આનું જ નામ પ્રેમ - ભાગ 3 તેજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આનું જ નામ પ્રેમ - ભાગ 3

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ મિટિંગ માટે મળે છે અને લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજનને આજે એકલું લાગતું હતું તો એ મિસ્ટર રાજન સાથે ડિનર માટે જાય છે. પસંદ પૂછતાં તેમણે માણેકચોક ની વાત કરે છે. હવે આગળ...

અમદાવાદની વ્યસ્ત ગલીઓ વચ્ચે આવેલું માણેકચોક મોડી રાતના ખાણીપીણીના બજાર માટે પ્રખ્યાત છે. અહીંનો રાતનો નજારો અલગ જ હોય છે. સવારે અહી સોનાચાંદીના વેપારીઓ લાખો કરોડોનો વ્યાપાર કરતા હોય પરંતુ સાંજ આથમતા જ બજાર નવા રંગે રંગાઈ જાય છે.

પૂજન અને મિસ્ટર રાજન બંને જણા માણેકચોક માં પ્રવેશ કરે છે. ચારે તરફ મનપસંદ વાનગીઓ અને તેની સોડમ આવતી હોય છે. પૂજન અને મિસ્ટર રાજન પોતાના ભાવતા ભોજનનો આનંદ માણતા વાતો કરતા હોય છે.

મિસ્ટર રાજન: "અમે જ્યારે પ્રથમ વાર અહી નવરાત્રિ મહોત્સવ દરમિયાન આવેલા મને તો આ વિસ્તાર ત્યારથી ગમે છે. એ શહેરની પોળમાં રહેતી હતી. અહી આવવાના બહાને અમે રાત્રે પણ મળી શકતા."

પૂજન: " આ વિસ્તાર છે જ એવો. કહેવાય છે અહી લક્ષ્મીજી સાક્ષાત રહે છે. અમને પણ આ જગ્યાએ આવવાનું ગમતું હતું."

મિસ્ટર રાજન (મુસ્કુરાહટ સાથે) : "અમને પણ..."

પૂજનને ખ્યાલ આવે છે શું બોલાઈ ગયું. આંખોમાં એક ચમક સાથે પૂજને કબૂલ્યું: "હા અમે પણ... એક દિવસ બધા મિત્રો સાથે કાંકરીયા મહાલવા નીકળ્યા હતા. રાત્રે બધાએ માણેકચોક જમીને રિવરફ્રન્ટ જવાનું આયોજન કરેલું. ત્યારે અમે પહેલી વાર અહી આવેલા. પછી તો તમને અનુભવ છે જ. રાત્રે થતી મુલાકાતોનો."
બંને એકબીજાને સામે જોઈને હસવા લાગે છે.

પછી તો અવનવી વાનગીઓ, ઢોસાની વેરાયટી, અસર્ફીની કુલ્ફી, જૂની અમદાવાદની પોળો અને એના સાથે રહેલી વાતો કરતા બંને જમીને બહાર નીકળે છે. બંને વચ્ચે સમાનતાઓ જેમ વધી રહી છે તેમ તેમની મિત્રતા વધી રહી છે. એક સમયે પ્રોફેશનલ કામ માટે મળેલાં વ્યક્તિઓ મિત્ર બની રહ્યા છે.

મિસ્ટર રાજનને હોટેલ પર ઉતારીને પૂજન પોતાના ઘરે આવે છે. આજે એનું ઘર એને અલગ લાગી રહ્યું છે. પથારીમાં સૂવાની તૈયારી કરે છે પણ ખબર નહી કેમ આજે ઊંઘ વેરણ બની છે. અંતે એ કોફી બનાવીને બાલ્કનીના હિંચકામાં બેસે છે.

જ્યારે પહેલી વાર પોતાના ગામથી નીકળી અમદાવાદમાં કૉલેજ માટે આવેલો ત્યારે કેટલા સપનાં સાથે એણે આ શહેરમાં પગ મૂક્યો હતો. કૉલેજના પ્રથમ દિવસનો રોમાંચ જ અલગ હોય છે. શાળાના બંધ વાતાવરણથી મુક્ત થઈ ઉડવા માટે જાણે આકાશ મળ્યું હોય એવો અનુભવ લેવા માટે દરેક યુવક યુવતી ઉત્સાહિત હોય છે.

એવા જ ઉત્સાહ સાથે પૂજન પ્રથમ દિવસે કૉલેજના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. એડમિશન પ્રક્રિયા પતાવી ક્લાસરૂમમાં જાય છે. આજે પ્રથમ દિવસ હોવાથી ફકત એકબીજાના ઇન્ટ્રોડકશન સાથે દિવસ પૂરો થઈ જાય છે.

પૂજન આવવાનો હતો ત્યારે એના માસી એ કીધું તુ એમને ત્યાં જ રોકવાની વ્યવસ્થા કરે. આમેય માસી- માસા અમદાવાદમાં એકલા રહેતા હતા. એમને એક દીકરો છે જે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા રહેતો હોય છે અને દીકરીના લગ્ન પોરબંદર થયેલા હોય છે.

માસીના આગ્રહને લીધે અને નવા શહેરમાં હેરાન ના થવાય એટલે માસીને ત્યાં રોકાવાનું સૂચન મળી ગયું હતું. કૉલેજથી નીકળ્યા બાદ પૂજન રિક્ષા કરીને માસીને ઘરે પહોંચે છે. સાંજ પડવા આવી હોવાથી અને થાક લાગેલો હોવાથી પૂજન નાસ્તો કરી આરામ કરવા જાય છે.

બીજા દિવસથી રાબેતા મુજબ એને સવારે 11:00 વાગ્યાની કૉલેજ હોય છે. સાંજે માસા એને એમના દીકરાની રેસિંગ બાઈકની ચાવી આપતા કાલથી કૉલેજ લઈ જવા કહે છે. પૂજન માસા ને કહે છે એને થોડા સમય શહેરને જાણવું છે અને જરૂર પડે ચાવી માગી લેશે એમ કહી ચાવી પાછી આપે છે.

માસા જોડેથી બસનો રૂટ સમજી લીધા બાદ પૂજન નીકળે છે. બસના સમય અને જરૂરી સૂચનો સાથે પૂજન સમયસર કૉલેજ પહોંચી જાય છે. પોતાની આદત મુજબ છેલ્લેથી બીજી બેન્ચ પર જઈને એ બેસી જાય છે. થોડા સમયમાં ક્લાસમાં બધા આવીને બેસવા લાગે છે. સાહેબ આવીને ક્લાસ ચાલુ કરે છે.

થોડીવારમાં સાહેબ સવાલો પૂછવાનું શરૂ કરે છે. આવડતા હોય એવા સ્ટુડન્ટ હાથ ઉપર કરી જવાબો આપે છે. મોટાભાગના જવાબ અંગ્રેજી મીડિયમ સ્ટુડન્ટ્સ આપતા હતા, પોતાને સ્માર્ટ બતાવવામાં એમને મજા આવતી હોય છે. પૂજન આમતો હોશિયાર હોય છે પણ ગુજરાતી માધ્યમ હોવાથી થોડુ ઇંગ્લિશ માટે ખચકાય છે.

આજે એ નક્કી કરે છે સામે ચાલી હાથ ઉચો કરવો નહી. કોણ કેટલા પાણીમાં છે એ પેલા ચકાસી લેવું. લંચ બ્રેક પડે છે અને પૂજન જમવા માટે જાય છે. જોડે જ એના ક્લાસનો વંદિત નામનો છોકરો આવીને બેસે છે. જમતાં જમતાં બંને વચ્ચે મૈત્રી થાય છે. બ્રેક પછી 2 ક્લાસ હોય છે એમાં એ બંને સાથે બેસવાનું વિચારે છે.

પૂજન જગ્યા બદલી આગળ આવે છે. પાછળની બેન્ચ કરતા આગળની બેન્ચ થી ક્લાસ અલગ લાગે છે. પણ વંદિત જોડે મિત્રતા હોય છે એટલે બેસે છે. છેલ્લા ક્લાસમાં એક મેડમ આવે છે. જે ગણિત ભણાવતા હોય છે. ગણિત તો પૂજનનો ગમતો વિષય હોય છે. અહી મેડમ થોડુ અઘરું પૂછે છે અને કોઈ જવાબ માટે હાથ ઊંચો નથી કરતા. મેડમ ફરી વાર પૂછે છે. 2 જણનાં હાથ ઊંચા થાય છે. એક છોકરીનો અને બીજો પૂજનનો.

મેડમ પેહલા છોકરીને પૂછે છે. છોકરી રોફ બતાવવા ઝડપથી ઇંગ્લિશમાં જવાબ આપે છે. પણ જવાબ સાચો નથી હોતો.
હવે પ્રશ્ન પૂજન ને પૂછાય છે. પૂજન જવાબ આપી દે છે. સાચા જવાબથી પૂજન માટે તાળીઓનો વરસાદ થાય છે. પણ એનાથી પેલી છોકરીનું મો ફુલાઈ જાય છે. ગુસ્સો કરતી એ એની ફ્રેન્ડને ખીજાય છે. બાકી બધાનું ધ્યાન નથી હોતું પણ પૂજનનું ધ્યાન એ તરફ હોય છે.

થોડીવારમાં ક્લાસ પૂરા થાય છે અને બધા ઘરે જવા નીકળે છે. બહાર નીકળતા વંદિત પૂજનને કહે છે થોડી વાર ગાર્ડનમાં બેસીએ. વંદિત જોડે બાઈક છે તો એ પૂજનને ઘર ઘર નજીક ઉતારતો જશે. પૂજન માની જાય છે. ગાર્ડનમાં લીમડાના અને પીપળાના ઝાડની હારમાળા હોય છે અને ત્યાં જ બેસવા માટે બેન્ચ પણ મુકેલી હોય છે. બંને ત્યાં બેસે છે, એટલામાં પૂજનનું ધ્યાન થોડે દૂર ખૂણામાં રહેલી એના કલાસની છોકરી પર જાય છે.

એ જ છોકરી જે ગણિતમાં જવાબ આપવા ઊભી થયેલી. પૂજન વંદિત ને કહીને એકલો એ છોકરી તરફ જાય છે. હજી તો જેવો પૂજન પહોંચે છે, એક છોકરો બાઈક પર આવીને એ છોકરીને ભેટી પડે છે. પૂજનને આ જોઈને દિલમાં થોડુ દર્દ થાય છે. એ ત્યાંથી તરત જ પાછો ફરી જાય છે. ઘણી બધી અલગ પ્રકારની લાગણીઓ ત્યારે અનુભવાય છે. અચાનક જ એ છોકરી એની જોડેથી જ બાઈક પર પસાર થાય છે, એ છોકરી એટલે પ્રાંજલ.

મિત્રો,
આ અંકમાં રાજન-પૂજનની મિત્રતા અને પૂજનના કોલેજ કાળની વાતો જોઈ. હજી આ કોલેજ કાળની વાતો આગળ ચાલુ રહેશે આવતા અંકમા પણ. સાથે થોડુ જાણીશું પ્રજ્ઞા અને સુંદરની કથા આગળ કેમ આકાર લે છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020