પિશાચિની - 5 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિશાચિની - 5

(5)

‘તું મને ના નહિ પાડી શકે ! તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારું મન હોય કે ન હોય, પણ તારે મારું કહ્યું માને જ છૂટકો છે ! ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! ! !’’ જિગરના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો,

એટલે જિગર વિચારમાં પડયો. જોકે, આમાં તેણે વિચારવા જેવું શું હતું ? ! તે સપનામાં પણ વિશાલનું ખૂન કરી શકે એમ નહોતો. ‘શીના !’ જિગર મનમાં હિંમત એકઠી કરીને બોલ્યો : ‘તારાથી થાય એ કરી લે, પણ એક વાત તો નકકી જ છે. હું કોઈ હાલતે વિશાલનું ખૂન નહિ કરું !’

‘ઠીક છે.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જાણે તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો. ‘શીના ચાલી ગઈ લાગે છે.’ મનોમન વિચારતાં જિગર બોલ્યો : ‘શીના !’

શીનાનો કોઈ જવાબ સંભળાયો નહિ.

જિગરે રાહત અનુભવી. ‘તેણે વિશાલનું ખૂન કરવાની ના પાડી એટલે શીના ચાલી ગઈ લાગે છે. સારું જ થયું હતું ! તે કંઈ માહીને મેળવવા માટે વિશાલને થોડો મોતને ઘાટ ઉતારી શકે ? !’ તેણે વિચાર્યું અને મહેંદીની વાડની પેલી તરફ જોયું. અત્યારે બાંકડા પર માહી એકલી જ બેઠી હતી. વિશાલ ફરી પાછો કંઈક લેવા માટે ગયો હોય એમ લાગતું હતું.

જિગર ગાર્ડનમાંથી બહાર નીકળી જવા માટે ગાર્ડનના મેઈન ઝાંપા તરફ વળ્યો અને આગળ વધવા ગયો, ત્યાં જ તેના કાને અવાજ પડયો : ‘જિગર !’

અને ચાર મહિના પછી આજે પહેલીવાર સંભળાયેલા માહીના અવાજને જિગરના કાન તુરત જ પિછાણી ગયા. તેના હૃદયના તાર ઝણઝણ્યા ને તેણે પાછું વળીને મહેંદીની વાડની પેલી તરફ જોયું, તો બાંકડા પાસે માહી ઊભી હતી ને તેની તરફ જોઈ રહી હતી.

તેના પગ જાણે આપમેળે જ માહી તરફ ચાલ્યા. તે માહી પાસે પહોંચ્યો ત્યાર સુધીમાં

માહીની

આંખો ભીની થઈ ચૂકી હતી.

‘જિગર !’ માહીએ એકસાથે જ જિગરને ઘણાંબધાં સવાલ પૂછી નાંખ્યા : ‘તું કયાં ગાયબ થઈ ગયો હતો આટલા દિવસથી ? ! તેં મારો મોબાઈલ કેમ ઉઠાવ્યો નહિ ? ! તું...તું મને મળવા કેમ આવ્યો નહિ ? !’

‘માહી !’ જિગર ગમગીન અવાજે બોલ્યો : ‘હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. તેં સગાઈ કરી લીધી છે, અને...’

‘મારે મજબૂરીને લીધે વિશાલ સાથે લગ્ન કરવા પડી રહ્યા છે.’ માહી બોલી : ‘વિશાલે પહેલાં મારા પપ્પા સાથે ધંધામાં પાર્ટનરશીપ કરી અને પછી એ મારા પપ્પા સાથે દગો કરીને, મારા પપ્પાના ધંધાદારી હરીફ સાથે મળી ગયો. મારા પપ્પાને માથે લાખ્ખો રૂપિયાનું દેવું આવી પડયું.’ માહી સહેજ રોકાઈને આગળ બોલી : ‘વિશાલે મને કહ્યું કે, એ મારા પપ્પાનું દેવું ભરી શકે એમ છે, પણ બદલામાં મારે એની સાથે લગ્ન કરવા પડશે. મારું મન નહોતું, પણ મારે વિશાલની વાત માન્યા વિના છૂટકો નહોતો.

‘અચાનક માથે આવી પડેલા દેવાથી પપ્પાની હાલત કફોડી હતી. મને લાગ્યું કે, જો પપ્પા જલદીથી દેવામાંથી બહાર નહિ આવે તો તેઓ આપઘાત કરવા જેવું પગલું પણ ભરી શકે. અને એટલે મેં મારા પપ્પાની જિંદગી બચાવવા માટે તારી સાથે પરણીને જિંદગી જીવવાની ઈચ્છાને મારી નાંખી. હું વિશાલ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મેં વિશાલ સાથે સગાઈ કરી લીધી.’ માહીના ગળે ડૂમો બાઝી ગયો : ‘કદાચ..,’ માહીએ ગળું ખંખેરતાં કહ્યું : ‘...મારા નસીબમાં આ જ લખાયેલું હશે.’ અને આંખમાં આવી ગયેલા આંસુને લૂંછતાં માહીએ ઊતાવળા અવાજે કહ્યું : ‘હવે તું જા. હમણાં વિશાલ આવતો જ હશે. એ ખૂબ જ શંકાશીલ છે. એ જો તને મારી સાથે ઊભેલો જોશે તો મને પરેશાન કરી નાંખશે.’

‘માહી....’

‘પ્લીઝ...,’ માહી બીજી તરફ મોઢું ફેરવી ગઈ : ‘...તું જા, જિગર !’

‘ભલે, પણ મેં ઘર બદલ્યું છે. તારું મન થાય તો મળવા આવી જજે.’ અને જિગર નવા ઘરનું સરનામું બોલી ગયો, ત્યાં જ તેને દૂરથી વિશાલ આ તરફ આવતો દેખાયો. જિગર એક નિશ્વાસ નાંખતા ઝડપી પગલે ત્યાંથી આગળ વધી ગયો, તે મહેંદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો. તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી અને પછી એકદમથી તેનું માથું ભારે થઈ ગયું.

‘...તો શીના પાછી આવી ગઈ !’ જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! તેં સાંભળીને માહીની વાત. વિશાલે માહીને પામવા માટે માહીના પપ્પાને ફસાવ્યા અને એની સાથે માહીએ લગ્ન કરવા પડે એ માટે માહીને મજબૂર કરી. હવે જો તું તારા જીવથી પણ વહાલી માહીને પાછી મેળવવા માટે વિશાલનું ખૂન કરે તો એમાં ખોટું શું છે ? !’

‘પ્લીઝ ! હું તારા હાથ જોડું છું, તું મને પરેશાન ન કર.’ જિગરે હાથ જોડયા : ‘હું મરી જઈશ, પણ વિશાલને નહિ મારું.’ અને જિગર પોતાનું આ વાકય પુરું કર્યું, ત્યાં જ એકદમથી જ તેને ચકકર જેવું લાગ્યું અને તેની આંખ સામે અંધારાં છવાયા.....

દૃ દૃ દૃ

જિગર નેચર ગાર્ડનના જમણી બાજુના ખૂણા પાસેની મહેંદીની વાડ પાસે ઊભો હતો.

તે વાડની પેલી તરફ બાંકડા પર બેઠેલી માહી અને એના ફિયાન્સ વિશાલ તરફ જોઈ રહ્યો હતો.

વિશાલે લાવેલું ઑરેન્જ જયૂસ માહીએ પી લીધું એટલે વિશાલે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું અને પછી માહીને કંઈક કહ્યું.

માહી ઊભી થઈ. વિશાલે માહીનો હાથ પોતાના હાથમાં લીધો અને પંપાળ્યો.

જિગર જોઈ રહ્યો.

માહીએ હળવેકથી વિશાલના હાથમાંથી પોતાનો હાથ સેરવી લીધો અને પછી ત્યાંથી આગળ વધી ગઈ. માહી એ બાજુ થોડાંક મીટર દૂર આવેલા નાના ઝાંપામાંથી બહાર નીકળી ગઈ, ત્યાર સુધી વિશાલ ત્યાં જ ઊભો રહ્યો. પછી વિશાલ ગાર્ડનના પાછળના ભાગ તરફ આગળ વધ્યો.

જિગર લાંબા ડગ ભરતો વિશાલ પાછળ સરકયોે. સાંજના સવા સાત વાગ્યા હતા. સાંજ સરકી ચૂકી હતી અને રાતનું અંધારું ઊતરી આવ્યું હતું. ગાર્ડનની લાઈટો ચાલુ થઈ ચૂકી હતી. આસપાસમાં અત્યારે કોઈ જ નહોતું.

‘વિશાલ !’ જિગરે કહ્યું, એટલે તેનાથી થોડાંક પગલાં આગળ ચાલી રહેલો વિશાલ ઊભો રહી ગયો અને એણે જિગર તરફ જોયું.

જિગર વિશાલની નજીક પહોંચીને ઊભો રહ્યો.

‘બોલો, શું હતું ?’ વિશાલે સવાલભરી નજરે જિગરના ચહેરા તરફ જોઈ રહેતાં પૂછયું.

‘વિશાલ !’ જિગર ધારદાર અવાજે બોલ્યો : ‘તું જે માહીને પરણવા માંગે છે ને, એને હું પ્રેમ કરું છું. માહી મારી છે ! !’

‘શું બકે છે, તું..? !’ વિશાલ રીતસરનો ગર્જી ઊઠયો : ‘...કોણ છે, તું ? !’

‘તારું મોત !’ અને આટલું કહેતાં જ જિગરે પોતાના બન્ને હાથે વિશાલનું ગળું પકડી લીધું અને જોરથી ભીંસ્યું.

‘તારી તો...’ કહેતાં વિશાલે પોતાના મજબૂત હાથથી જિગરના હાથની પકડ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરે એવી રીતના વિશાલનું ગળું ભીંસી રાખ્યું હતું કે, વિશાલ જિગરના હાથ છોડાવી શકયો નહિ અને વિશાલનો શ્વાસ રુંધાવા માંડયો. વિશાલની આંખોમાં લાલાશ ઊતરી આવી. એનો જીવ ગળે આવી ગયો અને ત્રીજી જ પળે એનો જીવ નીકળી ગયો.

જિગરે વિશાલનું ગળું છોડી દીધું. વિશાલ જમીન પર ઢળી પડયો.

‘હં..!’ જિગરે વિશાલને લાત મારી : ‘...મારી માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો ! હા !’ અને જિગર ત્યાંથી ઝડપી પગલે ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.

દૃ દૃ દૃ

જિગરની આંખ આગળથી અંધારાં દૂર થયાં અને તેણે જોયું તો તે પોતાના ઘરના સોફા પર બેઠો હતો.

તેણે માથું ઝટકયું. તેને ચકકર જેવું લાગ્યું હતું અને તેની આંખે અંધારા છવાયા હતા, ત્યારે તે નેચર ગાર્ડનમાં ઊભો હતો, પણ ત્યાંથી તે ઘરે કયારે અને કેવી રીતના આવી ગયો હતો એ જ તેને ખબર નહોતી ! !

તેણે સામે ટીંગાતી દીવાલ ઘડિયાળમાં જોયું. એમાં રાતના નવ વાગ્યા હતા.

તે નેચર ગાર્ડનમાં ઊભો હતો ત્યારેે તેના માથે સવાર થયેલી શીનાએ તેને માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરી નાંખવાનું કહ્યું હતું અને તે શીનાને ‘‘તે મરી જશે પણ વિશાલને નહિ મારે,’’ એવું કહીને ગાર્ડનની બહાર નીકળી જવા ગયો હતો, ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા અને એ વખતે જ તેને ચકકર જેવું લાગ્યું હતું ને તેની આંખે અધારાં છવાઈ ગયા હતા. બસ, એ પછી શું થયું હતું ? ! એ પછીના સાતથી નવ વાગ્યાના આ બે કલાક કયાં અને કેવી રીતના વિત્યા હતા ? ! તે ગાર્ડનમાંથી કયારે અને કેવી રીતના ઘરે આવ્યો હતો અને મેઈન દરવાજો ખોલીને કયારે આમ સોફા પર આવીને બેઠો હતો એ વિશે તેને કંઈ કહેતાં કંઈ જ ખબર નહોતી-કંઈ જ ખ્યાલ નહોતો.

જોકે, અત્યારે તેના મને એક વાતની રાહત અનુભવી.

અદૃશ્ય શક્તિ શીનાએ તેને માલદાર બનાવ્યો હતો અને તે માહીને આસાનીથી પામી શકે એ માટે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરવા માટે શીનાએ તેને લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લલચાયો નહોતો.

શીના તેને માહીની લાલચ આપીને તેની પાસે વિશાલનું ખૂન એટલા માટે કરાવવા માંગતી હતી કે, એ વિશાલનું લોહી પી શકે ! પણ તે એટલો બધો સ્વાર્થી કે નિર્દય થોડો હતો કે શીનાની વાત માની લે ? ! શીનાએ પોતાની શક્તિથી તેને આટલો માલદાર બનાવ્યો હતો એ વાતની ના નહિ, પણ એનો મતલબ એ થોડો હતોે કે, તે શીના લોહી પી શકે એ માટે દર મહિને એક માણસનું ખૂન કરેે અને એની શરૂઆત માહીના ફિયાન્સ વિશાલથી કરે ? !

ટૂંકમાં અદૃશ્ય શક્તિ શીનાએ તેની પાસે સમજાવટથી અને જોર-જબરજસ્તીથી માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેણે શીનાની વાત માની નહોતી. અને એટલે શીના તેની પર નારાજ થાય એ હકીકત હતી ! અને નારાજ થયેલી શીના તેની સાથે આગળ કેવું વર્તન કરશે ? એ કંઈ કહેવાય એમ નહોતું.

જોકે, એની તેેને ચિંતા નહોતી ! તેણે શીનાની વાત માની નહોતી અને એ બદલ શીના તેની સાથે જે કંઈ પણ કરે, તે એ ભોગવવા માટે તૈયાર હતો !

દૃ દૃ દૃ

જિગરની આંખ ખૂલી ત્યારે સવારના સવા નવ વાગવા આવ્યા હતા.

તે બ્રશ કરી, નાહીને ફ્રેશ થયો. તે આટલો માલદાર થયો પણ તેણે નોકર-ચાકર રાખ્યા નહોતા. તે સવારના પોતાના હાથે ચા બનાવી લેતો અને ચા-બિસ્કીટ ખાઈ લેતો. બપોર અને રાતનું જમણ તેે મન અને મૂડ પ્રમાણેની હોટલમાં ખાઈ લેતો.

રોજ મુજબ આજે પણ તે દરવાજા બહાર પડેલું છાપું લઈને સોફા પર બેઠો. બિસ્કીટનો ટુકડો મોઢામાં મૂકીને, ચાની ચુસ્કી લેતાં તેણે છાપમાં નજર ફેરવવા માંડી.

પહેલા પાના પર, નીચેના ભાગમાં છપાયેલા સમાચારના હેડીંગ પર તેની નજર પડી.

‘રહસ્યમય સ્થિતિમાં મળી આવેલી એક બીજી લાશ.’

અને આ મથાળાની નીચે જ લાશનો ફોટો છપાયેલો હતો અને લાશના ચહેરા પર નજર પડતાં જ જિગરનો ‘ચા’નો કપ પકડાયેલો હાથ ધ્રૂજ્યો. તેણે છાપા પરથી નજર હટાવ્યા વિના જ ટેબલ પર ચાનો કપ મૂકી દીધો.

-એ લાશનો ફોટો વિશાલનો હતો ! એ વિશાલની લાશ હતી ! માહીના ફિયાન્સ વિશાલની લાશ ! !

જિગરેે વિશાલની લાશના ફોટા પરથી નજર હટાવી અને એની લાશને લગતા સમાચાર પર ઝડપી નજર ફેરવી ગયો. લાંબા લચ એ સમાચારનો ટૂંકસાર આ પ્રમાણે હતો.

વિશાલનું ખૂન નેચર ગાર્ડનના પાછળના ભાગમાં થયું હતું. એની લાશ એ બાજુની મહેંદીની વાડ પાસેથી મળી આવી હતી. વિશાલના શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવ્યું હોય એમ એની લાશ એકદમ પીળી-ફીકકી પડી ગઈ હતી. એની ગરદન પર બે હોલ પડેલા હતા. એમાંથી લોહી વહી ગયું હોય એમ લાગતું હતું, પણ અગાઉ મળી આવેલી મેનેજર ધવનની લાશની જેમ જ વિશાલની લાશની નજીકમાંથી લોહીનું એક ટીપું પણ વહી ગયેલું જોવા મળ્યું નહોતું.

મેનેજર ધવન પછી મળી આવેલી વિશાલની આ લાશથી સબ ઈન્સ્પેકટર બાજવા ખૂની પર રોષે ભરાયો હતો અને એેણે પત્રકારો સમક્ષ, ‘‘એ પોતે વહેલી તકે ખૂનીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેશે,’’ એવી વાત કરી હતી.

જિગરે છાપું બાજુ પર મૂકયું. તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. ‘કાલ સાંજે નેચર ગાર્ડનમાં તેણે તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાને વિશાલનું ખૂન કરવા માટેની ના પાડી દીધી હતી એ પછી શું શીનાએ વિશાલને ખતમ કરી નાંખ્યો હતો ? !’ જિગરના મગજનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ જિગરના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેના માથા પર પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું અને પછી એકદમથી તેના માથા પર વજન-વજન લાગવા માંડયું. ‘તો...’ જિગરે વિચાર્યું, ‘...એ અદૃશ્ય શક્તિ શીના આવી ગઈ.’

‘જિગર...’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘...તું વિશાલના મોતથી આટલો દુઃખી કેમ થઈ ગયો છે ? ! વિશાલનું....’

‘તો...,’ જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો : ‘...છેવટે તેં જ વિશાલને મારી નાંખ્યો ને ? !’

‘ના ! મેં વિશાલને નથી માર્યો, પણ...’ જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘...પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે !’

‘....ખોટી બકવાસ ન કર.’ જિગર સોફા પરથી ઊભો થઈ ગયો : ‘મેં તો તને વિશાલનું ખૂન કરવા માટેની ઘસીને ના...’

‘હા, પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી હું તને બતાવું તો ? !’

‘મેં....મેં વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી...? !’ જિગરનું મગજ ગુસ્સાથી ફાટવા માંડયું : ‘...તું...તું શું બકી રહી છે ? !’

‘તારા ખિસ્સામાંથી તારો મોબાઈલ ફોન કાઢ અને એમાંની છેલ્લી વીડિયો કલીપ જો !’ જિગરના માથા પરથી શીનાનો અવાજ આવ્યો, એટલે જિગરેે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો ને કંપતા હાથે મોબાઈલ ફોનની સ્વીચ દબાવીને છેલ્લી વીડિયો કલીપ ચાલુ કરી.

મોબાઈલના સ્ક્રીન પર તે નેચર ગાર્ડનમાં વિશાલનો પીછો કરી રહ્યો છે એ દૃશ્ય દેખાવા માંડયું.

તે આંખો ફાડીને જોઈ રહ્યો.

મોબાઈલના સ્ક્રીન પર તેણે વિશાલના નામની બૂમ પાડીને વિશાલને રોકયો. તે વિશાલ પાસે પહોંચ્યો. તે માહીને પ્રેમ કરે છે, અને માહી તેની જ છે, એવી ડાયલૉગબાજી કરીને તેણે વિશાલનું ગળું ભીંસ્યું. વિશાલનો જીવ નીકળી ગયો અને વિશાલ ઢળી પડયો. ‘હં..! મારી માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો ! હા !’ કહેતાં તેણેે વિશાલને લાત મારી અને ત્યાંથી ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.

અને આ સાથે જ વીડિયો કલીપ પૂરી થઈ.

જિગર પૂતળાની જેમ બેસી રહ્યો. તે રીતસરનો પરસેવાથી જાણે નાહી ગયો હતો !

‘જિગર !’ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો હસવાનો અવાજ સંભળાયો : ‘હવે તો તને મારી વાત પર વિશ્વાસ બેઠો ને કે, તેં જ વિશાલનું ખૂન કર્યું છે !’

જિગરે ફરી મોબાઈલનું બટન દબાવ્યું અને તે વિશાલનું ખૂન કરી રહ્યો છે, એ રેકોર્ડિંગ ફરીથી જોવા માંડયો.

‘તે તો નેચર ગાર્ડનમાં માહીથી છૂટો પડયો પછી ઘરે જ આવ્યો હતો, પછી તે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કેવી રીતના કરી શકે ? ! આ...આ કેવી રીતના બન્યું હોઈ શકે ? ! !’ જિગર મૂંઝવણમાં પડયો, ત્યાં જ ડૉરબેલ ગાજી ઊઠી, ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! !

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ આવ્યો : ‘બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ ! ! !’

( વધુ આવતા અંકે )