નામ એનું રાજુ, આમતો એના માંબાપે એનું નામ રાજકુમાર પાડ્યું હતું પણ એક મજદૂર ના છોકરાને કોણ એના ખરા નામે બોલાવે, એટલે ટુંકમાં એનું નામ રાજુ જ પડી ગયું.
એના માંબાપ નાના ગામથી રોજી રોટી કમાવા આ મોટા શહેર માં આવ્યા હતા, લાખો મજદૂરો ની જેમ એમનું પણ આ શહેર માં કોઈ રહેવાં માટે ઘર નહોતું, એક નવા બનેલા ગાર્ડનની આસપાસની ખાલી પડેલી જગ્યાએ બીજા કેટલાક થોડા ઘણા મજદૂરો ની જોડે એના માંબાપ એ પ્લાસ્ટિકના ટેંટ જેવું ઘર વસાવ્યું હતું.
બધા મજૂરો ની સાથે રાજુના માંબાપ વહેલી સવારે કામ ગોતવા નીકળી પડતાં અને રાજુ એના ભાઈ બહેનો સાથે ઘરે રહી આસપાસમાં રમ્યા કરતો.
એ વસાહત ની બિલકુલ સામે એક મોટુ આઈસ્ક્રીમ પાર્લર હતુ, રાજુ ની નાનકડી આંખોને દૂરથી એ ઠંડક આપતું,નાનકડી ઉંમરમાં એની ગરીબીએ એને એટલી સમજતો આપી દીધી હતી કે એના પિતા એને આઈસ્ક્રીમ ખવડાવી શકે એ હાલતમાં નથી, જ્યાં માંડ માંડ એક રોટલો દૂધ અને સૂકી ડુંગળી ખાવા મળતા અને ક્યારેક તો દૂધ ની જગ્યાએ પાણી માં બોળી રોટલો ખાવો પડતો, ત્યારે આઈસ્ક્રીમ ખાવાના તો સપના જ જોઈ શકે એમ હતો એ, પણ રાજુ ને ક્યારેય એ વાતનું દુઃખ નહોતું.
ક્યારેક રમતા રમતા એ આઈસ્ક્રીમ ની શોપ આગળ પહોંચી જતો ત્યારે અમુક ભલા લોકો એને ગરીબ ભિખારી સમજી આઈસ્ક્રીમ ખવડાવાની ઓફર કરતા, પણ નાનકડા રાજુ ને ક્યારેય મહેનત વગર કોઈ જ વસ્તુ લેવાની મંજૂર નહોતું, એ ખૂબ પ્રેમ થી સામેવાળા ની ઓફર ઠુકરાવી દેતો, એના માબાપે એને મહેનત નો રોટલો ખાતા શીખવાડ્યું હતું. એ લોકો ભીખ માંગવાના બદલે મહેનતથી રોટી કમાવાં માંગતા હતા.
ઉનાળાના એક દિવસે ધોમધખતી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલાં લોકો પેટને ઠંડક આપવા એ આઈસ્ક્રીમ પાર્લર પર લાઈન લગાઈ ને ઉભા હતા. નાના નાના ભૂલકાઓ પોતાના માતા પિતાની આંગળી પકડી ને પોતાનો નંબર ક્યારે આવશે અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ક્યારે ખાવા મળશે એની ઇન્તેજારી માં ઊંચા નીચા થઇ રહ્યા હતા.
રાજુ અને એના ભાઈ બહેન એ શોપ ની છાયામાં રમી રહ્યા હતા, ત્યાંથી પસાર થતા શોપ ઓનર ભાઈના વાલેટ માંથી એક ૨૦૦ રૂપિયાની નોટ ભૂલ થી નીચે પડી જાય છે, એ ભાઈને એની ખબર નથી રહેતી પણ પાસમાં રમતા રાજુની નજર એના પર પડે છે. રાજુ એ તરત ઉપાડી લેછે અને નોટ ને ફેરવી ફેરવીને જોવા લાગે છે. રાજુ ને એક ક્ષણ માટે લાલચ થઈ જાય છે કે લાવને આ મળેલ પૈસામાંથી મારા અને મારા ભાઈ બહેન માટે આઈસ્ક્રીમ ખરીદી લઉ, બાકી અમારા નસીબમાં તો ક્યારેય એ ખાવાનું નઈ બને.
પણ ત્યાંજ રાજુને એના પિતા એ આપેલી શિખામણ યાદ આવે છે કે મેહનત વિના મળેલો પૈસો હરામ નો હોય છે અને હરામ ની કમાઈ આપડા જેવા માણસોને ક્યારે ના ખપે દીકરા.
એટલે રાજુ દોડતો જઈને દુકાન ના માલિકને મળેલા પૈસા વાપસ કરી દે છે.
શોપ ઓનર રાજુ અને એના પરિવાર ને જાણતો હતો કેમ કે એ લોકો ઘણા સમય થી એની આઈસ્ક્રીમ પાર્લર સામે રહી રહ્યા હતા અને એ રાજુ ની એ વાત પણ જાણતો હતો કે રાજુ ક્યારે ભીખમાં આપેલી વસ્તુ સ્વીકારતો નહિ. રાજુ ની પ્રમાણિકતા થી ખુશ થઈને એ રાજુ અને એના ભાઈ બહેનોને પોતાની શોપ માં બોલાવી ને આઈસ્ક્રીમ ખાવાની ઓફર કરે છે, રાજુ એ લેવા માટે ના પાડવા જાય છે ત્યાંજ શોપ નો માલિક એને કહેછે દીકરા આ આઈસ્ક્રીમ તને ભીખમાં નથી આપતો, એતો તારી ઈમાનદારી નો આઈસ્ક્રીમ છે, પ્લીઝ એ લેવાં માટે ના નઈ કહેતો.
અને રાજુ પોતે કમાયેલા ઈમાનદારી ના આઈસ્ક્રીમ ખાતો ખુશ થઈ જાય છે. શોપ ઓનર નાનકડા રાજુ ની આ ઈમાનદારી પર વારી જાય છે અને વિચારે છે....
લોકો પૈસાથી જ અમીર નથી બની જતા, ઘણા લોકો ભલે તનથી ગરીબ હોય પરંતુ મનથી તો અમીર હોય છે. જ્યારે કેટલાય લોકો પાસે ખૂબ પૈસા હોવા છતાં મનથી તો ગરીબ જ રહે છે. ધન્ય છે એ માતા પિતા જે પોતાનાં નાના બાળકોને ઈમાનદારી ના પાઠ શીખવે છે અને મહેનત મજૂરી કરી ખુમારી થી પોતાનું જીવન વ્યતીત કરે છે.
******************
Dhruti Mehta (અસમંજસ)