Featured Books
શ્રેણી
શેયર કરો

અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર

અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર

અમેરિકાના ભુતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન એક લેજેન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે તે ઘણા જાણીતા છે. ઘોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા લિંકનને શિક્ષણના નામે પંદર વર્ષની ઉંમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ ભણતરની અદ્મ્ય ઈચ્છાને લીધે જ તેમણે ભણવાનું ચાલુ રાખ્યું હતું. આઠ વખત ચૂંટણી હારી ગયા છતાં તેમને આશા ગુમાવી નહતી અને એક દિવસ તે અમેરિકાના પ્રમુખ બનવામાં સફળ થયા, તથા સતત બે ટર્મ સુધી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના એ શક્તિશાળી પ્રમુખે તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર એક ઐતહાસિક દસ્તાવેજ ગણાય છે. આ પત્ર દરેક શિક્ષકે તથા વિદ્યાર્થીઓના વાલીઓએ જરૂરથી વાંચવો જોઈએ. આ પત્ર નીચે મુજબ છે:

"માનનીય શિક્ષકશ્રી,

મારો પુત્ર આજથી શાળામાં ભણવાનું શરુ કરી રહ્યો છે. હું જાણું છું કે એ બધું જ એના માટે નવું અને વિચિત્ર પ્રકારનું હશે, પરંતુ તેની સાથે શાંતિથી વર્તન કરવા વિનંતી છે. તેની આ નવી યાત્રા તેને વિશ્વના દ્વિપખંડોની પણ પેલે પાર લઇ જઈ શકે છે. દરેક આવા પ્રકારની યાત્રામાં શાયદ યુદ્ધ પણ હોય છે, કરુણાંતિકા પણ હોય છે તથા દુઃખ પણ હોય છે. આવું જીવન જીવવા માટે તેને શ્રદ્ધા, પ્રેમ અને ખુબ જ સાહસની જરૂર પડશે.

હું જાણું છું કે, આ દુનિયામાં બધા જ લોકો સારા,સાચાં અને ન્યાયપ્રિય હોતા નથી. બધા જ સાચું બોલતા હોય તેવું પણ નથી. આ વાત મારા પુત્રએ પણ શીખવી જ પડશે. પરંતુ, તેને એ વાત પણ શીખવજો કે દરેક ખરાબ વ્યક્તિ પાસે સારું હૃદય પણ હોય છે. દરેક સ્વાર્થી નેતાની અંદર એક સારો લીડર બનવાની ક્ષમતા પણ હોય છે.

હું ઇચ્છુ છું કે આપ તેને એ વાત શીખવો કે દરેક દુશ્મનની ભીતર એક દોસ્ત બનવાની ક્ષમતા હોય છે. હું જાણું છું કે આ વાત શીખવામાં તેને કેટલોક સમય લાગશે. પરંતુ આપ તેને એ વાત શીખવજો કે રસ્તા પરથી મળેલા એક ડોલર કરતા જાતમહેનતના દસ સેન્ટ વધારે મૂલ્યવાન હોય છે.

આપ એને શીખવજો કે બીજાઓ પ્રત્યે ઈર્ષાઓ કરવાની ભાવના પોતાના મનમાં ના લાવે. તેને એ વાત પણ શીખવજો કે ખુલીને હસતી વખતે શાલીનતાથી વર્તવું પણ જરૂરી છે. મને આશા છે કે આપ એ વાત પણ શીખવશો કે બીજાઓને ડરાવવા કે ધમકાવવા તે સારી વાત નથી.

આપ તેને હારવાનું પણ શીખવજો અને જીતથી ખુશ થવાનું પણ શીખવજો. રાગદ્વેષથી દૂર રહી પોતાની મુસીબતોને હસીને ટાળી દેવાનું શીખવજો. એ વાત એને જલ્દીથી શીખી લેવી જોઈએ કે આ પ્રકારના જ્ઞાનથી બદમાશોને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે. દયાળુ લોકો સાથે નમ્રતાથી અને ખરાબ લોકો સાથે સખ્તાઇથી વર્તવું જોઈએ.

આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો પરંતુ સાથે સાથે તે ભૂરા આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના તાપ નીચે ફૂલોની ઉપર ઉડતા પતંગિયા અને પર્વતમાળાઓ પર ખીલી ઉઠેલા જંગલી ફૂલોને પણ નિહાળે. સ્કૂલમાં આપ તેને શીખવજો કે નકલ કરીને પાસ થવા કરતા નાપાસ થવું વધુ સારું છે. હું માનું છું કે આ વાતો તેના માટે વધુ જરૂરી છે. બધા જ લોકો તેને ભલે ખોટી કહે પરંતુ તે પોતાના વિચારોમાં પાક્કો વિશ્વાસ અને શ્રદ્ધા રાખે. પોતાની વાતમાં તે મક્કમ રહે તે જરૂરી છે. બીજાઓની વાતો સાંભળ્યા બાદ તેમાંથી તેના માટે કામની વાત શું છે તેની પસંદગી કરતા તે શીખે.

એ જરૂરી છે કે બીજા બધા જ લોકો ઘેટાંની જેમ એક જ રસ્તે ચાલતા હોય ત્યારે એ ટોળાથી અલગ થઈને પોતાનો રસ્તો પસંદ કરવાની તેનામાં હિંમત હોય તે જરૂરી છે. એને એ વાત પણ શીખવજો કે દરેક વાતને તે ધીરજથી સાંભળે અને તેને સત્યની એરણ પર ચડાવી તેમાંથી કેવળ સારી વાતને જ ગ્રહણ કરે.

એને એ વાત શીખવતાં પણ ભૂલશો નહિ કે કોઇ પણ પ્રકારની ઉદાસીનતાને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે. એને એ વાત પણ શીખવજો કે જયારે પણ તેને રડવાનું મન થાય ત્યારે રડવામાં જરા પણ શરમ ના અનુભવે. તે તેના ટીકાકારોની પરવા ન કરે અને મશ્કાબાજોથી હંમેશા સાવધાન રહે. તે પોતાના શરીરની તાકાત પર જ ભરપુર કમાણી કરે. પરંતુ પોતાના આત્મા અને પ્રામાણિકતાને કદી ના વેચે. એનામાં એ શક્તિ હોવી જોઈએ કે સામે ચીસો પડતી ભીડની સામે પણ અડગ ઉભા રહી સત્ય માટે તે ઝઝૂમતો રહે.

આપ તેને એવું શિક્ષણ આપો કે માનવજાતી પર એની અસીમ શ્રદ્ધા કાયમ રહે. હું માનુ છું કે, તેને જેટલો વિશ્વાસ પોતાના પર હોય તેટલો જ વિશ્વાસ બીજાઓ પર પણ હોવો જોઈએ. એમ થશે ત્યારે જ તે સાચો માનવી બની શકશે.

આ વાતો મોટી પણ છે અને લાંબી પણ. પરંતુ આપ તેમાંથી જેટલું પણ શીખવી શકશો એટલું તેના માટે સારું હશે અને હા, મારો દીકરો હજુ નાનો છે અને વહાલો પણ છે.

આપનો

અબ્રાહમ લિંકન."

આવો ખુબ જ મૂલ્યવાન પત્ર ભાગ્યે જ વાંચવા મળશે.

****સમાપ્ત****

(આ પત્ર વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો યોગ્ય પ્રતિભાવ(Review) અચૂક આપવા વિંનંતી છે)