Dil Bechara books and stories free download online pdf in Gujarati

દિલ બેચારા

દિલ બેચારા

-રાકેશ ઠક્કર

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા" એ ઓટીટી પ્લેટફોર્મના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હોવાના અહેવાલ અંગે એટલું જ કહી શકાય કે 'યે તો હોના હી થા." "હીરો બનને કે લિએ પોપ્યુલર નહીં બનના પડતા, વો રિયલ લાઇફ મેં ભી હીરો હોતે હૈ" જેવા સંવાદ કહેતી "દિલ બેચારા" ના હીરો સુશાંતસિંહની આત્મહત્યા બધાને ચોંકાવી ગઇ હતી. અને નેપોટિઝમના મુદ્દા પર જોરદાર ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ત્યારે સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ જોવા દર્શકો ઉત્સુક હતા. ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવાની ચાહકોની માંગણી કોરોના મહામારીને કારણે શક્ય ના બની પણ હોટસ્ટારવાળાએ દરેક માટે ઓટીટી પર જોઇ શકાય એવી વ્યવસ્થા રાખીને તેમના ચાહકોની મુરાદ પૂરી કરી સુશાંતસિંહને શ્રધ્ધાંજલિ આપી હતી. ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ જોવાયું એ જ રીતે ઓટીટી પર ફિલ્મને સૌથી વધુ ઓપનિંગ મળ્યું એ સ્વાભાવિક હતું. દર્શકોએ એકમાત્ર સુશાંતસિંહ માટે જ આ ફિલ્મ જોઇ હતી. તેમાં સ્ક્રિપ્ટ, નિર્દેશન, સંગીત, સંવાદ વગેરે તેમના માટે એટલા મહત્વના ન હતા. અને એમ કહી શકાય કે ફિલ્મના બીજા પાસાંઓ કદાચ નબળા હશે તો પણ સુશાંતસિંહના અભિનયથી "દિલ બેચારા"માં એ બધું સરભર થઇ ગયું હતું. એક સામાન્ય વાર્તાને પોતાના અભિનયથી એવી જીવી બતાવી છે કે તેની વાતો દિલ અને દિમાગ પર હાવી થઇ જાય છે. સુશાંતસિંહે એ વાત ખોટી પાડી છે કે અભિનય માટે સંવાદની જરૂર પડે છે. ઘણા દ્રશ્યોમાં સુશાંતસિંહની આંખો જ બોલતી હોય છે. તેના અભિનયમાં કોઇ ખામી કાઢવાનું કામ મુશ્કેલ જ નહીં અશક્ય છે. મેની તરીકે સુશાંતસિંહ એક એવા ખુશમિજાજ અને ઝિંદાદિલ યુવાનની ભૂમિકામાં છે જે પોતે કેન્સર સાથે સંઘર્ષ કરે છે અને એક કૃત્રિમ પગ સાથે બીજાના જીવનમાં પણ રંગ ભરે છે. "દિલ બેચારા" માં સુશાંતસિંહની અગાઉની ફિલ્મો જેવી ઝિંદાદિલ યુવાનની જ ભૂમિકા હતી. પણ અંતિમ ફિલ્મ હોવાથી તેનો અભિનય દર્શકોના દિલને વધુ સ્પર્શી ગયો છે. તેની કોમિક ટાઇમિંગ ગજબની છે. સુશાંતસિંહ હસતાં-રડતાં જિંદગીના પાઠ શીખવાડી ગયો છે. અને સુશાંતસિંહ માટે હસવાનું શિખવાડે એવી આ ફિલ્મ છે. સુશાંતસિંહને જોઇને જ દર્શકોનું મન ખુશ થઇ જાય છે. આ ફિલ્મ પછી એક ખાસ વાત એ કહેવામાં આવી કે સુશાંતસિંહ પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યો હતો ત્યારે જ ચાલ્યો ગયો. એટલું જ નહીં નેપોટિઝમ સામે તે નવા આવતા કલાકારો માટે પ્રેરણારૂપ હતો. તેને જોઇને દર્શકો વધારે પડતા ભાવુક બની જાય છે. સામાન્ય રીતે ફિલ્મોમાં ભાવુક દ્રશ્યો દર્શકોની આંખને ભીની કરી દે છે. પણ આ વખતે આંખોમાં એ ભીનાશ લાંબા સમય સુધી રહેશે. દર્શકોને ફિલ્મમાં મૃત્યુ પામતા હીરોના દુ:ખ કરતાં અસલ જીવનમાં અલવિદા કહી જનારા સુશાંતસિંહના મૃત્યુનું દુ:ખ વધારે છે. સુશાંતસિંહ સાથે મુખ્ય હીરોઇન તરીકે કામ કરનારી સંજના સાંધીનો અભિનય જોઇને એવું લાગતું જ નથી કે તેની આ પહેલી ફિલ્મ છે. સંજનામાં અભિનયમાં ઝડપથી આગળ વધવાની સંભાવના છે. આ ફિલ્મમાં કોઇ બિનજરૂરી ક્રાંતિકારી વાતો નથી કે હાઇવોલ્ટેજ ડ્રામા નથી. જીવલેણ કેન્સર સામે હસીને જીવવાનો પ્રયત્ન બતાવાયો છે. એક સંવાદમાં સંજના કહે છે કે,"ઇનકો ગલે લગાતી હૂં તો લગતા હૈ, ઇનકા ગમ બાંટ રહી હૂં....યા અપના." ફિલ્મના સંવાદ ઉપરાંત "તુમ ના હુએ મેરે તો ક્યા" અને "ખુલકર જીને કા તરીકા" જેવા ગીતો ગમે એવા છે. એ.આર. રહેમાનનું સંગીત એટલું હિટ નથી પરંતુ સુશાંતસિંહને કારણે દર્શકો ગીત-સંગીત સાથે જોડાય છે. "મેરા નામ કિજી" ગીતની વિશેષ વાત એ છે કે ગાયક આદિત્ય નારાયણે સાત વર્ષ પછી કોઇ ફિલ્મ માટે ગીત ગાયું અને તે સુશાંતસિંહ માટેનું પહેલું અને છેલ્લું બની ગયું. નિર્દેશક મુકેશ છાબડાના નિર્દેશનમાં કોઇ ખાસ વિશેષતા નથી. તેમણે હોલિવુડની જાણીતી ફિલ્મ "ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ" માં થોડા ફેરફાર કરી નિર્દેશન આપ્યું છે. ટાઇટલ ગીત તેમણે જલદી અને ઉતાવળમાં મૂકી દીધું છે. સૌથી મોટી વાત એ છે કે તેમણે સુશાંતસિંહના અભિનયનો બરાબર ઉપયોગ કર્યો છે.

બીજા રસપ્રદ વિકલ્પો