Shakuntaladevi books and stories free download online pdf in Gujarati

શકુંતલાદેવી

શકુંતલાદેવી

-રાકેશ ઠક્કર

ઝડપથી ગણતરી કરીને 'માનવ કોમ્પ્યુટર' ગણાયેલા ભારતના શકુંતલાદેવીના જીવન પરની અમેઝોન પ્રાઇમ પર રજૂ થયેલી ફિલ્મ 'શકુંતલાદેવી' જોયા પછી એમ કહી શકાય કે એમાં વિદ્યા બાલનનો કારર્કિર્દીનો શ્રેષ્ઠ અભિનય છે. આવી ભૂમિકાઓ માટે વિદ્યાનો વિકલ્પ નથી એમ કહેવું પડે. બોલિવુડમાં ખેલાડીઓ અને કલાકારોના જીવન સુધી જ બાયોપિક હવે સીમિત રહેતી નથી. રિતિક રોશનની 'સુપર ૩૦' પછી વિદ્યાની 'શકુંતલાદેવી' તેનું ઉદાહરણ છે. બધા જ જાણે છે કે આર્યભટ્ટ અને રામાનુજ પછી વિશ્વભરમાં શકુંતલાદેવીએ ગણિતના ક્ષેત્રમાં વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. પરંતુ તેમના જીવન વિશે લોકો ખાસ જાણતા નથી. તેમના જીવનના વિવિધ પાસાને વિદ્યાએ ફિલ્મમાં સજીવન કર્યા છે. વિદ્યાએ 'ડર્ટી પિક્ચર' માં સિલ્ક સ્મિતાનું જટિલ પાત્ર જેટલી સહજતાથી નિભાવ્યું હતું એટલી જ સરળતાથી શકુંતલાદેવીના પાત્રમાં ઓતપ્રોત થઇ ગઇ છે. તેની અંદર શકુંતલાદેવીનો આત્મ સમાયો હોય એમ ભૂમિકાને જીવી ગઇ છે. 'શકુંતલાદેવી' પછી 'ડર્ટી પિક્ચર'ના અભિનયથી ઉપરના સ્તર પર વિદ્યા પહોંચી ગઇ છે. 'ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ' માં નામ નોંધાવનાર ગણિતજ્ઞ શકુંતલાદેવી તરીકે વિદ્યાએ પોતાના જ અભિનયના રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકોએ ગણિતમાં કે વિજ્ઞાનમાં પીએચડીની વાત જરૂર જાણી છે. આ ફિલ્મ જોઇને અતિશયોક્તિ વગર એમ જરૂર કહી શકાય કે વિદ્યાએ શકુંતલાદેવીના પાત્રમાં પીએચડીની ડીગ્રી મેળવી છે. ફિલ્મનો બીજો ભાગ ધીમો પડી જાય છે અને ગણિત સિવાયનો બિનજરૂરી ફેમિલી ડ્રામા જેવી કેટલીક ખામીઓ જરૂર હશે. પણ વિદ્યાના અભિનયમાં ખામી કાઢવાનું એકસો ટકા અશક્ય છે. જો વિદ્યાએ હોલિવુડમાં આવી કોઇ દમદાર ભૂમિકા ભજવી હોત તો તેને ઓસ્કાર મેળવતાં કોઇ અટકાવી શક્યું ન હોત. ફિલ્મની વાર્તા માત્ર ગણિતના વિષયની આસપાસ જ નહીં શકુંતલાદેવીના બાળપણથી લઇ આખી જિંદગી વિશે છે. શકુંતલાદેવીના વધુ પડતા આત્મવિશ્વાસનું ઉદાહરણ ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવાનું દર્શાવાયું છે. શકુંતલાદેવીને નામ, પૈસો અને પ્રસિધ્ધિ મળે છે પણ પરિવારથી દૂર થઇ જાય છે. એક મહિલા અને મા ઉપરાંત તેમના પુત્રી સાથેના સંબંધ અંગે વધુ વાત છે. પતિ જ્યારે કહે છે કે,"જનમ દેને સે કોઇ મા નહીં બન જાતા શકુંતલા" ત્યારે શકુંતલાદેવી કહે છે કે,"મેં દુનિયા કી સબસે અચ્છી મા બનકે દીખાઉંગી.' પણ તેની પુત્રી તેનાથી નફરત કરે છે. ક્યારેક માતા-પુત્રી વચ્ચેની વાત ટીવી સિરિયલ જેવી પણ લાગે છે. માના સપના મોટા અને પુત્રીના નાના હોય છે. મા આખી દુનિયામાં જાણીતી થવા માગે છે જ્યારે પુત્રી શાંતિથી જીવવા માગે છે. દરેક કલાકારના ઇમોશન લાજવાબ છે. વિદ્યા દરેક રૂપમાં પ્રભાવિત કરે છે. લંડન ગયા પછી વિદ્યાનો મેકઓવર બહુ સરસ રીતે ફિલ્માવવામાં આવ્યો છે. તો લંડનના દ્રશ્યોને સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. વર્તમાન અને ભૂતકાળના પ્રસંગો વચ્ચે વાર્તાને બતાવવામાં આવી છે. દરેક કલાકારને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. અનુ મેનન નિર્દેશિત આ ફિલ્મમાં અન્ય કલાકારોનું કામ એટલું જ પ્રભાવિત કરે છે. વિદ્યાની પુત્રી તરીકે સાન્યા મલ્હોત્રા પોતાના દમદાર અભિનયથી પ્રભાવિત કરી જાય છે. વિદ્યાની અભિનય પ્રતિભા નીચે તે દબાઇ જતી નથી. માતાથી અસંતુષ્ટિને કારણે ચહેરા પર છલકતો ગુસ્સો હોય કે માતાથી નફરત કરવાના દ્રશ્યો હોય તેનો અભિનય વાસ્તવિક લાગે છે. 'દંગલ' થી શરૂઆત કરનાર સાન્યાની કારર્કિર્દીને આ ફિલ્મ વેગ આપશે. તો સાન્યાના પતિની ટૂંકી ભૂમિકામાં અમિત સાધ પરિપકવ અભિનેતાનો પરિચય આપી જાય છે. 'શકુંતલાદેવી'ને ભણવા-લખવાના વિષય પરની બે કલાકની કંટાળાજનક ફિલ્મ સમજવાની ભૂલ કરવા જેવી નથી. નિર્દેશકે કોઇ વાર્તાના પુસ્તકની જેમ ફિલ્મને રોચક રીતે રજૂ કરી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત કલાકારોના અભિનયને વધારે અસરકારક બનાવે છે. અને શ્રેયા ઘોષાલનું 'પહેલી' તથા સુનિધિ ચૌહાણનું 'રાની હિન્દુસ્તાની' જેવા ગીતો વાર્તાના ભાગરૂપ બની રહે છે. અંતમાં એવો પ્રશ્ન થાય કે 'પાસ નહીં તો ફેલ નહીં' ગીતવાળી આ ફિલ્મ જોવી કે નહીં? તો એના જવાબમાં વિદ્યા બાલન આખી ફિલ્મમાં વારંવાર પોતાની વાત સાચી હોવા માટે છેલ્લે જે બે શબ્દો કહે છે એ 'વિદ્યા કસમ' વાપરીને જરૂર કહી શકાય કે 'શકુંતલાદેવી' જોવા જેવી જ છે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED