અંજલિ વીરા સાથે વાત કરી રહી તે સમયે અંજલિના ફોન પર તેના હસબન્ડનો કોલ આવ્યો એટલે તે ફોન લઈને થોડે દૂર જતી રહી. વીરા સોફામાં બેસીને વિચારતી હતી કે જો અંજલિ અહી થોડો સમય રહેશે તો મેઘનાને માનસિક રીતે સહારો મળશે.
આમ સાંજ પડી એટલે રાજવર્ધન ઘરે પાછો આવ્યો. રાત્રે ડિનર કરતી વખતે રાજવર્ધને અંજલિને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું ત્યારે અંજલિ કઈ બોલે તે પહેલાં વીરાએ તેના સવાલનો જવાબ આપ્યો. પછી વીરાએ રાજવર્ધનને બપોરે થયેલી બધી વાત કહી. તે સાંભળીને રાજવર્ધન પણ આનંદિત થઈ ગયો.
તેના બીજા દિવસથી તેમનો નિત્યક્રમ બદલાઈ ગયો. વીરાએ હોસ્પિટલમાં જવાનું બંધ કરી દીધું. તેણે 10 મહિનાની મેડિકલ લિવ લઈ લીધી. આખો દિવસ મેઘનાની સાથે રહેવા લાગી. તે મેઘનાની દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખતી હતી.
અંજલિ પણ દરરોજ સવારે તેના પ્રોજેક્ટ માટે મુંબઈના અલગ અલગ વિસ્તારમાં સર્વે કરવા માટે જતી અને બપોર સુધીમાં પાછી આવી જતી હતી. સાંજે તે બંને એપાર્ટમેન્ટના ગાર્ડનમાં મેઘના વોક માટે લઈ જતાં હતાં. તે સાથે દર પંદર દિવસે અનુજ અને વીરા મેઘનાનું ચેકઅપ કરી લેતા હતાં. રાજવર્ધન માટે આ બધું એક સોનેરી સપના સમાન હતું.
ધીરે ધીરે સમય પસાર થઈ ગયો. અંજલિનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો પણ તેણે મેઘનાની ડિલિવરી થાય ત્યાં સુધી તેની સાથે રહેવાનું નક્કી કર્યું. આખરે એ દિવસ આવી ગયો. વીરા અને અનુજે મેઘનાની ડિલિવરી કરાવી. મેઘનાએ એક સુંદર દિકરાને જન્મ આપ્યો. વીરાએ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને રાજવર્ધન અને અંજલિને આ સમાચાર આપ્યા. રાજવર્ધનની ખુશી ની કોઈ સીમા નહોતી.
થોડીવાર પછી મેઘનાને એક સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. રાજવર્ધન અને અંજલિ તેની પાસે ગયાં તે સમયે મેઘના પ્રસવ સમયે થયેલી પીડા ના કારણે બેહોશ હતી. રાજવર્ધન અને અંજલિ એકબાજુએ બેસીને મેઘનાના હોશ આવવાની રાહ જોવા લાગ્યા. થોડીવાર પછી વીરાએ એક બાળક રાજવર્ધનન ખોળામાં મૂક્યું.
તેનો ચહેરો બિલકુલ મેઘના જેવો અને આંખો રાજવર્ધન જેવી હતી. વીરા ના ખોળામાં તે બાળક રડતું હતું પણ રાજવર્ધન પાસે આવતાં જ તે બિલકુલ શાંત થઈ ગયું જાણે કે રાજવર્ધનને ઓળખતું હોય તેમ. રાજવર્ધનને તે બાળકના ચહેરા પરનું માસૂમ હાસ્ય જોઈને લાગ્યું કે અત્યાર સુધી તેણે જે દુઃખ સહન કર્યું હતું તેનો બદલો તેને મળી ગયો હતો.
રાજવર્ધન થોડીવાર સુધી તેને જોઈ જ રહ્યો. પછી વીરા બોલી, “ભાઈ, કયા સુધી એને જોયા કરશો. તેના માટે કોઈ નામ નહીં વિચારો.” રાજવર્ધન હસીને બોલ્યો, “નામ તો પહેલાંથી વિચારેલું છે.” ત્યાં વચ્ચે અંજલિ બોલી, “મને ખબર છે તે કયું નામ હશે.” પછી ત્રણેય એકસાથે બોલી ઉઠયા, “શિવાય.”
આ નામ બોલ્યા પછી તે ત્રણેય એકસાથે હસી પડ્યા. પછી રાજવર્ધને તે બાળકના માથા પર હાથ ફેરવીને બોલ્યો, “આ દુનિયામાં તારું સ્વાગત છે શિવાય.” ત્યારબાદ વીરાએ શિવાય ને મેઘનાની પાસે સુવડાવી દીધો. એક કલાક પછી મેઘનાને હોશ આવ્યો ત્યારે તેણે પોતાની પાસે એક બાળકને શાંતિથી સૂતેલું જોયું અને રાજવર્ધન તેની પાસે બેઠેલો હતો.
મેઘનાએ બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ રાજવર્ધને તેને સૂઈ રહેવા માટે ઈશારો કર્યો અને કહ્યું, “આપણે એકબીજાને કરેલું પ્રોમિશ આજે પૂરું થયું. શિવાય ઊંઘી ગયો છે. તું પણ થોડીવાર આરામ કર.” આ સાંભળીને મેઘના બેઠી થઈને રાજવર્ધનને ગળી મળી. અંજલિ દરવાજાના કાચમાંથી આ જોઈને હસીને એરપોર્ટ પર જવા નીકળી ગઈ.
મેઘના અને રાજવર્ધન એકબીજાને ગળે મળેલા હતાં ત્યારે મીઠી નિંદર માણી રહેલા શિવાયના માસૂમ ચહેરા પર એક હળવું હાસ્ય આવી ગયું.
આ સાથે મેઘના નોવેલ અહીં પૂર્ણ થાય છે. હું તમામ વાંચકમિત્રો નો આભાર માનું છું. જેમણે મને સતત વધુ સારું લખવા માટે પ્રેરિત કર્યો છે. થોડા સમય પછી મારી નવી નોવેલ આર્યવર્ધન : The Legend Of Vishnuansh સાથે ફરી મળીશું.