vanchan books and stories free download online pdf in Gujarati

વાંચનના ફાયદાઓ

વાંચનના ફાયદાઓ

"એક વાચક મરતા પહેલા હજારો જિંદગી જીવી જાય છે, અને જે વાંચતો નથી તે ફક્ત એક જ જિંદગી જીવે છે." -જયોર્જ માર્ટિન.

જેમ શારીરિક વિકાસ માટે પૌષ્ટિક આહાર તથા કસરત જરૂરી છે, તેવી જ રીતે માનસિક વિકાસ માટે સારા વિચારો જરૂરી છે, જે વાંચન દ્વારા સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આજના ઝડપી યુગમાં લોકો આખો દિવસ તણાવના બોજા હેઠળ દબાયેલા હોય છે, ત્યારે સારા પુસ્તકોનું વાંચન તેમને તણાવ પર કાબુ મેળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે.

"સારા પુસ્તકોનું વાંચન યુવાવસ્થામાં આપણને માર્ગ દર્શાવે છે અને વૃધ્ધાવસ્થામાં આનંદ આપે છે. એકાંતમાં આપણને આશ્રય આપે છે અને આપણા જીવનને કંટાળારૂપ બનતું અટકાવે છે."

આજનો યુગ જ્ઞાન અને માહિતીનો યુગ કહેવાય છે. જો આપણે આપણા કામના ક્ષેત્રમાં બીજા લોકોથી આગળ વધવા માંગતા હોઈએ તો આપણી પાસે તે ક્ષેત્રનું વધારે જ્ઞાન અને માહિતી હોવા જરૂરી છે. જે આપણે વાંચન દ્વારા સહેલાઈથી પ્રાપ્ત કરી શકિએ છીએ. શાળા કે કોલેજના શિક્ષણ પછી અમુક જ વ્યક્તિઓ પોતાના ક્ષેત્રનું કે અન્ય કોઈપણ ક્ષેત્રનું વાંચન કરતા હોય છે, આથી જ સફળતા મેળવવા માટે તેઓ હંમેશા અગ્રેસર હોય છે.

વાંચવું એ દુનિયાને સમજવાની એક પ્રકારની ચાવી જ છે. વાંચન દ્વારા આપણે બીજા વ્યક્તિના વિચારોને તથા મનોભાવોને જાણી શકીએ છીએ. અરે ખુદ, આપણી પોતાની જાતને પણ ઓળખવામાં વાંચન મદદ કરે છે. જયારે આપણે કાંઈ સારું વાંચીએ છીએ, ત્યારે આપણી સમક્ષ એક નવી જ દુનિયા ઉઘડે છે. કોઈના અનુભવો, વર્ષોની મહેનતથી મેળવેલી સિદ્ધિઓ આ બધું વાંચનથી આપણે આસાનીથી જાણી શકીએ છીએ.

ઘણા બધા લોકો કાંઈ પણ વાંચન શરુ કરવાનું વિચારે ત્યારે દ્વિઘામાં હોય છે કે શું વાંચવું? કેવા પ્રકારનું વાંચવું? તો તેમને જણાવવાનું કે બને ત્યાં સુધી સારા તથા શ્રેષ્ઠ પુસ્તકો જ વાંચવા કે જે આપણા મનને સારા વિચારોનું પોષણ આપી શકે. જેમ જંકફૂડ આપણા શરીર માટે સારું નથી, તેવી જ રીતે કચરા જેવું મનોરંજન પીરસતા કે નબળું સાહિત્ય ધરાવતા પુસ્તકો પણ આપણા મગજ માટે સારા નથી. માટે જ, સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ.

મોટાભાગના સફળ લોકોમાં નિયમિત રીતે વાંચવાની આદત કોમન જોવા મળે છે. દરેક વસ્તુ જે આપણે વાંચીએ છીએ, દરેક સારું પુસ્તક, વાર્તાઓ, તથા પ્રોત્સાહજનક લેખો એ બધું જ આપણામાં બદલાવ આણે છે. આપણી જાતને આપણે છીએ એના કરતા ઊંચે લઈ જવામાં મદદ કરે છે.

સારા વાંચનથી આપણી કલ્પનાશક્તિ ખીલે છે, જે આપણને સર્જનાત્મક કાર્યો કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. વાંચનથી આપણા શબ્દભંડોળમાં વધારો થાય છે, જે આપણી વ્રકતૃત્વકળા ખીલવવામાં મદદરૂપ થાય છે. સારા વાંચનથી આપણું મગજ યુવાન તથા તાજગીભર્યું રહે છે. વાંચન આપણી યાદશક્તિ તથા એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે.

વાંચન આપણા જીવન ધ્યેયને પામવા માટે પ્રોત્સાહિત કરે છે તથા વધારે સમજદાર બનાવે છે, નવી-નવી વસ્તુઓ શીખવે છે તથા આપણી આજુબાજુના લોકોથી એક ડગલું આગળ રાખે છે. દિવસની શરૂઆત જો સારા વાંચનથી કરીએ તો આખો દિવસ સારી રીતે પસાર થઇ જાય છે. એકવાર આની ટેવ પાડો, પછી જુઓ કે તમે જેવા છો તેવા બિલકુલ નહિ રહો, બદલાઈ જશો.

સફળતા મેળવવા માટે સારા વિચારો ખુબ જ ઉપયોગી છે. સારા પુસ્તકોના વાંચનથી એકાદ સારો વિચાર પણ આપણા જીવનમાં ક્રાંતિ લાવવાનું અદભુત કામ કરી શકે છે. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "આજથી પાંચ વર્ષ પછી તમે કેવી વ્યક્તિ હશો એ જો કહેવું હોય તો મુખ્ય બે બાબતોને આધારે કહી શકાય. એક, તમારે કેવા લોકો સાથે સબંધ છે. બીજું, તમને કેવા પુસ્તકો વાંચવા ગમે છે."

આજના મોબાઈલ યુગમાં તો વાંચવા માટેની ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ છે. જે લોકો કહે છે કે અમને વાંચન માટે સમય મળતો નથી, તો જયારે તમે ટ્રાવેલિંગ કરતા હો, કશેક લાઈનમાં ઉભા હો કે કોઈની રાહ જોતા હો ત્યારે મોબાઇલમાં આરામથી વાંચી શકો છો. જયારે આવા બધા કામમાં બીજા લોકો ફરિયાદ કરતા રહેશે, ત્યારે તમે સારા પુસ્તકોના વિચારોનો ખોરાક મનને આપી તેનો વિકાસ કરતા હશો.

આજે લોકો કામથી થાકીને ઘરે આવે ત્યારે મનોરંજન માટે સીધા ટી.વી. સામે બેસી જાય છે. મનોરંજન એવું હોવું જોઈએ કે જે માણ્યા પછી આપણો થાક ઉતરી જાય તથા નવી જ તાજગીનો અનુભવ કરીએ , પણ સતત ટી.વી. જોયા પછી ઉલ્ટાનો મગજને વધુ થાક લાગે છે. કેમકે, તેમાં મોટાભાગનું તો કચરા જેવું જ મનોરંજન પીરસાતું હોય છે, એના કરતા તો સારું વાંચન આપણને તાજગીથી તરબતર કરી દે છે. એક વિદ્વાને કહ્યું છે કે "ગમ્મત મેળવવાનું કોઈ પણ સાધન વાંચનના જેટલું સસ્તું નથી, તેમ જ કોઈ આનંદ એના જેટલો ટકતો નથી."

એક સારો લેખક, વક્તા, લીડર કે પછી શિક્ષક બનવા માટે વાંચન ખુબ જ જરૂરનું છે. જે શિક્ષક અન્ય સારા પુસ્તકોનું વાંચન કરે છે તે પોતાના વિદ્યાર્થીઓનું સારું ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. વિશ્વના કેટલાયે જ્ઞાની, સમજદાર, તત્વવેત્તાઓ તથા પ્રેરણાદાયી લોકો પુસ્તકો દ્વારા તેમના જ્ઞાનનો લાભ આપવા તત્પર છે, તો પછી આપણે તેમને વાંચીને આ લાભ શા માટે ના લેવો? વૃદ્ધાવસ્થામાં પણ લાચાર દશામાં મૂકાવું ન પડે એ માટે પણ વાંચનની ટેવ તો પાડવી જ જોઈએ.

જો તમે દરરોજ કશુંક પણ સારું વાંચો છો તો તમને આ બધા ફાયદાઓનો ખ્યાલ હશે જ, જો તમે વાંચતા હતા પણ હવે મુકાઈ ગયું છે તો તમને વિનંતી કરવાની કે વાંચનની ટેવ ફરીથી શરુ કરી દો અને ચાલુ રાખો, અને જે લોકો વાંચન માટે સમય ફાળવતા નથી કે પછી વાંચતા જ નથી એમને જણાવવાનું કે તમે જીવનના એવા અનુભવથી પોતાની જાતને અળગી રાખી છે કે જેનું મુલ્ય માપી ન શકાય એવું છે, માટે જ વાંચતા રહો અને જે ના વાંચતા હોય એને આ ફાયદાઓ સમજાવી વંચાવતા રહો.

****સમાપ્ત****

✍️...Sagar Vaishnav

(વાંચન વિશેનો આ આર્ટિકલ આપે વાંચ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો અભિપ્રાય (Review) અચૂક આપવા વિંનતી છે.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED