ajanyo shatru - 13 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો શત્રુ - 13

છેલ્લે આપણે જોયું કે બોસના કહેવાથી રાઘવ ત્રિષા સાથે સારી રીતે વર્તે છે. પણ તેનું વર્તન ત્રિષાને સમજાતું નથી. ક્યારેક તે લાગણી દર્શાવે તો ક્યારેક એકદમ રૂક્ષ થઇ જાય.

હવે આગળ........

*********
રાઘવના ગયા પછી ત્રિષા કેટલીય વાર એમજ જડની જેમ અગાસી પર ઊભી રહી તેનો પોતાને ખ્યાલ રહ્યો નહતો. રાત ઘેરાતી જતી હતી. વાતાવરણમાં ઠંડક વધતી હતી. અચાનક હવાની એક ઠંડી લહેર આવી, અને ત્રિષા ઠંડીથી ધ્રુજી ઊઠી. તે ઝડપથી નીચે પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધાબળામાં ભરાઈ ગઇ. એવું નહતું કે રાઘવના વિચારો કે એનું કથન એ ભૂલી ચુકી હતી. રાઘવના શબ્દો હજુ તેના કાનમાં પડઘાતા હતા. પણ પ્રકૃતિના અમુક નિયમ તમે ચાહો કે ન ચાહો માનવા જ પડે. જેમકે ભૂખ લાગે ત્યારે ખાવું જ પડે, નીંદર આવે ત્યારે સૂવું જ પડે,અનિચ્છાએ પણ. ત્રિષા સાથે પણ એવું જ બન્યું. ઠંડીથી રક્ષણ માટે આપમેળે એ નીચે આવતી રહી, જાણે ચાવી આપેલું કોઈ રમકડું.

બીજા દિવસની સવાર પણ તેના માટે પહેલા જેવી જ રહી. હવે તો રાઘવ પણ તેની સાથે જ તેના ઘરમાં જ રહેતો હતો. એટલે ઘરમાં પણ તેની ટ્રેનિંગ ચાલતી રહેતી. રાઘવ ટ્રેનિંગ સેન્ટર પર તેને શીખવાડવામાં આવેલા દાવપેચનું ઘરે ફરી ફરી પુનરાવર્તન કરાવતો. તેમજ અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, અમુક કે તમુક પ્રકારના માણસોને કેવી રીતે ઓળખવા, તેમજ એ વિસ્તારની લોકલ ભાષાના અમુક ઉપયોગી શબ્દો પણ તે ત્રિષાને શીખવાડતો.

આમને આમ નવ દિવસ વહી ગયા. બીજા દિવસે તેમને મિશન પર જવા માટે નીકળવાનું હતું. ત્રિષાની ઓફિસમાં પણ કોઇને શક ના થાય એટલા માટે ટ્રેનિંગ ચાલી એટલા દિવસ તેના પિતાની તબિયત બરાબર નથી, એવું બહાનું કરી તે બેત્રણ દિવસે એકવાર ફ્કત કલાક જેટલો સમય ઓફિસમાં જઇ આવે એવી ગોઠવણ કરવામાં આવી હતી. હવે જ્યારે તેને લાંબો સમય સુધી બહાર જવાનું થયું ત્યારે ફરી તેના પિતાનો ઈલાજ અહીં નહીં થાય, અને સારવાર માટે લંડન જવું પડશે,તેવું બહાનું બનાવામાં આવ્યું. જેથી કદાચ કોઈ તેમના પર નજર રાખતું હોય અથવા ઓફિસમાંથી માહિતી મેળવતું હોય તો તેને થોડા સમય માટે ખોટા રસ્તે ચડાવી શકાય.

આ માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે દિવસે ત્રિષા રાઘવ સાથે તાઇવાન જવા નીકળવાની હતી, એ જ દિવસની લંડન માટેની પણ ત્રિષા તથા તેના પિતાના નામની ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં આવી હતી. તેમજ નકલી પાસપોર્ટ પર બોસના બે માણસો લંડન સુધી ત્રિષા તેમજ રાણા કપૂર બની સફર પણ કરવાના હતા. તેઓ લંડન આ નકલી પાસપોર્ટ પર જાય અને ફરી પાછા બીજા કોઈ પાસપોર્ટ પર આવે એવું નક્કી કરાયું. જેથી બધાને એમજ થાય કે ત્રિષા અને તેના પિતા લંડનમાં જ છે. અને ઈલાજ કરાવી રહ્યા છે.

બીજા દિવસે બધાની જવાની તૈયારી થઈ ગઈ. પણ છેલ્લી ઘડીએ મૂળ પ્લાનમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા. વિરાજ હવે દિલ્હીના સ્થાને મુંબઈથી હોંગકોંગ જવાનો હતો. માટે તે આગલી રાત્રે જ મુંબઈ જવા નીકળી ગયો હતો. જ્યારે રાઘવ અને ત્રિષા, સાથે જ તાઈવાન જશે એવું નક્કી થયું હતું, પરંતુ હવે ત્રિષા એકલી જ સીધી તાઈવાન જાય, જ્યારે રાઘવ દિલ્હીથી વાયા સિંગાપુર થઈ ત્યારબાદ ત્યાંથી તાઈવાન જાય એમ નક્કી થયું.

બધાના અલગ અલગ જવાનો ફાયદો એ હતો કે જો કોઈ તેમને આંતરતું હોય તો તેના માટે કોની પાછળ કઈ દિશામાં જવું, એ નક્કી કરવું મુશ્કેલ બને, અને સાથે જ કદાચ જો કોઈ એક વ્યક્તિ પકડાઈ જાય અને દુશ્મનના હાથમાં આવી જાય, તો પણ મિશન તથા બાકીના લોકોની સુરક્ષા જોખમાય નહીં.

રાઘવની ફ્લાઇટ ત્રિષાની ફ્લાઇટ કરતા વહેલી હતી. તેમની ફ્લાઇટ વચ્ચે લગભગ દોઢેક કલાક જેટલું અંતર હતું.ત્રિષા પિતા પણ એ સમયે ત્યાં હાજર હતા. તેઓ હજુ મનમાં એક આશા રાખીને બેઠા હતા, કદાચ છેલ્લી ઘડીએ આ આયોજન રદ થઈ જાય અને તેમની વ્હાલસોયી દીકરી મૌતનાં મુખમાં જતી બચી જાય. પણ સત્ય હકીકત તો તેઓ પણ જાણતા જ હતા. આ તો મનને મનાવવા ખાતર ખાલી ખોખલી દલીલ જ હતી.

રાઘવની ફ્લાઇટનો સમય થઈ ગયો, એ પોતાની સિંગાપુર જતી ફ્લાઇટમાં બેસી ગયો અને ફ્લાઇટ ટેકઓફ કરી ગઈ પછી રાણા કપૂરે ત્રિષાને કહ્યું, "ત્રિષા, બેટા તારે જવાની જરૂર નથી. અત્યારે આપણી સાથે તેમનો કોઈ પણ માણસ નથી. રાઘવ એક જ હતો, તે પણ હવે નથી. અને અહીં એરપોર્ટ પર જાહેરમાં તે લોકો આપણી સાથે જબરદસ્તી પણ નહીં કરી શકે. આપણે એક કામ કરીએ. કોઈ અજ્ઞાત સ્થળે, બીજા દેશમાં ચાલ્યા જઈએ."

"પરંતુ ક્યાં જશું?" ત્રિષા થોડા ઉચાટમાં ડરમિશ્રિત ભાવે બોલી. પહેલા તેને દેશસેવા કરવાનો ભાવ તથા રાઘવ પર વિશ્વાસ હતો. પરંતુ આજથી બરાબર દસ દિવસ પહેલા રાઘવ જ્યારે તેના ઘરે રહેવા આવ્યો ,તે દિવસે રાત્રે રાઘવ સાથે છત પર થયેલી વાતચીતથી ત્રિષાનો વિશ્વાસ ડગમગી ગયો હતો. તેને હવે રાઘવ પર ભરોસો નહતો અને ટ્રેનિંગ સમયે તેને જે દાવપેચ અને તરકીબો શીખવાડાય હતી, એના પરથી તેને એટલો વિશ્વાસ પક્કો થઈ ગયો હતો કે તે જતી હતી એ કોઇ સામાન્ય મિશન નહતું. તે સમજતી હતી, તેના કરતાં તે ક્યાંય વધારે ખતરનાક હતું.

"મેં આપડા બન્નેના ઓરિજિનલ પાસપોર્ટ સાથે લઈ લીધા છે. પણ અત્યારે તાત્કાલિક તો કોઈ દેશના વિઝા મેળવવા મુશ્કેલ છે. આપણે એક કામ કરીએ! અત્યારે અહીંથી ચેન્નાઈ જતાં રહીએ. ત્યાંના ફ્રેન્ચ રાજદૂત મારા મિત્ર છે. તેઓ અને હું ચાઈનામાં સાથે જ હતા. હું જે વખતે ચાઈનાના ઇંડિયન કોન્સ્યુલેટમાં હતો એ વખતે મિ. હૈરુ પણ ચાઈનામાં ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં રાજદૂત હતા. મારે એ વખતથી તેમની સાથે ઓળખાણ છે. તેઓ જરૂર આપણી મદદ કરશે."

"એમ તો ઘણા દેશમાં વિઝા ઓન અરાઇવલ મળે છે. આપણે અત્યારે જ એવા કોઈ દેશમાં શું કામ ન જતા રહીએ? "ત્રિષાએ પોતાનો સુજાવ રજૂ કરતાં કહ્યું.

"તને શું લાગે છે? જે દેશ ભારતના કોઈપણ સામાન્ય નાગરિકને ગમે ત્યારે પોતાના દેશમાં પ્રવેશવાની છૂટ આપતો હોય, એ દેશમાં બોસના માણસો ન પહોંચી શકે?કદાચ આપણા પહોંચ્યા પહેલાં જ આપણા પાછા ફરવાની વ્યવસ્થા કરી લેવાય હોય. આપણને માટે અત્યારે ચેન્નાઈ જ યોગ્ય વિકલ્પ છે. અને આપણે રોકાણ પણ ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં જ કરવાનું છે. જેથી તેઓ પોલીસ પાસે આપણી ધરપકડ ન કરાવી શકે. અને કદાચ તેઓ મિ. હૈરુ પાસે આપણી માંગણી કરે તો તેઓ આપણા વતી વાતચીત પણ કરી શકે. "

"પરંતુ મિ. હૈરુ આપણી મદદ કરે ખરા ! કેમકે આ આપણા દેશનો અંદરૂની મામલો છે. અને મિ. હૈરુ એવુ તો કદી નહીં ઈચ્છે કે આપણા કારણે બે દેશના સંબંધ બગડે. કદાચ તેઓ સામેથી જ આપણું પ્રત્યાર્પણ કરી દે તો?"

"એ તો ત્યાં પહોંચીને જ ખબર પડે! પરંતુ અત્યારે તો કંઈક કરવું જ રહ્યું. એકવાર તું તાઈવાન જતી ફ્લાઇટમાં બેસી જા, પછી હું કંઈપણ કરવા અસમર્થ હોઈશ અને હું તને આમ જતા, મરતા ન જોઈ શકુ. ચાહે કંઈપણ કરવું પડે."રાણા કપૂર થોડા ગળગળા અવાજમાં છતાં જુસ્સાભેર બોલ્યા. આખરે આ તેમની પુત્રીના જીવન મરણનો સવાલ હતો.

રાણા કપૂરે સામે લાગેલા ડિજિટલ ટાઈમ ટેબલમાં જોયું. ચેન્નઈ જવાની ફ્લાઇટનો સમય તાઈવાનની ફ્લાઇટ કરતા ફ્કત દશ મિનિટ જ વહેલો હતો. તેઓ ઝડપથી ટિકિટ કાઉન્ટર પર જઈ ઈમરજન્સી ક્વોટામાં ચેન્નાઈ જવા માટેની બે ટિકિટ બુક કરાવી આવ્યા.

સમય આજ કદાચ ધીમે વહેતો હતો, અથવા તો ત્રિષાને એવું લાગતું હતું. ફક્ત કલાક કાઢવાની હતી. પરંતુ તે પણ તેના માટે અસહ્ય હતી. સાઈઠ મિનિટ તેના માટે જાણે સાઈઠ વર્ષ બરાબર હતી.અંતે તેનો ઇંતેજાર ખતમ થયો. ચેન્નઈની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું. ત્રિષા તથા રાણા કપૂર ઝડપથી ચેન્નાઈ જતી ફ્લાઇટ માટે ગેટ નં. 5 તરફ ચાલતા થયા.

ગેટ નં. 5 પર ટિકિટ ચેકરે તેમને અટકાવ્યા. અને તેમની ટિકિટ માંગી,જે એક રૂટિન વર્ક હતું. પરંતુ ત્રિષા અને તેના પિતા માટે નહીં. તે બન્નેની ટિકિટ લઈ ટિકિટ ચેકરે તે પોતાની પાસેના એક બેગ જેવા પર્સમાં મૂકી દીધી. અને ત્રિષાને કહ્યું, "મિસ લીઝા, તમારી ફ્લાઇટ અહીં નહીં, પરંતુ ગેટ નં. 11 પર છે. તમે ભૂલથી ખોટી જગ્યાએ આવી ગયા લાગો છો. અને મિ. નવલ હિરાણી તમારી ફ્લાઇટને હજુ પિસ્તાળીસ મિનિટની વાર છે. "

ત્રિષા અને રાણા કપૂર એકદમ અવાક થઈ ગયા. તેમને કંઈ સમજાતું નહતું. એરપોર્ટ પરના એક મામુલી ટિકિટ ચેકરને આ બધી કેમ ખબર? તે બન્નેનું મગજ બહેર મારી ગયું હતું.

સૌપ્રથમ ત્રિષા સ્વસ્થ થઈ. તેને થોડી ગળ બેસતી હતી. તાઈવાન જવાનાં નકલી પાસપોર્ટ પર તેનું નામ લીઝા ઝવેરી હતું. જે એક એંગ્લો ઈંડિયન હતી. (નોંધ :- એંગ્લો ઈંડિયન એટલે એવી વ્યક્તિ જેના માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતીય હોય અને બીજુ વિદેશી.) પરંતુ એ વાતની ખબર તેના સિવાય તો માત્ર વિરાજ , રાઘવ અને બોસને જ હતી. તેના પિતાને પણ એ ખબર નહતી. તો પછી આ ટિકિટ ચેકરને ખબર કેમ પડી?

ત્યાં જ તેના મગજમાં ઝબકારો થયો. રાઘવના ગયા પછી તેમની સાથે બોસના કોઈ માણસ નહતા. અને એટલા વખતમાં ત્રિષાને એટલું તો સમજાય ગયું હતું કે આ લોકો ભરોસા વગર કોઈને એમજ છૂટા ન મૂકે. એટલે જ તો રાઘવને તેના ઘર પર રહેવા પણ મોકલ્યો હતો અને અહીંયા આમ જાહેરમાં એકલા તો ના જ મૂકે. તેમના પર સીધી રીતે તેમની સાથે રહીને નહીં, પરંતુ વેશ બદલીને નજર રખાતી હતી. આ ટિકિટ ચેકર પણ એમાંનો જ એક હતો.

ત્રિષાએ ત્રાસી આંખે આજુબાજુની હિલચાલ જોઈ. ઘણી આંખોની નજર તેના પર હતી. તે સમજી ગઈ કે હવે જવા સિવાય છૂટકો નથી. તે ગમે તે કરી લે. તે ચુપચાપ ગેટ નં. 11 તરફ ચાલવા માંડી. તે હજુ માંડ દસેક ડગલા જ આગળ ચાલી હશે. પણ અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ઝડપથી પાછી ફરી.તેના પિતા હજુ પેલા ટિકિટ ચેકર પાસે જ ઊભા હતા.

તેને ટિકિટ ચેકરને કહ્યું, "તમે આમનું નામ શું જણાવ્યું હતું? અને તેમને ફ્લાઇટમાં ક્યાં જવાનું છે? " ત્રિષા ચાલતી થઈ પછી તેને વિચાર આવ્યો કે ટિકિટ ચેકરે તેની સાથે તેના પિતા માટે પણ ડમી નામનો પ્રયોગ કર્યો હતો અને તેમની ફ્લાઇટ પણ પિસ્તાળીસ મિનિટ પછી છે.એમ જણાવ્યું હતું. પરંતુ તેના પિતાને તો ક્યાંય જવાનું કોઈ આયોજન હતું જ નહીં, તો પછી ફ્લાઇટ કેવી? અને એ પણ અલગ નામ સાથે.

પેલો ટિકિટ ચેકર પહેલા તો થોડો ખચકાયો, પરંતુ તરત જ સ્વસ્થ થતાં કુટીલ મુસ્કાન સાથે બોલ્યો, "તેમનું નામ મિ. નવલ હિરાણી છે અને તેમણે અમદાવાદ માટેની ફ્લાઇટ પકડવાની છે."

"પરંતુ તેમનું તો ક્યાંય જવાનું આયોજન નથી ! તો પછી અમદાવાદ?"

"એ બોસનું આયોજન છે."ટિકિટ ચેકર એકદમ ધીમેથી ફક્ત ત્રિષા અને રાણા કપૂર સાંભળે એમ ફુસફુસાતા અવાજે બોલ્યો.

"પરંતુ... "રાણા કપૂર કંઈક કહેવા જતા હતા, પણ ટિકિટ ચેકરે તેમને અધવચ્ચે જ રોકી ત્રિષાને કહ્યું કે, તેને જવું જોઈએ ફ્લાઇટ તમારી વાટ જોવે છે. મારા ખ્યાલ પ્રમાણે હમણા તમારા નામનું એનાઉન્સમેન્ટ પણ થયું.

"પણ મારા પિતા... "ત્રિષા એકદમ ચિંતાતુર અવાજે બોલી. કેમકે અત્યાર સુધી તો મિશનમાં તેની જ સામેલગીરી હતી. પરંતુ આમ છેલ્લી ઘડીએ તેના પિતાને પણ આમાં સામેલ કરવામાં આવ્યા, એ તેને વિશ્વાસ નહતો થતો.

ના, મિસ. તમારા પિતાનું આ મિશન સાથે કંઈ જ લાગતું વળગતું નથી. પરંતુ તેમની સુરક્ષા માટે જ તેમને મોકલવામાં આવે છે. અને હવે તમારે જવું જોઈએ. છેલ્લુ વાક્ય તે જરા ભારપૂર્વક અને સખ્તાઈથી બોલ્યો. ત્રિષાને સમજાઈ ગયું હતું કે, હવે અહીં વધારે રોકાવાથી કંઈ ફાયદો થવાનો નથી.

તે ચુપચાપ ગેટ નં. 11 તરફ આગળ વધવા લાગી. તે ફ્લાઇટમાં બેસી પછી પણ તેનો જીવ ઉચક જ હતો. તેને તેના પિતાની ચિંતા થતી હતી. અને તે સ્વાભાવિક પણ હતું. કોલેજ સમયમાં તે જાસૂસી નવલકથાઓ વાંચતી અને એ વાંચી રોમાંચ પણ થતો તથા ક્યારેય એવા સાહસ કરવાનું મન પણ થતું. પણ આજે જ્યારે તેને એ મોકો મળ્યો, ત્યારે તેને સત્ય હકીકત સમજાતી હતી. 'ડુંગર દુરથી જ રળિયામણાં લાગે.' એક ક્ષણ માટે તેને રાઘવનો પણ વિચાર આવ્યો. તેણે પણ જણાવ્યું નહીં. પણ પછી પોતાને જ ટપારતી હોય તેમ સ્વાગત બોલી, તેણે આજ સુધી જણાવ્યું પણ શું હતું? કે આજે જણાવે. છતાં મનમાં એક લાગણી પણ થઈ આવી, પોતે જો ફ્કત દસ દિવસમાં જ આટલી કંટાળી ગઈ હોય અને પોતાના લોકોથી દૂર થવા ન માંગતી હોય તો રાઘવ અને વિરાજનું શું? અરે, રાઘવ તો હજી મોટાભાગના કામ દેશમાં રહીને જ કરતો! પણ વિરાજ એ તો વર્ષોથી વિદેશમાં આવી જીંદગી જીવે છે. એનું શું? શું તેમની સાથે પણ શરૂઆતમાં એવો જ વ્યવહાર થયો હશે? જેવો અત્યારે પોતાની સાથે થાય છે?આજે પહેલી વાર તેને વિરાજનો પણ વિચાર આવ્યો.

તેના મનમાં એવા ઘણસવાલ ઉદભવ્યા, જેના જવાબ શાયદ તેને ક્યારેય મળવાના નહતા. વિચારોમાં જ ક્યારે તેની આંખ લાગી ગઈ તેને પોતાને ખબર ન રહી.કદાચ એવું સપનું જોવા ઈચ્છાતી હશે, જે ખરેખર સપનું હોય. વાસ્તવિકતાથી કોસો દૂર. શાયદ આવતી કાલની સવાર પછી ક્યારે આવું સપનું જોવાનો મોકો મળે, કદાચ ન પણ મળે.

*********

શું ત્રિષાના પિતાને પણ આ મિશનમાં શામેલ કરવામાં આવ્યા હશે? બોસના જાસૂસ હંમેશા તેમની પાછળ જ રહેશે? શું તેઓ તેને કંઈ નુકશાન પણ પહોચાડી શકે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED