મેલું પછેડું - ભાગ ૮ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૮

પરબત કાળી નો મારગ રોકી ઉભો હતો, ત્યાં જ નાથો મળ્યો અને તેની હારે કાળી ખેતરે જવા નીકળી.
‘મેં એની પાછળ પગલાં માંડ્યા .નાથા જો તું હઇશ ને તો પરબત હટી જશે કે પસી આપણે બેય પોગી વળશું મેં કીધું.
એને હોંકારો દીધો ને હાલવા લાગ્યો. જરા આગળ ગ્યા ત્યાં જ ફરી પેલો ઉભો તો મું ન્યા જ ઉભી રય ગય. મેં કીધું નાથા તું મારો હાથ પકડી ને મારી હારે હાલ્ય પસી મું તેના પર ભરોસો કરી હેંડતી હતી અચાનક પરબતે મારો હાથ પકડ્યો , મું ધ્રુજવા લાગી . મેં નાથા હામે જોયું તે આગળ જ હતો મેં એને અવાજ દીધો નાથા…… એને મારી હામે જોયું પણ કંઇ ન બોલ્યો ચૂપચાપ જોતો રય ગ્યો મું હમજી ગય ખોટો હીરો પસંદ કર્યો.
પસી તો સિંહણ ની જેમ એક તરાપ મારી તેને ધક્કો મારી ભાગી .. પણ ઇ ચાર પાંસ જણ માણહ ને હું એકલી ક્યાં લગી ભાગી શકું…..
ઝાંખરા ને કાંટાળા મારગ પર હું દોડતી જતી હતી પણ ખબર નય ક્યો મારગ પકડી પરબત મારી સામે ઉભો રય ગ્યો …’ હેલી એ ઊંડો શ્વાસ લીધો અને વાત આગળ વધારી.
‘ મેં માતાજી ને યાદ કયૉ ને પસી મોટે થી ચીસ પાડી ,બ..ચા….વો…. ક્યાક કોઈ દેવ નો દૂત આંય થી મને બચાવે જેના પર ભરોસો હતો ઇ તો દગાખોર નીકળો’ હેલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
રાખીબહેન દીકરી ને ભેટી પડ્યા અને પોતે પણ રડવા લાગ્યા ‘બેટા રડ નહીં તું બહુ હિંમતવાળી હતી આવા નાલાયકો સામે એકલે હાથે લડી’.
‘પન તો ય જાત ને ઇ નરાધમો થી બચાવી ન શકી , મું ચીસો ના પાડું એટલે નરાધમો એ મારી જ પસેડી નો ડૂચો મોં પર બાંધી દીધી ને પસી……. ‘ હેલી સખત ધ્રુજતી હતી
‘પેલા પરબતે મને મેલી કરી નાંખી. મોં પર ડૂચો એવી રીતે ભેરવ્યો તો કે સવાસ લેવામાં પન તકલીફ થતી હતી, ને ઉપર થી પેલા નરાધમો એક પસી એક મારી હારે……
સવાસ ખૂટી રહ્યો હતો મારી છેલ્લી નજર નાથા પર હતી તે ન્યા ઉભો ચૂપચાપ આ પાપ ભાળતો તો કાયર, નામરદ. ઇ બધા ને ખબર પડી ગય કે મારો સવાસ ખૂટી રયો સે તો પણ ઇ નામરદો મુને મરવા મજબૂર કરી આમ જોવો તો મારી હત્યા જ કેવાય .
સૂટી એવા ભવ થી મું જીવતી હોત તો બાપૂ ને કેવું લાગત , મને જોઇ ને જીવતે જીવ મરી ગ્યા હોત.
પેલા નાથા એ મુને ભોળવી ને હું ભોળવાય ગય તેના વસવાસે (વિશ્વાસ) રય એમાં મારી પસેડી મેલી થય’.હેલી રડ્યે જતી હતી.
‘ના બેટા ના આવું ના બોલ જો દિકરા હવે તો તું આજ ના સમય માં જન્મી છે તો વિચાર બળાત્કાર થી સ્ત્રી નહીં પણ પુરુષ મેલો થાય , તેની ગંદી વૃતિ ના કારણે જ આવી ઘટના ઓ થાય . ભોગ બનનારી સ્ત્રી એ શા માટે પોતાને નિમ્ન કે અપવિત્ર ગણવી? હકીકત માં તો અપવિત્ર પેલો પુરુષ અને તેના સાથી ઓ કહેવાય . બેટા એ જન્મ અને એ જન્મ સાથે ની ઘટના ઓ પૂણૅ થઈ તું છૂટી એવા લોકો થી આજે તું એ ગામ થી હજારો માઈલ દૂર એક આધુનિક દેશ માં એક આધુનિક પરિવાર માં જન્મી છે ભૂલી જા બેટા હવે એ બધું’ રાખીબહેન હેલી ને સમજાવવા બોલ્યા.
‘ કેમ ભૂલાય માં કેમ ભૂલાય મારે ઈઈઈ નાથા ને મળવું સે ને પુસવું સે કે એને મારા પરેમ મારા વસવાસ નો દગો કેમ કર્યો ?
(ક્રમશઃ)