ત્રણ ઢિગલીઓ. bhagirath chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

ત્રણ ઢિગલીઓ.

"ઓઈ...માં! મરી ગઈ... બચાવો... બચાવો....મારો બાપ મને મારી નાંખશે..." બાજુના ઘરમાંથી આવતા અવાજો સાંભળીને બહાર શેરીમાં રમતી નાનકડી આઠ વર્ષની અંજુ પોતાની ઢિંગલી હાથમાં લઈને બાજુવાળાના ઘરમાં દોડતી ગઇ. મંજુડીનો બાપ એને લાકડી વડે ફટકારી રહ્યો હતો અને સાથે કંઈક બબડતો જતો હતો, "મારી આબરૂના ધજાગરા કરીને આમ હાહરેથી ઉલાળીયો લઈને આવતા રે'તા શરમ નો આયવી તને? મે તને માંડ કરીને મોભાદાર કુટુંબમાં પૈણાવી, હતુ ઈ બધુય તારા લગનમાં ખરચી નાઇખુ અને તુ...? ગામના ને નાતના લોકો શુ વિચારશે? હવારે નાતને ખબર પડે ઈ પે'લા તીયાર થૈ જાજે. હુ તને હાહરે મુકવા આવુ હુ." ફળિયાના ખૂણે અંજુ ખીલો થઈને ઊભીઊભી જોઇ જ રહી. લાકડીનો ઘા કરીને અંજુ સામે ડોળાં કાઢતો મંજુનો બાપ બહાર ચાલ્યો ગયો. અંજુ મંજુની પાસે આવી અને એ એને બાથ ભરીને રડવા લાગી. નાનકડી અંજુને કંઈ સમજ ન પડતાં એણે ઢિંગલીને બાજુમાં મુકીને મંજુને પુછ્યુ, " તે હે મંજુડી, તે પણ મારી જેમ ફળિયામાંથી ધુળ ખાધી'તી? અટલે તારા બાપુ તને મારતા'તા?" આ નિર્દોષ સવાલ સાંભળી મંજુ વળી પાછી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં બોલી, "હા...અંજુડી મે બઉ મોટી ધુળ ખાઈ લીધી છે.... ધુળનું આખુ ઢેંફુ જ ગળી ગઈ છુ જે હવે નિકળે એમ નથી... પણ એ મે નથી ખાધુ મને ધરાર ખવડાવવામાં આવ્યુ છે લગનનું ઢેફુ..! (આંસુ લુછતા) હાલ ઈ બધુય મુક તને નૈ હમજાય... તુ હજી નાની છો."
અંજુ : પણ મંજુડી કેને હવે... મારા બા કે'તાતા કે હુ હવે મોટી ગઈ છુ, છોકરીયુ બઉ જલ્દી મોટી થઈ જાય...
આમ પણ પોતાનું દુ:ખ બીજે તો ક્યાંય હળવુ કરી શકાય એમ નહોતુ એટલે એણે નાનકડી અંજુ સામે ચાલુ કર્યુ, "અંજુડી, મારો વર અને હાહરો મને મારે હે. ક્યારેક તો આખુ ઘર ભેગુ થઈને....મને એમકે ઘરે આવીન બાપુને કઈ દઉ પણ...(અને એ પાછી રડવા લાગી) હું તને શુ કઉ અંજુડી મારો બાપ સમાન હાહરો.... મારી પાહે....એકલી હોવ તયે....." (આ નનકડી ઢિંગુને કેવી રીતે બધુ કઔહેવુ એ ન સમજાતા મંજુ વાક્ય અધુરુ જ છોડી દે છે)

અંજુ : અરે! તુ આવળી મોટી થઈન બીવસ...શેની? હુ હોયને તો બધાયને લાકડીયે લાકડીએ મારુ... (ઢિંગલી સામે જોઈને) કાં ઢિંગુ હાચીવાત ને...(એ ઢિંગલીનુ નામ એણે 'ઢિંગુ' રાખેલુ)

અચાનક બારણા પર ટકોરા પડે છે ટક..ટક...ટક.. અને સોળે સણગાર સજીને બારી પાસે ઊભેલી બાવીસ વર્ષની અંજુના મનમાં ચાલી રહેલી બાર વર્ષ પહેલાની ભુતકાળની યાદોની આ રીલ તુટી થાય છે અને દરવાજા તરફ નજર કરે છે પણ કશુ બોલતી નથી. એટલામાં બાજુ વાળા મકાનમાં રહેતા કાકાના રેડીયા પર ગીત ચાલું થયુ, "યે દૌલત ભી લે લો...યે સોહરત ભી લે લો... ભલે છીનલો મુજ સે...મેરી જવાની..." આ કાકા રહ્યા અનિંદ્રાના રોગી, રાતના ગમે ત્યારે જાગી જાય. એમને રેડીયો સાંભળવાનો ગજબનો શોખ, જ્યારે એમની ઊંઘ ઉડી જાય એટલે એમનો જુનવાણી રેડીયો ચાલુ કરી દે. પણ એ પણ એ કાકાની જેમ જ ખખડી ગયેલો એટલે ગમે ત્યારે બંધ પડી જાય અને કાકા ફરી એને શીક્ષા રૂપે બે-ત્રણ ટપલીઓ મારે એટલે પાછો ચાલુ થઈ જાય! આ ગીત સાંભળીને અંજુને આજે જાણે આમ યાદો અને કલ્પનાઓની દુનિયામાં પણ પોતાનુ બાળપણ બે ઘડી જીવી લેવાનું મન થાય છે અને એ ફરી પાછી ભુતકાળમાં સરી પડે છે...

અંજુ સાવ નાની હતી ત્યારે એની મામીએ એના માટે એક કાપડની ઢિંગલી બનાવી આપેલી. જ્યારથી અંજુને આ ઢિંગલી મળેલી ત્યારથી એને એની સાથે માયા બંધાઈ ગયેલી. અંજુ ગમે ત્યાં જાય આ ઢિંગલી એની સાથે જ હોય. એ બહાર રમવા જાય કે બા સાથે કુવે પાણી ભરવા જાય કે પછી બાપુ સાથે ખેતરે જાય, ઢિંગલી હંમેશા સાથે જ હોય. આ ઢિંગલીને એણે 'ઢિંગુ' એવુ નામ પણ આપેલુ. ઢિંગલી સાથે એ આખા ગામની અલકમલકની વાતો કરે. આજે શુ બન્યુ, કોને ત્યાં શું પ્રસંગ હતો, કોની ગાયને વાછરડી આવી, કોણ કોની સાથે કીટ્ટા થયુ,! એની ઢિંગલી પણ જાણે બધુ ધ્યાન દઈને સાંભળતી હોય એમ ડોળા ફાડીને ટગર ટગર જોયા કરતી. આમને આમ ઢિંગલી સાથે એના દિવસો પસાર થઈ રહ્યા હતા અને અંજુ ધીમે ધીમે મોટી થઈ રહી હતી. એક દિવસ ઘરમાં અંજુ એની ઢિંગુ સાથે વાત કરી રહી હતી, " ઢિંગુ તને ખબર છે આજે બાપુ કે'તાતા કે એણે મારી હગાઈ નક્કી કરી નાઈખી... ઈ તો હે ને શેરમાં રીયે હે... હવે તો હુય શેરમા જાઇશ! મજા આવશે. અરે! તુ ચિંતા ન કર હુ તનેય મારી ભેગી લઈ જાઈસ" અંજુ મોટી તો થઈ ગયેલી પણ એણે હજુ પણ એની નાનપણની બહેનપણી આ ઢિંગુનો સાથ નહોતો છોડ્યો. કેટલીક ગામની સ્ત્રીઓ મજાકમાં કહેતી પણ ખરી કે આ અંજુને તો એની ઢિંગુ સાથે જ પરણાવી દો. પછી તો દિવસો વીતતા ગયા અને અંજુના બાપુના આંગણે હવે અવસર આવીને ઊભો રહ્યો. ઢોલ શરણાઈના તાલે રંગે ચંગે અંજુના લગ્નનો પ્રશંગ ઉજવઈ ગયો. એની ઢિંગુને પણ અંજુ સાથે જ લઈ ગયેલી અને સાસરે પોતાના રૂમમાં પહોંચીને જ સૌથી પહેલા એણે ઢિંગુને થેલીમાંથી આઝાદ કરીને સામે દેખય એમ એક ટીપોઈ પર ગોઠવી દીધી. જ્યારે મોડી રાત્રે એના સપનાનો રાજકુમાર એની પાસે આવ્યો ત્યારે એણે ઢિંગુને એ કંઈ જુએ નહી એટલે ઊંધા મોં એ બેસાડી દીધી! અંજુ સવારે ઊઠી ત્યારે ઢિંગુ જ નજર સમક્ષ હતી. ઢિંગલીના ચહેરા પર જાણે એ બે-ત્રણ દિવસથી અંજુએ વાત નહોતી કરી એની ફરિયાદના ભાવ દેખાયા હોય એવુ લાગ્યુ. અંજુએ કહ્યુ, "અરે ગાંડી લગ્નના પ્રસંગમાં હુ તારી સાથે બે દીવસ વાત ન કરી શકી એમાં આમ કંઈ રિસાઈ જવાનુ હોય...? રાતે તારુ મોં દિવાલતરફ ઊંધુ ફેરવી નાંખ્યુ અટલે રિસાણી છો ને!? તારે ઈ બધુય નો જોવાઈ ગાંડી... ચાલ હવે જરા હસ જોઈ! હા.... હવે બરાબર." અંજુ હવે મોટી થઈ ગઈ હતી એ હવે ગામડીયણ છોકરી મટીને શહેરના એક મોભાદાર પરિવારની ગૃહિણી બની ગઈ હતી. સાસરિયામાં કોઈ વાતનુ દુ:ખ નહોતુ. ઢિંગુને અજયના રૂપમાં પ્રેમાળ પતિ મળ્યો હતો, સાસુના રૂપમાં એક વાત્સલ્યમુર્તિ માં અને પિતાતુલ્ય સસરા મળ્યા હતાં. જીંદગીના ત્રણ વર્ષ તો આ પરિવારમાં હસીખુશીમાં કઈ રીતે ગયા કંઈ ખબર પણ ના પડી. આ બધાની વચ્ચે એ પહેલા જેટલી તો નહી જ પણ સમયે મળ્યે ઢિંગુ સાથે વાત તો કરી જ લેતી. આખરે તો એ એની બળપણની બહેનપણી ખરીને! આ બધી નાનીમોટી ખુશીઓમાં એક મોટી ખુશી ઉમેરાઈ, અંજુના પેટમાં એક નાનકડો જીવ આકાર લઈ રહ્યાનો રિપોર્ટ આવ્યો અને ઘરના બધા ખુશીથી ઝુમી ઉઠ્યા. આમ પણ અંજુનો વર અજય બહુ કેરિંગ હતો, અંજુની બધી વાતની કાળજી રાખતો એમાંય પાછા આ સમાચાર આવ્યા ત્યારથી તો અંજુ જાણે આ ઘરની મહારાણી હોય એમ કાળજી રાખવા લાગ્યો. ઘરમાં અંજુનો પડ્યો બોલ ઝીલાય. એક વસ્તુ માંગે ત્યાં દસ હાજર હોય! એનો વર અજય પણ દરરોજ ઑફિસેથી વહેલો ઘરે આવવા લાગ્યો. અંજુના ચાર-પાંચ મહિના આમજ રાજાશાહી ઠાઠમાં વિતી ગયા. એ ચાર-પાંચ મહિનામાં એ પોતાની ઢિંગલીને તો સાવ ભુલી જ ગયેલી. એ ક્યાં પડી હતી એ પણ ખબર ન રહી. કદાચ ક્યાંક કબાટના ઊંડા ખુણામાં ધરબાઈ ગઈ હશે...

એક દિવશ અચાનક અજયે અંજુને આવીને ક્હ્યુ કે, "ચાલ જલ્દી તૈયાર થઈ જા આજે આપણે ડૉક્ટર પાસે જવાનુ છે."
અંજુ : પણ... ડૉક્ટર સાહેબની અપૉઈન્ટમેન્ટ તો ચાર દિવસ પછીની છે ને?
અજય : એ બધુ પછી, અત્યારે સમય નથી તુ જલ્દી તૈયાર થઈ જા.

ડૉક્ટરની મુલાકાત કરીને બન્ને પાછા ફર્યા ત્યારે અંજુનુ મોં પડી ગયેલુ હતું. એના કાનમાં હજુ પણ અજયના એ શબ્દો "એબોર્શન તો કરાવવુ જ પડશે" ગુજી રહ્યા છે. અંજુ સીધી જ જાણે કોઈ મડદું જતુ હોય એમ સાવ નિર્જીવ જેવી હાલતમાં પોતાના રુમમાં ચાલી ગઈ. અહીં બહાર હોલમાં અજય અને એના મમ્મી-પપ્પાની મિટિંગ ચાલે છે. અંજુને રૂમમાં પણ એ વાતચીતના થોડા ઘણાં શબ્દો સંભળાય રહ્યા છે. અજયના મમ્મી-પપ્પાનું માનવુ છે કે પહેલા ખોળે દિકરો જ જોઈએ પણ પૈસા ખવડાવીને કરાવેલી સોનોગ્રાફીના રિપોર્ટ કહે છે કે અંજુના પેટમાં એક ઢિંગલી આકાર લઈ રહી છે. આ વાત સાથે અજય પણ સહમત છે અને હવે અંજુને કઈ રીતે મનાવવી એની ગોઠવણ ચાલી રહી હતી. અજયે અંજુને આખી રાત આ બાબત માટે સમજાવી પણ એ એકની બે ન થઈ. બે દિવસમાં એમના સમજાવવાના પ્રયાસો ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગયા. ત્રીજા દિવસથી અજય અને ઘરના લોકોનુ અસલી રૂપ અંજુની સામે આવ્યુ. અજયે હવે અંજુ પર હાથ ઉપાડવાનું પણ ચાલુ કર્યુ. અજયે અંજુના ગાલ પર જોરથી એક તમાચો ઝીંકી દીધો. એક જ દિવસમાં એના હાથનુ સ્થાન લાકડીએ લઈ લીધુ! સતત એક અઠવાડીયા સુધી આવી રીતે માર ખાઈને અંજુનું શરીર સાવ નંખાઈ ગયુ હતુ! પોતાના વર અને સાસરીયા વિશેના જુના ખ્યાલો પત્તાના મહેલની જેમ કડડભુસ થઈ ચુક્યા હતા. અંજુના મનમાં આ બધી એક પછી એક ઘટનાઓ જાણે ફિલ્મની જેમ ભજવાઈ રહ્યી હતી. હવે અંજુને આજે બપોરે બનેલી તાજી ઘટના પણ યાદ આવે છે. અંજુ એના રૂમમાં નિર્જીવ જેવી હાલતમાં પડી હતી અને બહારથી અજયનો એની મમ્મી સાથે વાત કરતો હોય એવો અવાજ સંભળાયો, "મારી પાસે એક છેલ્લો રામબાણ ઈલાજ છે" વચ્ચે એની મમ્મી કદાચ રૂમથી દુર હોવાના લીધે અને એનો અવાજ પણ થોડો ધીમો હોવાના લીધે એ શુ બોલી એ કંઈ સમજાયુ નહી. કદાચ 'શુ ઉપાય છે?' એમ પુછ્યુ હશે. પાછો અજયનો અવાજ સંભળાય છે, "મે ડૉક્ટર અંકલથી લઈને બધુ ગોઠવી નાંખ્યુ છે, આ બેહોસીનું ઈંજેક્શન છે આજે રાતે બે વાગ્યે એ સુતી હોય ત્યારે મારી દેવાનુ અને ગાડીમાં નાંખીને સીધી હૉસ્પીટલ ભેગી કરી દેવાની" વળી પાછો મમ્મીનો કંઈ ન સમજાય એવો અવાજ આવે છે અને સામે જવાબમાં અજયનો અવાજ સંભળાય છે,"અરે સુતી ન હોય તો તમે લોકો ખાલી હાથ-પગ પકડજો હું ઈંજેક્શન મારી દઈશ!" આ બધુ યાદ કરીને ફરી એક વખત અંજુ ધ્રુજી ઊઠે છે... ફરી પાછા બારણે ટકોરા પડે છે, ટક...ટક...ટક... અંજુ તંદ્રામાંથી જાગીને બારણા તરફ જુએ છે. બહારથી અજયનો અવાજ આવે છે, "અંજુ બાર વાગવા આવ્યા કમસે કમ તારા પેટમાં રહેલી ઢિંગલી માટે તો જમીલે... બારણુ ખોલ હુ થાળી લઈને બહાર ઊભો છુ." અજયની વાત સાંભળીને અંજુ પોતાના પેટ પર એક વખત હાથ ફેરવે છે અને બારણુ ખોલવા આગળ ડગલુ ભરવા જાય છે ત્યાં જ એને યાદ આવે છે કે આ એને ફસાવવા માટેની એક ઝાળ છે, એને ઈંજેક્શન વાળી વાત યાદ આવે છે. એણે ઘડિયાળ તરફ નજર કરી તો બાર વાગ્યા હતા. એને પોતાની પાસે હવે બે જ કલાક હોવાનો અહેસાસ થાયો. અંજુ અજયને કલાક પછી જમવાનુ કહીને કાઢી મુક્યો. અજય પણ ચાલ્યો ગયો કારણ કે એને ડૉક્ટર સાહેબે અઢી વાગ્યાનો સમય આપ્યો હતો એટલે મુળતો એને છેલ્લામાં છેલ્લા બે વાગ્યે જ અંજુનું કામ પડવાનું છે.

અજયે કહેલો શબ્દ 'ઢિંગલી' અંજુના કાનમાં ગુંજે છે અને આજે અચાનક જ એને ઢિંગુ યાદ અાવે છે. એ મનમાં જ બબડે છે, "મારી ઢિંગુ... ઢિંગુ ક્યા છે? મહિનાઓ થઈ ગયા એની સાથે વાત નથી કરી.... હુ મારી ઢિંગુને ભુલી ગઈ હતી...!" એ હાંફળીફાંફળી આમતેમ ઢિંગુને શોધવા લાગે છે પણ એ મળતી નથી. "ક્યાં ગઈ હશે? મારાથી નારાજ થઈને ક્યાંક ચાલી તો નહી ગઈ હોય ને..." આખો રૂમ અસ્તવ્યસ્ત કરી નાંખે છે પણ ઢિંગુ ક્યાંય નથી મળતી...ઓશીકાના કવર ફાડી નાંખે છે, ગાદલું પણ તોડી નાંખે છે, અલમારીના બધા કપડા બહાલ ફેંકી દે છે પણ... ઢિંગુ ક્યાંય નથી મળતી....આજે ઢિંગુને મળવા માટે એ રઘવાયી થઈ છે. ગાંડાની જેમ આમતેમ એ ઢિંગુને શોધી રહી છે! આખરે ઢિંગુ ન મળતા એ નીચે સોફાની બાજુમાં ફસડાઈ પડે છે અને રડવા લાગે છે. રડતાં રડતાં એની નજર સોફાની નીચે ખુણામાં જાય છે, અરે આ શુ? જાણે બધાથી રીસાઈને ઢિંગુ આ ખુણામાં આવીને બેસી ગઈ છે! અંજુ ઝડપથી એને બહાર કાઢે છે અને બારી પાસે મુકીને એની સાથે વાત કરવા લાગે છે, "મને માફ કરીદે ઢિંગુ, આ લાગણીશૂન્ય નિર્જીવ લોકોના પ્રેમના દેખાડાથી અંજાઈને હું તને ભુલી ગઈ! હું તારી ગુનેગાર છું." ઢિંગુ જાણે અંજુથી રિયાઈ ગયેલી અને રોષે ભરાયેલી હોય એમ ડોળા ફાળીને બારીમાં બેઠી છે! અંજુને આજે ઢિંગુ ક્યારેક રોષે ભરાયેલી તો ક્યારેક એના ચહારા પર પોતાની સાથેના બહેનપણા તૂટી જવાથી હ્યદયભગ્ન થયેલી બહેનપણીના રડમસ હાવભાવ ભાષે છે! બહાર જાણે તૂફાન આવવાનુ હોય એવો પવન ફુંકાઈ રહ્યો છે. હજુ તો અંજુ ઘુટણીયે પડીને ઢિંગુની માફી માંગી રહી હતી ત્યાં જ જોરદાર પવન ફુંકાયો...જે બારીમાં ઢિંગુ બેઠેલી છે એ ધડાકા સાથે ખુલી ગઈ અને ઢિંગલી એ પવનમાં બારી બહાર નીચે પડી ગઈ... અંજુ ઢિંગુના નામની ચિસ પાડીને ઝડપથી દોડીને બારી પાસે જઈને નીચે જુએ છે તો...એ ધ્રુજી ઊઠે છે. નીચે ઘરનો મુખ્ય દરવાજો લોખંડના ભાલા જેવા અણીદાર સળીયાથી બનેલો છે અને એ બારીની બરાબર નીચે જ આ દરવાજો હોવાથી ઢિંગલી એ સળીયા પર પડે છે. એક સળીયો ઢિંગલીની આરપાર નીકળી ગયો છે અને જાણે સળીયા પર ઢિંગલીની લાશ લટકી રહી છે! આ બધુ જોઈને અંજુનું મગજ બહેર મારી જાય છે. એ બારી ઉપર ચડીને બેસી જાય છે અને આકાશ તરફ નજર કરીને કહે છે, "ઢિંગુ આમ એકલા છોડીને ચાલી જવાનુ? ઊભી રે હુ પણ આવુ છુ. આપણે સાથે જ જીવ્યા અને સાથે જ મરીશુ!" એટલુ બોલતા જ એને અચાનક મંજુડીની યાદ આવે છે અને એ વિચારે છે કે કદાચ મંજુડીએ પણ આવુ જ કર્યુ હશે? છેલ્લે મંજુડીને માર પડ્યો એ દિવસ પછી અંજુએ ક્યારેય મંજુડીને જોઈજ નહોતી. એટલે જ અંજુને લાગે છે કદાચ મંજુડીએ પણ આ જ રસ્તો અપનાવ્યો હશે! છેલ્લી વખત એ મંજુડીને યાદ કરીને પોતાની ઢિંગુને મળવા આતુર અંજુ નીચે પડતુ મુકે છે અને જોતજોતામાં આખુ ફળીયુ લાહીની પિચકારીઓથી રંગાઈ જાય છે. એટલામાં આ બધા અવાજો સાંભળીને અજય પાટુ મારીને દરવાજો તોડીને રુમમાં આવી જાય છે રૂમમાં અંજુને ન જોતા બારી પાસે આવીને નીચે જુએ છે. લોખંડના એ દરવાજાના સળીયા પર ત્રણ ત્રણ જીંદગીઓની લાશો લટકી રહી છે, એક ઢિંગુની, એક અંજુની અને એક અંજુના પેટમાં રહેલી નાનકડી ઢિંગલીની! પણ...ત્રણ જીંદગી કઈ રીતે? ઢિંગલી તો નિર્જીવ હતી...ને...?, તો પછી આ બારીમાંથી ઊભો ઊભો ડોળા ફાળીને જોઇ રહેલો માણસ શુ સજીવ હતો...!?
પોલિસ પહોંચી ગઈ છે અને એક જમાદાર પંચનામુ કરી રહ્યા છે... એ કાગળ પર મૃત્યુના કારણમાં આત્મહત્યા લખવા જતા હતા ત્યાં એની કલમે બળવો કર્યો અને એની બધી શાહી ખુટી ગઈ અને એ કલમ બંધ પડી ગઈ. જાણે એ કલમ પણ કહી રહી હતી કે આ આત્મહત્યા નહી ઑનરકિલીંગ છે! જમાદારે એ કલમને બાજુની કચરાપેટીમાં ફેંકી દીધી અને પોતાના સહકર્મી પાસેથી બીજી પેન લઈને લખવા લાગ્યા. કદાચ દુનિયામાં પણ આવુ જ થાય છે જે લોકો સત્યને ઉજાગર કરવા બળવો કરે છે એને આમ જ કચરામાં ફેંકીને અન્ય પાસેથી કામ લેવામાં આવે છે! થોડીવારમાં એક મહીલા પોલિસની એન્ટ્રી થાય છે, "હેલ્લો હું આસીસ્ટન્ટ પોલિસ ઈન્સ્પેક્ટર મંજુલા"

અચાનક મંજુલાનો ચહેરો જોઈ અને એનો અવાજ સાંભળીને બારીમાં બેઠેલી અંજુનુ દિવાસ્વપ્ન તૂટી ગયુ...જી હા, આ બધુ આત્મહત્યા કરવા માટે બારીમાં બેસેલી અંજુના દિવાસ્વપ્નમાં ચાલી રહ્યુ હતુ! હવે અંજુનું મગજ ફરી પાછુ ચકરાવે ચડે છે, "મંજુડીએ આત્મહત્યા કરી હશે? એણે કયો રસ્તો અપનાવ્યો હશે?" અંજુ આ બધુ વિચારી રહી હતી ત્યાં એની નજર ખુણામાં પડેલી એક લાકડી પર પડે છે અને પોતે નાનપણમાં મંજુડીને કહેલા શબ્દો યાદ આવે છે, "અરે! તુ આવળી મોટી થઈન બીવસ...શેની? હુ હોયને તો બધાયને લાકડીયે લાકડીએ મારુ..." ત્યારે મંજુડીએ જે 'તને એ નહીં સમજાય' કહેલુ એ અત્યારે એને બરાબરનું સમજાય રહ્યું હતું. અચાનક જ અંજુની નજર બારી બહાર ચંદ્રના અજવાળામાં દેખાઈ રહેલ વૃક્ષની એક કપાઈ ગયેલી ડાળ પર ઊગેલી કૂંપળ પર પડી અને એ સ્વગત જ બબડી, "આ વૃક્ષો પાસે પણ વિરોધ કરવાની કેવી ગજબની રીત છે, કૂંપળ ત્યાંથી જ નીકળે જ્યાંથી કાપવામાં આવ્યું હોય!" અચાનક અંજુના મનમાં એક વિચાર વિજળીની જેમ ઝબક્યો અને એ આંસુ લુસીને ઊભી થઈ અને મોબાઈલથી એક ફોન કર્યો. ફોન પરની વાત પુરી કરી અને એ લાકડી તરફ આગળ વધી ત્યાં ફરી પાછા દરવાજે ટકોરા પડે છે પણ અંજુ એને નજરઅંદાજ કરે છે. દસેક મીનીટ સુધી દરવાજા પર ટકોરા કરીને કંટાળેલો અજય જોરથી પાટુ મારે છે. આ બાજુ પેલા બાજુવાળા કાકાનો રેડીયો ફરી ચાલુ થાય છે. એમાં "યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા..." શ્લોક વાગી રહ્યો છે. અંજુના ચહેરો કોઈ અલગ જ જાતના તેજથી ચમકી રહ્યો છે. અજયે આ વખતે ફરીથી જોરથી લાત મારી અને દરવાજો ધડાકાભેર ખુલી ગયો. દરવાજો ખુલવાના લીધે રૂમમાં જોરદાર પવન ફુંકાયો અને હાથમાં લાકડી સાથે ઊભેલી અંજુના છુટા વાળ અને સાડી બન્ને હવામાં લહેરાઈ ઊઠ્યા. અંજુ જાણે હાથમાં ત્રિશૂલ લઈને સાક્ષાત રણચંડી ઊભી હોય એવી લાગે છે. હાથમાં ઈંજેક્શન સાથે ઊભેલો અજય અને એની પાછળ ઊભેલા એના મા-બાપ ત્રણેય અંજુનું આ રુપ જોઈને થોડી ક્ષણો માટે તો ડરી ગયા અને એક ડગલુ પાછળ હટી ગયા. થોડીવાર પછી એ ત્રણેય જણા અંજુને પકડવા રુમમાં દાખલ થયા. પણ... આ શુ... અંજુ તો એનાથી દુર જવાના બદલે સુકાઈ ગયેલા આંસુવાળો છતાં તેજથી ચમકતો ચહેરો, લહેરાતા વાળ અને હાથમાં લાકડી સાથે એમની સામે મક્કમ ડગલા ભરી રહી છે. સાથેસાથે પેલા કાકાના રેડીયા પર હજુ પણ પેલા શ્લોકનું ગીત ગુંજી રહ્યુ છે, " યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે... નમસ્તસ્યે નમો નમ:"

અંજુએ આડેધડ લાકડીઓ વરસાવવાનું ચાલુ કર્યુ અને જાણે અંજુને પણ ખબર નહોતી કે કયો પ્રહાર ત્રણમાંથી કોના પર થઈ રહ્યો છે. એક પછી એક લાકડીઓ પડતા ઈંજેક્શન તો ક્યારનુય પડી ગયેલુ અને થોડી વારમાં એ ત્રણેય પણ ઢળી પડ્યા... ત્યાં જ પેલા કાકાનો રેડીયો ફરી પાછો બંધ થઈ જાય છે અને અંજુનું જાણે એની સાથે અનુસંધાન બંધાય ગયુ હોય એમ અંજુ પણ ખુરશી પર ફસડાઈ પડી. હવે પેલા ત્રણેય મોકો જોતા ઊભા થયા અને અજયે ઈંજેક્શન હાથમાં લીધુ અને એના માબાપે અંજુના હાથપગ પકડી રાખ્યા. અજયે એક ઊંડો શ્વાસ લીધો અને સોય અંજુના બાવડા પર ખોસવા જ જતો હતો ત્યાં ડૉરબેલ વાગી. બધા વિચારમાં પડી ગયા કે અત્યારે રાતના બે વાગ્યે કોણ આવ્યુ હશે? ઈંજેક્શન સંતાડીને અસમંજસ સાથે અજયે નીચે જઈને બારણું ખોલ્યુ. પણ આ શું...અજય કંઈ બોલે એ પહેલા તો બે મહિલા પોલીસ સાથે પોલીસનો આખો કાફલો સીધો જ ઘરની અંદર... નીચે કોઈ ન દેખાયુ એટલે એ લોકો ઉપરના રૂમમાં ગયા અને અજયના માબાપને અંજુનાં હાથપગ પકડેલ અવસ્થામાં જોઈને તરત જ એમને પકડી લીધા. અજય સહિત ત્રણેયને પકડીને એ લોકો નીચે આવ્યા. અંજુએ આંખ ઊંચી કરીને જોયુ તો એ અચાનક ઊભી થઈ ગઈ, એની સામે ખરેખર એના ગામવાળી પેલી મંજુડી પોલીસ ઈન્સ્પેક્ટરના ડ્રેસમાં ઊભી હતી! એ એને બાથ ભરીને રડવા લાગી એટલે મંજુએ કહ્યુ, "એમાં રડે છે શું? હું હોય તો લાકડીએ લાકડીએ ફટકારું!" અને બંન્ને હસવા લાગી. મંજુલાએ કહ્યુ, "કુદરતનો કમાલ તો જો તે દિવસે તારા આ જ શબ્દોએ મને બચાવી લઈને મને આ મુકામ પર પહોંચાડી દીધેલી અને આજે મને જ તારી મદદે પણ મોકલી દીધી!"
બધાના ગયા પછી ઘરમાં એકલી વધેલી અંજુએ આરામથી એને પીડા ન થાય એનું ધ્યાન રાખીને ધીમેધીમે એની ઢિંગલીને દરવાજાના સળિયામાંથી કાઢીને સોયદોરો લઈને સીવી નાંખી અને ખુરશી પર બેસાડીને પાછી વાતો કરવા લાગી, " હવે કેમ છે તને? આ પાટાપિંડીથી થોડા દિવસમાં સારું થઈ જશે. હવે કોઈ દિવસ આવુ નહીં કરવાનું...હું પણ હવે કોઈ દિવસ તને મારાથી દૂર નહી કરું..." ઢિંગુને આમ મૌન રહીને ભોળા ચહેરા સાથે ડોળા ફાડીને બેઠેલી જોતા અંજુ બોલી ઊઠી, "મૌન ધરીને પણ તું ઘણું બધું કહી જાય છે, શબ્દોમાં તો આમેય ઘણું અધૂરું રહી જાય છે !!" આજે ઘણાં દિવસો પછી ત્રણેય ઢિંગલીઓ ના ચહેરા ખુશીથી ઝૂંમી ઊઠ્યાં!




- ભગીરથ ચાવડા.