Bhoyrano Bhed - 7 books and stories free download online pdf in Gujarati

ભોંયરાનો ભેદ - 7

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૭ : હવે શું કરીશું ?

શીલા ઉતાવળે ચાલતી હતી. ટીકૂ એને કહી ગયો હતો કે બરાબર દસ વાગે અમારે ઘેર આવજે. પણ મામાના ઘરનું કામકાજ પરવારતાં ઠીક ઠીક વાર લાગી ગઈ હતી. એ સમયસર જઈને ફાલ્ગુની, વિજય, મીના અને ટીકૂને મળવા માગતી હતી.

એના પગ ઉતાવળે ચાલતા હતા અને મગજ એથીય વધુ ઉતાવળે ચાલતું હતું. ટીકૂએ કહ્યું હતું કે પરોઢિયામાં દરિયાકાંઠે એક જુવાન ભટકાઈ ગયો હતો અને એણે કહ્યું હતું કે, મારે શીલાને મળવું ખૂબ જ જરૂરી છે ! કોણ હશે એ જુવાન ? મને શા માટે મળવા માગતો હશે ? મને શું પૂછશે ? – આવા વિચારોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એની ખબર પણ ન પડી. એ જ્યારે ચારેય સાહસિક દોસ્તોને મળી ત્યારે એ લોકો પણ જાણે શીલાના જ વિચારોના પડઘા પાડી રહ્યાં હતાં. ફાલ્ગુની બોલતી હતી, ‘એ ભેદી જુવાન હશે કોણ ?’

ટીકૂ બોલ્યો, ‘મને તો લાગે છે કે એ કોઈ ડિટેક્ટિવ હશે.’

શીલા કહે, ‘પણ એ મને શા સારુ મળવા માગે છે ?’

ટીકૂ કહે, ‘એટલુંય સમજતાં નથી ? એ તમારા મામા વિશે પૂછપરછ કરવા માગતો હશે. મને તો લાગે છે કે આ લોકોની દાણચોરીની પોલ ખૂલી ગઈ છે.

ફાલ્ગુની કહે, ‘તમે લોકો હવે કલ્પનાઓ કરવાનું છોડો. દસ તો વાગી ગયા છે. એટલે હમણાં એ જાતે જ આવીને પોતાની ઓળખાણ આપશે.’

ફાલ્ગુની આમ બોલી તો ખરી, પણ એનાં વેણ ખોટા પડવા સર્જાયાં હતાં. કારણ કે એ જ વેળા એ જુવાન લપાતો-છુપાતો સોમજીના મહેલ ભણી આવતાં આગળની મેંદીની વાડ આગળ અટકી ગયો હતો.

એણે અટકી જવું પડે એવો મામલો હતો, કારણ કે છોકરાંઓ જે બારીમાં ઊભાં રહીને એની રાહ જોતાં હતાં એ બારીની નજીકના ગલગોટાના ગીચ ક્યારામાં એક બીજો માણસ છુપાયેલો હતો ! એ બીજો કોઈ નહીં, પણ ખારવો બીજલ હતો !

જુવાન એને જોતાં જ ચોંકી ગયો. એ બબડ્યો : અરે ! આ તો બીજલ ! જો એ મને અહીં જોઈ જાય તો તો બાજી ઊંધી જ વળી જાય. એના દેખતાં તો મારાથી શીલાને નહિ જ મળી શકાય.

હવે શું કરવું ?

જુવાન મેંદીની વાડ પાછળ છુપાઈને થોડીક વાર સુધી વિમાસણ કરતો રહ્યો. આખરે એને એક ઉપાય સૂઝ્યો...

આ બાજુ દસ ઉપર પંદરેક મિનિટ થઈ ગઈ, છતાં પેલો ભેદી જુવાન દેખાયો નહીં એટલે છોકરાંઓ જરાક અકળાઈ ગયાં હતાં. બાળપણ આમ પણ ચંચળ હોય છે. કોઈ પણ બાબતમાં ધીરજથી રાહ જોવાનો બાળકનો સ્વભાવ જ નહીં. એમાંય આ તો દાણચોરો સાથેની જોખમી સંતાકૂકડીનો મામલો ! ટીકુ બબડવા લાગ્યો, ‘હું તો માનું છું તે ડિટેક્ટિવ મહાશય આપણને ભૂલી જ ગયા...’

અને ત્યારે જ તડાક્ક...!

પથ્થર પર વીંટેલો એક કાગળ બારીની અંદર ઉડી આવ્યો જે બાજુથી એક પથ્થર આવ્યો હતો એ બાજુ બારીએ ધસી જઈને ફાલ્ગુનીએ નજર દોડાવી. એક માણસ મેંદીની વાર પાછળથી નીકળીને નીચો નમીને દૂર દૂર જઈ રહ્યો હતો. ફાલ્ગુની બોલી ઊઠી, ‘એ જ ! એ જ છે ! અમે પરોઢિયે જેને મળેલાં એ જ આ માણસ ! પણ એ અહીં આવવાનું ને શીલાને મળવાનું કહીને આમ બિલ્લીપગે ભાગ્યો કેમ ?’

વિજય કહે, ‘કદાચ એના ભાગવાનો ભેદ આ કાગળ લખ્યો હશે. જુઓ, પથ્થર તો એણે એની ચીઠ્ઠી આપણા સુધી પહોંચાડવા માટે જ વાપર્યો છે. એમાં કશોક સંદેશો હોવો જોઈએ.’

શીલા એ કાગળ સુધી પહેલી પહોંચી ગઈ. એણે કાગળ ઉખાળીને વાંચવા માંડ્યો અને બીજી જ ઘડીએ એનું મુખ હસું હસું થઈ ગયું, ‘એ જ છે... એ જ ! આ ચિઠ્ઠી મારા બકુલભાઈની છે ! ફાલ્ગુનીબેન, તમે પરોઢિયામાં જેને ભેટી ગયેલાં એ તો મારા મોટાભાઈ છે, બકુલભાઈ !’

ફાલ્ગુનીએ અધીરાઈથી પૂછ્યું, ‘એ બકુલભાઈ જ હતા તો પછી અહીં આવ્યા કેમ નહીં ? તને મળ્યા કેમ નહીં ? આ ચિઠ્ઠી...’

શીલા કહે, ‘આ ચિઠ્ઠીમાં એમણે કારણ લખ્યું જ છે, સાંભળો : મકાન ઉપર ચોકીપહેરો છે. હમણાં તને મળવા આવી શકાશે નહીં. આજે સાંજની વેળાએ જૂના ખંડિયેરો આગળ મળજે. ચૂપચાપ આવજે. બકુલ.’

આટલું વાંચતા જ શીલાના ગાલ ગુલાબી થઈ ગયા. એનો મોટો ભાઈ દેશમાં હતો. આજુબાજુમાં જ હતો. વહેલો મોડો એને મળવાનો હતો. વર્ષોથી પરદેશ ગયેલા ભાઈને મળવા કઈ બેન તલપાપડ ન હોય ?

વિજય કહે, ‘શીલા ! બકુલભાઈની ચિઠ્ઠી પરથી અને સવારે એમને જોતાં જ દાણચોરો ચાલ્યા ગયા એ પરથી એટલું તો ચોક્કસ લાગે છે કે એ દાણચોરોની ટોળીમાં ભળેલા નથી. જો એમનામાં ભળેલા હોય તો સીધા જ જઈને એમને કેમ ન મળે ?’

ફાલ્ગુની બોલી, ‘મને પણ એવું જ લાગે છે. અને એ દાણચોરીમાં પડેલા છે એવું તારા મામાએ ગપ્પું જ લગાવ્યું છે જેથી ભાઈની ભલાઈને ખાતર તું કદી મામાના કાળા કામની કોઈને ચાડી ન ખાય !’

શીલા કહે, ‘મને એમ જ લાગે છે, ફાલ્ગુનીબેન ! મને તો લાગે છે કે ભાઈએ દુબઈમાં શિક્ષકની નોકરી કરતાં કરતાં જ સોભાગચંદ મામાના દાણચોરીના ધંધાની ભાળ મેળવી લીધી હશે અને મને મામાની ચૂડમાંથી છોડાવવા આવ્યા હશે.’

એ વેળા ટીકૂ બારીને છેડે જઈને ઝીણી આંખે બહાર નિહાળી રહ્યો હતો. એ બોલી ઊઠયો, ‘બેન ! આ મકાન ઉપર કોઈ નજર રાખી રહ્યું છે એવી બકુલભાઈની વાત સાચી છે ! પેલા ગલગોટાના ઝુંડ પાછળ કોઈ છુપાઈ રહ્યું છે !’

ફાલ્ગુનીએ ગલગોટાના ઝુંડ ભણી નજર નાખી. એણે પણ છુપાયેલા માણસને જોયો. ‘અરે ! આ તો આપણો જૂનો અને જાણીતો ભાઈબંધ બીજલ છે ! એ આપણા પર નજર રાખતો લાગે છે. હું માનું છું કે શીલા ઘેરથી નીકળી કે તરત એની જાસૂસી કરવા બીજલ એની પાછળ પડી ગયો હશે ! અચ્છા ભાઈ ! ચાલો, તમનેય જાસૂસીની મજા ચખાડીએ !’

આમ કહીને ફાલ્ગુની એ ઓરડાના બીજી તરફના બારણા ભણી ચાલવા લાગી.

વિજય બોલી ઊઠ્યો, ‘અરે, તું શું કરવા માગે છે, ફાલ્ગુની ?’

ફાલ્ગુની હસતાં હસતાં તોફાની અવાજે બોલી, ‘શ્રીમાન બીજલકુમારને જરાક પાઠ ભણાવવો છે. પારકાં આંગણામાં પેસીને લપાવા-છુપાવા બદલ એમને થોડુંક ઇનામ આપવું છે !’

અને કોઈ એને રોકે તે પહેલાં તો ફાલ્ગુની બારણાની બહાર પણ નીકળી ગઈ. ઓરડામાં રહેલાં બાકીનાં ચારે જણ ધડકતે દિલે અને કુતૂહલથી રાહ જોવા લાગ્યાં કે બહાર શું થાય છે.

સોમજીના મહેલના એ તરફના આંગણામાં પાણીની એક મોટી ટાંકી હતી. વાસણ-કપડાં અને નહાવા-ધોવાનું એ ટાંકી આગળ જ ચાલતું. બગીચાને પાણી પાવા માટે પણ એ જ ટાંકી વપરાતી, અને એ માટે એક મોટી લાંબી રબરની નળી ત્યાં પડી રહેતી. ફાલ્ગુનીએ તે નળીનો છેડો ઉપાડીને ટાંકીની ચકલી સાથે જોડ્યો અને પછી ચકલી ચાલુ કરી...

ફરફરાટ કરતો પાણીનો એક મોટો ફુવારો છૂટ્યો. ફાલ્ગુનીએ નળીનો બીજો છેડો બરાબર ગલગોટાના ક્યારા તરફ જ રાખ્યો હતો. પરિણામે પાણીનો આખો ફુવારો એ ક્યારા પર જ વછૂટ્યો.

અને બીજી જ ઘડીએ ક્યારામાં છુપાયેલો બીજલ કપડાં પલળતાં બચાવવા માટે ઝડપથી બહાર ભાગ્યો. પણ આ ધરતી એને માટે અજાણી હતી. વળી, પાણીના મારને કારણે એને બરાબર દેખાતું પણ નહોતું. એટલે ક્યારાની પાળીની એક ઈંટ સાથે અથડાઈને એ ઊંધી કાંધે ગબડી જ પડ્યો ! કપડાં બચવાને બદલે ઊલટાનાં કાદવથી ખરડાઈ ગયાં અને એની ખલાસી ટોપી તો ઊડીને દસ કદમ દૂર પડી ! એને જાણે હમણાં જ જોયો હોય એમ ફાલ્ગુની મજાકભર્યાં અવાજે બોલી ઊઠી, ‘અરે, આ તો આપણા બીજલભાઈ છે ! અરે, બીજુભાઈ ! તમે અહીં શું કરો છો ? શું અમારાં ફૂલ સૂંઘતા હતા ? ભલા માણસ, જરા કહેવું તો હતું ! મને તો એમ કે આ ક્યારાને બે-ત્રણ દિવસથી પાણી નથી પાયું એટલે જરાક પાણી સીંચું ! લો, હવે દોડાદોડ ક્યાં ચાલ્યા ? રહો, રહો, ગમે તો ક્યારામાં સૂઈ જાઓ, પણ આમ ચોરની જેમ નહિ ! અમને કહીને તો તમારે આવવું જોઈએ ને...’

પણ ફાલ્ગુનીની એકેય વાત સાંભળવા બીજલ ઊભો જ શાનો રહે ? એ તો ઊભો થઈને, કાદવ ખંખેરતો અને વાળમાં ભરાયેલું પાણી ઝટકાવતો દોડ્યો. દૂર પડેલી ટોપી ઉપાડીને પારકી શેરીના કૂતરાની જેમ જાય ભાગ્યો !

બારીમાં ઊભાં ઊભાં તમાશો જોઈ રહેલાં ચારેય છોકરાં બીજલનો આ ફજેતો જોઈને શું હસે, શું હસે !

વિજય પોકારી ઊઠ્યો, ‘શાબાશ, ફાલ્ગુની ! તેં ઠીક એને નવડાવી નાખ્યો !’

ફાલ્ગુની બોલી, ‘હવે એ જરાક ઠરી પણ ગયો હશે. કદાચ ખો ભૂલી જશે આપણા પર જાસૂસી કરવાની !’

એ પછી ફાલ્ગુની પાછી ઓરડામાં આવી. એણે અને બાકીનાં સૌએ મળીને નક્કી કર્યું કે હવે શીલાને એના મામાને ઘેર જવા ન દેવી. આજે એ લોકોએ બીજલની જે વલે કરી હતી એનું વેર બીજલ અને સોભાગચંદ એ બિચારી મા-બાપ વગરની છોકરી પર વાળે એવો સૌને ડર લાગ્યો. વળી, સાંજે તો પેલાં જૂનાં ખંડેરોમાં જવાનું જ હતું, કારણ કે બકુલભાઈ ત્યાં મળવાના હતા. શીલા જો ઘેર જાય તો પાછાં સાંજે છટકી નીકળવાનું ન પણ બને.

***

બાકીનો દિવસ એ સૌએ વાતોમાં અને રમવામાં ગાળ્યો. વાતો એક જ વિષયની હતી. સોભાગચંદ અને એના સાગરીતોને જડબેસલાખ શી રીતે પકડાવી શકાય ? કશી સાબિતી વગર તો એ લોકો પોલીસને કશું પણ કહે તો કોઈ માને નહિ. એમને આશા હતી કે બકુલભાઈને મળ્યા પછી કશોક આગળનો રસ્તો નીકળી આવશે.

એવી આશામાં પાંચે જણાં નજીકનાં ખંડિયેરો તરફ ગુપચુપ ચાલી નીકળ્યાં. સાંજ પડી ચૂકી હતી. સૂરજ આથમી ગયો હતો અને રાતનાં અંધારાં આકાશમાંથી ધીરે ધીરે ઊતરીને ધરતી પર બિછાવા લાગ્યાં હતાં. જૂના ખંડિયેરોના થાંભલા-પથ્થરો અને ખાડા જાતજાતના બિહામણા આકાર ધારણ કરતા હતા. કાચાં-પોચાં અને વહેમી લોકો તો ડરી જાય એવું વાતાવરણ હતું. ચારેય બાજુ તમરાંના અવાજ સિવાય કશો અવાજ સંભળાતો નહોતો. પાંચેય દોસ્તો પગલાં પણ એવી રીતે માંડી રહ્યાં હતાં કે જેથી કશો મોટો અવાજ ન થાય.

ફાલ્ગુની ખૂબ જ ધીમા અવાજે બોલી, ‘બકુલભાઈ આખો દિવસ ક્યાંક છુપાઈ રહ્યા હશે. હવે અહીં સલામત આવી પહોંચે તો સારું.’

શીલાની ચિંતા જુદી જ હતી. ‘ભાઈએ દિવસભર ખાવા-પીવાનું શું કર્યું હશે ?’

તરત જ ટીકૂ બોલી ઊઠ્યો, ‘તમને છોકરીઓને ખાલી ચિંતા જ કરતાં આવડે. એથી આગળ તમારું ભેજું ચાલે જ નહિ ને ! જુઓ, આ શું છે !’

એમ કહીને એણે બગલમાં દબાવી રાખેલો એક ડબો આગળ ધર્યો. એમાં બકુલ માટે એણે નાસ્તો ભરી લીધો હતો.

‘શાબાશ, ટીકૂ મહારાજ !’ વિજય વખાણ કર્યા વગર રહી ન શક્યો. ‘અમારી સાહસ ટીમના મેનેજર તમને જ નીમીશું !’

સૌ આછું આછું મલકી રહ્યાં. મોટેથી તો હસવાનું નહોતું ને !

છોકરાંઓ આવી ચુપકીદીથી, આતુરતાથી અને બકુલને મળવાની આશાથી ચાલી રહ્યાં હતાં. પણ એમને ખબર નહોતી કે એમની બધી આશા ઉપર પાણી ફરવાનું છે. ટીકૂભાઈએ ખૂબ કાળજી રાખીને બકુલ માટે લીધેલો નાસ્તો પણ રઝળી જવાનો છે !

કારણ કે તેઓ ખંડેર સુધી પહોંચે તે પહેલાં તો બકુલ ખંડેરને સામે છેડે પહોંચી ગયો હતો. અને ત્યાં તે એકલો નહોતો ! ચાર દુષ્ટ આંખો એને એક ઝાંખરા પાછળથી ઝાંખી રહી હતી. એ આંખો સલીમ અને બીજલની હતી !

હા, ફાલ્ગુનીએ બીજલને પલાળી મૂક્યો છતાં એ ઠંડો પડ્યો નહોતો. એ તો ઊલટાનો વધારે ઝનૂને ચડ્યો હતો. સલીમને પણ બોલાવી લાવ્યો હતો. બંને જણે ચોરીછૂપીથી પાછા સોમજીના મહેલમાં પેસીને જાણી લીધું હતું કે છોકરાંઓ રાત ઊતરતી વેળા નજીકનાં ખંડેરોમાં જવાનાં છે અને ત્યાં બકુલને મળવાનાં છે. એટલે એ બંને દાણચોરો તો ક્યારનાય આવીને આ ઝાંખરાં પાછળ છુપાઈ ગયા હતા. બકુલ ત્યાં આવીને ઊભો ત્યારના તેઓ ગુસપુસ કરતા હતા.

સલીમ કહેતો હતો, ‘પણ બીજલ ! શેઠે તો કહ્યું છે કે આ છોકરાંઓ પર અને બકુલ પર નજર રાખજો. એટલે આપણે ખાલી નજર જ રાખવાની છે.’

પણ બીજલ આજ સવારના બનાવથી બળીઝળી ગયો હતો. કશીક નવાજુની કરી નાખવા એના હાથ સળવળી રહ્યા હતા. એ કહે, ‘ગધેડા ! તને કશી ભાન પડતી નથી. તને ખબર છે કે આ છોકરો બકુલ આપણે માટે કેટલો ભયંકર છે ? એ અગર પોલીસ પાસે પહોંચી ગયો તો પછી આપણી બધી જ બાજી ઊંધી વળી જશે ! એ એની બહેનને મળી લે એટલી જ વાર છે. પછી એ મરણિયો બની જશે. આપણે એ અગાઉ જ એને ચૂપ કરી દેવો જોઈએ. ચાલ, પકડીને ઘસડી જઈએ છોકરાને ! ચાલ ! હોશિયાર !’

એટલું કહીને એ ઝાંખરા પાછળથી દોડ્યો. સલીમ પણ નાછૂટકે એની પાછળ દોડ્યો. જાણે બે ડાઘિયા કૂતરા કોઈ બિલાડી ઉપર તૂટી પડે એમ બંને જણા બકુલ ઉપર તૂટી પડ્યા. એને જકડી લીધો.

બકુલ પહેલાં તો હેબતાઈ ગયો. એ તો પોતાની બહેનને અને એનાં ભાઈબંધોને મળવાની આશામાં ઊભો હતો. વહાલુડી નાનકડી બહેનને મળવું હતું. એને નજીકથી જોવી હતી. એની પીઠે હાથ ફેરવીને એને હિંમત આપવી હતી. એને નાલાયક સોભાગચંદ મામાના સકંજામાંથી છોડાવીને લઈ જવાની યોજના ઘડવી હતી.

પણ એણે દેશમાં પગલું જ કોઈ વિચિત્ર ચોઘડિયે મૂક્યું હશે. આજે પરોઢે પેલાં બે સાહસિક બાળકો એને વળગી પડ્યાં હતાં. અને અત્યારે આ બે દાણચોર ખલાસીઓના સકંજામાં એ સપડાયો !

એણે છૂટવા માટે ખૂબ મથામણ કરી, મારામારી કરી. બૂમો પાડી. પણ એ એકલો હતો અને સામે બે બળુકા ખલાસીઓ હતા. એ લોકો એને ઘસડી જવા લાગ્યા.

ચૂપચાપ અને ધીમે ડગલે ચાલતાં પાંચ સાહસિકોએ જ્યારે એની પહેલી બૂમ સાંભળી ત્યારે પહેલાં તો સૌ ચોંકી જ ગયાં. પણ બીજી જ ઘડીએ ખ્યાલ આવી ગયો કે બકુલ પેલા બીજલ અને સલીમના પંજામાં પડ્યો છે. તેઓ બધી જ કાળજીને કોરાણે મૂકીને દોડ્યાં...

પેલી બાજુ બીજલને અને સલીમને પણ ઉતાવળ હતી. એમને ખબર હતી કે પાંચ બાળકો ખંડેરો ભણી આવી રહ્યાં છે. એટલે એ લોકો બીજી કશી લપ્પનછપ્પનમાં પડ્યા વગર બકુલને દરિયાકાંઠા તરફ જ ઘસડવા લાગ્યા. ત્યાં એમની હોડી ઊભી હતી.

છોકરાંઓ ખંડેરો અને ઝાડી વટાવીને કાંઠા પર પહોંચ્યાં ત્યારે તો એમણે બકુલને હોડીમાં નાખી દીધો હતો. બીજલે એને જોર કરીને હોડીને તળિયે દબાવી રાખ્યો હતો અને સલીમે જોરજોરથી હલેસાં મારતો હતો. છોકરાંઓની ને એમની વચ્ચે બસોએક કદમનું છેટું હતું.

એ લોકોને દરિયે પહોંચી ગયેલા જોઈને ફાલ્ગુની નિરાશાથી બોલી ઊઠી : ‘હવે શું કરીશું ?’

(ક્રમશ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED