સમાંતર - ભાગ - ૧૬ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૧૬

સમાંતર ભાગ - ૧૬

આગળના ભાગમાં આપણે જોયું કે પાર્ટીમાં કામિનીના વર્તનના લીધે રાજ અને ઝલક વચ્ચે તણાવ થઈ જાય છે. અને એજ વાત નિમિત્ત બને છે નૈનેશ અને ઝલક વચ્ચે પહેલી વાર થયેલી લાંબી ચેટ માટે. બોલકા નૈનેશની વાતના પ્રવાહમાં ઝલક એની જાણબહાર જ વહેતી જાય છે અને એ સ્વસ્થ ચર્ચાના અંતે હળવાશ અનુભવતી ઝલકના મનમાં નૈનેશ માટે માનની લાગણી ઉદ્દભવે છે. પણ રાજ સાથે એની નારાજગી હજી પણ ચાલુ હોય છે. રાજને પણ પોતાની ભૂલનો એહસાસ હોય છે પણ એ કોઈ દુવિધામાં હોય છે. હવે આગળ...

*****

રાજની વર્ષોની આદત હતી કે બેંકમાંથી નીકળતા એ ઝલકને અચૂક ફોન કરતો કે એ નીકળે છે. ઘણી વાર ઝલક રસ્તામાંથી રાજ જોડે કોઈ સામાન પણ મંગાવી લેતી જે રાજ હસી ખુશી લઈને આવતો. ઝલકને ગમતું હતું આવું નાની નાની વાતમાં રાજનું કાળજી લેવું.

આજે જ્યારે રાબેતા મુજબ રાજે ઝલકને ફોન કર્યો ત્યારે એના અવાજમાં રહેલી ઠંડક રાજને હચમચાવી ગઈ. એ આખા રસ્તે એજ વિચારમાં હતો કે એણે શું કરવું જોઈએ.? એ વાત કહેવી જોઈએ કે નહીં જે અત્યાર સુધી મનમાં ધરબીને રાખી છે.? ઝલકના શું પ્રત્યાઘાતો આવશે એની પણ રાજને ચિંતા હતી. એવું નહતું કે એને ઝલક પર વિશ્વાસ નહતો.! પણ એ હંમેશા એવું માનતો કે કોઈ પણ માણસે સાવ પારદર્શક ના બનવું જોઈએ, પછી એ અંગત સંબંધ સામે હોય કે અંગત વ્યક્તિ સામે હોય.! સમય અને સંજોગો ઘણીવાર પારદર્શિતાને કારણે આપણને વિરુદ્ધ દિશામાં પણ મૂકી શકે છે. રાજના આજ ઠાવકા સ્વભાવના કારણે એ એના વર્તુળમાં ઘણો લોકપ્રિય પણ બનતો. પણ કદાચ આ વખતે વાત અલગ હતી...

આવાને આવા વિચારોમાં રાજ ઘરે પહોંચે છે તો વાતાવરણમાં રહેલો ભાર જાણે એને ઘેરી વળે છે. ટેબલ પર જમતી વખતે ખબર હોવા છતાં ફક્ત વાત કરવાનું બહાનું શોધવા રાજ ઘરના બાકીના સભ્યોની ગેરહાજરી વિશે પૂછે છે, જેના જવાબમાં ઝલકના એકદમ ધીમા આવજે ટુંકાક્ષારી જવાબ આવે છે. એનો અવાજ જાણે દૂર ગુફામાંથી આવી રહ્યો હોય એવું લાગ્યું રાજને. એ જાણતો હતો કે કામિનીના શબ્દો કરતા એના હાસ્યનો પડઘો જ ઝલકને અંદરથી વલોવી રહ્યો છે અને હવે કદાચ વાત ઘણી વણસી ગઈ છે. છેલ્લો કોળિયો મોઢામાં મૂકતા સુધીમાં તો એ યોગ્ય સમયે ઝલકને કામિની વિશે બધું કહેવાનું નક્કી કરે છે.

જમી પરવારીને ઝલક આજે વહેલા રૂમમાં જ જતી રહે છે. એના મનમાંથી કામિનીની વાત અને રાજનું હાસ્ય કેમેય કરીને ખસતું નહતું. દિવસ આખો રાખેલો આંખોનો બંધ હવે તૂટી જાય છે ને એનું ડૂસકું છૂટી જાય છે. બરાબર એજ વખતે રાજ રૂમમાં આવે છે. ઊંધા માથે રડતી ઝલકના વાળમાં પ્રેમથી હાથ ફેરવે છે. ઝલક કંઈ પણ બોલ્યા વિના એમ જ પડી રહે છે એટલે રાજ એને એમ જ રહેવા દઈને પોતાની વાત ચાલુ કરે છે.

"સોરી ઝલક, મારાથી અજાણતામાં ભૂલ થઈ ગઈ અને મને એ વાતનો ખ્યાલ પછી ત્યાં એ સમયે તારી પ્રતિક્રિયા જોઈ ત્યારે આવ્યો અને એ વખતે મોડું થઈ ગયું હતું. મને સાચે જ શું વાત છે એ ખ્યાલ નહતો અને પછી મારા મનમાં રહેલા અપરાધ ભાવે મને તને બધું પૂછતા રોક્યો. આજે બપોરે લંચ ટાઈમમાં મિસિસ પટેલે મને કહ્યું ત્યારે મને ખબર પડી કે આટલી મોટી વાત થઈ ગઈ. રિયલી સોરી યાર, પ્લીઝ પાણી પી લે." રડતી ઝલકને પાણીનો ગ્લાસ ધરતા રાજ બોલ્યો...

રાજના અવાજમાં રહેલો અહસોસ ઝલકને સ્પર્શી ગયો અને એણે ઊભા થઈને પાણી પીધું. થોડી સ્વસ્થ થઈને એ બોલી, "રાજ આજની વાત જવાદે તને ખબર નહતી, પણ આ કંઈ પહેલી વાર નહતું કે કામિનીએ મારી સાથે આવું કર્યું હોય. પહેલા પણ એણે મને કોઈને કોઈ વાતે નીચી દેખાડવાનો પ્રયત્ન કર્યો છે અને એ પણ તારી સામે જ.! અને દર વખતે તું એની વાતને નજરઅંદાઝ કરતો આવ્યો છે. એ પછી રેસ્ટોરન્ટમાં હાથેથી ઢોંસા ખાવાની વાત હોય કે પછી ખાસ દિવસોમાં મારો જૈન ફૂડ ખાવાનો આગ્રહ હોય, કપાળ પર કરેલી બિન્દી હોય કે પછી કાનમાં પહેરેલા નાના ટોપ્સ હોય. ક્યારેક મને લાગે કે એને મારા સમગ્ર અસ્તિત્વથી જ વાંધો છે." ભારોભાર વેદના અને ફરી ગળે આવીને અટકેલા ડૂસકાંના લીધે ઝલકનો અવાજ રીતસર ધ્રૂજતો હતો.

ઝલકની આવી હાલત જોઈને રાજની પરિસ્થિતિ કફોડી બની રહી હતી. એની જોડે આ બધા સવાલોના કોઈ યોગ્ય જવાબ નહતા. પોતાના ઠાવકા હોવા પર હમેશાં ગર્વ કરતા રાજને આજે પહેલી વાર સમજાઈ રહ્યું હતું કે એણે આ વખતે વાત છૂપાવીને ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે. એને એક બાજુ ઝલકની ચિંતા થતી હોય છે તો બીજી બાજુ વાત કેમ સંભાળવી એ ચિંતા.!

એ ઝલકનું માથું એના ખભે ઢાળીને એના વાળમાં હાથ ફેરવતા બોલે છે, "હા, કારણ કે હું વાત વધારવા નહતો ઈચ્છતો એટલે એ વખતે એની વાતનો વિરોધ નહતો કરતો અને તને પણ હાથ પકડીને રોકી લેતો. પણ એ દિવસ પછી તને ઘણી વાર હાથેથી ઢોંસા ખાવામાં કે જૈન ફૂડ ખાવામાં સાથ આપ્યો છે. અને તને એ પણ ખબર છે કે ખાલી મને જ નહીં પણ ઓફિસના ઘણા ખરા લેડીઝ સ્ટાફને તારી ડ્રેસિંગ સેન્સ ગમે છે તો પછી એની આવી વાતનો જવાબ આપીને એને મહત્વ શું કામ આપવું.?"

જોકે રાજને ખબર હતી કે એના આ ઠાલા શબ્દો આજે ઝલકને આશ્વસ્ત નહીં કરી શકે. તો બીજી બાજુ સાવ જ બોદા અવાજે નીકળેલા રાજના આ શબ્દો સાંભળીને ઝલક જાણે ધબકાર ચૂકી ગઈ. એનું મન આશંકાથી ઘેરાઈ ગયું અને એણે ફટ દઈને રાજથી અળગા થઈને એની ઉપર એક સણસણતી નજર નાખી. એ નજરમાં રહેલા પ્રશ્નોને જાણે સહન ના કરી શકતો હોય એમ રાજની નજર આપોઆપ નીચે ઢળી ગઈ. એ સમજી ગયો હતો કે જે પરિસ્થિતિને એ ટાળવા ઈચ્છતો હતો એ હવે એની સામે આવીને ઊભી રહી ગઈ છે અને જો આજે એ એનો સામનો નહીં કરે તો આગળ જતાં એની જિંદગીમાં બહુ મોટા પ્રશ્નો આવીને ઉભા રહી જશે.

"હું અને કામિની એકબીજાને આપણા લગન પહેલાથી જાણીએ છીએ." જાણે બોલવામાં તકલીફ પડતી હોય એમ ખોંખારો ખાતા રાજ બોલ્યો...

ઝલક કંઈ પણ બોલ્યા વિના રાજની સામે જોઈ રહી. રાજે વાત આગળ વધારતા કહ્યું, "કામિની પહેલેથી જ એકદમ આઝાદ વિચારો ધરાવતી છોકરી હતી. પારદર્શી આંખો, ખભા સુધીના વાળ, અલ્લડ મિજાજને પાક્કી કૃષ્ણ ભક્ત. અમે બંને નવા નવા હતા બેંકની નોકરીમાં અને એક સરખી ઉંમરના હોવાથી અમને શરૂઆતથી જ એકબીજા જોડે વધુ ફાવતું હતું. ત્રણેક મહિના જેવા ટૂંકા ગાળામાં પણ એક અલગ જ ટ્યુનીંગ થઈ ગયું હતું અમારી વચ્ચે."

રાજ એક પળ અટકીને ઝલક સામે જુવે છે અને ફરી બોલવાનું ચાલુ કરે છે. "એવામાં મમ્મીએ તારા માટે વાત કરી. મારી જોડે ના પાડવા કોઈ સજ્જડ કારણ નહતું. મને કામિની ગમતી હતી, પણ હું એના મનની વાત જાણતો નહતો. વળી ઘરમાં પણ પારકી નાતની છોકરી માટે વિરોધ થઈ શકે એમ હતો એટલે મેં ક્યારેય એ દિશામાં વિચાર્યું જ નહતું. અને આપણે મળ્યાં ત્યારે પહેલી નજરમાં જ તું મને ગમી ગઈ.! પછી આપણી વચ્ચે જે કંઈ થયું એ તું જાણે છે. જ્યારે મેં કામિનીને આપણા વૈવિશાળની વાત કરી ત્યારે એની આંખમાં ઝળકી ગયેલું આંસુ હજી પણ મને યાદ છે. અને ત્યારે મને એહસાસ થયો કે કામિનીના મનમાં પણ એવા જ ભાવ હતા જે મારા મનમાં હતા પણ એનો કોઈ અર્થ નહતો. હું તારી જોડે બંધનમાં બંધાઈ ગયો હતો."

રાજની વાત સાંભળી રહેલી ઝલકના મનમાં બે પળ માટે એક પુરુષ આકૃતિ આવીને ઊભી રહી. મનના વિચાર તરત ખંખેરીને એણે ખાલી હમમ કર્યું એટલે રાજે એની વાત આગળ ધપાવી. "એ પછી તો એક મહિનાની અંદર મા બાપે બતાવેલા છોકરા જોડે પરણીને કામિની વડોદરા જતી રહી. શરૂ શરૂમાં થોડો કોન્ટેક્ટ હતો પણ પછી એક દિવસ એણે મને ના પાડી દીધી કે એના પતિને નથી ગમતું એના જૂના મિત્રો જોડે એનું હળવું મળવું એટલે હવે એ મિત્રતાને ત્યાંજ પૂર્ણવિરામ આપે છે. સાત મહિના પહેલા જ્યારે કામિની ટ્રાન્સફર લઈને અહીંયા આવી તો એને જોઈને હું એકદમ ડઘાઈ ગયો. એનો એ આત્મવિશ્વાસ, અલ્લડપન બધું ગાયબ હતું. કાયમ બધા જોડે પળવારમાં ભળી જતી કામિની બધાથી અતડી રહેવા લાગી હતી. એ એકદમ ચીડચિડી અને ઈર્ષાળુ થઈ ગઈ હતી, ખાસ તો તારા માટે. એને વિશ્વાસમાં લઈને જ્યારે બધું પૂછ્યું તો ખબર પડી કે એ એના પતિથી કાયમ માટે અલગ થઈ ગઈ છે. લગ્નના આટલા વર્ષો એણે ખૂબ જ તકલીફ સહન કરી પણ હવે એ અને એની દીકરી કાયમ માટે અમદાવાદ આવી ગયા. મેં બહુ પ્રયત્ન કર્યો એને સામાન્ય બનાવવાનો પણ પછી મને લાગ્યું કે કામિનીને કોઈની મદદની જરૂર છે અને હું એને સાઇક્રાયટીસ જોડે લઈ ગયો. એ પછી બે કે ત્રણ વાર જ હું એની જોડે ગયો છું બાકી એની દીકરી જ જતી. પણ મને લાગે છે કે એની આ હાલત માટે ક્યાંય હું પણ જવાબદાર છું. મારી સગાઈની વાત સાંભળીને જ એણે એનાથી બધી રીતે સામાન્ય છોકરા જોડે લગન કરીને એની જિંદગી હોડમાં મૂકી અને આજ કારણથી હું તને વળતો જવાબ આપતા રોકતો હતો."

રાજે ફાટી આંખે બધું સાંભળીને સમજવાનો પ્રયત્ન કરી રહેલી ઝલકનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, "મારી ભૂલ છે. મારે આ બધું તને વિશ્વાસમાં લઇને કરવું જોઈતું હતું, પણ કોઈ અગમ્ય કારણસર હું એમ ના કરી શક્યો. પણ સાચુ કહું છું, અમારી વચ્ચે મિત્રતાથી વધુ કોઈ જ સંબધ નથી.!" છેલ્લી લાઈન પર રાજે ભાર મૂક્યો...

એના હાથમાંથી પોતાનો હાથ લેતા ઝલક બોલી, "મારા પહેલા તારા જીવનમાં કામિનીનું જે પણ સ્થાન રહ્યું હોય પણ આટલા વર્ષના આવા સુંદર સહવાસ પછી પણ શું તને હું એ યોગ્ય ના લાગી કે આટલું બધું જ બની ગયું એ કહી શકે.!?"

અને રાજના જવાબની રાહ જોયા વિના જ ઝલક રૂમની લાઈટ બંધ કરીને ઊંઘી દિશામાં પડખું ફરીને સૂઈ ગઈ...

"આ તે કેવું.!? જીવન સાથે જીવ્યા તોય ના જીવ્યા એવું..!!
સાથે જીવ્યા તોય મનમાં ઘરોબી રાઝ, વિચાર્યું ના એવું..!!"

*****

ઝલકના મનમાં રાજની કામિની પ્રત્યેની લાગણી જાણીને કોની આકૃતિ મનમાં આવી ગઈ હશે?
રાજ અને ઝલકનાં જીવનમાં આ ઘટનાના કેવા પ્રત્યાઘાતો પડશે?
નૈનેશ અને ઝલકની દોસ્તી કેવી રીતે આગળ વધશે?
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.


Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ