'"વિહાન ક્યાં છે તું??" સીડીઓ પરથી એક સાઈઠએક વર્ષનો પુરુષ ઉતરી રહ્યો હતો.
"માલિક વિહાનબાબા તો એમની ઓફિસે જવા નીકળી ગયા." ઘરના નોકર બાલુએ ધ્રુજતા સ્વરે જવાબ આપ્યો.
"આજે તો એની ખેર નથી. મને પૂછ્યા વગર એ રૂમ ખોલવાની તેની હિંમત કઈ રીતે થઇ??" બબડતો બબડતો તે પુરુષ પોતાના રૂમ ભણી જવા લાગ્યો.
એ પુરુષ એટલે ગુજરાતની તમામ કોલસાની ખાણ ધરાવનાર એકમાત્ર બિઝનેસમેન એટલે સિદ્ધાર્થ સોલંકી. રૂપિયો એટલો કે તેની 10 પેઢી પણ વગર કમાયે ખાઈ શકે. સાક્ષાત લક્ષ્મીજી તેમના ઘેરજ રહેતા હોય એવું લાગતું પણ ગૃહલક્ષ્મીજીની બાદબાકી. સિદ્ધાર્થની પત્ની અનિતા આજથી ત્રીસેક વર્ષ પહેલા જ સ્વર્ગમાં સિધાવી ગઈ હતી. સિદ્ધાર્થ એક સમયે મજૂરીકામ કરતો હતો સુરેન્દ્રનગર પાસે રહેલ વટાણા ગામમાં. અચાનક તેનું કરોડોપતિ થઇ જવું ઘણાય લોકોની આંખોમાં કણાની માફક ખૂંચી રહ્યું હતું. સિદ્ધાર્થથી પણ આ વાત છુપી નહોતી પણ તે એવા લોકોને ચૂપ કરાવવાનું સારી પેઠે સમજતો હતો. સિદ્ધાર્થનો દીકરો વિહાન. વિહાન લગ્નજીવનથી દૂર જ રહેવાવાળો વ્યક્તિ. તેને માત્ર મોજશોખ અને જલસા જ કરવા ગમતા. તેના મતે તે લગ્ન કરીને બંધાઈ જવા નહોતો માંગતો. ચાલીસ વર્ષની ઉંમર હોવા છતાં તેનું દિલ આજસુધી કોઈ મોહિની હરી નહોતી શકી.
બાલુ ઉપરનાં માળે ગયો અને જોયું તો સિદ્ધાર્થનો અંગત રૂમ ખુલ્લો હતો. આમ તો બાલુએ પણ કયારેય તે રૂમમાં પ્રવેશ મેળવ્યો નહોતો. સિદ્ધાર્થએ એ રૂમમાં જવાની પરવાનગી વિવાનને પણ નહોતી આપી. એ રૂમને લઈને ઘણીવાર બાપ દીકરો લડી પડતા, પણ સિદ્ધાર્થ હંમેશા વિહાનને તેનાથી દૂર રાખવામાં સફળ નીવડતો. બાલુએ તાળું લગાવ્યું અને ચાવી સિદ્ધાર્થને પાછી આપી આવ્યો.
*******************
'"જોઈ લે બકા એવી વસ્તુ મારા હાથમાં આવી છે કે તું હવામાં નાચવા લાગીશ." વિહાને તેના મિત્ર સાહિલને પોતાના હાથમાં રહેલ એ નકશો બતાવતા કહ્યું.
"તું સાચે એ નકશો લઇ આવ્યો??" સાહિલે આંખો પહોળી કરતા પૂછ્યું.
'"વિવાન કોઈ પણ કામ વિચારે એટલે તેને અંજામ આપીને જ મૂકે છે સમજી ગયો. બોલ હવે શું કરવાનું છે??" વિહાને પોતાની ટીશર્ટનો કોલર ઉપર ચઢાવતા કહ્યું.
"આજે અગિયારસ છે. અમાસ સુધી રોકાઈશું. કાલેજ નીકળી જઈએ." સાહિલે મોબાઈલમાં કેલેન્ડર તરફ નજર નાખતા કહ્યું.
"સારુ તો હું કાલે સવારે તને લેવા આવી જઈશ. હર્ષને પણ કહેજે જોડે આવવું હોય તો." આટલું કહીને વિહાન સાહિલની કેબિનમાંથી ઉભો થયો અને બહાર નીકળી ગયો.
વિહાનના બહાર જતા જ સાહીલ જોરજોરથી હસવા લાગ્યો.
હાહાહા.... હાહાહા....તેનું અટ્ટહાસ્ય જોઈને ઘડીક તો સામાન્ય માણસના પણ ધબકારા વધી જાય એવું લાગતું.
*********************
'"ડેડ હું કાલે સવારે મિટિંગ માટે રાજકોટ જઉં છું. 4-5 દિવસ બાદ આવી જઈશ." વિહાને પાણીનો ગ્લાસ ઘૂંટડો ભરીને નીચે મૂકતા કહ્યું.
"અચાનક શું જવાની જરૂર પડી??" સિદ્ધાર્થે આંખોના ડોળા કાઢતા પૂછ્યું.
"તમારે મન જરૂર નથી. મારે જવું છે બસ. હું માત્ર જઉં છું એટલું જણાવ્યું. તમારા મતની મને જરૂર નથી." વિહાન ડાઇનિંગ ટેબલ પરથી જોરથી અવાજ કરતો ઉભો થઇ ગયો અને પોતાના રૂમમાં જવા ડગલા માંડવા લાગ્યો.
"મને પૂછ્યા વગર તું એ રૂમમાં કેમ ગયો હતો??" સિદ્ધાર્થે જોરથી બુમ મારતા પૂછ્યું.
પણ વિહાન તો ક્યાં રોકાય એમ હતો. તે તો સડસડાટ આલીશાન બંગલાની શાંતિ ચીરતો સીડીઓ ચઢીને નીકળી ગયો.
********************
વિહાન, સાહીલ અને હર્ષ નીકળી પડ્યા એક એવી ખોજમાં જ્યાં એક શ્રાપિત હવેલી તેમની કાગડોળે રાહ જોઈ રહી હતી.
"તારું ગામ તો બહુ જુનવાણી છે." હર્ષે ગામમાં પ્રવેશતા સામે દેખાતા ઝુંપડા તરફ જોઈને કહ્યું.
"ગામ બધા આવા જ હોય. વિવાન તું તો કદાચ પહેલીવાર આવી રહ્યો છું ને અહીંયા??" સાહિલે વિહાન તરફ જોતા સવાલ કર્યો.
"ના હું એકવાર આવી ચૂક્યો હતો. મારી મોમની સાથે.તે સમયે જ તેની રહસ્યમયી ડેથ થઇ ગઈ હતી.આજ સુધી હું માત્ર એ જ પીડામાં જીવી રહ્યો છું. અહીં આવવાનું મારું પ્રથમ લક્ષ્ય તો એ જ જાણવાનું છે. ડેડના લીધે કયારેય હિંમત નથી કરી શક્યો અહીં આવવાની પણ સાહીલ થેંક્યુ મારા દોસ્ત. તારા લીધે જ હું કદાચ અહીંયા આવવાનું સાહસ કરી રહ્યો છું." વિહાને સાહીલની પીઠ થાબડતા કહ્યું.
સાહીલ જવાબમાં ખંધુ હસ્યો અને મનમાં બોલતો રહ્યો કે, "અહીંયા તને લઈને આવવામાં મારો જ ફાયદો છે. તારું નુકસાન 100% છે. જોઈએ હવે શું થાય છે."
"વિહાન જો તો પેલી છોકરીને.. વાહ!! ગામડાની ગોરી દેખાઈ ખરી!!" હર્ષે કારની આગળ જતી છોકરી તરફ ઈશારો કરતા કહ્યું.
વિહાને તેની તરફ નજર કરી. તેની આંખોએ નોંધ્યું કે તેણે સામાન્ય સલવાર લેંઘો પહેર્યો હતો. પાછળથી તેનો કાળો ભમ્મર ચોટલો તેના નિતંબો પર ટકરાઈ રહ્યો હતો. વિહાને કારને સીધી તેની પાસે લાવીને ઉભી રાખી દીધી.
"ગામનાં સરપંચનું ઘર કઈ બાજુ છે??" વિહાને પોતાના ક્લીન શેવ્ડ ચહેરા પરથી ગોગલ્સ ઉતારતા એ છોકરી તરફ જોતા પૂછ્યું.
"આહીંથી જમણી બાઝુ હાલ્યા જાઓ. ત્યાં સફેદ રંગનું મોટું મકાન સે. એ જ સે. પન આપને હું કામ સે??" તે છોકરીએ વિહાનની કાર અને અંદર બેઠેલા લોકો પર નજર ફેરવતા પૂછ્યું.
"એ તો એમની સાથે જ વાત કરશું." આટલું કહીને વિહાને સ્માઈલ આપીને ગાડીને આગળ ચાલું કરી દોડાવી મૂકી.
વિહાનના દિલોદિમાગ પર એ ચહેરો છવાઈ ગયો હતો પણ તેણે આ વાત પોતાના મિત્રો આગળ કળવા ના દીધી.
સરપંચના ઘરે જઈને તેમણે સરપંચને માત્ર એટલું જણાવ્યું કે તે લોકો આ ગામ પર શોર્ટ ફિલ્મ બનાવવા આવ્યા છે. વિહાનનો પૈસાનો થોકડો જોઈને સરપંચે પણ માથું માર્યા વગર તેમની આગળ કોઈ વાત ના કરી અને તેમની મહેમાનનવાઝી કરવા લાગ્યા.
રાતે વિહાન ધાબા પર સૂતો સૂતો આકાશ તરફ મીટ માંડી રહ્યો હતો. એસીમાં રહેનારો વિહાન ગામડાની આહલાદક ઠંડીનો અહેસાસ કરીને ખુશ થઇ ગયો હતો. તેણે ઘડીક એ સુખની અનુભૂતિ કરવા પોતાની આંખો બંધ કરી તો તેની સામે તેનો ભયાનક ભૂતકાળ તરવરવા લાગ્યો. દસ વર્ષની ઉંમરે પોતાની માઁ સાથે આવ્યો હતો. તેઓ આવ્યા એના બીજા જ દિવસે રાતે માઁને કાંઈક એવી ખબર પડી હતી કે તે ડેડને ખૂબજ ગાળો આપી રહી હતી. બીજા દિવસે સવારે તેની માઁનો કોઈ પત્તો ના લાગ્યો. છેવટે સીમના કુવામાંથી માઁની લાશ મળી આવી હતી. માઁની કોહવાઈ ગયેલી લાશ....... ત્યાંજ વિહાને આંખો ખોલી.તેનો શ્વાસોશ્વાસ વધી ગયો હતો. તે ઉભો થયો અને પાસે રહેલ લોટામાં પાણી લેવા હાથ લંબાવ્યો પણ લોટો ખાલી થતા તે નીચે જઈને પાણી ભરવા અને પીવા માટે ઉભો થયો. નીચે પાણી પીધું ત્યાંજ કોઈકની ઝાંઝરીનો અવાજ થયો. વિહાને બહાર આવીને જોયું તો પાણીની કુંડી પાસે એક છોકરી પાણી કાઢીને કાંઈક કરી રહી હતી.
"શું કરો છો??" વિહાને નજીક જઈને પૂછ્યું.
તે છોકરી ઘબરાઈ ગઈ અને પાછળ નજર કરીને વિહાનની સામું જોયું.
એ તે જ છોકરી હતી જે તેમને ગામના ભાગોળે ભટકાઈ હતી.
"ઊંઘ નથ આવતી તમને??" તે છોકરીએ પાણી કાઢતા પૂછ્યું.
"ના, તને જોઈ ત્યારની નથી આવતી." વિહાને તેની તરફ આંખ મારતા કહ્યું.
"જુઓ તમે જે વિચારો સો એ ભૂલી જાઓ, એવું કાંઈ નાહીં થવાનું."
"લે મેં ક્યાં કાંઈ કીધું છે તો તું આટલું બધું વિચારવા લાગી છું. સારુ જવાદે નામ તો કહે તારું."
"નામ જાણીને હું કરો. તોય હાલો ટાઈમપાસ થઇ જાહે તમારો તે એક વાત કહું. તમે જાણી લો હો તો મું તમારી હારે આખી રાત વાતું કરીશ. "
"હમ્મ તૈયાર બોલ... "
"એ નામ જે લખતા નથી પણ હિન્દી લખવામાં ખુબ વપરાય હે.... "
"રેખા... સુંદર નામ છે તારું." વિહાને આત્મવિશ્વાસ સાથે તરત નામ ઉકેલતા પૂછ્યું.
"ઓહો આટલી જલ્દી નામ કહી દીધું. બહુ હોંશિયારના દીકરા લાગો સો." રેખાએ આશ્ચર્યભાવ લાવતા કહ્યું.
"તો હવે આખી રાત મારી સાથે વાતો કરવી પડશે તારે બરાબર !!" વિહાને રેખાની આંખોમાં જોતા કહ્યું.
વિહાન અને રેખા સામે રહેલ ઓટલા પર બેઠા. રેખાને શું બોલવું એ કાંઈ સમજમાં નહોતું આવતું.
"તમે આંહી કેમ આવ્યા સો??" રેખાએ વિહાન સામું જોતા પૂછ્યું.
"ખોટું કહું કે સાચું?? "
"ખોટું બોલશો તો તમને જ નુકસાન થાહે અને સાચું બોલવાની હિંમત તમે કરશો નાહીં કદાચ."
"તારાથી ખોટું બોલવાનું મન નથી થઇ રહ્યું."
"તો સાચું જ કહી દો."
"અહીંયા ગામમાં જે શ્રાપિત હવેલી છે ત્યાંના ખજાના માટે આવ્યો છું."
"એ શ્રાપિત સે તમને ખબર સે તો શું કામ આવ્યા સો. રાતના સમયે ત્યાં જવાનું સાહસ ના કરતા." રેખાએ ચિંતાતુર સ્વરે કહ્યું.
"અમે આવતીકાલે ત્યાં જવાનાં છીએ. અમાસ હોવાથી ગામનાં લોકોને ખબર પણ નહીં પડે."
"તમે પાગલ થઇ ગયા સો. અમાસે ત્યાં કેવી ઘટનાઓ ઘટે છે એ આપ જાણો સો??"
"આજના જમાનામાં ભૂત પ્રેત જેવું કાંઈ જ હોતું નથી. મારી પાસે હવેલીમાં છુપાયેલ ખજાનાનો નકશો છે. કાલે જઈને અમે ત્યાંની સચ્ચાઈ જાણી લઈશું અને મને ખબર છે અમે અમારું કામ સરળતાથી પાર પાડી દઈશું."
"જો તમને કાંઈ થયું તો હું મારી જાતને માફ નહીં કરી સકું. તમે બાપુ હારે ખોટું કાં બોલ્યા સો?? "
"કેમકે મારું નામ વિહાન સોલંકી છે. સિદ્ધાર્થ સોલંકીનો દીકરો."
વિહાનની વાત સાંભળીને રેખાનું મોઢું પહોળું થઇ ગયું. તેના ચહેરા પર ગુસ્સા અને આશ્ચર્યનાં ભાવ ઉપસી આવ્યા.
"ખમો, હું હમણાં જ બાપુને જાણ કરું સુ. તારા જેવા લોકોના લીધે જ ગામની આજે આવી હાલત સે. હાલ્યો જા હમણાં જ નહીં તો બાપુને જાણ થાહે તો તું જીવતો નહીં જઈ શકે. હવેલીમાં જઈશ તોય તારું મોત નિશ્ચિત છે." રેખા ગુસ્સામાં લાલ આંખો કરતા બોલી.
"શાંત થા. આટલો બધો ગુસ્સો શેનો છે તને?? અને આ બધું શું બોલી રહી છું. મને કાંઈ સમજમાં નથી આવી રયુ.. "
"ખોટીનો થા મા...જાણીને પણ અજાણ બને સે હારા... તું અને તારો બાપ બેઉ હરખા સો...ભૂંડો મરીશ ત્યારે ભાન આવશે." આટલું કહીને રેખા પગ પછાડતી ત્યાંથી નીકળી ગઈ.
વિહાનને સમજમાં નહોતું આવતું કે રેખા આ બધું શા માટે બોલી રહી હતી. વિહાન ઝાઝું વિચાર્યા વગર ધાબે જઈને સુઈ ગયો.
બીજા દિવસે સાંજની રાહ જોતા ત્રણેય મિત્રો પોતાનો સામાન બાંધીને તૈયાર હતા. હર્ષને હવેલીની અંદર જવાનો ડર સતાવી રહ્યો હતો. અલબત્ત તે બૈરી છોકરાવાળો હતો એટલે એ સ્વાભાવિક પણ હતું. પૈસાની લાલસા તેને અહીં સુધી ખેંચી લાવી હતી. સાંજ થતા જ તેઓ પોતાની કારને લઈને ગામમાંથી રવાના થયાં અને એ શ્રાપિત હવેલીએ આવી પહોંચ્યા. કારને થોડે દૂર રાખી તેઓ ધીરે રહીને મોટા દરવાજે પહોંચ્યા. દરવાજો વિશાળ હતો. તેને કુંડી મારેલી હતી. હર્ષે પોતાના હાથમાં રહેલ સળીયાથી તે કુંડીને તોડી નાખ્યું અને દરવાજાને ધક્કો લગાવ્યો. કીચુડ કીચુડ અવાજ સાથે દરવાજો ખુલ્યો.
વિહાન સૌથી આગળ હતો. તેની પાછળ સાહીલ અને હર્ષ આવી રહ્યા હતા. અંદર ખૂબજ અંધારું હતું.ત્રણેયના હાથમાં મોબાઈલની ટોર્ચ ચાલું હતી. હવેલીમાં તેમના અંદર આવતા જ વાતાવરણમાં એક અજાણ્યો માહોલ છવાઈ ગયો હતો. એક ઠંડા પવનનું મોજું પ્રસરી ગયું હતું. વિહાને આગળ જોયું તો એક મોટો ખંડ જેવો વિશાળ હોલ હતો. તે દરવાજા પર કોઈજ પ્રકારનું તાળું નહોતું મારવામાં આવ્યું જેથી તે લોકો સરળતાથી અંદર પ્રવેશી શક્યા. નીચે જમીનથી લઈને ઉપર લટકેલ ઝુમ્મર પર ધૂળના ગોટા બાઝી ગયા હતા. કરોળિયાઓના જાળા ઠેરઠેર બાઝેલા હતા. વિહાન એક હાથ વડે તેને કાઢીને રસ્તો કરી રહ્યો હતો. તમરાઓના અવાજ ખૂબજ તીવ્ર અવાજ કરી રહ્યા હતા. સાહીલ વિહાનને પોતાના હાથમાં રહેલ નકશા વડે સૂચિત કરી રહ્યો હતો. તેઓ ઉપરનાં માળે ગયા તો હર્ષને તેની પાછળથી એક ભયાનક ચીસ સંભળાઈ. તે બીજી દિશામાં જવા લાગ્યો. વિહાન અને સાહિલને આ વાતની જાણ નહોતી થઇ.તેઓ શાંતિથી ડગ માંડતા જઈ રહ્યા હતા. અચાનક કોઈકનો પગરવ ઠક ઠક કરતો તેમની સામું જ આવી રહ્યો હતો. આ અવાજ માત્ર સાહિલને જ આવી રહ્યો હતો.
"વિહાન તને કોઈ અવાજ સંભળાય છે??" સાહિલે વિહાનને આગળ જતા રોકીને સવાલ કર્યો.
"ના, મને તો કોઈજ અવાજ નથી આવી રહ્યો, એક મિનિટ હર્ષ ક્યાં ગયો??" વિહાને પાછળ ટોર્ચ ફેંકતા પૂછ્યું.
"હમણાં તો જોડે જ હતો. ખબર નહીં ક્યાં ગયો!!"
ત્યાંજ હર્ષની એક જોરદાર ચીસ સંભળાઈ. વિહાન અને સાહિલને પરસેવો છૂટી ગયો. વિહાન દોડતો દોડતો એ દિશામાં દોડ્યો. સાહીલ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો. વિહાને હર્ષની બચાઓ બચાઓની બુમ સાંભળીને દરવાજાને જોરથી ધક્કો લગાવ્યો. દરવાજો ખૂલતાં જ સામેનું દ્રશ્ય જોઈને વિહાનની આંખો પહોળી થઇ ગઈ.
એક સંપૂર્ણ બળેલ સ્ત્રી હર્ષના શરીરને પોતાના હાથોથી તોડીને બટકા ભરી રહી હતી. હર્ષ પીડાનો માર્યો ચીસો પાડી રહ્યો હતો. તેની દયનિય ચીસો સાંભળીને વિહાનના કાન સુન્ન પડી ગયા હતા. સાહિલે ફટાફટ વિહાનનો હાથ ખેંચ્યો અને તે દરવાજો બંધ કરી દીધો. હર્ષની અંતિમ કારમી ચીસો અને તેનો મદદ માટેનો ચહેરો જોઈને વિહાન ઘડીક તો સ્તબ્ધ થઇ ગયો. આજસુધી ભૂત પ્રેતમાં વિશ્વાસ ના કરનાર વિહાન પોતાની નજર સમક્ષ રચાયેલ દ્રશ્ય ભૂલવા અસક્ષમ હતો.
"સાહીલ, હર્ષ યાર... તેની આ મોતમાં હું જ જવાબદાર છું. બિચારો માત્ર આપણા લીધે અહીં આવ્યો હતો. તેના બાળકોનું શું થશે યાર?? " વિહાન રોતા રોતા સાહિલને કહેવા લાગ્યો.
"વિહાન, લાગણીમય ના બનીશ. હર્ષ માત્ર પૈસા માટે જ આવ્યો હતો. આપણા લીધે નહીં. હવે હર્ષને ભૂલી જા અને આપણે બેઉ એકબીજાની સાથે રહીને તે ખજાનો શોધીએ."
સાહિલનો આવો જવાબ સાંભળીને વિહાન ખૂબજ ગુસ્સે થઇ ગયો.
"તને ભાન છે તું શું બોલે છે. આપણા લીધે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો અને તને ખજાનાની પડી છે." વિહાન ગુસ્સે થઈને બરાડી ઉઠ્યો.
"તો જતો રહે પાછો. મને કોઈ પડી નથી. હું સિદ્ધાર્થ સોલંકીનો દીકરો નથી કે બાપના પૈસે લીલાલહેર કરું." આટલું કહીને સાહીલ ત્યાંથી નીકળી ગયો.
વિહાન થોડીવાર ત્યાંજ ચુપચાપ બેઠો. તેને પોતાનો ભૂતકાળ યાદ આવવા લાગ્યો.
તે રાત 1990ની હતી. વટાણા તેની માઁનું ગામ હતું. તેનું મોસાળ હતું. ઘણા વર્ષો બાદ તે અહીં આવ્યો હતો. વિહાનને યાદ આવ્યું કે તે આ હવેલીમાં પહેલા પણ આવી ચૂક્યો હતો. તેની મોમ સાથે. તેનો રૂમ હતો અહીંયા. તેની માઁને તે રાતે એક ડાયરી હાથમાં આવી હતી. એ ડાયરી વાંચ્યા બાદ જ મોમ ડેડ પર ગુસ્સે થઇ ગઈ હતી. બીજા દિવસે સવારે મોમની ડેથ થઇ ગઈ હતી. ડેડએ એ ડાયરી રૂમના કબાટમાં છુપાવી હતી. પોતે એ વખતે છુપાઈને એ દ્રશ્ય ભાળી ગયો હતો.
અચાનક વિહાન વર્તમાનમાં પાછો આવ્યો. તે ફટાફટ ઉભો થયો અને એ રૂમને યાદ કરવા લાગ્યો. આજથી ત્રીસ વર્ષ પહેલાનો એ રૂમ યાદ આવતા જ વિહાન તે દિશામાં દોડ્યો. આમતેમ નજર કરી તેણે એ રૂમને શોધી કાઢ્યો. ત્યાં દરવાજાને ધક્કો લાગતા ઉધઈના પોપડાઓથી દરવાજો ખવાઈ જતા તે નીચે જમીનદોસ્ત થઇ ગયો. વિહાન ફટાફટ અંદર પ્રવેશ્યો. તેની નજર સામે એ કબાટનું દ્રશ્ય તરવર્યું. તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે કબાટને ખોલ્યું. સાગના લાકડે બનેલું હોવાથી તે હજુ પણ એવું જ હતું. માત્ર જામી ગયું હતું. વિહાને જોરથી હેન્ડલ ખેંચ્યું અને તે કર્કશ અવાજ સાથે ખુલી ગયું. વિહાને સામે પડેલ ડાયરી હાથમાં લીધી.
ડાયરીને લઈને તે સામે પડેલ ધૂળિયા ખુરશી પર બેસી ગયો. ડાયરીનું પ્રથમ પન્નુ ખોલ્યું. વિહાન ક્રમશઃ વાંચવા લાગ્યો.
1980......સિદ્ધાર્થ પુરોહિત
તા. 5 જાન્યુઆરી 1980....
આજે ગામમાં હું શાંતિને મળ્યો. મેં તેની આગળ પ્રેમનો પ્રસ્તાવ રાખી દીધો. તે સોલંકી કુળની હોવાથી મને ડર હતો કે તેના ઘરનાં માનસે કે કેમ પણ મારી બુદ્ધિક્ષમતાથી આખું ગામ પરિચિત હતું. શાંતિના ઘરનાં લોકોની ઈચ્છા હતી કે હું લગ્ન બાદ તેમના કુળને અપનાવું. મને પણ તેમાં કોઈ વાંધો નહોતો. એમ પણ ગામની આટલી સુખી હવેલી કોને પ્રિય ન હોય.
તા. 11 જાન્યુઆરી 1980
આજે ભાનુજીત એટલે કે શાંતિના ભાઈને મને મળેલ હવેલીના હિસ્સાથી તે ખૂબજ ગુસ્સે ભરાઈ ગયો છે. તેની વ્યવસ્થા હું લગ્ન બાદ સારી રીતે કરી દઈશ બસ અઠવાડિયાની તો વાર છે.
તા. 21 જાન્યુઆરી 1980
લગ્ન થઇ ગયા. હું પણ હવે આ વિશાળ હવેલીનો વારસદાર બની ગયો છું. ભાનુજીત પણ કાલ સવારનો સુરજ નહીં જોઈ શકે એવી વ્યવસ્થા કરી દીધી છે મેં.
તા. 30 જાન્યુઆરી 1980
હવેલી હવે સંપૂર્ણ મારા કબ્જે થઇ ચૂકી છે. શાંતિના પિતાને ફોસલાવીને કાગળિયા પર મારું નામ પણ લખાવી દીધું છે.
તા. 4 ફેબ્રુઆરી 1980
આજે મને હવેલીમાં રહેલ એક ઓરડામાંથી હવેલીનો એક નકશો મળી આવ્યો. તેના વિશે કાંઈ વધારે સમજ નથી પડી રહી. કાલે શાંતિના બાપુ સાથે વાત કરીને જાણી લઈશ.
તા. 5 ફેબ્રુઆરી 1980
શાંતિના બાપુ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ હવેલીમાં એક વિશિષ્ટ ઓરડો છે. ત્યાંની ટાઈલ્સોની નીચે સોનાનાં સિક્કા રહેલા છે. એ સિવાય ત્યાં ખૂબજ કિંમતી રત્નો રહેલા છે. પણ એ ઓરડાની વિચિત્ર વાત એ છે કે એ ટાઇલ્સ માત્ર સામે રહેલ ગોળાકાર છુન્દણાં વડે કોઈની હત્યાં કરવાથી થોડા સમય માટે જ પહોળી થાય છે અને એ વ્યક્તિનું મોત થયાં બાદ ફરી તે બંધ થઇ જાય છે. શાંતિના બાપુની વાત સાંભળ્યા બાદ મને પણ કાંઈ સમજમાં નથી આવી રહ્યું કે હું કઈ રીતે એ બધું મેળવું??!!!
તા. 12 ફેબ્રુઆરી 1980
હું શાંતિને લઈને અમદાવાદ આવી ગયો છું. ત્યાં નાના ભાડાના મકાનમાં રહીને હું પાછો વટાણા ગામે પરત ફરીશ અને તે ખજાનાને મેળવીને પાછો ફરીશ. મારા હોંશિયાર દિમાગમાં એક ખૂબજ શેતાની વિચાર આવ્યો છે. શાંતિને આ વાતની હું ભનક પણ નહીં લાગવા દઉં.
તા. 18 ફેબ્રુઆરી 1980
ગામમાં આવીને હું માસુમ લોકોનો જીવ લેવા લાગ્યો છું અને ખૂબજ ખજાનો મારા જુના ઘરની કોઠીમાં સંગ્રહ કરવા લાગ્યો છું. શાંતિના માઁ અને બાપુને મેં તીર્થયાત્રા કરવા મોકલી દીધા છે. તેમને તો ખબર પણ નથી કે હવેલીમાં હાલમાં બની શું રહ્યું છે.
તા. 22 ફેબ્રુઆરી 1980
કેટલાય લોકોનો જીવ ગયો છે પણ ગામમાં હવે ડર ફેલાવવા લાગ્યો છે. રોજ કોઈક ને કોઈક ગાયબ થઇ રહ્યા હોવાથી હવે કોઈ ગામમાં ઘર બહાર પણ નીકળી નથી રહ્યા. મને હવે ચિંતા થવા લાગી છે કે શું કરું?? મારે હજુ ભરપૂર ખજાનો મેળવવાનો છે.
તા. 23 ફેબ્રુઆરી 1980
મેં હવે નવો ઉપાય શોધી કાઢ્યો છે. ગામનાં પ્રાણીઓને હું તે સ્તંભ નીચે મૂકીને ખજાનો મેળવવા લાગ્યો છું. હાહાહા છે ને મારી બુદ્ધિ ગજબની.
તા. 25 ફેબ્રુઆરી 1980
આજનો દિવસ ખૂબજ ભયાનક રહ્યો. આજે અચાનક ખજાનો લેતા શાંતિના માઁ અને બાપુ મને જોઈ ગયા. મેં તેમને વધુ કાંઈ બોલે કે કરે એ પહેલા જ તેમના માથામાં જોરથી લોખંડનો સળીયો મારી દીધો. એ સ્તંભની નીચે છૂંદાઇ ગયા બાદ નીચે રહેલ પતરા આપોઆપ ખુલી જાય છે અને મૃતદેહોનો ઢગલો નીચે ભેગો થતો જાય છે.કોઈને પણ માર્યા બાદ જાણ ના થાય એટલે મેં શાંતિના માઁ અને બાપુને ત્યાંજ મારીને નીચે ફેંકી દીધા.
તા. 3 માર્ચ 1980
આજે અમાસ હતી. મને આજે નવી વાત જાણવા મળી. નીચે પાતાળમાં જમા થતા મૃતદેહો અમાસનાં દિવસે નદીમાં વહી જાય છે. અત્યારસુધી મેં મારેલા તમામ લોકોની લોહીથી નીતરતી લાશો નદીમાં વહી રહી હતી. ગામનાં લોકો આ જોઈને કાંપી ઉઠ્યા હતા. તેમને જાણ થઇ ગઈ કે આ બધું હવેલીથી જ થઇ રહ્યું છે. મેં તેમને આજે મનઘડત કહાની કહી દીધી અને ત્યાંથી બધો માલમત્તો લઈને અમદાવાદ આવી ગયો.
તા. 4 માર્ચ 1980
શાંતિને તેના માઁ બાપુ વિશે વાત કરી તો તે પડી ભાંગી. તેના પેટમાં છોકરું હોવાની વાત જાણીને મેં એ વસ્તુનો લાભ લઇ લીધો અને શાંતિને ગામડે જતી રોકી લીધી. ખજાનો મેળવવાની લાલચ હજુ મારા મનમાં શમી નહોતી.
તા. 7 માર્ચ
આજે ફરી ગામડે આવ્યો છું આ હવેલીમાં. એક રસ્તે જતી સ્ત્રીને ફોસલાવીને હું તેને ઓરડી સુધી લાવવામાં સફળ થયો. મરતા મરતા તે મને એક શ્રાપ આપતી ગઈ. હવે આ હવેલી ખૂબજ ભયાનક બની ચૂકી છે. રાત પડતા જ અહીંયા...........
ડાયરીનું લખાણ પૂરું થઇ ગયું. વિહાને પન્ના ફેરવ્યા આગળ પણ આગળ બીજું કંઈજ લખ્યું નહોતું.
અચાનક એક તીણો ચીસો પાડવાનો અવાજ વિહાનના કાનોમાં ગુંજી ઉઠ્યો.
તે ચીસ સાહીલની જ હતી. વિહાન એ ઓરડામાં આવી ગયો જ્યાં તે ખજાનો ખૂલતો હતો. અચાનક વિહાનને પાછળથી કોઈકે માથામાં દંડો માર્યો હોય એવો અહેસાસ થયો. વિહાને પાછળ નજર કરી તો તેની ધૂંધળી નજરે સાહીલ દેખાઈ રહ્યો હતો.
"શું થયું?? શૉક લાગ્યો મને જોઈને મારા ભાઈ !! તને લાવવાનો મારો આ જ ઈરાદો તો હતો. તારા બાપના આ રહસ્યને મારા વફાદાર નોકર બાલુએ જાણી લીધું અને તને મેં જ હાથે કરીને અહીં આવવા મજબુર કર્યો હતો." આટલું બોલીને સાહીલ જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
સાહિલે વિહાનનું બાવડું પકડ્યું અને તેને ઘસીને પેલા સ્તંભ પાસે લઇ ગયો. ઉપર લટકતા સ્તંભની નીચે આવતા જ લાકડાનો સ્તંભ નીચે આવવા લાગ્યો. સાહીલે જોયું તો વચ્ચે મધ્યમાં ટાઈલ્સો ઉપર થઇ રહી હતી. એમાંથી સાહિલે તેની વેધક નજર ખજાના પર પાડી. ચમકદાર વસ્તુને જોઈને સાહિલની આંખોમાં પણ ચમક આવી ગઈ. સાહીલ એ તરફ પગ ઉપાડવા જતો હતો. ત્યાંજ વિહાનને કોઈકે ખસેડી દીધો. અને તે વ્યક્તિની કારમી ચીસ આખા ઓરડામાં ગુંજવા લાગી.
સાહિલે પાછળ નજર કરી તો ત્યાં બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ સોલંકી પોતે હતો. તે અહીં કઈ રીતે પહોંચી ગયો તેની સમજ સાહિલને નહોતી પડી રહી. પોતાના પિતાનું કરુણમય મોત પોતાની નજરે નિહાળી વિહાનની આંખોમાં આંસુ સરી રહ્યા હતા. વિહાનના ચહેરા પર સિદ્ધાર્થના લોહીની ધારાઓ ઉડી હોવાથી તેનો ચહેરો લોહીથી લથબથ થઇ ચૂક્યો હતો.
સાહીલ વિહાન પર ગુસ્સે ભરાયો હતો પણ તે ફટાફટ સ્તંભ ઉપડે એ પહેલા ખજાનો કાઢવા લાગ્યો હતો. સ્તંભ ઉપડતા જ તેણે વિહાન તરફ ગુસ્સામાં જોયું. હાથમાં સાંકળ લઈને તે વિહાન તરફ ધસી ગયો કે ત્યાંજ પાછળથી સાહીલ પર લોખંડના સળિયા વડે પ્રહાર થયો. વિહાને જોયું તો સામે રેખા હાથમાં સળીયો હવામાં રાખતી ઉભી હતી. રેખાના જોરદાર પ્રહારથી સાહીલ સીધો તે ઉપર રહેલ સ્તંભની નીચે તરફ જઈને પડ્યો. સાહિલના નીચે આવતા જ તે સ્તંભ નીચે ધસવા લાગ્યો અને ફરી ટાઈલ્સો ખુલવા લાગી. પોતાની નજર સામે આટલો ખજાનો પડ્યો હોવા છતાં વિહાને સાહિલે કાઢેલ ખજાનાને પાછો અંદર ઠાલવી દીધો. રેખા ઉભી ઉભી વિહાનની હરકત જોઈ રહી હતી. સાહીલની કારમી ચીસો ઓરડામાં પડઘા પાડવા લાગી. રેખાએ ત્યાંથી નજર ફેરવી લીધી. વિહાને રેખાનો હાથ પકડ્યો અને બંને આ હવેલીની બહાર જવા લાગ્યા.
બહાર રહેલ કાર પાસે વિહાને રેખાનો હાથ છોડ્યો.
"તને કઈ રીતે ખબર કે હું અહીંયા આવી હાલતમાં હોઈશ??" વિહાને રેખાની આંખોમાં આંખો પરોવતાં પૂછ્યું.
"કાલે તમે જયારે મારી હારે વાતું કરતા તા ત્યારે તમારો આ દોસ્તાર ઉપરથી ઉભો ઉભો બધું જોતો હતો. તેની આંખોમાં કાંઈક અજીબોગરીબ ભાવ મને દેખાતા હતા તે મેં એની તરફ નજર રાખવાનું ચાલું કર્યું. મેં તેને કોઈની હારે ફોન પર વાતું કરતા સાંભળ્યો કે સિદ્ધાર્થસાબને તેના વિશે ખબર પડી ગઈ સે અને તેઓ અહીંયા આવવા જ નીકળ્યાં સે પણ તેણે આ વાતમાં ઝાઝું ધ્યાન ના આપ્યું."
"અચ્છા તો ડેડ વહેલા જ આવી ગયા હતા પણ તો તેઓ સાહિલને વહેલો પણ તો મારી શકતા હતા??"
"એ માટે સાબે આ ચિઠ્ઠી તમને લખી સે. તમે જ વાંચી લ્યો." આટલું કહીને રેખાએ તે ચિઠ્ઠી વિહાનને આપી. વિહાને ખોલીને અંદર રહેલા લખાણને વાંચવા માંડ્યું.
બેટા, તારી પાસે આ ચિઠ્ઠી હશે ત્યારે કદાચ હું જોડે નહીં હોઉં. આ માટે મારા ઓરડામાં રહેલી મારી 1980 ના વર્ષની ગાથા વાંચી લેજે એટલે તું સમજી જઈશ.
છેલ્લે એક વખત મારાથી એક સગર્ભા સ્ત્રીનો જીવ લેવાઈ ગયો હતો અને તેણે મને શ્રાપ આપ્યો હતો કે મારો અંશ પણ આ હવેલીમાં જ મરશે. વિહાન તું આજે જીવિત છું પણ મારો અંશ ખરેખર મરશે જ. હા, સાહીલ એ મારો જ અંશ છે. એ દુનિયા માટે મારા મિત્રનો દીકરો હતો પણ એ મારો જ લોહીનો અંશ છે. આજે આ હવેલી આ શ્રાપથી મુક્ત થઇ. બસ બેટા અહીં કેટલાય જીવોનાં મેં જીવ લીધા છે તેમની અતૃપ્ત આત્માઓ ભટકતી હશે એટલે તેમનો કોઈ સારા તાંત્રિક વડે અગ્નિદાહ કે તેમની ઈચ્છાનુસાર તેમની ક્રિયાવિધિ કરી નાખજે. અને હા એક અંતિમ વાત. તું જયારે નાનો હતો ત્યારે તારી માઁ મને કીધા વગર તને લઈને અહીં આવી ગઈ હતી. તેને પૂરી વાતની જાણ થઇ ગઈ અને એ પણ જાણ થઇ કે મારો એક બીજો પણ દીકરો છે. એટલે તે આ પીડા જીરવી ન શકી અને તેણે જાતે જ કુવામાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. મેં તેને નથી મારી આ વાત જ પૂર્ણ સત્ય છે. હું મારા કરેલા કર્મોની જ સજા ભોગવવા ફરી આ હવેલીમાં આવ્યો છું.હવેલીનો ભયાવહ ઓછાયો માત્ર મારી મોતથી જ શમે તેમ હતું.
વિહાને ચિઠ્ઠી પાસે રહેલ નદીમાં ટુકડા કરીને વહાવી દીધી. સવારના પાંચ વાગી રહ્યા હતા. સૂરજની પ્રથમ કિરણ હવેલીના એ જ ખૂની ઓરડા પર પડતા હતા. ત્યાં કિરણ પડતા જ નદીમાં બે લાશો લોહીથી નિતરતી વહી રહી હતી.
આ તરફ બે વ્યક્તિ કારમાં બેસીને ગામ ભણી જઈ રહી હતી.
"હવે આ હવેલી શ્રાપમુક્ત થઇ ગઈ છે. " વિહાને છેલ્લીવાર હવેલી પર નજર નાખતા કહ્યું.