Bhoyrano Bhed - 4 books and stories free download online pdf in Gujarati

ભોંયરાનો ભેદ - 4

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૪ : કાણાંવાળી હોડી

ફાલ્ગુની, મીના, ટીકૂ, વિજય અને શીલા ખૂબ આનંદમાં હતાં. હંમેશા ભારે મોઢું રાખીને ફરતી શીલા પણ આ ચાર આનંદી દોસ્તોના સાથમાં જાસૂદના ફૂલની જેમ ખીલી નીકળી હતી. આખે રસ્તે વધારેમાં વધારે બોલતો હતો ટીકૂ. એ દિનકરકાકા વિશે, એમની શોધખોળ વિશે, એમના ઈતિહાસ વિશે અને કચ્છના કાંઠા ઉપર ચાલતી દાણચોરી વિશે ઉટપટાંગ વાતો બોલ્યે રાખતો હતો. એની બોલી જ એવી વાંકી કે સાંભળનારાને હસવું આવી જાય.

આખરે એ લોકો શીલાના ઘર પાસે આવી પહોંચ્યાં. એટલે એ બોલી : ‘ચાલો, થોડી વાર અમારે ઘેર બેસો. થાક ઉતારો અને કશોક નાસ્તો કરો.’

‘પણ તારા મામા...’ ફાલ્ગુની બોલવા ગઈ. શીલા એકદમ બોલી ઊઠી, ‘મામા તો તમને જોઈને ખૂબ રાજી થઈ જશે.’

એ લોકો બેએક કલાકથી ચાલચાલ કરતાં હતાં, એટલે જરાક થાક તો લાગ્યો જ હતો. એટલે વિજયે કહ્યું, ‘ચાલો ત્યારે, શીલાનું ઘર પણ જોઈ લઈએ.’

ઘર ઠીક ઠીક મોટું હતું. સારી પેઠે સજાવેલું પણ હતું. એના રાચરચીલા પરથી, બારીબારણાંના પરદા પરથી અને ભીંતો પર ટાંગેલાં ચિત્રો પરથી લાગતું હતું કે શીલાના મામા સોભાગચંદની આવક સારી હશે.

શીલા ચારે દોસ્તોને એક મોટા ઓરડામાં દોરી ગઈ. ત્યાં એક મોટાં ટેબલ ફરતી છ-સાત ખુરશીઓ પડી હતી. સૌને એમાં બેસાડ્યાં. નજીકમાં જ રસોડું હતું. એમાંથી ખાખરા અને દહીં લઈ આવી. એ બોલી, ‘અમારા કચ્છમાં સવારમાં ઘઉં-બાજરીના ખાખરા સાથે દહીં ખાવાનો રિવાજ છે. અમે એને શિરામણ કહીએ છીએ. લો, તમે પણ એની મોજ માણો. હું મામાને બોલાવી લાવું.’

ટીકૂ તો આ નાવી વાનગી ઉપર ઝાપટી જ પડ્યો. સવારનો પહોર હતો અને બેએક કલાકની રખડપટ્ટી કરી હતી અને વળી દરિયાની સુંદર ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. વહેલી સવારનો નાસ્તો ક્યાંય પચી ગયો હતો.

ટીકૂની જેમ મીના, વિજય અને ફાલ્ગુનીને પણ આ શિરામણ ખૂબ ભાવ્યું. એ લોકો ખાઈ રહ્યાં હતાં ત્યાં જ શીલાના મામા ઓરડામાં આવ્યા. એમની મોટી ફાંદ અને ઝીણી આંખો અને કરડો ગેંડા જેવો ચહેરો જોઈને છોકરાં એકદમ ઊભાં થઈ ગયાં.

સોભાગચંદે એક હાથ ઊંચો કરતાં કહ્યું, ‘બેસો, બેસો ! બેઠાં રહો. ઊભા થવાની જરૂર નથી. તમે તો પેલા પ્રોફેસર સાહેબનાં છોકરાં છો ને ?’

‘એમના ભાઈનાં.’ ફાલ્ગુનીએ કહ્યું. ‘પ્રોફેસર વ્યાસ અમારા કાકા થાય.’

‘સરસ, અહીં એમને મળવા આવ્યાં છો ?’

‘વેકેશન ગાળવા અને કાકાને શોધખોળમાં મદદ કરવા.’

‘એમ કે ? કેટલું રોકાશો ?’

‘દોઢ મહિનો.’

‘સરસ, સરસ ! અહીં આવતાં રહેજો.’

એમ કહીને સોભાગચંદ નજીકના કબાટ ભણી વળ્યો. એ ચાલતાં ચાલતાં બોલતો હતો, ‘મેં સાંભળ્યું કે તમે બે છોકરાઓ દરિયે નહાતા હતા એટલામાં બીજલ અને સલીમની હોડી હેઠે ચંપાતા રહી ગયા, ખરું ને ? બિચારા નીકળેલા માછલી પકડવા અને પકડી બેઠા છોકરાઓને. હા, હા, હા !’

સોભાગચંદ પોતાની જ ‘જોક’ ઉપર ખડખડાટ હસી પડ્યો અને એણે કબાટ ખોલીને એમાંથી એક ઘડિયાળ કાઢ્યું. એ ઘડિયાળ એણે પોતાના કાંડા ઉપર પહેરવા માંડ્યું. જોકે એનો પટ્ટો એને કાંડે જરાક નાનો પડતો હતો.

એકાએક ટીકૂની નજર ચમકી ઊઠી. એ બોલ્યો, ‘આ ઘડિયાળ... આ તો... સવારમાં રેતીમાં પડી ગયેલું અને મને જડેલું એ જ લાગે છે !’

સોભાગચંદ ઘડિયાળનો પટ્ટો કસકસાવીને ભીડતાં કહે, ‘બરાબર ! એ જ ઘડિયાળ છે. બીજલ મારે માટે માંડવીથી લઈ આવેલો. મેં એ રિપેરિંગ કરવા મોકલેલું. બીજલ કહે કે, અમે એ બાજુ જ હોડી હંકારવાના છીએ. એટલે મેં કહ્યું કે મારું ઘડિયાળ લેતા આવજો.’

પછી એ ઓરડામાંથી બહાર નીકળતાં સોભાગચંદે કહ્યું, ‘તમે છોકરાંઓ બેસો. હું જરા મારા ઓરડામાં જઈને ટપાલ જોઉં.’

છોકરાંઓ એકલાં પડ્યાં, પણ પછી પહેલાંની માફક હસવાની વાતો બહુ ચાલી નહિ. ટીકૂ એકદમ ચૂપ થઈ ગયો હતો અને ટીકૂડો ચૂપ થઈ જાય એટલે બધાં ચૂપ થઈ જાય.

એટલે દસ જ મિનિટમાં શિરામણ પતાવીને ચારે ભાઈબેને શીલાની વિદાય લીધી. એમણે જોયું કે એમને વળાવવાનું શીલાને બહુ ગમ્યું હોય એમ લાગ્યું નહિ. એનું મોં પાછું વીલું પડી ગયું હતું અને અવાજ સાવ દબાઈ ગયો હતો. એની આંખો વારે વારે ઘરની બારીઓ તરફ વળતી હતી – જાણે એને ડર હોય કે કોઈક બારીમાં ઊભા રહીને એના મામા એને તાકી રહ્યા હશે !

શીલાના ઘેરથી નીકળીને દસ-પંદર મિનિટ સુધી તો કોઈ કશું ન બોલ્યું. પછી વિજય એકદમ બોલી ઊઠ્યો, ‘કેમ, ટીકૂ મહારાજ ! હવે તો ખાતરી થઈને કે પેલા માછીમારો દાણચોરો નહોતા ?’

ટીકૂએ તોબરો ચડાવી પૂછ્યું, ‘એવી ખાતરી શા માટે થવી જોઈએ ?’

‘કેમ ? જોયું નહિ, પેલું ઘડિયાળ તો શીલાના મામાનું હતું ! એમણે એ રિપેરિંગ કરવા આપેલું અને પેલા માછીમારો એ લઈ આવેલા. એટલે દાણચોરીની તારી વાત પત્તાંના મહેલની જેમ તૂટી પડી ને !’

‘હું તો હજુય માનું છું કે એ ઘડિયાળ દાણચોરીનું છે !’ ટીકૂએ હઠીલાં વછેરાની જેમ કહ્યું, ‘એટલું જ નહિ, શીલાના મામા સોભાગચંદનો અને કદાચ શીલાનોય દાણચોરીમાં હાથ છે !’

ફાલ્ગુની બોલી ઊઠી, ‘તું લીધી વાત નહિ જ મૂકે, કેમ રે ટીકૂડા ?’

ટીકૂ કહે, ‘ન જ મૂકું ને ! તમે કોઈએ જોયું ખરું કે એ ઘડિયાળ સોભાગચંદનું હતું જ નહિ ? એનો પટ્ટો એના કાંડા કરતાં ઘણો ટૂંકો હતો ! આપણને દેખાડવા ખાતર એ પટ્ટો એણે ભીડ્યો ખરો, પણ એનું કાંડું સાવ દબાઈ ગયું હતું એ તમે જોયું ? મને તો લાગે છે કે પેલા બીજલ અને સલીમે સોભાગચંદને સવારની વાત કરી હશે. કહ્યું હશે કે એક ઘડિયાળ આ છોકરો જોઈ ગયો છે. એટલે આપણને શંકા ન પડે એ સારુ જ સોભાગચંદે એ ઘડિયાળ પોતાને કાંડે બાંધી બતાવ્યું. પેલા ઓરડામાં આવીને એણે બીજું કશું ન કર્યું અને એ ઘડિયાળ જ કાઢીને શા માટે પહેર્યું ?’

ટીકૂના આટલા લાંબા ભાષણની પણ ત્રણ ભાઈ-બહેનો ઉપર કશી અસર ન થઈ. વિજય તો જોરથી ડોકું ધુણાવતો બોલવા લાગ્યો, ‘તું નાનકડી વાતને બહુ મોટું રૂપ આપે છે, ટીકૂ ! છતાં આપણે હવે શીલા અને એના મામા ઉપર જરા નજર રાખતાં રહીશું, બસ ?’

એકાએક ફાલ્ગુની બોલી ઊઠી, ‘વિજય ! ટીકૂની વાત પરથી મને એક બીજી વાત યાદ આવે છે. શીલા આપણે વિશે કેટકેટલા સવાલો પૂછતી હતી, પણ એણે પોતાને વિશે તો કશું કહ્યું જ નહિ !’

મીના કહે, ‘એના મામાએ પણ, આપણે કેટલા દિવસ અહીં રહીશું, એવું શા માટે પૂછવું જોઈએ ?’

ફાલ્ગુની કહે, ‘અને બજારમાં શીલા પેલા બે માછીમારો સાથે વાત કરતી પકડાઈ ગઈ ત્યારે એનો ચહેરો જરૂર ઝંખવાઈ ગયેલો.’

મીના કહે, ‘વળી ટીકૂએ દાણચોરીની વાત કરી ત્યારે તો એના આખા મોં ઉપર જાણે શાહી ઢળી ગઈ હતી !’

- આટલી વાતો પછી છોકરાં સાવ અબોલાં થઈ ગયાં. સૌ પોતપોતાની રીતે સોભાગચંદ, શીલા, બીજલ અને સલીમ વિશે અને અત્યાર સુધી જે કાંઈ બની ગયું હતું એને વિશે વિચાર કરવા લાગ્યાં...

***

બીજે દિવસે વહેલી સવારે નાસ્તો કરતી વેળા દિનકરકાકાએ કહ્યું, ‘છોકરાંઓ ! આજે તમારામાંથી બે જણની મારે જરૂર છે. થોડુંક કામ કરવાનું છે. ચારે ભાઈબેન તરત જ બોલી ઊઠ્યાં, ‘હું કામ કરીશ ! હું કામ કરીશ !’

કાકાએ પોતાને ખૂબ ગમતી તમાકુની પાઈપમાં દીવાસળી લગાડતાં કહ્યું, ‘આ કામ ફક્ત છોકરા કરી શકે એવું છે.’

‘ઓ...!’ કરતાં ફાલ્ગુની અને મીનાના મોં વીલાં પડી ગયાં. ‘એવું શું કામ છે ?’

કાકા કહે, ‘સોમજીના મહેલનું જે ભોંયરું હું શોધી રહ્યો હતો અને જ્યાં તમે છોકરાંઓએ મને શોધી કાઢેલો, ત્યાં અંદરથી પથ્થર-માટી કાઢી કાઢીને બહાર ઢગલો કરવાનો છે. મને લાગે છે કે બહાદુર વિજય અને પહેલવાન ટીકૂ મહારાજ એ કામમાં મદદ કરી શકશે. તમને છોકરીઓને આજનો દિવસ પણ છુટ્ટી !’

ફાલ્ગુની અને મીનાને છુટ્ટી જોઈતી નહોતી. કામ જોઈતું હતું. એમને કામ કરવું જ ગમતું. પણ કાકા આવું મહેનતનું કામ એમને નહિ જ કરવા દે એની પણ એમને ખાતરી હતી. એટલે એમણે નછૂટકે છુટ્ટી અપનાવી લેવી પડી. એમણે દરિયાકાંઠે ફરવા જવાનું નક્કી કર્યું. અને છોકરીઓ આનંદી હતી, એટલે જતાં જતાં બેય છોકરાઓની ખિલ્લી પણ ઉડાડી, ‘એય બુદ્ધુઓ ! બરાબર પસીનો પાડીને કામ કરજો, હોં ! એ...ય ને ઠંડી હવામાં દરિયાકાંઠે ફરવાનું તમારા નસીબમાં ક્યાંથી હોય !’

ફાલ્ગુની અને મીનાએ દરિયાકાંઠે આંટા મારવા માંડ્યા. કાંઠા ઉપર નાળિયેરી અને બીજી વનસ્પતિની ગાઢ ઝાડી ફેલાયેલી હતી. એક બાજુ દરિયો અને બીજી બાજુ ઝાડી અને એ બંનેની વચ્ચે રૂપા જેવી રેતીનો પટ. છોકરીઓએ ઝાડીમાં ચાલવા માંડ્યું, કારણ કે રેતીમાં પગ ખૂંચી જતા હતા.

ચાલતી ચાલતી બંને બહેનો એકાદ કિલોમીટર દૂર નીકળી ગઈ. બંને વાતોમાં મશગુલ હતી. એમને ખબર ન રહી કે સહેજ આગળ બીજલ અને સલીમ પોતાની હોડીમાં બેઠા છે.

માછીમારોની જ્યાં વસતી હોય ત્યાં દરિયાને કાંઠે ઠેર ઠેર થાંભલા અને પાટિયાંના નાના નાના ધક્કા બાંધેલા હોય છે, જ્યાં હોડીને બાંધીને રાખવામાં આવે છે. એ જગાએ પાણી સહેજ ઊંડાં હોય છે. આ એવી એક જગા હતી.

એ બેય જણાએ છોકરીઓનો બોલાટ સાંભળ્યો. તરત જ એમણે એક વિચિત્ર કામ કર્યું. પોતાની હોડીના તળિયાનો લાકડાનો દાટો એકદમ ઢીલો કરીને બંને જણા બાજુની ઝાડીમાં નાસી ગયા. ત્યાં જઈને લપાઈ ગયા.

બીજલ અને સલીમને બાળકોના સ્વભાવની બરાબર પરખ હોવી જોઈએ. એમણે ધાર્યું હતું કે અહીં આમ એકલી હોડીને ઊભેલી જોઈને છોકરીઓ જરૂર એની અંદર ઊતરશે. બાળકોને હોડી, જહાજ, આગગાડી, વિમાન, ખટારામાં ચડી બેસવાનો ભારે શોખ હોય છે.

એમણે ધાર્યું હતું એવું જ બન્યું. ફાલ્ગુની અને મીના ચાલતાં ચાલતાં હોડીવાળી જગાએ પહોંચ્યાં અને એમણે એકલી હોડીને ખાલી તરતી જોઈ કે તરત મીના બોલી ઊઠી, ‘ફાલ્ગુની ! ચાલ ને આપણે આ હોડીમાં બેસીએ !’

ફાલ્ગુની મોટી હતી એટલે જરા વધુ સમજદાર હતી. એણે આનાકાની કરી. કહ્યું કે, આમ પારકી વસ્તુ પડેલી હોય એમાં ચડી ન બેસાય. પણ મીના કહે કે, આપણે ક્યાં હોડીને હંકારી મૂકવી છે ! હોડી આમ તો પેલા થાંભલા સાથે બાંધેલી જ છે ! જરા હોડીમાં બેસીને પાણી ઉપર હીંચકા ખાઈ લઈએ !

આખરે ફાલ્ગુની પણ તૈયાર થઈ ગઈ. એણે મન મનાવ્યું કે – હા, આપણે ક્યાં પારકી હોડીને હંકારી જવી છે ! સાવ ખાલી છે, અંદર કશો સરસામાન છે નહિ. એટલે કશું આડુંઅવળું થવાનો ડર નથી. જરા જોઈએ કે હોડી કેવી હાલમડોલમ થાય છે.

એટલે ઝટ કારતીક ને એ હોડીમાં કૂદી પડી. એની પાછળ જ મીના પણ કૂદી પડી. અને બબ્બે છોકરીઓનું વજન આવતાં જ પેલા બીજલ-સલીમે ઢીલો કરી રાખેલો દાટો તડીંગ કરતો નીકળી ગયો અને ઊછળીને પાછો હોડીમાં પડ્યો. પણ એના કાણામાંથી ભખભખ કરતું પાણી હોડીમાં આવવા લાગ્યું.

છોકરીઓ ખૂબ ગભરાઈ ગઈ. બહાવરી બની ગઈ. આમતેમ કૂદવા લાગી. એમની એ ભૂલ હતી. નાનકડી હોડીમાં એમ કુદકા મારવા ન જોઈએ. હોડીનું સમતોલન જતું રહે તો એ આડી થઈ જાય.

અને ખરેખર એમ જ થયું. હોડી આડી થઈ ગઈ. છોકરીઓ બંને પાણીમાં ઊછળી પડી.

ફાલ્ગુનીને તો તરતાં આવડતું હતું. એટલે એ તરવા લાગી. પણ નાની મીના હજુ તરતાં શીખી નહોતી. એણે ડૂબકાં ખાવા માંડયાં.

ફાલ્ગુની ઝડપથી એની નજીક પહોંચી ગઈ અને એને પકડવા કોશિશ કરવા લાગી. મીનાએ એકદમ તેને બાથ ભીડી લીધી અને એણે ફાલ્ગુનીને પણ ઊંડાં પાણીમાં ખેંચવા માંડી.

ફાલ્ગુનીને લાગ્યું કે આ મીના પોતે તો ડૂબશે અને સાથે મને પણ ડૂબાડશે. એણે મીનાને ધીરજ રાખવા, હિંમત રાખવા, હાથપગ હલાવતાં રહેવા ઘણું કહ્યું. પણ મીના ગભરાઈ ગઈ હતી. ફાલ્ગુની ડરી ગઈ. આ જાડીને હવે કેમ છીછરા પાણી સુધી ખેંચી જવી ?

બરાબર એ જ વખતે કિનારેથી, ધક્કા ઉપરથી બૂમ સંભળાઈ : ‘ફાલ્ગુનીબેન ! મીનાને બરાબર પકડી રાખજો ! હું આવું છું !’

આટલું કહીને બૂમ પાડનારે બધાં કપડાંભેર પાણીમાં પડતું મૂક્યું. એ શીલા હતી !

(ક્રમશ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED