Bhoyrano Bhed - 1 books and stories free download online pdf in Gujarati

ભોંયરાનો ભેદ - 1

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

( કિશોર સાહસકથા, ૧૯૮૨ )

પ્રસ્તાવના

ગુજરાતી બાલસાહિત્યે અનેકઅનેક અવનવાં ક્ષેત્રો ખૂંદી નાખ્યાં છે. બાળસાહિત્યમાં પરીકથા તો હોય જ. હાસ્યકથા, ચાતુરીકથા, પ્રાણીકથા વગેરેના ક્ષેત્રે પણ એણે ખૂબ જ ગતિ ને પ્રગતિ કરી છે.

પરંતુ ઘણાં વરસોથી સારા કિશોર સાહિત્યની આપણે ત્યાં ખોટ વર્તાયા કરી છે. સાહસકથા, વિજ્ઞાનકથા, રહસ્યકથા, પ્રવાસકથા વગેરે કિશોરો માટેના વાર્તાપ્રકારો છે. એ દિશામાં ૧૯૬૮માં શ્રી યશવન્ત મહેતાએ ‘કુમારકથામાળા’ આપી તે એક પ્રયોગ હતો. એ જ શ્રેણીમાં ‘ગ્રહોનો વિગ્રહ’ જેવી મૌલિક વિજ્ઞાનકથા પણ હતી. આમ છતાં, ગુજરાતી ભાષામાં સારા કિશોર સાહિત્યની ખોટ રહ્યા કરી છે તે જાણીતી વાત છે.

આ પુસ્તકોમાં ૧૨ થી ૧૬ વરસના કિશોરવાચકોને અને એથી આગળ વધીને વીસેક વર્ષ સુધીના તરુણોને પણ રસ પડે એવા વિષયો પરની કથાઓ આપી છે. જેમને માટે આ કથાઓ પ્રગટ કરીએ છીએ તેઓ પોતાને આ કથાઓ કેવી લાગી એ લખી જણાવશે તો ગમશે. અને વડીલો, શિક્ષકો, વિવેચકોનું માર્ગદર્શન પણ આવકાર્ય જ બનશે.

‘ભોંયરાનો ભેદ’માં સાહસિક ભાઈ-બહેનો વિજય, ફાલ્ગુની, મીના અને ટીકૂ એમના ઇતિહાસકાર કાકાને કચ્છના એક ખંડેરના સંશોધનમાં મદદ કરવા ગયાં છે. ત્યાં તેમને શીલા અને એના મામાનો પરિચય થાય છે. એક દિવસ દરિયે નહાવા ગયેલા વિજય અને ટીકૂ ઉપર એકાએક એક હોડી ધસી આવે છે. હોડીના એક ખલાસી પાસેથી એક નવું નક્કોર ઘડિયાળ સરકી પડે છે. ટીકૂને લાગે છે કે આ લોકો દાણચોરો હશે. પછી તો સૌને ખાતરી થાય છે કે એ દાણચોરો જ છે.

- અને પછી શરૂ થાય છે પાંચ સાહસિક બાળકો અને ખૂંખાર દાણચોરો વચ્ચેની એક અજબ સંતાકૂકડીની રમત, જેને અંતે અજાયબ ઐતિહાસિક ભેદ ખુલ્લો પડે છે.

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ કિશોર ઉપન્યાસ શ્રેણીનું આ પુસ્તક વાંચ્યા વગર કોઈ જ કિશોર-કિશોરીને નહિ ચાલે !

*******************

પ્રકરણ – ૧ : સોમજીનો મહેલ

ફેબ્રુઆરીના અંતમાં દરેક છાપામાં એક સમાચાર હતા : કચ્છને કાંઠે પ્રાચીન સંસ્કૃતિના મળેલા અવશેષ.

ભુજ, તા. ૨૭

કચ્છની ધરતીની પ્રાચીનતાનો એક વધુ પુરાવો મળ્યો છે. પ્રાચીન અવશેષોનું સંશોધન કરતા પ્રા. દિનકર વ્યાસને અત્રેથી ૪૦ કિલોમીટર દૂર એક પથરાળ અને કાદવિયો કાંઠો ધરાવતા સોમજીની ખાડી નામના સ્થળે કેટલાક ઘણા પુરાણા અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો દોઢ-બે હજાર વર્ષ જૂની કોઈક દરિયાઈ સંસ્કૃતિના હોવાનું પ્રા. વ્યાસનું અનુમાન છે. પ્રા. વ્યાસ દરિયાકાંઠાના એક ભાયાતના મહેલમાં હેડ ક્વાર્ટર રાખીને પોતાની સંશોધનકામગીરી આગળ ધપાવી રહ્યા છે. આ પત્રકાર સાથેની એક મુલાકાતમાં પ્રા. વ્યાસે જણાવ્યું હતું કે સંશોધન આગળ વધતાં કેટલાંક આશ્ચર્યજનક સત્યો જાહેર થવાની શક્યતા છે.....

***

‘એય મીના !’

‘શું છે, ફાલ્ગુની ?’

‘લે, જરા આ છાપું વાંચ !’

‘છટ્ ! મને અત્યારે છાપું વાંચવાની ક્યાં ફુરસદ છે ? જોતી નથી, હજુ તો છ વિષયોનું પુનરાવર્તન બાકી છે અને પરીક્ષાઓ તો માથે ગાજે છે ! છાપાં વાંચ્યા કરું તો પહેલો નંબર ક્યાંથી આવે ?’

મીનાની આવી વાત સાંભળીને ફાલ્ગુનીએ નાકનું ટીચકું ચડાવ્યું. ચૂપચાપ બાજુના ઓરડામાં ચાલી ગઈ.

ત્યાં વિજય અને ટીકૂ બેઠા હતા. ફાલ્ગુની એમની સાથે વાત કરવાનો લોભ ટાળી ન શકી. ‘વિજય !’ એણે કહ્યું, ‘જો, આ છાપામાં આપણા કાકાના સમાચાર આવ્યા છે !’

વિજય એકદમ ખુરશીમાંથી કૂદ્યો. ‘એમ ? ક્યાં છે ? બતાવ ને જરા !’

નાનકડો ટીકૂ ચિત્રવાર્તામાં મોં ઘાલીને બેઠો હતો. કાકાના સમાચાર સાંભળવા એ પણ કાન માંડીને ઊભો થઈ ગયો. ફાલ્ગુનીએ કચ્છવાળા સમાચાર મોટેથી વાંચી સંભળાવ્યા. એ સાંભળીને બંને છોકરા ઘડીભર તો ચૂપ થઈ ગયા.

પછી ટીકૂ બોલી ઊઠ્યો, ‘ફાલ્ગુની બેન ! આપણે કાકા પાસે જઈએ ?’

ફાલ્ગુની કહે, ‘મનેય ત્યાં પહોંચી જવાનું તો બહુ જ મન છે, પણ મૂઈ પરીક્ષા આવે છે એનું શું ?’

વિજયે ડોકું ધુણાવતાં કહ્યું, ‘પરીક્ષા તો આપવી જ પડે. એટલે આપણે એમ કરીએ : કાકાને કાગળ લખીને પુછાવીએ કે વેકેશનમાં અમે કચ્છ આવીએ કે કેમ ?’

ફાલ્ગુનીએ બંને હાથની ચપટીઓ વગાડતાં કહ્યું, ‘શાબાશ ! ફક્કડ વિચાર છે.’

ટીકૂએ પોતાના નાના શરીર પરની મોટેરી ખોપરી ધુણાવતાં કહ્યું, ‘હા, હા, ફક્કડ વિચાર છે.’

ટીકૂની આ આગવી રીત હતી. કોઈ બોલે તે પોતાને ગમે તો છેલ્લા થોડાક શબ્દો ફરી વાર બોલવા જાણે પડઘો પાડતો હોય તેમ....

****

ફાલ્ગુની, વિજય, મીના અને ટીકૂ ચારેય ભાઈબેન છે. ફાલ્ગુની સૌથી મોટી અને ટીકૂ સૌથી નાનો. ફાલ્ગુની સોળ વર્ષની છે અને બારમા ધોરણની પરીક્ષા આપવાની છે. ટીકૂ પાંચમા ધોરણમાં છે. વિજય દસમામાં અને મીના આઠમામાં છે. ફાલ્ગુની ભણવામાં પહેલો નંબર છે. વિજય ભારાડી અને સાહસી છે. મીના શરીરે જરાક ભારે અને આળસુ છે, પણ દિમાગ એનું તેજ છે. ટીકૂભાઈને ભણવા કરતાં વાર્તાઓમાં વધારે રસ પડે છે અને મનમાં ને મનમાં ડાકુ, બહારવટિયા, દાણચોરો ને ચાંચિયાઓ સામે પોતે જંગ ખેલતો રહે છે – જાણે પોતે ટારઝન કે ફેન્ટમ કે નવલશા હીરજી હોય !

પણ ચારેય જણનો એક શોખ સરખો છે. એમને રઝળવું ગમે છે. નવાં નવાં સ્થળોનાં પ્રવાસપર્યટન ગમે છે. નવું નવું જોવાજાણવાની એમને ઘેલછા છે.

એમને આવો રસ એમના કાકાએ લગાડ્યો છે. કાકા પ્રોફેસર દિનકર વ્યાસ ઈતિહાસ અને સંસ્કૃતિના વિદ્વાન છે. કૉલેજોમાં રજા પડે કે તરત ગુજરાતના અજાણ્યા ખૂણાઓમાં પહોંચી જાય છે. કદીક ખંડેરોમાં ભટકે છે. કદીક પાળિયા સાથે વાતો કરે છે. કદીક ભોંયમાં ભંડારાયેલા ભેદ ખોદી કાઢે છે.

કૉલેજોના વર્ગ ફેબ્રુઆરીની અધવચ સુધીમાં બંધ થઈ જાય. પછી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે અને પ્રોફેસરો નવરા પડી જાય.

આ વરસે પ્રોફેસર દિનકર કચ્છમાં ગયા છે. ત્યાં દરિયાકાંઠે એક ગામ છે. ગામનું નામ ભાટિયા છે. ત્યાં કચ્છના રાજાના એક કુટુંબીનો મહેલ બરાબર દરિયાકાંઠે આવેલો છે. બીજાં કેટલાંક ઘર છે. પ્રોફેસરને પેલો મહેલ રહેવા માટે મળ્યો છે. એમણે ત્યાં રહીને ગામ નજીકના ટેકરાઓનું ખોદકામ શરૂ કર્યું છે.

એમના સંશોધનને સફળતા મળી છે. છાપાંમાં સમાચાર આવ્યા છે અને છોકરાંઓ તેમને મળવા અધીરાં બની ગયાં છે.

આખરે સૌએ મળીને નક્કી કર્યું કે કાકાને પત્ર લખવો : પરીક્ષાઓ પૂરી થતાં જ અમે તમને મળવા આવી રહ્યાં છીએ !

***

પરીક્ષાઓ પતી ગઈ એટલે ચારેય ભાઈબેને બેગ-બિસ્તરા તૈયાર કર્યા. વહેલામાં વહેલી બસ પકડીને તેઓ ભુજ પહોંચી ગયાં. ત્યાંથી એક ખટારા જેવી બસ ભાટિયા તરફ જતી હતી. કાચા રસ્તા અને ઘૂઘરાની જેમ ખખડતી બસનો પ્રવાસ કરતાં ચારે ભાઈબેન ભાટિયાના બસ સ્ટેન્ડ ઉપર ઊતર્યાં.

આજુબાજુ નજર કરી. નાખી નજર પહોંચે ત્યાં સુધી ખેતરો જ ખેતરો દેખાતાં હતાં. બેએક કિલોમીટર દૂર ઝાડનાં ઝૂંડ દેખાતાં હતાં. એ જ ભાટિયા ગામ હશે એવું નક્કી કરીને છોકરાંઓ તે દિશામાં ચાલી નીકળ્યાં.

વાતો કરતાં, નવી નવી વનસ્પતિ જોતાં અને ગમ્મત કરતાં રસ્તો કપાઈ જતો હતો. ગામ નજીક જણાતું હતું, પણ કોઈ મહેલ જેવું મકાન ક્યાંય નજરે ચડતું નહોતું.

એટલે વિજયે કહ્યું, ‘આપણે હવે રસ્તે દેખાતા કોઈ માણસને મહેલનો રસ્તો પૂછવો જોઈએ.’

ફાલ્ગુની કહે, ‘એ તો બરાબર, પણ કોઈ માણસ દેખાય તો પૂછીએ ને !’

પણ આખરે એક માણસ દેખાયો પણ ખરો. એ પોતાના ખેતરમાં પાણીની સીંચાઈ માટે ધોરિયા બનાવતો હતો. એ ખેતરની વાડ નજીક ઊભાં રહીને વિજયે પૂછ્યું, ‘એ ભાઈ ! આ ગામમાં એક રાજમહેલ છે ને ?’

ખેડૂત ઘડીભર તો હાથ ઉપરથી માટી ઉખાડતો ઊભો રહ્યો. પછી બોલ્યો, ‘તમે સોમજી જાડેજાના મહેલની વાત કરો છો ?’

વિજય કહે, ‘એ કોનો મહેલ છે એની તો અમને ખબર નથી. પણ અમારા કાકા થોડા દિવસથી ત્યાં રહેવા આવ્યા છે.’

ખેડૂતે એકદમ માથું ધુણાવવા માંડ્યું. એ બોલ્યો, ‘હા, હા, એક ચશ્માંવાળા સાહેબ ત્યાં આજકાલ દેખાયા છે ખરા. પણ એ મહેલમાં એ ઝાઝા દિ’ નહીં ટકે.’

ફાલ્ગુની બોલી ઊઠી, ‘એવું કેમ બોલ્યા, ભાઈ ? કાકા ઝાઝા દિવસ કેમ નહીં ટકે ?’

ખેડૂત કહે, ‘એ તો ભૂતિયો મહેલ છે ! છેક દરિયાને કાંઠે છે. વળી થોડાં વરસ અગાઉ દાણચોરોની એક ટોળકીએ ત્યાં અડ્ડો જમાવેલો. કહે છે કે મહેલના ભૂતે એમનેય ભગાડી મૂકેલા !’

પણ ફાલ્ગુની આવી વાતોથી ડરે શાની ? એ તો વિજ્ઞાનની વિદ્યાર્થીની છે. એ બોલી, ‘અમે ભૂતપ્રેતમાં માનતાં નથી ! તમે જોજો ને, મહેલનાં ભૂતડાં અમને જોઈને ભાગી જશે. જરા એ મહેલનો રસ્તો બતાવશો ?’

ખેડૂત કહે, ‘હા, હા. જુઓ, અહીંથી આગળ જઈને જમણી બાજુ વળજો. પછી ડાબી બાજુ. એ પછી એક કેડી આવશે. કેડીએ કેડીએ ચાલશો એટલે સોમજીની ખાડી આવશે. ત્યાં એક મોટું મકાન દેખાશે...’

ખેડૂતનો આભાર માનીને ચારેય ભાઈબેન આગળ ચાલવા લાગ્યાં.

રસ્તામાં વિજયે કહ્યું, ‘કાકાએ એમના કાગળમાં ભૂતપ્રેતની તો વાત જ નહીં લખેલી !’

ફાલ્ગુની કહે, ‘એમને તો ખંડેરોમાં જ રસ પડે છે. ભૂતો અને દાણચોરોમાં એમને કશો રસ નહિ !’

આમ વાતો કરતાં તેઓ ચાલતાં હતાં ત્યાં એક મોટું મકાન દેખાયું. પથ્થરનું બાંધેલું એ મકાન ખખડધજ હતું. અને વળી એકાંતમાં આવેલું હતું. મકાનની આગળ વંડી ચણી લીધેલી હતી. એમાં વચ્ચે લોખંડનો ઝાંપો હતો. મકાનમાં હાલ કોઈ હિલચાલ જણાતી નહોતી.

વિજય કહે, ‘મને તો લાગે છે કે આ જ સોમજી જાડેજાનો મહેલ હશે.’

મીના બોલી, ‘કેવું ભેંકાર મકાન લાગે છે ! હું તો એને જોતાં જ ધ્રૂજવા લાગી છું. !’

ફાલ્ગુની કહે, ‘તમે ત્રણે જણ આ ઝાડને છાંયડે ઊભાં રહો. હું તપાસ કરી આવું કે કાકા અહીં જ રહે છે ને !’

આમ કહીને ફાલ્ગુની પેલા ઝાંપામાં પેઠી. ઝાંપાની અંદર પથ્થરની પગથી હતી. એની ઉપર ધીમે ધીમે ચાલતી એ મકાન તરફ ચાલવા લાગી.

એકાએક એ અટકી ગઈ. નજીકના એક ઝાડને છાંયડે એક છોકરી ઊભી હતી. પંદરેક વરસની હશે. દૂબળી-પાતળી હતી.

એ જ વેળા એ છોકરીએ પણ ફાલ્ગુનીને જોઈ. એ દોડતી દોડતી ફાલ્ગુની સામે આવીને ઊભી રહી અને કહેવા લાગી : ‘તમે કોણ છો ? ક્યાંથી આવ્યાં ? કેમ આવ્યાં ?’

ફાલ્ગુની પણ એ જ સવાલો પૂછવા માગતી હતી. પણ પેલી છોકરીએ પહેલાંથી એ પૂછી લીધા. એટલે એણે જવાબ આપ્યો, ‘હું અમદાવાદથી આવું છું. મારું નામ ફાલ્ગુની વ્યાસ. મારા કાકા અહીં રહેવા આવ્યા છે. શું આ મકાન સોમજી જાડેજાનો મહેલ છે ?’

છોકરી કહે, ‘ના. મહેલ નથી. મહેલ આવો ન હોય. તમને શહેરના લોકોને એની ખબર ન પડે એ સમજાય એવી વાત છે. આ ઘર તો મારા મામા સોભાગચંદનું છે.’

છોકરી શરમાતાં અને અચકાતાં આટલું બોલી. કોણ જાણે કેમ, ફાલ્ગુનીને એ છોકરી પહેલી જ નજરે ગમી ગઈ. એ બોલી, ‘અમે થોડા દિવસ અહીં રહેવાનાં છીએ. આપણે સાથે ફરીશું.’

છોકરી કહે, ‘ભલે. મારું નામ શીલા છે. હું તમને મળવા આવીશ.’

ફાલ્ગુની ચાલી. એ વિચાર કરતી હતી : આ છોકરીએ અમને પોતાને ઘેર આવવાનું કેમ ન કહ્યું ? એ આટલી બધી શરમાતી અને અચકાતી કેમ હતી ? છોકરી આમ દૂબળીપાતળી અને બીધેલી કેમ લાગતી હતી ? મારી સાથે વાતો કરતાં કરતાં એ ચારે બાજુ આંખો કેમ ફેરવતી રહેતી હતી ?

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED