સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ

સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ

પુસ્તકની દુનિયા ઘણી વિશાળ છે, અને દરરોજ એમાં અસંખ્ય પ્રકારના વિવિધ વિષયો ઉપર નવા નવા પુસ્તકો ઉમેરાતાં જ રહે છે. પણ, આટલા બધા પુસ્તકોમાંથી ક્યારેક કોઈક એકાદું એવું પુસ્તક આવી જાય છે, જે આપણા મનમાં અમિટ છાપ છોડી જાય છે. આપણી વિચારોની માન્યતાઓને જડમૂળમાંથી બદલી નાખે છે. આવું જ એક પુસ્તક છે "સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ"

આ પુસ્તકના લેખક છે, ઇઝરાયલના ઇતિહાસકાર પ્રોફેસર 'ડૉ.યુવાલ નોઆ હરારી' કે જેમણે ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ઇતિહાસમાં Ph.D કરેલું છે, અને હાલ જેરુસલેમની હિબ્રુ યુનિવર્સીટીમાં ભણાવે છે. ગુજરાતી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ વરિષ્ઠ પત્રકાર 'રાજ ગોસ્વામી' એ ખુબ જ સરળ ભાષામાં કર્યો છે.

આ પુસ્તકમાં ડૉ.હેરારીએ આપણી માનવજાતિની ઉત્પત્તિથી માંડીને આપણી હાલની અવસ્થા તથા આપણું ભવિષ્ય કેવું હશે? એ તમામ બાબતોનું વ્યાપક સંશોધન એકદમ સચોટતાથી અને તર્ક સાથે રજુ કર્યું છે. ૭૦ હજાર વર્ષ પહેલાં આપણે માનવીઓ આફ્રિકાના અંધારા જંગલમાં એક બીજ બનીને જનમ્યાં હતા અને આજે એક અસીમ બુદ્ધિમતાના પ્રતાપે એક વિશાળ વટવૃક્ષ બની ગયા છીએ, એ વૃક્ષનાં મૂળિયાં પૃથ્વીના તમામ ભાગોમાં અને તેની ડાળખીઓ તો ચંદ્ર અને મંગળ સુધી પહોંચી છે.


જીવશાસ્ત્ર, માનવશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રનાં સચોટ તથ્યો પર આધારિત આ પુસ્તક આપણને સમજાવે છે કે કેવી રીતે આપણે સાધારણ વાંદરાંઓમાંથી પૃથ્વીના શાસક બની ગયા? પૃથ્વી ઉપરની વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો, નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા માટે કેમ ભેગા થયા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરુ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરીને લોકોના મનનું પ્રોગ્રામિંગ કર્યું?


૭૦ હજાર વર્ષ પહેલાં એક તુચ્છ જાનવર તરીકે પેદા થઈને આખી પૃથ્વીના માલિક અને સમગ્ર પ્રાકૃતિક જીવન માટે આતંકી બની ગયેલા આપણે હોમો સેપિયન્સની દિલ ધડાક કહાની આ પુસ્તકમાં છે. માનવજીવનને લઈને આપણે લોકો સ્કૂલમાં જે કાંઈ ભણ્યા હતા, તે કેટલું ખોટું અને અધૂરું હતું તે આ પુસ્તક વાંચીને તમને સમજાશે.

પુસ્તકમાં લેખકે ઘણા બધા પ્રશ્નોના જવાબ એક્દમ તાર્કિક રીતે સચોટતાથી સમજાવ્યા છે તો બીજા ઘણાં એવા પ્રશ્નો આપણને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબુર કરી દે છે. લેખક એક જગ્યાએ પૂછે છે કે "શું આપણે પહેલાં કરતા વધુ ખુશ છીએ? માનવજાતિએ છેલ્લી પાંચ સદીઓમાં જે સંપત્તિ એકઠી કરી છે, તે શું આપણા સંતોષમાં પરિણમી છે? જો જવાબ ના હોય, તો પછી ખેતી, શહેરો, લેખન, મુદ્રાઓ, સામ્રાજ્યો, વિજ્ઞાન અને ઉદ્યોગોને વિકસિત કરવાનો શું અર્થ?"


આ પુસ્તક આપણને સારી રીતે સમજાવે છે કે ઇતિહાસ ફક્ત તારીખોનો દસ્તાવેજ જ નથી, પણ તે વર્તમાનને સમજવાની અને ભવિષ્યને ઓળખવાની ચાવી છે. લેખક એક્દમ સરળ રીતે સમજાવે છે કે કઈ રીતે બૌદ્ધિક ક્રાંતિ, કૃષિ ક્રાંતિ તથા વૈજ્ઞાનિક ક્રાંતિનાં પગરણ મંડાણા અને કઈ રીતે આ બધી ક્રાંતિથી દુનિયાનો નકશો હંમેશા માટે બદલાઈ ગયો તથા માનવજાતના જીવનમાં ધરમૂળથી ફેરફાર આવી ગયા.

આપણે હોમો સેપિયન્સે એટલે કે માનવીએ આપણી પ્રગતિ માટે પૃથ્વી પરની બીજી પ્રજાતિઓને કેવો સંતાપ આપ્યો છે, તેમનું નિકંદન કાઢવામાં આપણો કેટલો ફાળો છે એ બધાનો આપણને અંદરથી ધ્રુજાવી નાખે એવો એક્દમ વાસ્તવિક ચિતાર આપ્યો છે. આ રસપ્રદ માહિતીથી ભરપુર પુસ્તક આપણી સદીઓ જૂની માન્યતાઓ અને વિચારો સામે પ્રશ્નાર્થ ઉભા કરી દે છે, તો સામા છેડે આપણા વિચારો, કર્મો અને શક્તિઓનો આપણા ઉજળા ભવિષ્ય માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સાચી દિશા પણ પુરી પાડે છે.

માઈક્રોસોફ્ટના સ્થાપક 'બિલ ગેટ્સે' પોતાના ટોપ ૧૦ પુસ્તકોમાં આ પુસ્તકને સ્થાન આપ્યું છે. આ પુસ્તકનો બીજો ભાગ "હોમો ડેયસ-આવતી કાલનો સંક્ષિપ્ત ઇતિહાસ" છે. એની સમીક્ષા પણ થોડા સમય પછી રજુ કરવામાં આવશે. માનવજીવનનાં ઇતિહાસમાં રસ ધરાવનાર તમામે તમામ લોકોએ અચૂક વાંચવા જેવું આ પુસ્તક છે.

****

✍️...Sagar Vaishnav

(આપ સૌએ આ પુસ્તક સમીક્ષા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર. મહેરબાની કરીને આપનો પ્રતિભાવ(Review) અચૂક આપશો.)