"પ્રીતિ તને સાચવી ના શકવાનો અહોભાવ લઈને હું સાબરમતી પ્લેટફોર્મ પર જંપલાવવા જઈ રહ્યો છું." આટલું લખીને નયને મેસેજ સેન્ડ કર્યો.
મોતને ભેટવું હતું પણ મોતનો ડર તેના ચહેરાની રેખાઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. તેની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. પોતાના આંખે આવેલ આંસુઓને તે વારેવારે શર્ટની બાંય વડે હડસેલી રહ્યો હતો.ત્યાંજ દૂરથી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો.
નયન હાથની મુઠ્ઠીઓ વાળી, ચહેરા પરના આંસુને હાથનો લસરકો મારીને મક્કમ મને ઉભો થઇ ગયો મોતને ભેટવા. આવું તે પાંચમી વખત કરી રહ્યો હતો. પણ કદાચ આ વખતે તેનો ચહેરો જોઈને એવું કળી શકાતું હતું કે તે હવે મક્કમ બની ચૂક્યો છે. તે લગભગ ટ્રેનની અડોઅડ આવી ચૂક્યો હતો. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાનો જમણો પગ પાટાથી આગળ કર્યો અને આગળ વધવા જતો હતો ત્યાંજ કોઈકનો નાજુક સ્પર્શ થતા તેણે આંખો ખોલી.
ઘડીક તો નયનને લાગ્યું કે તે સ્વપ્ન જુએ છે. પણ આંખોને વારેવારે ચોળ્યા બાદ તે હકીકતની દુનિયા સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો. તેના નયનોએ ચકાસ્યું કે સામે લગભગ તેનીજ ઉંમરની 20-22 વર્ષની છોકરી ઉભી હતી.
"હાય, હું છું નિયતિ." નિયતિએ પોતાનો હાથ નયનના ચહેરા આગળ લંબાવતા કહ્યું.
"મને શું કામ રોક્યો?? તું મારી કોઈ સગી નથી તો મને રોકવા આવી છું."
"ઓહહ કમોન એક છોકરીના દિલ તોડી દેવાથી સુસાઇડ જેવું પગલું તો ન જ ભરાય."
"તને કેવી રીતે ખબર કે મારું દિલ તૂટ્યું છે?? જાસૂસી કરે છે મારી??" નયને ચહેરા પર ગુસ્સો લાવતા પૂછ્યું.
"તારી પાસે બીજું કારણ હોય પણ શું શકે!! મેં તો અંધારામાં તીર માર્યું, નિશાનો પાક્કો લાગશે એની મને શી ખબર." નિયતિ જોરજોરથી હસવા લાગી.
નયન ઉભો થયો અને ત્યાંથી ચાલવા લાગ્યો.
"એય ઉભો તો રહે ઘડીક... ''
નિયતિ પણ તેની પાછળ પાછળ જવા લાગી.
"તારી પ્રોબ્લેમ શું છે?? આટલી મસ્ત છોકરી ભાવ આપે છે એટલે કે તારી ગર્લફ્રેન્ડ તને ભાવ નથી આપતી એટલે??"
"મારે તારી કોઈ વાતનો જવાબ નથી આપવો. તું પ્લીઝ મને એકલો છોડી દે નિયતિ. મને અત્યારે એકાંતની જરૂર છે એમ પણ તારા જેવી પાગલ સાથે વાત કરીને હું વધારે પાગલ બનવા નથી માંગતો."
"નહીં છોડું અને છોડીશ તો એકજ શરતે... મારી સાથે માત્ર અડધો કલાક બેસીસ. અડધો કલાક બાદ મારા બાપુ મને શોધતા શોધતા આવી જશે એટલે મારે એમ પણ જવું પડશે."
નિયતિની વાત સાંભળીને નયન ઉભો રહી ગયો.
"પાગલ છું તું?? ઘર છોડીને આમ કોઈ ભાગતું હશે??"
"ઘર છોડીને ભાગવાનું કોઈને ના ગમે પણ એ ઘર તો હોવું જોઈએ ને..."
"મતલબ"
"મતલબ તને ખબર તો છે કે નાનપણથી આપણે માત્ર પાડોશી નથી અને માઁએ બીજા લગ્ન કર્યા હતા અને હું પ્રથમ લગ્નથી હતી. આ બાપુ મને પ્રેમની જગ્યાએ વાસણાનજરે નિહાળે છે. હું પણ તારી જેમ એક વખત અહીંયા જ આવીને આવું પગલું ભરવાનું વિચારતી હતી પણ નિયતિએ કાંઈક બીજુ જ વિચાર્યું હશે તે હું બચી ગઈ."
"સોરી... તને એ બધું યાદ કરાવીને હું દુઃખી કરવા નહોતો ઈચ્છતો.
મારી કહાની તારી પીડા કરતા ઘણી સારી કહી શકાય એમ છે. મને ખબર છે તારા ઘરની દરેક સ્થિતિ.
હું ખૂબજ અભિમાની વ્યક્તિત્વ ધરાવું છું. મને પ્રીતિ સાથે પ્રેમ થયો હતો. અમે બંને એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા પણ એકવાર મારા ગુસ્સા અને મારા સ્વભાવથી કંટાળીને તેણે બીજે લગ્ન ગોઠવી નાખ્યા. મારાથી આ વાત સહન નથી થઇ રહી. મારું સ્વમાન અને મારું વર્ચસ્વનો અસ્વીકાર કરીને પ્રીતિએ ખૂબજ મોટી ભૂલ કરી. હું એમ પણ જાણું છું કે તું મને પ્રેમ કરે છે પણ તારું પાગલપન સહેવા હું સક્ષમ નથી."
"ઓહ માય ગોડ" નિયતિએ જોરથી ચીસ પાડી.
નિયતિએ જોયું તો બાજુમાં એક છોકરી અને એક છોકરાની લાશ પડી હતી. છોકરાનો ચહેરો જોઈને નિયતિ પાછળ ફરી અને જોયું તો નયન તેની સામું જોઈને ડોળા કાઢતો કાતિલ મુસ્કાન વેરવા લાગ્યો. નયન ધીરે ધીરે નિયતિ તરફ આવી રહ્યો હતો. નિયતિએ જોયું તો સામેથી કોઈક "નિયતિ"... "નિયતિ" ની બૂમો મારી રહ્યું હતું. પોલીસની સાયરન શાંત વાતાવરણમાં પડઘો પાડી રહી હતી.
"નિયતિ પછી શું થયું??" જેલમાં રહેતી કામિનીએ નિયતિને સવાલ કર્યો.
દૂરથી ટ્રેનનો અવાજ સંભળાયો. નિયતિ સાબરમતી જેલનો સળીયો પકડીને ઉભી થઇ અને મંદ મંદ મુસ્કુરાઈ.પોતાની સફેદ સાડીને વ્યવસ્થિત કરતી નયનનો પોતાને કરવામાં આવેલ અસ્વીકારને દબાવીને નયનના અને પ્રીતિના પ્રાણ હરિ લેવાની સજા જો તે ભોગવી રહી હતી.