ધર્મની બહેન
***********
"શ્રુતિ ! રાહ જોવાની મુક ને ચાલ જમવાનું આપી દે. કઈક કામ આવી ગયું હશે કિશનને..."
ધનંજય શ્રુતિની આંખો વાંચી ગયો હોય એમ એનું ધ્યાન બીજે વાળવા કોશિશ કરવા લાગ્યો. આટલા વર્ષોમાં શ્રુતિ આટલી વિહ્વળ બની હોય એવું પહેલી વખત બન્યું હતું. ધનંજય એ પારખી ગયો હતો. શ્રુતિ વારે ઘડીએ દરવાજા સામે ને પછી ઘડિયાળ સામે જોઈ લેતી. લગભગ બેએક કલાકથી એ દર પાંચ મિનિટે આમ કરતી હતી. એની રાહ જોવાની તાલાવેલી જોઈ લાગતું હતું કે એ કોઈ ખાસ વ્યક્તિની રાહ જોઈ રહી હશે. હવે શ્રુતિને લાગ્યું કે રાહ જોવી બેકાર છે એટલે એ ડાઈનીંગ ટેબલ પર જમવાનું પીરસવા લાગી, નાનો અંશ ઝડપથી દોડીને આવ્યો ને બોલ્યો,
"વાહ મમ્મી ! આજે તો મસ્ત સુગંધ આવે છે જમવાની. ચાલ ફટાફટ પીરસ બહુ ભૂખ લાગી છે."
શ્રુતિએ પતિ ધનંજય ને પુત્ર અંશ, બંનેની થાળી તૈયાર કરી. અંશ આ જોઈ બોલ્યો,
"કેમ મમ્મી ! તારી થાળી નથી બનાવી,તને ભૂખ નથી લાગી ? "
શ્રુતિને આજે કશું ભાવે એમ ન હતું. ભાઈ કિશન આજના દિવસે તો શ્રુતિના ઘરે દર વર્ષે આવતો. આજે ખબર નહિ કેમ ! પણ કોઈ ફોન પણ ન આવ્યો ને ભાઈ પણ ન આવ્યો. શ્રુતિને હવે ગુસ્સો આવવા લાગ્યો.
શ્રુતિના લગ્ન થયા ત્યારે ભાઈ કિશન બહુ નાનો હતો, બહુ જવાબદારીની એને ગમ ન પડતી. શ્રુતિ બંને ભાઈ બહેનમાં મોટી. પિતા અખિલેશભાઈના મૃત્યુ બાદ શ્રુતિ એક વડીલ તરીકે પોતાના ઘરની સાથે ઉભી રહી હતી. જમાઈ ધનંજયે પણ દીકરાની ભૂમિકા ભજવી હતી. કિશનનું ભણતર, એના ભૂમિકા સાથે લગ્ન બધું જ શ્રુતિએ ધ્યાન દઈને કરાવ્યુ હતું. મમ્મી તો ઉંમરલાયક તો દોડધામ કરી ન શકે. પપ્પા પોતાની પાછળ ઘણી સંપત્તિ મૂકી ગયા હતા, પણ કિશન એ સાચવવા હજુ નાનો હતો. શ્રુતિએ ને ધનંજયે બહુ ચિવટપૂર્વક ઘરને મેનેજ કર્યું હતું. પપ્પાની મહેનતની કમાણી વેડફાઈ ન જાય એ પણ ધ્યાન રાખ્યું હતું.
કિશન મોટો થઈ નોકરી પર લાગી ગયો. હવે શ્રુતિને લાગ્યું કે હવે એની ફરજો પુરી થઈ હવે કિશન પોતાની ફરજો નિભાવશે ને પોતે હકો ભોગવશે. ભૂમિકા આમ તો સારી છોકરી પણ ક્યારેક સાસુ ને ભૂમિકા વચ્ચે મતભેદ થયા કરતા. મમ્મી કોઈને ન કહી શકે પણ દીકરી પાસે તો હૈયું ઠાલવતી. આજે પણ મમ્મીનો ફોન આવ્યો હતો. મમ્મીની વાત શ્રુતિના મનમાં ઘર કરી ગઈ હતી કે,
"કિશન ભૂમિકાની કોઈ મિત્ર છે એને ધર્મની બહેન બનાવી છે ત્યાં રાખડી બંધવવા જવાનો છે, તારી પાસે આ વખતે નહિ આવે, એ છોકરીએ કિશનને ભાઈ બનાવ્યો છે. લગ્ન પછી છોકરાઓ ફરી જ જાય. જો હવે તને પણ ભૂલી ગયો.."
શ્રુતિને મમ્મી ને ભૂમિકા વચ્ચે ચાલતી અનબન ખબર હતી. એનું મન મમ્મીની વાત માનવા તૈયાર નહતું થતું. કિશન ક્યારેય આ દિવસ ચુક્યો નથી એટલો એને વિશ્વાસ હતો. મમ્મી કદાચ ભૂમિકા સાથે થોડો મતભેદ છે એટલે આવું બોલતી હશે. શ્રુતિ સાથે ભૂમિકાનું વર્તન પણ સારું હતું. ભૂમિકા થોડી બાલિશ હતી બસ, જવાબદારી ક્યારેય ઉપાડી ન હતી તો થોડી ચિડાઈ જતી સાસુ સાથે, પણ એણે ક્યારેય શ્રુતિ કે સાસુની ઇર્ષ્યા નહતી કરી. પણ આજે કિશનને મોડું થયું એટલે હવે શ્રુતિનું મન પણ મમ્મીની વાત માનવા મજબુર બન્યું હતું. શ્રુતિ મનોમન બબડતી હતી,
"વાહ રે સમય ! સગી બહેનને મૂકી ધરમની બહેન માટે માણસો ગાંડા થયા. આ તો ઘરના છોકરા ઘંટી ચાટે એવું થયું. મેં ક્યાં ભાઈ પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા રાખી હતી એણે જ સામેથી કહ્યું હતું કે દીદી હું રક્ષાબંધનના દિવસે તમારી ઘરે આવી રાખડી બંધાવી જઈશ. ધરમની બહેન તો ઘણી મળી રહે ત્યાં તો પછી પણ જઈ શકતો હતો ને, પોતાનાને મૂકી હવે પારકા વ્હાલા કરી લીધા. હવે તો આમ પણ ટ્રેન્ડ ચાલ્યો છે સગાઓને છોડી પારકાઓને પોતાના કરવાના. તમે લોકો માટે કરેલી મહેનત કોઈ નથી જોતું. બસ બહારની ઝાકમઝોળ પાછળ જ લોકો આંધળી દોટ મૂકે છે. સગા છે એ વ્હાલા નથી લાગતા ને વ્હાલા છે એ સગા નથી હોતા. ખરેખર આવું જ છે હવે તો. માણસો સગાઓ પાસે ગૂંગળામણ અનુભવે. લોહીના સંબંધોથી દુર ભાગે છે લોકો, પણ ખરા સમયે એ જ કામ લાગે છે એ ભૂલી જાય છે.
કિશન દર વર્ષે આવી જ જતો. ને એણે ક્યારેય શ્રુતિને ઉણપ આવવા પણ નહતી દીધી. ના પ્રેમમાં ના ભેટમાં. પણ આ વખતે કિશન ચુકી ગયો હતો. ધનંજય બોલ્યો,
"શ્રુતિ એવું લાગતું હોય તો એક વખત ફોન કરીને પૂછી જો કે કેમ ન આવ્યો કિશન ? કઈક કામ આવી ગયું હશે."
શ્રુતિ બોલી,
"તમારે કરવો હોય તો તમે કરી લો મારે નથી કરવો ફોન, એ ભલે ધર્મની બહેન પાસે રાખડી બંધાવે મારે કોઈની જરૂર નથી. જો એને ધર્મ નિભાવવો હોય તો ભલે નિભાવતો..."
ધનંજયને લાગ્યું કે શ્રુતિ આજે કઈક વધુ જ ગુસ્સામાં છે એણે જ કિશનને ફોન લગાવ્યો. સામે છેડે કિશને કહ્યું કે એ અને ભૂમિકા રાગિણીના ઘરે છે. રાગિણી એટલે એ જ છોકરી જેણે કિશનને ભાઈ બનાવ્યો હતો ને જે ભૂમિકાની બહેનપણી હતી.
ધનંજયે શ્રુતિને કહ્યું ત્યારે શ્રુતિ રડમસ થઈ ગઈ. આજે તો કિશન માટે એની ફેવરિટ ડિશ બનાવી હતી. પોતે જાતે જઈ કિશન માટે રાખડી લાવી હતી. કિશન આટલો બેજવાબદાર હશે એની શ્રુતિને જાણ ન હતી. નાનો હતો એટલે ઘણું વર્તન શ્રુતિ નાનો સમજી ચલાવી લેતી પણ આ વખતે એને બહુ દુઃખ લાગ્યું. શ્રુતિ જમ્યા વગર જ રૂમમાં જતી રહી. ધનંજયે પણ આજે એને રોકી નહિ. રૂમમાંથી ડુસકાનો હળવો અવાજ આવતો ધનંજય સાંભળી રહ્યો. બેએક કલાક પછી અંશ રૂમમાં આવી બોલ્યો,
"મમ્મી ! કિશનમામા આવ્યા છે ચાલ.."
શ્રુતિને મન થયું કે ના પાડી દે બહાર જવાની પણ પછી એ બોલી ન શકી. એ આંખો લૂછી બહાર આવી. એણે કિશનના હાથમાં રાખડી જોઈ, રડવાનું અટકાવી મોઢે સ્મિત સાથે કિશનને આવકાર્યો. ભૂમિકા અને મમ્મી પણ સાથે જ આવ્યા હતા. શ્રુતિ બોલી,
"કિશન આજે તો મોડું થઈ ગયું તારે, દર વર્ષનો નિયમ ભૂલી ગયો ને ? ધર્મની બહેન મળી ગઈ એટલે સગી બહેનને ભૂલી ગયો ? "
કિશન બોલ્યો,
"સાચી વાત દીદી ધર્મની બહેન મળી ગઈ એ વાત સાચી, પણ ઈશ્વરને થોડું કોઈ ભૂલી જાય તમે તો મારા માટે આખો ધર્મ જ છો, તમે કહો એ જ મારા માટે તો પથ્થરની લકીર તમે કહો એ જ મારો ધર્મ.."
શ્રુતિ બોલી, "એમ ! તો રાખડી બાંધવા પહેલા અહીં નહતું અવાતું..."
આ વખતે ભૂમિકા બોલી,
"દીદી, જુઓ તો ખરા કિશને ક્યાં હાથમાં રાખડી બાંધી છે.."
શ્રુતિએ હવે બરાબર જોયું કિશનનો ડાબો હાથ તો ખાલી હતો, જમણા હાથમાં રાખડી બાંધી હતી. પણ તોય પહેલા અહીં કેમ ન આવ્યો એ વસવસો શ્રુતિની આંખમાં દેખાતો જ હતો. હવે એની મમ્મી બોલી,
"શ્રુતિબેટા, તું કિશનથી ખોટી નારાજ થઈ રહી છે, એ રાગિણી પાસે રાખડી બંધાવા ન હતો ગયો, પણ રાગિણીના પતિ પાસે મોટરના કાગળિયા પર સહી કરવા ગયો હતો, રાગિણી ઘરે હતી તો કહે કે ભાઈ આજે રક્ષાબંધન છે તો રાખડી બંધાવતા જાઓ, તો કિશને કહ્યું કે આ હાથ પર તો દીદી જ રાખડી બાંધશે, એટલે કીશને જમણા હાથ પર રાખડી બંધાવી. ને હા તારા માટે એક ગિફ્ટ પણ લાવ્યો છે. ચાલ જોઈ લે બહાર આવીને...."
બધા બહાર ગયા તો એક ચકચકીત નવી કાર ઉભી હતી. કિશને શ્રુતિના હાથમાં ચાવી આપતા કહ્યું કે,
"દીદી, ગમી તમારી નવી કાર ?"
શ્રુતિ પાસે હવે કોઈ શબ્દો ન હતા. હવે એને સમજાયું કે કિશન પોતાની સેલેરી કેમ વાપરતો ન હતો. દીદીને કાર ગિફ્ટ કરવા માટે એ પૈસા ભેગા કરતો હતો. કિશન બોલ્યો,
"દીદી, હવે તો રાખડી બાંધશો ને, ધર્મની બહેન નહિ ધર્મ વધુ મોટો છે મારા માટે, ને મારો ધર્મ તો તમે છો..."
ભાઈ બહેનનો પ્રેમ જોઈ ત્યાં હાજર બધાની આંખમાં લાગણીસભર આંસુ આવી ગયા...
(Dedicated to all lovely brothers & sisters...)
© હિના એમ. દાસા