તે પછી હું કમાવા માટે દુબઈ ગયો હતો. ત્યાંની નિશાળમાં હું શિક્ષક બનેલો. બહેન શીલાને અહીં મામાને ઘેર મુકેલી. મને એમ કે મામાને કોઈ રાંધી આપનારું નથી અને શીલાને કોઈ વડીલ નથી. એટલે એ બેયનું ગાડું બરાબર ચાલશે. પરંતુ મામો તો કંસ નીકળ્યો. એણે દાણચોરીનો ધંધો શરૂ કરેલો. આ બાજુ શીલાને એણે એમ કહ્યું કે તારો ભાઈ આમાં સંડોવાયેલો છે. માટે કોઈને કશી વાત કરીશ તો તારો ભાઈ જેલમાં જશે. ત્યાં દુબઈમાં એણે એના સાગરીતો મારફત મને ધમકી અપાવી કે એના એજન્ટ તરીકે કામ નહિ કરું તો શીલાની સલામતી નથી !’

આટલું કહીને બકુલ એક ઘડી અટક્યો. એણે બહેન શીલાને પોતાની નજીક ખેંચીને એની પીઠ પસવારી. પછી આગળ કહ્યું, ‘હું એના ગોરખધંધામાં જોડવા માગતો નહોતો. એટલે પહેલાં તો શીલાને એના સકંજામાંથી છોડાવવાનું મેં નક્કી કર્યું. એ માટે દાણચોરોના જ એક જહાજ પર છુપાઈને હું અહીં આવ્યો અને મેં સંશોધન શરૂ કર્યું. પણ પહેલે જ દિવસે આ ટીકૂ મહારાજ અને ફાલ્ગુની સાથે અથડાઈ પડ્યો. પછીની કહાણી તો તમે સૌ જાણો કછો !’

ઈન્સ્પેક્ટર કહે, ‘સોભાગચંદ તો તારી સામે ઘણું બબડતો હતો, જુવાન ! પણ હું સમજી ગયેલો કે એ જૂઠું બોલે છે.’

આમ વાતો ચાલતી હતી ત્યાં જ જીપગાડી આવી પહોંચી. દિનકર કાકા અને ફાલ્ગુની એમાંથી કૂદી પડ્યાં. સૌ બાળકો એકબીજાંને ભેટી પડ્યાં. સૌનાં આનંદનો પર નહોતો. એમણે એક જબરદસ્ત સાહસ પાર પાડ્યું હતું.

‘અને અમે એક શોધ પણ કરી છે, દિનકરકાકા !’ વિજયે કહ્યું, ‘પેલા ટાપુઓ અને તમારા પેલા ખંડેરનો એક ભેદ પણ શોધી કાઢ્યો છે.’

દિનકરકાકા ઉત્સાહમાં આવી ગયા. ‘શો ભેદ ?’

વિજય કહે, ‘એ ખંડેરમાં જે ભોયરું તમે શોધી કાઢેલું એનો બીજો છેડો ટાપુ ઉપરની એક વાવમાં નીકળે છે. દાણચોરોએ ટીકૂ વગેરેને વાવ પાછળના ભોંયરામાં પૂરી દીધેલાં. પણ પછી એ રસ્તો પુરાઈ ગયો અને અમે ભોંયરામાં ફસાઈ ગયાં. આખરે એ ભોંયરાને બીજે છેડેથી અમે ખંઢેરમાં નીકળ્યાં !’

દિનકરકાકા કહે, ‘શાબાશ, છોકરાંઓ ! તમે એક મહાન ઐતિહાસિક શોધ કરી છે. એનું મહત્વ હવે તમને સમજાવું. આજથી હજારેક વરસ અગાઉ સોમનાથ મહાદેવનું મંદિર મહમ્મદ ગઝનવીએ ભાંગ્યું ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ સોલંકી હારીને ભાગેલો. ગઝનવી એની પાછળ પડ્યો હતો. છેક કચ્છના આ ભાટિયા ગામ સુધી ગઝનવીએ ભીમદેવનો પીછો કર્યો. પણ પછી ભીમદેવ ગુમ થઈ ગયો.ગઝનવીએ અહીંનો ઈંચેઇંચ ખોળી નાખ્યો. પણ ભીમદેવ ન મળ્યો. એ ક્યાં અને કેવી રીતે ગયો હશે એ હવે સમજાય છે.’

ટીકૂ બોલી ઊઠ્યો, ‘એ પેલા ટાપુ ઉપર પહોંચી ગયા હશે !’

‘વાહ ટીકૂ મહારાજ ! તમે બરાબર શોધ કરી !’ દિનકરકાકાએ કહ્યું અને સૌ હસી પડ્યાં.

સૌના આનંદનો પર નહોતો. ગઈ આખી રાતની દોડધામનો થાક પોતાની જીતના અને અનોખી શોધના આનંદમાં ક્યાંય ડૂબી ગયો હતો !

(સંપૂર્ણ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED