આપણી આસપાસ કંઇક ખાસખાસ
પ્રકરણ:-૯
આલેખન:- અલ્પેશ કારેણા.
ગીર મનમાં જીણું જીણું મુંજાય છે, કોણ પૂછે કે એને શું થાય છે? ના ના... આજે વાત ગીરની નથી કરવી. પણ પ્રકૃતિની કરવી છે. જો તમે પર્યાવરણ સાથે ચેડા કર્યા તો તમારા સંતાનોને ભોગવ્યા વગર છૂટકો નથી જ જો કે કુદરતના બાપ થવામાં કોરોના આવી ચડ્યો એ ઘટના પણ માણસ માટે ઓછી નથી. પણ અા બધાની વચ્ચે શ્રાવણ જેવા પવિત્ર માસમાં બંને રીતે "શંભુ"ના ખરા લાલ એક શિક્ષકના રૂપમાં ફૂલ નહીં તો ફુલની પાખડી આપીને છેલ્લા 4 વર્ષથી પર્યાવરણ માટે કંઇક કરવાનું બીડું લઈને નીકળી પડ્યા છે. પહેલાથી જ પર્યાવરણ પ્રત્યે ધૂની માણસ. ચાલો તો જાણીએ એમના જીવન અને કવન વિશે.
નામ છે કચ્છી ડાયાલાલ શંભુભાઈ. ગામ એમનું સુલતાનપુર. રાજકોટમાં ગોંડલ પાસેના આ ગામમાં તેઓ 1984થી સુલતાનપુર કુમાર શાળામાં પ્રાઈમરી શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જોગાનુજોગ તેઓ આજે એટલે કે 31/07/2020નાં રોજ રીટાયર્ડ પણ થઈ રહ્યાં છે. એક જ શાળામાં તેઓએ પોતાની આખી નોકરી પૂરી કરી લીધી છે. શિક્ષક છે એટલે ભણાવતા હોય જ, તેથી હું એ વિશે વાત સ્કીપ કરું છું. પણ શાળામાં જે ઈત્તર પ્રવૃત્તિ થઈ રહી છે એ સલામી આપવા જેવી છે.આ શિક્ષકની વાત થોડી હટકે છે.
સુલતાનપુર અને આજુબાજુના ચાર પાંચ ગામમાં બિલીના રોપા તમને વધારે પ્રમાણમાં જોવા મળે. ( શ્રાવણ માસમાં ભગવાન શિવને જે બિલિપત્ર ચડાવીએ એનો રોપ ) પરંતુ ના હો! એનું કારણ શ્રાવણ મહિનો નહીં... પણ સુલતાનપુર ના કુમાર શાળાના શિક્ષક ડાયાલાલ કચ્છી છે. છેલ્લા 4 વર્ષથી તદ્દન નિ:શુલ્ક પણે દર શ્રાવણ મહિને સાહેબ 500થી પણ વધારે રોપાનું વિતરણ કરે છે. એમાં બિલીના રોપા વધારે અને બીજા ઝાડના રોપાનો પણ સમાવેશ થાય છે. શાળાના સાથીઓ અને વડીલોના સહકારથી આ પ્રવૃતિનો લાભ દર વર્ષે શ્રાવણ મહિનામાં ઘણા લોકો લે છે.
તમને નહીં મને પણ સવાલ મુંઝવતો હતો કે બિલીના રોપા જ કેમ વધારે? ત્યારે સાહેબે જણાવ્યું કે, એક તો શ્રાવણ મહિનો એટલે બિલિપત્ર ભગવાન શિવને સમર્પિત કરવા કામ લાગે. બાકી શાસ્ત્ર અને વિજ્ઞાન બંનેમાં તેનું આગવું મહત્વ રહેલું છે. ( શાસ્ત્રમાં ખૂબ જ વધારે ) અને સાથે જ તેના ફળનો ઉપયોગ પણ ગરમીમાં સરબત તરીકે અને શાક તેમજ અથાણું બનાવવામાં થાય છે.
એક શિક્ષક તરીકે બાળકોને ભણાવવાનું કામ પતાવી ડાયાલાલ સાહેબે કંઈ કર્યું ના હોત તો કોઈ ઠપકો નાં આપે. પણ એમનો હેતુ છે કે પર્યાવરણને અત્યારે વધુ વૃક્ષની જરૂર છે તે સંતોષાઈ. ખાસ કરીને બિલીનું વૃક્ષ એટલા માટે કે ધાર્મિક વૃત્તિ સાથે માણસ જોડાય અને એ વૃક્ષને કોઇ બને ત્યાં સુધી કાપે નહીં. જેથી પર્યાવરણને એટલો ટેકો રહે. હાલમાં પણ સુલતાનપુર કુમાર શાળાનો બગીચો એકવાર જોવા જેવો છે. એ બગીચો મહદઅંશે શિક્ષક ડાયાલાલ કચ્છી ને જ આભારી છે.
બીજી એક ખાસ ઓફર પણ જાણવા જેવી છે. ધારો કે તમે વાહનની વ્યવસ્થા કરી શકો અને સુલતાનપુર પહોંચાડી શકો તો તમને પણ આ રોપાનો લાભ મળી શકે. હું પણ વિનંતી કરું કે રાજકોટ આજુબાજુમાં ગોંડલ, જેતપુર, વડિયા, અમરેલી જે લોકો રહેતા હોય અને મારો લેખ વાંચતા હોય તેઓ આ સેવાનો લાભ લો અને પર્યાવરણમાં તમારી પણ ટચલી આંગળી અડાડો. તમારે આ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા પર્યાવરણને લઈ કઈ ઇનોવેશન કરવું હોય તો શિક્ષક શ્રી ડાયાલાલ કચ્છીનો નંબર આપને આપુ છું. ખૂબ ખૂબ આભાર.
ડાયાલાલ શંભુભાઈ કચ્છી
(Mo no. 9979998277)