ભોંયરાનો ભેદ - 8 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોંયરાનો ભેદ - 8

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૮ : વિજય-ફાલ્ગુની સપડાયાં

સવાલ ઘણો મોટો હતો : હવે શું કરીશું ? ઊંચક્યો ઊંચકાય નહિ એવો ભારે એ સવાલ હતો. જાણે મોટો હિમાલય ! છ જ અક્ષરનો સવાલ હતો, પણ છ હજાર ટનની શિલા જેવડો મોટો હતો.

એકલી ફાલ્ગુનીનો જ નહિ પણ વિજય, શીલા, મીના અને ટીકૂનો પણ એ જ સવાલ હતો : હવે શું કરીશું ?

દાણચોરો પાસે તો હોડી હતી. એમાં બકુલને નાખીને એ લોકો તો દરિયા ઉપર સરસરાટ કરતા નાસી ગયા હતા. પણ આ કિશોરો પાસે એમની પાછળ પડવાનું કોઈ સાધન ક્યાંથી હોય ?

શીલા તો હીબકે ચડી ગઈ હતી. એનો ભાઈ હંમેશા એનાથી થોડા કદમ દૂર જ રહેતો હતો. ભાઈને મળવાનો કેટલો બધો તલસાટ હતો એના મનમાં ! ભાઈને મળીને એને પોતાની વીતકવાત કહેવી હતી. સોભાગચંદ મામાનાં કાળાં કરતૂતોની પોલ ઉઘાડી પાડવી હતી. ભાઈના સમાચાર પૂછવા હતા. એ કેવી રીતે દેશમાં આવ્યા, શા માટે આવ્યા, દાણચોરીના ધંધામાં એમને મામાએ કઈ રીતે ફસાવ્યા વગેરે વગેરે અનેક સવાલો પૂછવા હતા. પણ ભાઈ હવે દુષ્ટ દાણચોરોના સકંજામાં બરાબરના ફસાઈ ગયા હતા. આ તો ખૂંખાર માણસો હતા. ભાઈને કશુંક કરી નાખે તો ? હું હવે ભાઈનું મોં ફરી વાર જોવા પામીશ ખરી ? – આવા બધા વિચારો કરતી શીલા ધ્રુસકાં મૂકતી જતી હતી.

એ તૂટક-તૂટક અવાજે બોલી : ‘આ લોકો... ભાઈને... દરિયે લઈ જઈને ડુબાડી...’

‘એવું નથી લાગતું, શીલા !’ ફાલ્ગુનીએ તેને બરડે હાથ ફેરવતાં કહ્યું : ‘આ લોકોનાં હલેસાંના અવાજ પરથી લાગે છે કે તેઓ આ ખાડીને સામે પાર આવેલા ટાપુ ભણી જઈ રહ્યા છે. અને મને લાગે છે કે એ લોકો બકુલભાઈને ત્યાં ક્યાંક બાંધી મૂકશે.’

ટીકૂ કહે, ‘તો આપણે પણ એ ટાપુ ઉપર પહોંચી જવું જોઈએ.’

વિજય કહે, ‘એ બોલવું સહેલું છે, ટીકૂ મહારાજ ! પણ ટાપુ ઉપર પહોંચવું કેમ ? સામો કાંઠો ત્રણેક કિલોમીટર દૂર છે. એટલે સુધી તરવાની કોની તાકાત છે ?’

ટીકૂ કહે, ‘હું તરવાનું ક્યાં કહું છું ? હું તો કહું છું કે બીજો કશોક રસ્તો...’

‘છે !’

એ શબ્દ શીલાનો હતો. એણે એકદમ રડવાનું બંધ કરી દીધું હતું. ચહેરા પરથી આંસુભીના હાથ હટાવી લીધા હતા. એ બોલી, ‘રસ્તો છે !’

ફાલ્ગુનીએ કહ્યું, ‘તો પછી જલદી બોલ ને, બેન ! તું પણ પેલા સહદેવ જેવી છે. લાક્ષાગૃહને આગ લાગી અને સૌ પાંડવો સાથે કુંતામાતા બળી મરવાની અણી પર આવી ગયાં ત્યાં સુધી એ સહદેવ જોષી પણ નહોતો બોલ્યો કે લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો છે !’

શીલા કહે, ‘ટીકૂએ રસ્તાની વાત કરી ત્યારે જ મને ખ્યાલ આવ્યો... બાકી હું એટલી તો મૂંઝાઈ ગઈ હતી... જુઓ, આ ખાડીને સામે પાર જે હરિયાળો ને ગીચ ઝાડીવાળો ટાપુ દેખાય છે ને, એ કાંઈ ખરેખર ટાપુ નથી. એના ફરતે પંચાણું ટકા તો દરિયો જ છે, પણ એક નાનકડી સાંકડી જમીનની પટ્ટી વડે એ તળભૂમિ સાથે જોડાયેલો છે. એ પટ્ટી વાટે આ ગામની ગાયો-ભેંસો એ ટાપુ ઉપર ચરવા જાય-આવે છે. ગામની સ્ત્રીઓ બળતણ વીણવા પણ એ પટ્ટી વાટે...’

વિજય કહે, ‘એ બધી વિગતો છોડ, શીલા ! જલદી કહે, એ પટ્ટી અહીંથી કેટલી દૂર છે ? તેં એ જોઈ છે ? કઈ બાજુ જવાનું છે ?’

‘અહીંથી ત્રણ-ચાર કિલોમીટર દૂર છે...’

‘કશો વાંધો નહિ ! દોડવા માંડો ! આપણી પાસે આખી રાત પડી છે ! જલદી ટાપુ ઉપર પહોંચી જઈએ. ત્યાં જઈને તપાસ કરીએ.’

બીજી જ ઘડીએ દસ નાનકડા પણ તાકાતથી તરવરતા પગ દરિયાકાંઠાની રેતી ખૂંદતા દોડવા લાગ્યા. જલદી દોડાય એ માટે તેઓ કાંઠો છોડીને જરાક અંદરની કઠણ ભોંય પર દોડવા લાગ્યાં. બધાંનાં મોં સખત રીતે બિડાયેલાં હતાં. બધાંનાં મન એક જ વિચાર કરી રહ્યાં હતાં : બકુલભાઈનું પેલા દાણચોરો શું કરશે ? એમને કોઈ ઝાડ સાથે બાંધી દેશે ? કોઈ જગ્યાએ છૂપાવી દેશે ?

આખરે એ લોકો પેલી જમીનની સાંકડી પટ્ટી સુધી પણ આવી પહોંચ્યાં. શીલાએ કહ્યું હતું એવી જગા હતી. ગાયો કે ભેંસોનું એક ધણ જઈ-આવી શકે એટલી જ પહોળી એક પટ્ટી તળભૂમિને અને પેલા ટાપુને સાંકળતી હતી. એની ઉપર પણ કેટલાક છોડવા અને ખજૂરીનાં ઝાડ ઊગી નીકળ્યાં હતાં.

પટ્ટી કાંઈ બહુ લાંબી નહોતી. અર્ધાએક કિલોમીટરની દોડ પછી એ લોકો એ પટ્ટી પણ ઓળંગી ગયાં અને ટાપુની ગીચ ઝાડી વચ્ચે આવી પહોંચ્યાં.

વિજયે એક હાથ ઊંચો કરીને સૌને ઊભાં રાખ્યાં. સૌ આટલી લાંબી ઉતાવળી દોડ પછી હાંફી રહ્યાં હતાં. પણ હૈયામાં હજુ ઉત્સાહ હતો. બકુલની ખબર કાઢવા સૌ તલપાપડ હતાં.

વિજયે કહ્યું, ‘અહીંથી આપણે બે ટુકડીમાં વહેંચાઈ જઈએ. એક ટુકડીમાં શીલા, મીના અને ટીકૂ રહેશે. બીજી ટુકડીમાં ફાલ્ગુની અને હું રહીશું. જે ટુકડીને દાણચોરો અગર બકુલભાઈ ભાઈ એણે ઘુવડ જેવી બોલી કરવાની. એટલે બીજી ટુકડી પાછી વળી જાય. જે ટુકડીને ભાળ મળી હોય એ ચૂપચાપ પેલા લોકોનો પીછો કરે અને શું થાય છે એ જુએ. હવે બધાં ઉતાવળે ચાલજો ખરાં, પણ અવાજ કરશો નહિ. મુસીબતમાં ફસાઈ જાઓ તો બને એટલી મોટી ઘાંટાઘાંટ કરજો, એટલે બીજી ટુકડીવાળા દોડી આવશે.’

આમ નક્કી કરીને છોકરાંઓ બે ટુકડીમાં વહેંચાઈ ગયાં. જુદી જુદી દિશામાં ચાલ્યાં. એકદરે તો ટાપુના એ કિનારા તરફ જવાનું હતું દાણચોરોની હોડી પહોંચી હોવાનો સંભવ હતો. દાણચોરો ત્યાં નજીકમાં ક્યાંક બકુલને બાંધી મૂકે એ શક્ય હતું. ટાપુ ઉપર જો એ લોકોનું મકાન હોય તો એમાં એને પૂરી દે. જોકે તે ટાપુ ઉપર એકેય મકાન હોય એવું લાગતું તો નહોતું.

રાત હવે ખાસ અંધારી નહોતી. વદ પાંચમનો મોડો-મોડો ચંદ્ર ઊગી નીકળ્યો હતો. એને કારણે આ ગીચ અને અજાણી ઝાડીમાં પણ બહુ બીક લાગતી નહોતી. કલાકેકની આવી ચૂપચાપ રઝળપાટ પછી પહેલી સફળતા વિજય અને ફાલ્ગુનીને જ મળી. એક મોટાં ઝાડના થડને અઢેલીને બીજલ ઊભો હતો. સલીમ એક પડી ગયેલાં ઝાડનાં ઠૂંઠા ઉપર બેઠો હતો. એ જગાએથી દરિયાકાંઠો બહુ દૂર નહોતો. લગભગ પચાસેક કદમ છેટે હશે.

છોકરાંઓ એક બીજા ઝાડના થડ પાછળ લપાઈ ગયાં અને દાણચોરો શી વાતો કરે છે એ સાંભળવા માટે એમણે કાન માંડ્યા.

બીજલ કહેતો હતો : ‘અરે, હજુ તારો થાક ન ઊતર્યો ? ચાલ જલદી.’

સલીમ કહે, ‘જવાય છે, ભાઈ ! હવે શી ઉતાવળ છે ? પંખીને તો પાંજરે પૂર્યું છે. હવે તો શેઠને જ જઈને વાત કરવાની છે ને ?’

બીજલ કહે, ‘પણ શેઠ ચિંતા કરતા હશે એનું શું ? આપણે છેક સાંજના નીકળ્યા છીએ.’

સલીમ કહે, ‘સારું ભાઈ, જઈએ ! હમણાં જ હોડી હંકારીએ. પણ એ પહેલાં જરા એક ચૂંગી પી લેવા દે.’

બીજલે છેડાયેલા અવાજે કહ્યું, ‘આ તારી ચૂંગી જ તને હેરાન કરવાની છે. એક દહાડો તારા પગ નીચેના જ ઘાસમાં તણખો પડશે અને...’

એ લોકો હવે ધૂળ ને રાખ જેવી વાતોમાં પડ્યા હતા, એટલે વિજયે ફાલ્ગુનીના કાનમાં ફૂંક મારી, ‘શો ખ્યાલ છે ? શું કરવું જોઈએ ?’

ફાલ્ગુનીએ એ જ રીતે ફૂંક જેવા અવાજે કહ્યું, ‘આપણે એ લોકોની હોડીમાં છુપાઈ જવું જોઈએ. મને લાગે છે કે હવે આ બંને જણા પાછા ભાટિયા જશે અને સોભાગચંદને પોતાની કામગીરીનો અહેવાલ આપશે. એ લોકોએ બકુલભાઈને ક્યાં છુપાવ્યા છે એનો પણ આપણને ખ્યાલ આવશે. એ પછી આપણે એમને છોડાવવાનો કશોક ઉપાય ખોળી કાઢીશું.’

વિજયે કહ્યું, ‘બરાબર છે. ચાલ, એ લોકો હોડી સુધી પહોંચે તે અગાઉ એમાં છુપાઈ જઈએ.’

આમ કહીને વિજયે મોં પર હાથ રાખીને ઘૂ...ઘૂ...ઘૂ... એવો અવાજ કર્યો. અવાજ અસ્સલ ઘુવડ જેવો તો નહોતો, પણ ચાલે એમ હતો. એ જેમને આ અવાજ વડે નિશાની આપવા માગતો હતો એ તો સમજી જ જશે કે વિજય અને ફાલ્ગુનીએ કશીક શોધ કરી છે અને પોતે હવે બધી શોધ પડતી મૂકીને સોમજીના મહેલે પાછાં જવાનું છે.

પરંતુ એ તો જો એ લોકો વિજયનો અવાજ સાંભળે તો ને !

વિજય અને ફાલ્ગુનીને ખબર નહોતી કે એ લોકો લાંબે રસ્તે દોડીને ટાપુ પર આવ્યાં પછી બે ટુકડીમાં વહેંચાઈને આ ઝાડીમાં કલાકેક ઘૂમતા રહ્યાં એ દરમિયાન આ બે ઉસ્તાદ દાણચોરોએ શું કર્યું છે ! એમને ખબર નહોતી કે એમણે બકુલને તો એક ભોંયરામાં પૂરી જ દીધો છે અને પછી પેલાં ત્રણ નાનાં છોકરાંઓને પણ ખંજરની અણીએ બીવડાવીને એ જ ભોંયરામાં પૂરી દીધાં છે ! એ બંને તો પોતાની યોજનામાં જ મસ્ત હતાં. દાણચોરોની જ હોડીમાં સામે કાંઠે પહોંચવું અને આ બદમાશો જે કહે તે સાંભળવું અને એ પરથી આગળનાં પગલાં વિચારી કાઢવાં.

એમની આ યોજના બરાબર પાર પણ પડી. દાણચોરોની હોડી ઠીક ઠીક મોટી હતી. સાત-આઠ મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. એની પાછળની બાજુ એક નાનું ભંડકિયું હતું. બંને ભાઈબેન એ ભંડકિયામાં લપાઈ ગયાં. દસેક મિનિટ પછી બીજલ અને સલીમ આવ્યા. એમણે હોડી હંકારી. હોડી મોજાં ઉપર તરતાં હાલમડોલમ થતી હતી, એ પરથી છોકરાંઓએ અનુમાન કર્યું કે તેઓ ધીરે ધીરે કાંઠા તરફ જઈ રહ્યાં છે.

અર્ધાએક કલાક પછી હોડીનું તળિયું રેતી સાથે ઘસાયું. એ લોકો સામે કાંઠે પહોંચી ગયાં હતાં. બીજલ અને સલીમ શેઠ પાસે પહોંચી જવાની વાતો કરતા હોડીમાંથી નીચે ઊતર્યા. એ પછી બે-ત્રણ મિનિટ જવા દઈને વિજય અને ફાલ્ગુનીએ ભંડકિયાનું બારણું ઉઘાડ્યું અને તેઓ પણ હોડીમાંથી ઊતરીને સોભાગચંદના ઘર ભણી ચાલ્યાં.

થોડુંક દોડ્યા પછી એમણે બીજલ-સલીમને આગળ જતા જોયા એટલે નીરવ ડગલે અને લપાતાં-છુપાતાં એમની પાછળ જવા માંડ્યું.

આખરે તેઓ સોભાગચંદના ઘર નજીક પણ પહોંચી ગયાં. એમણે બીજલ-સલીમને ઘરમાં દાખલ થતા જોયા. થોડી જ વારમાં એક બારીમાં પ્રકાશ થયો. એ લોકો આ બારીવાળા ઓરડામાં પહોંચ્યા હતા. વિજય અને ફાલ્ગુનીએ તે બારી તરફ દોટ મૂકી. એ લોકો આ દાણચોર ટુકડીનો પૂરો સંવાદ સાંભળવા માગતાં હતાં.

બંને ભાઈબેન એ ઓરડાની બારી નીચે જઈને લપાઈ ગયાં ત્યારે સોભાગચંદ મામા બોલી રહ્યા હતા, ‘અચ્છા, તો તમે બકુલને ઝડપી લીધો અને એને ટાપુ તરફ લઈ જતા હતા ત્યારે જ પેલાં અટકચાળાં છોકરાં ફૂટી નીકળ્યાં, એમ ને ?’

‘હા, જી. અને એમની સાથે તમારી ભાણેજ શીલા પણ હતી !’

એ અવાજ બીજલનો હતો. એ આગળ બોલ્યો, ‘અમે તો બકુલને હોડીને તળિયે દબાવીને બેટ તરફ હંકારી મૂક્યું. અમને એમ કે છોકરાંઓથી જાન છૂટી. પણ એ મારાં બેટાં માખી જેવાં છે ! બણબણ કરતાં છેક બેટ સુધી પહોંચી ગયાં. એટલે અમે એ લોકોનેય પકડીને પૂરી દીધાં...’

એકાએક સલીમ બોલી ઊઠ્યો, ‘શેઠ ! સાંભળો ! બહાર કશોક અવાજ !’

બકુલ ઉપરાંત હવે શીલા, મીના અને નાનકડો ટીકૂ પણ આ બદમાશોનાં કેદી બની ગયાં હતાં એ સાંભળીને ફાલ્ગુની ડઘાઈ ગઈ હતી અને એણે મોટો નિઃશ્વાસ મૂક્યો હતો. એણે બગીચાના જે છોડની ડાળી પકડી રાખી હતી એ પણ એ ઊંચીનીચી થવાથી તૂટી ગઈ હતી અને એનો અવાજ ઓરડાની અંદર પહોંચી ગયો હતો ! સલીમની વાત સાંભળતાં જ બંને જણા ઓર દીવાલસરસાં ભીંસાઈ ગયાં.

એટલામાં એમણે બારીએ પહોંચેલા સોભાગચંદ મામાનો અવાજ સાંભળ્યો : ‘સલીમ ! અહીં તો કશું નથી ! કદાચ પવન વાવાથી એકાદ નળિયું ખસ્યું હશે અને એનો અવાજ તને સંભળાયો હશે. જરાક મન મજબૂત કરતાં શીખ. આ ધંધામાં આટલા અવાજથી ડરી ગયે નહિ ચાલે.’

પોતે પકડાઈ ગયાં નથી એ સાંભળીને વિજય-ફાલ્ગુનીને ખૂબ જ રાહત થઈ.

સોભાગચંદ વળી બોલવા લાગ્યા, ‘તો તમે બકુલને અને ત્રણ ટાબરિયાંને બેટને ઉગમણે છેડે પેલા ખજૂરીના ઝુંડમાં ખજૂરીના થડે બાંધ્યાં છે, એમ ને ? સરસ...’

સલીમ બોલવા ગયો, ‘પણ શેઠ...’

સોભાગચંદે એકદમ જોરદાર રીતે હાથ હલાવીને એને બોલતો અટકાવી દીધો અને ભારપૂર્વક કહ્યું, ‘ભલે, ભલે, એ લોકોને ખજૂરીઓ સાથે ભલે બાંધ્યાં ! એક રાત જરા ટાઢે ઠરશે એટલે સીધાંદોર થઈ જશે. હા, હા, હા ! હવે તમે પાછા બેટ પર જાઓ અને હું કહું એટલો માલ લઈને જલદી પાછા વળો.’

બસ, વિજય અને ફાલ્ગુનીને આટલું જ સાંભળવું હતું. બકુલ, શીલા, મીના અને ટીકૂ ટાપુને પૂર્વ છેડે ખજૂરીઓનાં ઝુંડમાં બંધાયેલાં હતાં. દાણચોરો ફરી પાછા દાણચોરીનો માલ લેવા ટાપુ ઉપર જઈ રહ્યા હતા એટલે વળી ટાપુ ઉપર પહોંચવા માટે એ લોકો એમની જ હોડીનો ઉપયોગ કરી શકે તેમ હતાં ! એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? ચાલો, જલદી જલદી પાછાં જઈને હોડીના પેલા ભંડકિયામાં છુપાઈ જઈએ !

બેય છોકરાંઓનાં સરળ નિખાલસ દિમાગમાં આ જ વિચાર એકસાથે આવ્યો અને બંને એકબીજાનો હાથ પકડીને બારી નીચેથી ભાગ્યાં...

પણ એમને ખબર નહોતી કે આ તો એમના ભોળપણનો ગેરલાભ લેવાની ઉસ્તાદ સોભાગચંદની એક યુક્તિ જ હતી ! એણે તો બારી તરફ જ કાન માંડી રાખ્યા હતા. છોકરાંઓના દોડી જવાનો ટપટપ અવાજ સાંભળતાં જ એ ખડખડાટ હસી પડ્યો.

થોડીવાર પછી એ બોલ્યો, ‘સાંભળો, બીજલ અને સલીમ ! આ બે છોકરાંઓ પણ હવે આપણી જાળમાં ફસાઈ જશે. એ લોકો તમારી પાછળ પાછળ જ અહીં આવી પહોંચ્યાં એનો અર્થ એ જ કે તેઓ તમારી હોડીના ભંડકિયામાં છુપાઈને અહીં આવેલાં. હવે મેં ગપ્પું માર્યું એ પણ એમણે સાંભળી લીધું છે. એમનાં ભાઈબેનોને છોડાવવા માટે હવે પાછાં તમારી હોડીમાં છુપાઈને જ આવશે. તમે સામે કાંઠે પહોંચીને એમને ભંડકિયામાંથી પકડી પાડજો અને આપણા અડ્ડામાં પૂરી દેજો.’

સોભાગચંદની આ ચતુરાઈ ઉપર બીજલ અને સલીમ ખુશખુશાલ થઈ ગયા. એમના ચહેરા હસું હસું થઈ રહ્યા. એ બંને ઊભા થઈને ચાલવા તૈયાર થયા એટલે સોભાગચંદે વળી કહ્યું, ‘હવે આ છોકરાંઓએ આપણી બાજી બગાડી નાખી છે. આજની આખી રાત છોકરાં નહિ મળે એટલે પેલો પ્રોફેસર બૂમરાણ મચાવશે. પોલીસ સાબદી થશે. આપણો ધંધો હવે આ જગાએ નહિ ચાલે. માટે આપણે આજની રાતમાં જ બધો માલ સમેટીને વિદાય થવું પડશે. સમજ્યા ? માટે તમે પાછા વળો ત્યારે આપણા અડ્ડામાં છુપાવેલો બધો માલ હોડીમાં ભરતા આવજો. આપણે રાતોરાત એ માલ આપણા આડતિયાને વેચીને રોકડી કરી લઈશું અને પછી પોબારા ગણી જઈશું. તમે મારી વાત બરાબર સમજી ગયા ? જરાય ગફલત કરશો તો આટલાં વરસોથી ગોઠવેલી બાજી ધૂળમાં મળી જશે.’

બીજલ કહે, ‘તમે ચિંતા ન કરો, શેઠ ! અમે જરાય ગફલતમાં નહિ રહીએ. હવે તો મુશ્કેલી જ ક્યાં છે ? પેલાં ચાર છોકરાંને તો ભોંયરામાં પૂરી દીધાં છે અને આ બે ટાબરિયાં પણ આપણી મુઠીમાં જ છે ને !’

સોભાગચંદ કહે, ‘તો જાવ, જલદી બધો માલ ઊઠાવી લાવો. આજની રાતમાં જ બધું વેચીસાટીને આપણે કચ્છમાંથી નીકળી જવું છે. એક વાર પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા પછી પોલીસ જખ મારે છે !’

સોભાગચંદની યુક્તિ આબાદ હતી. એના જોરે સલીમ અને બીજલના પગમાં જોર આવ્યું. એ બંને ઉતાવળે ડગલે પાછા હોડી સુધી પહોંચ્યા અને હોડી હંકારી મૂકી. ભંડાકિયામાં છુપાયેલાં વિજય અને ફાલ્ગુનીએ હોડીના ચાલવાનો અવાજ સાંભળ્યો. બંને ગુપચુપ સંકોડાઈને બેસી રહ્યાં. હોડી ક્યારે સામે કાંઠે પહોંચે અને ક્યારે દાણચોરો એમનો માલ લેવા ઊતરે એની જ બંને જ્ણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં.

આખરે હોડી સામે કાંઠે પહોંચી પણ ગઈ. રેતીમાં એનું તળિયું ઘસાવાનો અવાજ પણ સંભળાયો. પણ દાણચોરોએ હોડીમાંથી ઉતરવાને બદલે ધડાક કરતું ભંડકિયાનું બારણું ખોલી નાખ્યું અને ડઘાઈ ગયેલાં છોકરાંઓને કાને બીજલનો ભયંકર અવાજ સંભળાયો : ‘ચૂપચાપ બહાર નીકળો, નહિતર આ ખંજર હુલાવી દઈશ !’

(ક્રમશ.)