ભોંયરાનો ભેદ - 2 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોંયરાનો ભેદ - 2

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૨ : ખંડેરનું ભોંયરું

ફાલ્ગુની અને એનાં ભાઈબહેનને ખબર નહોતી, પણ શીલાનો ભેદ ઘણો ઊંડો હતો. આ છોકરાંઓને જોઈને એ ભારે વિમાસણમાં પડી ગઈ હતી.

એ ધીમે પગલે ઘરની અંદર ગઈ. એક ઓરડામાં એણે ભયભરી નજર નાખી. સામે એક ટેબલ-ખુરશી પર એના મામા બેઠા હતા. મામા સામે જોતાં એ હંમેશા ડરતી. કારણ કે મામાનો દેખાવ ખૂબ ડરામણો હતો. એ શરીરે નીચા અને જાડા હતા. એમની ફાંદ ખૂબ મોટી હતી અને ચહેરો ગોળમટોળ હતો. એ ચહેરામાં એમની બે નાની આંખો ગેંડાના મોટામસ જડબાં ઉપર બેસાડેલી નાની આંખો જેવી લાગતી. એમની હડપચી ભારે હતી અને હોઠ જાડા હતા. એટલે સોભાગચંદ મામા શીલાને હંમેશા પાગલ ગેંડાની યાદ આપતા.

આમ છતાં એ જ મામા સાથે શીલાને રહેવું પડતું હતું. મામાના ઘરનું રસોઈપાણીનું કામ કરવું પડતું હતું. મામાના હુકમો ઉઠાવવા પડતા હતા. મામા જ્યાં મોકલે ત્યાં દોડવું પડતું હતું અને મામા વતી જાસૂસી પણ કરવી પડતી હતી.

શીલા જાણતી હતી કે મામાના ધંધા સારા નથી. છતાં મામા સિવાય એનો કોઈ આશરો નહોતો. એનાં માતાપિતા થોડાં વરસ અગાઉ ગુજરી ગયાં હતાં. એને એક મોટો ભાઈ હતો. એ નોકરી કરવા માટે દુબઈ ગયો હતો. પણ છેલ્લા ઘણા વખતથી એના કશા સમાચાર નહોતા. એટલે શીલા પૂરેપૂરી અનાથ અને નિરાધાર હતી. એટલે જ એણે આ ગેંડા જેવા મામાને આશરે જીવવું પડતું હતું. એમના બંધનમાં રહેવું પડતું હતું.

એને પ્રોફેસર દિનકર વ્યાસનાં ભત્રીજાંઓની ઈર્ષા થઈ આવી. એ સૌ કેવાં આઝાદ હતાં ! વેકેશન પડ્યું કે તરત કાકાને મળવા દોડી આવ્યાં ! મારે ન તો ભણવાનું છે, ન વેકેશન છે, ન હરવાફરવાની છૂટ છે !

આવા વિચારો કરતી શીલા મામાવાળા ઓરડામાં પેઠી અને બોલી, ‘મામા ! તમને એક સમાચાર આપું. સોમજીના મહેલમાં ચાર નવાં માણસ આવ્યાં છે.’

મામા એકદમ સફાળા બેઠા થઈ ગયા. ‘શું કહ્યું ? પેલો ઘુવડ જેવો પ્રોફેસર શું ઓછો હતો કે ચાર નવાં માણસ આવ્યાં ? કોણ છે એ ? મજૂરો છે ? પ્રોફેસરને ખોદકામમાં મદદ કરવા આવ્યાં છે ?’

શીલા કહે, ‘ના મામા ! આ તો છોકરાં છે !’

‘છોકરાં ?’

‘હા, પ્રોફેસરનાં ભત્રીજા-ભત્રીજીઓ છે. એ લોકો વેકેશન ગાળવા અને કાકાને મદદ કરવા આવ્યાં છે.’

‘આખું વેકેશન અહીં રમશે, એમ ? તો તો મોટી ઉપાધી થઈ જાય.’ આટલું કહીને સોભાગચંદ મામા ધબ્બ કરતા પોતાની ખુરશીમાં બેસી પડ્યા અને કશુંક વિચારવા લાગ્યા.

પછી એકદમ ઊભા થયા અને શીલાના બંને ખભા પકડીને બોલવા લાગ્યા, ‘સાંભળ, છોકરી ! તું આ લોકો સાથે ગોઠપણાં કરી લે. એ લોકો ક્યાં સુધી રહેવાનાં છે એ જાણી લે.નજીકનાં ગામોમાં ફરવા જવાનાં છે કે અહીં જ ચોંટ્યાં રહેવાનાં છે, એ પણ જાણી લે. એમના પગલે-પગલાની ખબર રાખ અને મને સમાચાર પહોંચાડતી રહે. પણ યાદ રાખ, જરાકેય ગફલત કરીશને તો મારા જેવો ભૂંડો કોઈ નથી, હા !’

શીલા ધ્રૂજી ઊઠી. મામા કેટલા ભૂંડા હતા એની એને બરાબર ખબર હતી. કોઈ એનું ફ્રોક આઘું કરીને જુએ તો એની પીઠ ઉપર ડઝનેક સોળ ગણી શકાય એમ હતા. મામાના સોટીમારની એ બધી નિશાનીઓ હતી.

દરમિયાનમાં ફાલ્ગુની, વિજય, મીના અને ટીકૂ દરિયાકાંઠા તરફ ચાલી રહ્યાં હતાં. એમની એક બાજુ ખજૂરી, નાળિયેરી, તાડી, આંબલી જેવાં ઝાડની હરિયાળી હતી અને બીજી બાજુ દરિયો લહેરાઈ રહ્યો હતો.

એકાએક, નાળિયેરીના ઝુંડમાં છુપાયેલો કોઈ છોકરો એકદમ ડોકિયું કરે તેમ જરીપુરાણા એક મહેલે ડોકું કાઢ્યું. છોકરાંઓ એકસાથે બોલી ઊઠ્યાં : ‘આ રહ્યો ! આ રહ્યો ! સોમજી માલમનો મહેલ આ રહ્યો !’

જોકે, મહેલ સુધી પહોંચતાં પહેલાં વળી બે-ત્રણ વાર મહેલ ઝાડીમાં છુપાઈ ગયો, પણ આખરે તેઓ મહેલના આંગણામાં જઈ પહોંચ્યાં ખરાં. મહેલ ગઈ સદીમાં કે તેથીય અગાઉ બંધાયેલો હતો. એની દીવાલો પાણી અને મોસમ અને પંખીઓની હગારને કારણે કાળી અને કાબરચીતરી બની ગઈ હતી. છતમાં જડાયેલાં વિલાયતી નળિયાં અહીંતહીં તૂટી ગયાં હતાં. છતાં એ એક ભવ્ય મકાન હતું. જરાક એકલિયું અને અતડું ખરું, પણ ઘણું મોટું !

ટીકૂ બોલી ઊઠ્યો, ‘ચાલો, હવે કાંઈક નાસ્તાબાસ્તાની જોગવાઈ થઈ જશે.’

મીના બોલી, ‘પણ આપણને કાકાએ હજુ જોયાં નથી લાગતાં. અને એ ક્યાંય દેખાતા નથી.’

ફાલ્ગુની કહે, ‘આવડા મોટા મહેલમાં કાકા કોણ જાણે કયા ઓરડામાં બેઠા હોય ! એ આપણને ક્યાંથી દેખાય ?’

એટલે એ લોકોએ બારણે પહોંચીને ટકોરા માર્યા. એક વાર, બે વાર... પંદર વાર ટકોરા માર્યા, પણ કશો જવાબ ન મળ્યો. પછી વિજયે બારણાની સાંકળ પકડીને બારણું ખૂબ ધમધમાવ્યું. ગમે તેવા કુંભકર્ણનેય જગાડી દે એવો અવાજ ગાજી ઊઠ્યો. છતાં અંદરથી કોઈ જવાબ ન મળ્યો એટલે છોકરાંઓને ખાતરી થઈ ગઈ કે કાકા ઘરમાં નથી. અને ઘરમાં ન હોય તો જૂના જમાનાના ખોદકામમાં લાગેલા હશે.

એટલે એમણે આસપાસ ફરીને કાકાને શોધવાનું નક્કી કર્યું. નજીકમાં જ રેતી-માટીનો એક ટીંબો દેખાતો હતો. એની ઉપર કેટલાંક ખંડેરો હતાં. એ ખંડેરોમાં જ કાકા ક્યાંક ખોદકામ કરતા હશે. છોકરાંઓ એ તરફ ચાલ્યાં.

નાનકડા ટીકૂને આ જરાય ન ગમ્યું. એ કહે, ‘મારા પેટમાં તો બિલાડી બોલે છે. આવામાં કાકાને શોધવા જતાં મારા તો ટાંટિયા જ નહિ ચાલે. હું તો આ બેઠો !’ એમ કહીને એ એક ઝાડના આડા નમેલા થડ ઉપર બેસી ગયો. વિજય પણ એની જોડે જ બેસી પડ્યો.

એટલે ફાલ્ગુનીએ નાકનું ટીચકું ચડાવીને કહ્યું, ‘તમે છોકરાઓ બધા સાવ નકામા ! તમારામાં ધીરજ અને સહનશીલતા જ ન હોય !’

વિજય કહે, ‘જા ને, ચિબાવલી ! બહુ ટેં ટેં કરીશ તો બારણું જ તોડીને ઘરમાં પેસી જઈશ !’

મીના કહે, ‘ના, વિજયભાઈ ! એમ પારકાં બારણાં તોડતાં ન ફરાય. તમે અહીં બેસો. આરામ કરો. અમે કાકાને હમણાં શોધી લાવીએ છીએ.’

ફાલ્ગુની અને મીના ઝપાટાબંધ પેલા ટીંબા તરફ ચાલ્યાં. ભૂખતરસ તો એમનેય લાગી હતી. એટલે ઝડપથી ખંડેરોમાં ઘૂમવા લાગ્યાં. કાકાના નામની બૂમો પાડવા લાગ્યાં. પણ કોઈ જવાબ મળ્યો નહિ. એટલે છોકરીઓ ખૂબ મૂંઝાઈ ગઈ. કાકા શું આજે જ બહારગામ ગયા હશે ? કદાચ કોઈ સીધુંસામાન લેવા ગયા પણ હોય...

છોકરીઓ આમ વિમાસણ કરતી ઊભી હતી ત્યાં જ એમના પગ નીચે કશીક ગડગડાટી સંભળાઈ. ‘ઊ...ઈ...મા...!’ કરતી મીના તો ઊછળીને ભાગી.

ફાલ્ગુની એટલી બીકણ નહોતી. એણે ભોંય પર નમીને તપાસ કરવા માંડી અને એણે શું જોયું ?

ભોંયમાં એક નાનું સરખું છિદ્ર છે. માણસ બહુ મહેનત કરે તો ઘસાઈ ઘસાઈને એની અંદર પેસી શકે. એ છિદ્ર પાસે એક પથ્થર છે, અને એ પથ્થર ધીરે ધીરે ઊંચો થઈ રહ્યો છે. જાણે પથ્થરમાં જીવ આવ્યો હોય.

ઘડીભર તો ફાલ્ગુનીને લાગ્યું કે જરૂર ભોંયમાં દટાયેલો કોઈ ભૂત આ પથ્થરને ઊંચકી રહ્યો છે. એને પણ મીનાની જેમ ભાગવાનું મન થયું, પણ એના પગ એનું કહ્યું માનતા નહોતા. એ બાઘાની જેમ ઊભી જ રહી ગઈ.

ધીરે ધીરે પેલો પથ્થર ઊંચકાયો અને પેલું છિદ્ર જરાક વધારે પહોળું બન્યું. અને પછી એમાંથી બે માટીવાળા હાથ બહાર આવ્યા ! પછી આછા વાળવાળું માથું નીકળ્યું. પછી ચશ્માં ને દાઢીવાળો એક ધૂળિયો ચહેરો નીકળ્યો. પછી ખભા...

‘કા...કા...!’ ફાલ્ગુની આનંદથી પોકારી ઊઠી.

ભોંયરામાંથી નીકળી રહેલા કાકાએ ધૂળિયા ચશ્માંની પાછળથી ઝીણી નજર કરી. ‘અરે, ફાલ્ગુની ! તમે લોકો આવી ગયાં ? આવો, આવો ! આ ખંડેરોમાં તમારું સ્વાગત કરું છું.’

દૂર ઊભેલી, બીકથી થરથરતી મીનાએ પણ આ દૃશ્ય જોયું. એ પણ કાકાને ઓળખી ગઈ. એ દોડી આવી. બંને બહેનોએ મળીને દિનકરકાકાને ખાડામાંથી બહાર ખેંચી કાઢ્યા.

કાકા ધૂળ ખંખેરતા બહાર નીકળ્યા. એ બોલ્યા, ‘છોકરીઓ, તમે બહુ જલ્દી આવી પહોંચી ! હજુ અઠવાડિયા પહેલાં જ તમારો કાગળ મને મળેલો.’

મીના કહે, ‘અમે શહેરની ધાંધલથી એટલાં કંટાળી ગયાં હતાં કે રજાઓ પડતાં જ અહીં દોડી આવ્યાં. વિજય અને ટીકૂ પણ આવ્યા છે.’

કાકા કહે, ‘સરસ ! મારે ખોદકામમાં મદદ કરનાર થોડાક સ્વયંસેવકોની હવે જરૂર જ હતી.’

મીનાએ પૂછ્યું, ‘તે કાકા, તમે અહીં શું શોધી રહ્યા છો ?’

કાકા કહે, ‘થોડીક વાતો તો તમે છાપાંઓમાં વાંચી જ હશે. હજારો વરસ પહેલાં અહીં એક ધીકતું બંદર હતું. અહીં મિસર અને મલાયાનાં જહાજો આવતાં અને અહીંનાં જહાજો આફ્રિકા અને જાવાના કાંઠા સુધી જતાં. મોએં-જો-દારો અને હડપ્પાના જમાનાનું આ બંદર આ ટેકરા હેઠળ અકબંધ પડ્યું છે. એની ઉપર દરિયો ફરી વળેલો અને પછી વળી એના ટેકરા ઉપર બીજું નગર વસેલું એવો મારો ખ્યાલ છે. તમને આ દીવાલો ને પથરા દેખાય છે એ તો ઉપરના નગરનાં છે. હું નીચે સંશોધન કરું છું.’

ફાલ્ગુની કહે, ‘કાકા ! હમણાં તો અમને એક બીજી જ શોધમાં રસ છે.’

કાકા કહે, ‘તમને વળી શાની શોધમાં રસ પડ્યો ?’

ફાલ્ગુની કહે, ‘ભોજનની શોધમાં ! અમદાવાદ છોડ્યાને કલાકો થઈ ગયા. હવે અમે સૌ ભૂખ્યાં ડાંસ થઈ ગયાં છીએ. વિજય અને ટીકૂ તો મહેલ સામે જ બેસી પડ્યા છે. આટલી વારમાં ભૂખને દુઃખે બેભાન ન થઈ ગયા હોય તો સારું !’

આ વાત સાંભળીને કાકા ને મીના ખડખડાટ હસી પડ્યાં. એ લોકો ઝપાટાબંધ સોમજીના મહેલ ભણી ચાલ્યાં.

મહેલે પહોંચીને એ લોકોએ પહેલું કામ ભોજન પતાવવાનું કર્યું. પછી સૌએ ફરી ફરીને મહેલ જોયો. કાકાએ સમજાવ્યું કે અઢારમી સદીમાં કચ્છના જાડેજા રાજાનો એક કુટુંબી સોમજી જાડેજો મોટો વહાણવટી થઈ ગયો. એનાં વહાણો સાત સાગર ઉપર ફરતાં. એ ઘણું કમાયો હતો. અહીં તેણે પોતાનો મહેલ બંધાવ્યો હતો. પણ પછી તો કચ્છનો દરિયાઈ વેપાર પડી ભાંગ્યો. આ મહેલ પડતર બની ગયો.

બપોર પછી છોકરાંઓએ આરામ કર્યો. કાકાએ પણ ખોદકામ બંધ રાખ્યું અને એ પણ બે ઘડી સૂઈ ગયા. સાંજ પડી. ફાલ્ગુની અને મીનાએ મળીને ફક્કડ રસોઈ બનાવી નાખી. એ લોકો વાળુ કરવા બેઠાં ત્યારે રાત પડી ગઈ હતી. અલકમલકની વાતો કરતાં સૌ જમવા લાગ્યાં.

જમવાનું લગભગ પૂરું થવા આવ્યું હતું ત્યાં જ ટીકૂ એકદમ ઊછળીને ઊભો થયો. બારીએ દોડી ગયો. એ બોલવા લાગ્યો, ‘જુઓ, જુઓ ! દરિયા ઉપર કોઈ દીવો ઝબકાવી રહ્યું છે ! મને લાગે છે કે દાણચોરો જ હશે !’

ફાલ્ગુની અને વિજય પણ બારીએ ગયાં. પરંતુ ત્યાં સુધીમાં પેલા ઝબકારા બંધ થઈ ગયા હતા. એટલે વિજયે ટીકૂની પીઠે ધબ્બો મારતાં કહ્યું, ‘અબે ઉલ્લૂ ! તને વાર્તાઓ વાંચી વાંચીને બધે દાણચોરો ને ડાકૂઓ જ દેખાવા લાગ્યા છે ! અત્યારના પહોરમાં દાણચોરો રેઢા પડ્યા છે ? એ લોકો તો મધરાતે કામ કરે !’

બિચારો ટીકૂ ! એ ભોંઠો પડી ગયો. એણે ઘણું ભાર દઈ દઈને કહ્યું કે પોતે બત્તીના ઝબકારા જોયા જ હતા. પણ એનું માને કોણ ?

આખરે વિજયે કહ્યું, ‘ચાલો, હવે વહેલાં વહેલાં સૂઈ જઈએ. મારો તો વિચાર છે પરોઢિયામાં ઊઠીને દરિયે નહાવાનો. કેમ ટીકૂ મહાશય, આવવું છે ને દરિયે ?’

‘પ... પ... પણ ચાંચિયા દાણચોરો તો નહીં હોય ને ?’ ટીકૂએ પૂછ્યું.

એને જવાબ આપવાને બદલે સૌ ખિલખિલ કરતાં હસી પડ્યાં. ટીકૂ વધુ ઝંખવાણો પડી ગયો.

(ક્રમશઃ)