યક્ષ-યુધિષ્ઠિર સંવાદ Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યક્ષ-યુધિષ્ઠિર સંવાદ

યક્ષ-યુધિષ્ઠિર સંવાદ


મહાભારત વિશે આપણે ત્યાં બાળકોથી માંડી ઘરડાંઓ સુધીના બધા જ લોકો જાણે છે. મહાભારતમાં સમાજ, ધર્મ, કુળ, રાજ્ય, વ્યક્તિ વગેરે દરેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ એવો ગ્રંથ છે કે એમાં તમે જેમ જેમ ઊંડા ઊતરો તેમ તેમ તમે વધારે એને જાણી શકો. એના ઊંડાણને પામવા તથા માણવા માટે વધુને વધુ ચિંતન અને મનનની જરૂર પડે છે.

પાંડવો જયારે વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે જંગલમાં એક વાર તરસ લાગતા પાણીની તલાશ માટે યુધિષ્ઠિરે નકુલને પાણી શોધી લાવવા માટેની આજ્ઞા કરી. નકુલ પાણીની તલાશમાં એક સરોવર પાસે પહોંચ્યો. પરંતુ, જેવો પાણી લેવા માટે નમ્યો કે નજીક્માં રહેલો બગલો બોલ્યો "હે નકુલ! જો તું મારા પ્રશ્નોના સાચા જવાબ આપીશ તો જ તું આ પાણી પી શકીશ નહીંતર મૃત્યુ પામીશ." નકુલે એ બગલાતરફ ધ્યાન દીધા વગર પાણી પીધું કે તરત જ તે જમીન પર પડી ગયો.


નકુલના આવવામાં વિલંબ થતા સહદેવ, અર્જુન, ભીમ વારાફરતી શોધવા નીકળ્યા. પરંતુ, ચારે ભાઈઓમાંથી કોઈ પણ પાછું ન આવતાં ચિંતાતુર યુધિષ્ઠિર પોતે એમને શોધવા નીકળ્યા. કેટલેક દૂર ગયા ત્યાં સરોવરને કાંઠે ચારે ભાઈઓને મૃત હાલતમાં જોયા. ત્યાંજ બાજુમાં બેઠેલો બગલો બોલ્યો "હે યુધિષ્ઠિર! હું યક્ષ છું. મેં તારા ભાઈઓને ચેતવણી આપી હતી કે મારા પ્રશ્નોના જવાબ આપીને જ પછી પાણી પીજો. પરંતુ, તે ન માન્યા અને તેમની આ હાલત થઇ. તું પણ મારા પ્રશ્નોના જવાબ આપ પછી જ પાણી પીવું હોઈ તો પીજે, નહીંતર તારી પણ આવી જ હાલત થશે."


આ સાંભળી યુધિષ્ઠિરે કહ્યું "હે યક્ષ! મારે તમારા વર્ચસ્વની કોઈ વસ્તુ જોઈતી નથી. મારી બુદ્ધિ પ્રમાણે હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ. તમે તમારા પ્રશ્નો પૂછો."

યક્ષ: "સૂર્યોદય કોણ કરે છે? તે સૂર્યની ચારે બાજુ કોણ ફરે છે? એનો અસ્ત કોણ કરે છે? અને તે શેમાં સ્થિત રહે છે?

યુધિષ્ઠિર: " સૂર્યનો ઉદય બ્રહ્મ કરે છે, દેવો એની ચારેબાજુ ફરતા હોય છે. ધર્મ સૂર્યાસ્ત લાવે છે અને તે સૂર્ય સત્યમાં પ્રતિષ્ઠિત છે."


યક્ષ: "મનુષ્ય શેનાથી શ્રોત્રિય કહેવાય છે? શેનાથી મહત (મોટું તત્વ) પમાય છે? શેનાથી એને સાથીદાર મળે છે? અને હે રાજા! માણસ શું હોય તો બુદ્ધિમાન કહેવાય છે?"

યુધિષ્ઠિર: "વેદજ્ઞાનથી માણસ શ્રોત્રિય બને છે. તપથી જ મહત તત્વ પ્રાપ્ત કરાય છે. ધીરજથી માણસને સાથીદાર પ્રાપ્ત થાય છે અને વૃધ્ધોની ઉપાસના કરવાથી માણસ બુદ્ધિમાન બને છે."


યક્ષ: "બ્રાહ્મણોનું દેવત્વ શેમાં છે? સજજનો જેવો એમનો ધર્મ કયો છે? એમનો માનવીય ભાવ કયો છે? અને દુષ્ટો જેવો એનો ભાવ કયો છે?"

યુધિષ્ઠિર: "રોજનો સ્વાધ્યાય એમનું દેવત્વ છે. તપ એમનો સજજનો જેવો ધર્મ છે. મરણ એ એમનો માનવીય ભાવ છે. નિંદા કરવી એ દુષ્ટો જેવો ભાવ છે."


યક્ષ: "ક્ષત્રિયોનું દેવત્વ શામાં છે? સજજનોના જેવો એમનો ધર્મ શો છે? એમનો મનુષ્યસહજ ભાવ કયો છે અને દુષ્ટતાભર્યું લક્ષણ કયું છે?"

યુધિષ્ઠિર: "અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવાં તે એમનું દેવત્વ છે. યજ્ઞ એમનો સજજનો જેવો ધર્મ છે, ભય એ મનુષ્યસહજ ભાવ છે અને ક્ષાત્રધર્મને છોડી દેવો એ એમને માટે દુષ્ટનો ભાવ છે."


યક્ષ: "યજ્ઞમાં પ્રયોજાતો સામમંત્ર કયો છે? યજ્ઞમાં પ્રયોજાતો યુજુસમંત્ર કયો છે? યજ્ઞને કોણ ઢાંકે છે? યજ્ઞને કોણ અતિક્રમી શકતું નથી?"

યુધિષ્ઠિર: "પ્રાણ જ યજ્ઞનો સામ છે. મન યજ્ઞનો યુજુસ મંત્ર છે. વાણી યજ્ઞને ઢાંકે છે. યજ્ઞ એને અતિક્રમતો નથી."

યક્ષ: "ખેતી કરનારાઓમાં શ્રેષ્ઠ શું છે? વાવણીમાં ઉત્તમ શું છે? પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારાઓમાં શ્રેષ્ઠ શું છે? સંતતિ પેદા કરનારાઓમાં શ્રેષ્ઠ શું છે?"

યુધિષ્ઠિર: "ખેતી કરનારાઓમાં વરસાદ શ્રેષ્ઠ છે. વાવણીમાં શ્રેષ્ઠ છે બીજ, પ્રતિષ્ઠાની ચાહતવાળાઓને માટે ગાય શ્રેષ્ઠ છે અને સંતતિ પેદા કરનારાઓમાં પુત્ર શ્રેષ્ઠ મનાય છે."


યક્ષ: "ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરનારો, બુદ્ધિશાળી, લોકોમાં સમ્માનિત અને સર્વ પ્રાણીઓમા માન્ય હોય એવો કોણ શ્વાસ લેવા છતાં મરેલો છે?"

યુધિષ્ઠિર: "દેવો, અતિથિઓ, ચાકરો, પિતૃઓ અને પોતાની જાત એમ પાંચને જે કઈ આપતો નથી (તર્પણ કરતો નથી) એ જીવતો છતાં મરેલો છે."

યક્ષ: "એવું શું છે જે ભૂમિથી ભારે છે? આકાશથી ઊંચું કોણ છે? વાયુથી વધારે ગતિશીલ શું છે? અને મનુષ્ય માટે કષ્ટદાયક એવું શું છે?"

યુધિષ્ઠિર: "માતા ભૂમિથી પણ ભારે છે, પિતા આકાશથી ઊંચા છે, મન વાયુથી પણ વધારે વેગીલું છે અને ચિંતા માણસોને માટે બહુ કષ્ટદાયક હોય છે."


યક્ષ: "સૂતી વેળાએ મટકું ન મારનાર કોણ છે? જન્મ્યા પછી પણ કોણ નથી હાલતું? કોને હૃદય હોતું નથી? અને કોણ વેગપૂર્વક વધે છે?"
યુધિષ્ઠિર: "માછલી સૂતી વખતે મટકું નથી મારતી. ઈંડુ જન્મ્યા છતાં નથી હાલતું. પત્થરને હૃદય નથી હોતું, જયારે નદી વેગથી વૃદ્ધિ પામે છે."

યક્ષ: "પ્રવાસ દરમ્યાન મિત્ર કોણ? ગૃહસ્થીનો મિત્ર કોણ? રોગીનો મિત્ર કોણ? મરી રહેલાનો મિત્ર કોણ?"

યુધિષ્ઠિર: "પ્રવાસ દરમ્યાનનો મિત્ર હોય છે સંઘ, ગૃહસ્થીનો મિત્ર હોય છે પત્ની, રોગીનો મિત્ર ગણાય વૈદ્ય અને મરી રહેલાનો મિત્ર દાન છે."


યક્ષ: "એકલો વિચરણ કોણ કરે છે? જન્મીને પણ ફરીને કોણ જન્મે છે? ઠંડીની દવા શી? વાવણીનું મોટું સ્થાન કયું?"

યુધિષ્ઠિર: "સૂર્ય હંમેશાં એકલો જ વિચરણ કરે છે. ચંદ્રમા ફરી ફરીને જન્મે છે. અગ્નિ ઠંડીનું ઔષધ છે. જયારે વાવવા માટેનું મોટામાં મોટું સ્થાન છે ભૂમિ."

યક્ષ: "ધર્મનું મુખ્ય સ્થાન શું છે? યશનું મુખ્ય સ્થાન શું છે? સ્વર્ગનું મુખ્ય સ્થાન શું છે? સુખનું મુખ્ય સ્થાન શું છે?"

યુધિષ્ઠિર: "ધર્મનું મુખ્ય સ્થાન દક્ષતા છે. યશનું મુખ્ય સ્થાન દાન છે. સ્વર્ગ સત્યથી અને સુખ શીલથી પ્રાપ્ત થાય છે."


યક્ષ: "કોણ છે મનુષ્યનો આત્મા? કોણ છે નસીબનો સર્જયો મિત્ર? આ મનુષ્યની જીવાદોરી શી છે? અને એણે શેનો આશ્રય લેવો જોઈએ?"

યુધિષ્ઠિર: "પુત્ર છે મનુષ્યનો આત્મા, નસીબનો સર્જયો મિત્ર પત્ની છે, મનુષ્યની જીવાદોરી વરસાદ છે, અને દાન એનો આધાર છે."


યક્ષ: "સફળ થનારાઓમાં ઉત્તમ શું છે? ધનોમાં ઉત્તમ ધન શું છે? લાભોમાં ઉત્તમ લાભ કયો છે? સુખમાં ઉત્તમ સુખ શું છે?"

યુધિષ્ઠિર: "સફળ થનારાઓમાં ઉત્તમ છે એની દક્ષતા. સર્વ ધનોમાં ઉત્તમ ધન જ્ઞાન છે. લાભોમાં કલ્યાણકારી છે આરોગ્ય અને સુખોમાં ઉત્તમ સુખ છે સંતોષ."

યક્ષ: "જગતમાં કયો ધર્મ મોટો છે? કયો ધર્મ હંમેશાં ફળદાયી બની રહે છે? શેનું નિયમન કરવા છતાં શોક થતો નથી? કોનું જોડાણ ક્યારેય પણ જીર્ણ થતું નથી?"

યુધિષ્ઠિર: "નિષ્ઠુરતાનો અભાવ (દયા) સહુથી મોટો ધર્મ છે, વેદધર્મ હંમેશાં ફળદાયી બની રહે છે. મન પર નિયંત્રણ કરવાથી શોકની પળ આવતી નથી, અને સજજનો સાથેનું જોડાણ કદી જીર્ણ થતું નથી."


યક્ષ: "સંસારમાં સૌથી મોટું આશ્ચ્રર્ય શું છે?"

યુધિષ્ઠિર: "માણસો રોજે રોજ મરતાં હોવા છતાં દરેક માણસ એ રીતે જ વર્તે છે કે જાણે પોતે અમર હોય!"


યક્ષ: "જન્મનું કારણ શું છે? જન્મ અને મરણના બંધનથી મુક્ત કોણ છે?"

યુધિષ્ઠિર: "અતૃપ્ત વાસનાઓ, કામનાઓ અને કર્મનું ફળ એ જ જન્મનું કારણ છે. જેણે સ્વયંને જ, પોતાની આત્માને જ જાણી લીધો છે એ જન્મ અને મરણના બંધન માંથી મુક્ત છે."

યક્ષ: "શું છોડીને મનુષ્ય બીજાઓને વહાલો થઇ પડે? શું છોડ્યા પછી પણ શોક ન થાય ? શું છોડીને મનુષ્ય શ્રીમંત થાય? શું છોડીને સુખ મળે?"
યુધિષ્ઠિર: "અભિમાન છોડવાથી પ્રિય થવાય, ક્રોધનો ત્યાગ કરવાથી શોક ન આવે , કામ ત્યજવાથી ધનવાન થવાય અને લોભ છોડી દેવાથી સુખ મળે."

યક્ષ: "માણસ (જીવતો છતાં) મરેલો ક્યારે ગણાય? રાષ્ટ્ર કેવી રીતે નાશ પામે? શ્રાદ્ધ ક્યારે મરી જાય? અને યજ્ઞ મરેલો ક્યારે ગણાય?"

યુધિષ્ઠિર: "દરિદ્રતાથી માણસ મરેલો છે. રાજા વિનાનું રાષ્ટ્ર નાશ પામે. શ્રોતવિધિ (વેદવિધી) વિનાનું શ્રાદ્ધ મૃત ગણાય, જયારે દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો ગણાય."


યક્ષ: "મૃત્યુ સુધી કોણ યાતના આપે છે? દિવસ-રાત શેનો વિચાર કરવો જોઈએ?"

યુધિષ્ઠિર: "છુપી(ગુપ્ત) રીતે કરેલો અપરાધ મૃત્યુ સુધી યાતના આપે છે. દિવસ-રાત સાંસારિક સુખોની ક્ષણ-ભંગુરતાનો વિચાર કરવો જોઈએ."


યક્ષ: "દિશા કઈ છે? પાણી શેને કહેવાય છે? હે પૃથાપુત્ર! ઝેર શું છે? શ્રાદ્ધનો સમય કહી આપો પછી પાણી પીઓ અને લઇ પણ જાઓ."

યુધિષ્ઠિર: "સજજનો દિશા છે. આકાશ જળ છે. યાચના ઝેર જેવી હોય છે. બ્રાહ્મણ શ્રાદ્ધનો ઉચીત સમય છે. અથવા હે યક્ષ! તમે જ કહો તમને શું લાગે છે?"


યક્ષ: "હે યુધિષ્ઠિર! મારા બધા પ્રશ્નોના તમે બરાબર જવાબ આપ્યા છે. હવે કહો કે એવો કયો પુરૂષ છે જે સર્વ ધનવાળો હોય?"

યુધિષ્ઠિર: "પુણ્ય કર્મની કીર્તિ સ્વર્ગ અને પૃથ્વી સુધી વિસ્તરે છે જયાં સુધી તે યશ ગવાતો રહે છે ત્યાં સુધી તે પુરુષ યશસ્વી કહેવાય છે. જેને પ્રિય કે અપ્રિય એક સરખા હોય, એ જ રીતે જેને સુખદુઃખ પણ એક સરખા હોય, ભૂતકાળ કે ભવિષ્ય બંને જેને મન સરખા હોય તે બધી રીતે ધનિક છે."

યક્ષ: "સર્વરીતે ધનિકની હે રાજા! તમે સરસ વ્યાખ્યા આપી માટે ભાઈઓ પૈકી કોઈ પણ એક ભાઈ જેને તમે ઈચ્છો તે જીવતો થાઓ."

યુધિષ્ઠિર: "આ જે શ્યામળો, લાલ આંખવાળો અને મોટા તાડવૃક્ષ જેવો ઊંચો અને વિશાળ છાતીવાળો દીર્ઘબાહુ નકુલ છે તે હે યક્ષ! જીવતો થાઓ."

યક્ષ: "હે યુધિષ્ઠિર! મહાબલી ભીમ કે ત્રિલોક વિજયી અર્જુનને બદલે નકુલ જ કેમ?"

યુધિષ્ઠિર: "હે યક્ષ! ધર્માત્મા પાંડુની બે રાણીઓ છે, કુંતી અને માદ્રી. હું, ભીમ અને અર્જુન કુંતીના પુત્રમાંથી હું જીવિત છું. તો માદ્રીના પુત્રો સહદેવ અને નકુલમાંથી પણ કોઈ એક જીવિત રહેવો જોઈએ એટલે મેં નકુલનું જીવતદાન માંગ્યું."


યક્ષ: "તે અર્થ અને કામ કરતાં પણ કરુણાને પરમ ધર્મ માન્યો તો હે ભરતશ્રેષ્ઠ! તારા બધા જ ભાઈઓ ભલે જીવતા થાય."

પછી યક્ષના કહેવાથી બધા પાંડવો ઉભા થઈ ગયા. એમની ભૂખ અને તરસ પણ ક્ષણવારમાં અદ્રશ્ય થઇ ગઈ.

****

(આ વાત પરમ સત્ય છે. આજના સમયમાં પણ આ સવાંદમાંથી આપણને ઘણું શીખવા મળે છે. જેમણે આ વાંચેલું હશે એની યાદદાસ્ત તાજી થઇ ગઈ હશે અને જેણે પહેલીવાર જ આ વાંચ્યું હશે એમને જ્ઞાનની થોડીક ઝાંખી થઇ હશે. આ સવાંદ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો યોગ્ય પ્રતિભાવ (Review) અચૂક આપશો.)

-Sagar Vaishnav