લાઈબ્રેરી ક્યાં છે? Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈબ્રેરી ક્યાં છે?

લાઈબ્રેરી ક્યાં છે?


'પોતાના શહેરમાં શાળા કે કોલેજ સિવાય લાઈબ્રેરી ક્યાં આવી છે અને કેટલી છે?' એવો કોઈને પણ પ્રશ્ન પૂછો તો લગભગ એંશીથી નેવું ટકા લોકો તમને જવાબ જણાવી નહી શકે, અને જે કોઈ જાણતું હશે એ કાં તો લાઈબ્રેરી(પુસ્તકાલય)નો મેમ્બર હશે, જેની શક્યતા ૧૦૦ માંથી ૨ ની પણ નથી, અથવા તો લાઈબ્રેરી(પુસ્તકાલય)ની આસપાસ તેનું ઘર કે કામકાજનું સ્થળ હશે.

આજે લાઈબ્રેરી(પુસ્તકાલય) ઉપર આટલો પ્રેમ કેમ ઉભરાય ગયો? એવું તમને જો લાગતું હોઈ તો જણાવી દેવાનું કે હમણાં લોકડાઉનના સમયમાં ઘણી જાહેરાતો થાય છે, ફલાણું ફલાણું ખુલશે ને ઢીંકણું ઢીંકણું બંધ રહેશે એમાં ક્યાંય પણ લાઈબ્રેરી(પુસ્તકાલય)નો તો ઉલ્લેખ જ નહતો. આ લોકોને ખ્યાલ પણ છે કે લાઈબ્રેરી(પુસ્તકાલય) જેવું કાંઈક અસ્તિત્વ ધરાવે છે! છેક છેલ્લે ઘણા લાઈબ્રેરી(પુસ્તકાલય)ના મેમ્બરોએ લેખિતમાં પરવાનગી માંગી ત્યારે અમુક શહેરોમાં લાઈબ્રેરી(પુસ્તકાલય) ખોલવાની છુટ આપવામાં આવી. આમાં કોઈનો વાંક કાઢવાની વાત નથી,પણ લોકોમાં હજુ લાઈબ્રેરી(પુસ્તકાલય) વિશે એટલી જાગૃતિ જ નથી. ચૂંટણીનો પ્રચાર હોય કે બજેટની જાહેરાત હોય ક્યાંય પણ તમને લાઈબ્રેરી(પુસ્તકાલય) નો ઉલ્લેખ જોવા નહિ મળે.


લાઈબ્રેરી(પુસ્તકાલય)નું આટલું મહત્વ તથા જરુરીયાત શા માટે છે? જેમ માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે પૌષ્ટિક તથા સંતુલિત આહારની જરૂર છે, તેવી જ રીતે માનસિક સ્વાસ્થ્ય માટે સારા જ્ઞાનની જરૂર છે. અને સારા જ્ઞાનનો ભંડાર મેળવવા માટે લાઈબ્રેરી(પુસ્તકાલય) ઉત્તમ સ્થળ છે. આપણા ભારત દેશમાં લાઈબ્રેરી(પુસ્તકાલય)ની પરંપરા પ્રાચીન સમયથી રહેલી છે. નાલંદા તથા તક્ષશિલા વિદ્યાપીઠોની લાઈબ્રેરી(પુસ્તકાલય) પુરા વિશ્વમાં પ્રસિદ્ધ હતી. લાઈબ્રેરી(પુસ્તકાલય) એટલે પુસ્તકોનું ઘર. પુસ્તકો મનુષ્યના મિત્રો છે. એકબાજુ એ આપણું મનોરંજન કરે છે તો બીજી બાજુ એ આપણા જ્ઞાનનો વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે.

પુસ્તકો જ છે જે આપણને પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધીના સારા વિચારોથી આપણને અવગત કરાવે છે. કોઈ પણ વ્યક્તિ એક હદ સુધી જ પુસ્તકો ખરીદી શકે છે. બધા જ પ્રકાશિત થતા પુસ્તકો ખરીદવા એ બધાના ગજાની વાત નથી. એટલે જ તો લાઈબ્રેરી(પુસ્તકાલય)ની સ્થાપના થઈ. એક જ સ્થળ ઉપર વિવિધ ભાષાઓ, કલાઓ, ધર્મો, વિષયો, ઇતિહાસો, આવિષ્કારો, વૈજ્ઞાનિકો વગેરે વીશેની માહિતી મેળવવા માટેનું એક જ સ્થળ એટલે લાઈબ્રેરી(પુસ્તકાલય). અહીંયા બધી જ પ્રકારના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુસ્તકો તમને મળી રહે છે. ક્યારેક દુર્લભ એવા પુસ્તકો કે જેની કિંમત આંકી જ ના શકાય એ પણ તમને લાઈબ્રેરી(પુસ્તકાલય)માં વાંચવા માટે મળે છે.

એક પુસ્તક વાંચવું એટલે તેના લેખક સાથે વાર્તાલાપ કરવો. તમે દેશ-વિદેશના હજારો લેખકો સાથે આવો વાર્તાલાપ લાઈબ્રેરી(પુસ્તકાલય)માં આરામથી કરી શકો છો. આજથી ૧૦૦-૨૦૦ વર્ષો પહેલાના, અરે! હજારો વર્ષ પહેલાના પુસ્તકો પણ વાંચીને તમે એ સમયની દુનિયામાં લટાર મારી શકો છો. અને, આ વસ્તુનો લાઈબ્રેરી(પુસ્તકાલય)માં તમે સાવ મફતના ભાવે લાભ લઇ શકો છો.

લાઈબ્રેરી(પુસ્તકાલય) એટલે જ્ઞાનનું મંદિર જ કહેવાય. જે લોકો પોતાના બાળકોને અમુક સમયે ફરજીયાત ધાર્મિક સ્થળોએ જવા માટે દબાણ કરે છે કે પરાણે ઘસડી જાય છે, એ લોકોએ જ્ઞાનના આ પવિત્ર મંદીર લાઈબ્રેરી(પુસ્તકાલય)માં પણ બાળકોને લઇ જવા જોઈએ. આજે જયારે આખા દેશમાં ધાર્મિક સ્થળો અગણિત છે, છતાં પણ નવા ધાર્મિક સ્થળોના બાંધકામ માટે લાખો કરોડો ખર્ચી નાખનારા લોકોને કહેવાનું કે થોડોક ખર્ચો કરીને એકાદું જ્ઞાનનું પવિત્ર સ્થળ લાઈબ્રેરી(પુસ્તકાલય) પણ બાંધો. સમાજ સુધારવા માટે પણ લાઈબ્રેરી(પુસ્તકાલય) ખુબ જ આવશ્યક છે. અત્યારનો જમાનો જ્ઞાન અને માહિતીનો જમાનો છે, ત્યારે જ્ઞાન અને માહિતી માટે લાઈબ્રેરી(પુસ્તકાલય) જેવું ઉત્તમ સ્થળ એકપણ નથી.

સાર્વજનિક લાઈબ્રેરી(પુસ્તકાલય)ની વાર્ષિક ફી નો દર ૨૦૦ થી ૫૦૦ રૂપિયા જેટલો સાવ નજીવો હોય છે. જેમાં તમને પુસ્તકો ઘરે લઇ જવા દેવાની છૂટ હોય છે. જયારે ત્યાંજ બેસીને વાંચવા માટે તો કોઈ પણ જાતનો ચાર્જ હોતો નથી. છતાં પણ લોકો લાઈબ્રેરી(પુસ્તકાલય)નો જોઈએ એટલો ઉપયોગ કરતા નથી. આજના યુગમાં મનોરંજન માટેના ઘણા સાધનો છે, પણ પુસ્તકો જેવું સસ્તું અને સારું મનોરંજનની સામે બીજા મનોરંજનની કાંઈ કિંમત નથી. આશ્ચ્રર્ય તો એ વાતનું છે કે કચરા જેવી ફિલ્મો માટે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા ફટાક કરતા ખર્ચી નાંખનારાને લાઈબ્રેરી(પુસ્તકાલય)ની ફી મોંઘી લાગે છે. લાઈબ્રેરી(પુસ્તકાલય)માં સમય પસાર કરવો એ સમયનો સદ્દપયોગ છે.

આપણા દેશમાં ઘણી લાઈબ્રેરી(પુસ્તકાલય) છે, પણ સારી કહી શકાય એની સંખ્યા તો ખુબ જ ઓછી છે, કારણકે આપણને એના સાચા મહત્વની સમજ જ આપવામાં આવી નથી. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમકે સારા પુસ્તકો જ્યાં હશે ત્યાં સ્વર્ગ એની મેળે આવી જશે." લાઈબ્રેરી(પુસ્તકાલય) એ આપણા જીવનનું એક અભિન્ન અંગ જ હોવું જોઈએ, કેમકે ત્યાં આપણે સારા પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવી શકીએ છીએ. જે આપણી વિચારવાની શક્તિનો વિકાસ કરવામાં તથા આપણા જીવનને ખુશીથી જીવવામાં મદદરૂપ થાય છે.

પુસ્તકો વાંચવાના ઘણા શોખીન લોકો એવા છે જેના ઘરમાં જ નાની લાઈબ્રેરી(પુસ્તકાલય) હોય છે. આવા લોકોના મોઢે તમે ક્યારેય એકલતા કે કંટાળો શબ્દ સાંભળશો નહિ. આજે ઘરમાં ટી.વી. લેવા માટે સ્પેશ્યિલ પ્લાનિંગ થાય છે તો થોડુંક પ્લાનિંગ સારા પુસ્તકો ખરીદવા વિશે પણ કરો. કેમકે ટી.વી.માં પણ મોટાભાગનું મનોરંજન સાવ નિરર્થક જ હોય છે, એની સામે સારા પુસ્તકોનો જીવનમાં લાભ અગણિત છે. જેના ઘરમાં નાની એવી પણ લાઈબ્રેરી(પુસ્તકાલય) છે એણે એના બાળકો માટે એક સારા એવા વારસાનુ સર્જન કર્યું છે. કોઈના શુભ પ્રસંગે કે બર્થડે વખતે નિરર્થક જેવી વસ્તુઓની ભેટ આપવાને બદલે સારા પુસ્તકો પણ ભેટ આપવાનું ચાલુ કરો, અરે કોઈ લાઈબ્રેરી(પુસ્તકાલય)ની મેમ્બરશિપની ભેટ પણ આપી શકાય, જેની કિંમત કાંઈ નથી પણ મૂલ્ય અગણિત છે.

જો તમે કોઈ પણ લાઈબ્રેરી(પુસ્તકાલય)ના મેમ્બર છો તો ઘણી સારી વાત છે, તમે એવો વિકલ્પ પસંદ કરેલો છે જેની સરખામણી કોઈ સાથે થઇ ના શકે. પણ, જો તમે કોઈ પણ લાઈબ્રેરી(પુસ્તકાલય)ના મેમ્બર નથી તો તમને જણાવવાનું કે તમે એક એવી દુનિયાથી અજાણ છો, જેનું મહત્વ અનુભવ સિવાય સમજાવી જ ના શકાય. આપણા જીવનના ઉત્કર્ષ માટે તથા ઉત્તમ સમાજના નિર્માણ માટે પણ લાઈબ્રેરી(પુસ્તકાલય)નું સાચું મહત્વ સમજીએ અને એની સંખ્યા વધે એવા પ્રયાસો પણ કરીએ.

***સમાપ્ત***

-Sagar Vaishnav

(વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપને લાઈબ્રેરી(પુસ્તકાલય) વિશેના આ લેખનો પ્રતિભાવ(Review) અચુક આપવા નમ્ર વિનંતી છે.)