Angarpath-62 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. પ્રકરણ-૬૨

અંગારપથ.

પ્રકરણ-૬૨.

પ્રવીણ પીઠડીયા.

દૂર્જન રાયસંગા એકાએક સન્નાટામાં આવી ગયો. ગોવા પોલીસની સબ ઈન્સ્પેકટર ચારું દેશપાંડેને યોટની કેબિનમાં બિન્ધાસ્ત ધૂસતાં જોઇને તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. કંઈક ખોટું હોવાની ફિલિંગ્સ્ તેના ધબકારા વધારી ગઈ. તેનો પ્લાન અહીથી પલાયન કરી જવાનો હતો, લગભગ તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી છતાં છેલ્લી ઘડીએ કોણ જાણે કેમ, એક પછી એક નવી-નવી મુસીબતો ઉભી થઇ રહી હતી જેનાથી તેનું દિમાગ ચકરાઈ ઉઠયું હતું. તેના હાથમાં ચળકતી ગનનું નાળચું ચારુંની પહેલાં કેબિનમાં દાખલ થયેલા અભિમન્યુ તરફ તકાયેલું હતું. અભિમન્યુ બરાબર તેની સામે આવીને ઉભો રહી ગયો હતો. ચારું સાવચેતીથી કેબિનમાં ઉભેલા લોકોની હરકતો ઉપર ધ્યાન રાખીને ઉભી રહી ગઈ હતી. એ દરમ્યાન રાયસંગાનાં પેલા બે પઠ્ઠાઓ સમંજસમાં હતા કે તેમણે શું કરવું જોઈએ...? બોસે કોઇ હુકમ આપ્યો નહોતો છતાં તેઓ સતર્ક બન્યાં હતા. કેબિનની પરિસ્થિતિ એકદમ જ ’ટેન્સ’ મોડમાં આવી ચૂકી હતી. એક ગલત હરકત અને કેબિનમાં લોહીયાળ જંગ ખેલાય તેમા કોઈ શંકા નહોતી. બધાનાં જીવ જાણે કોઈ અદ્રશ્ય દોરીથી બંધાયેલા હોય અને એ દોરી ખેંચવાનાં બસ હુકમની જ રાહ જોવાતી હોય એમ તમામ લોકો એ ક્ષણનો ઈંતજાર કરી રહ્યાં હતા.

સૌથી ખરાબ હાલત દૂર્જન રાયસંગાની હતી. ગઈકાલ બપોરથી તેની પનોતી બેઠી હતી. જો બધું સમુંસુતરું પાર ઉતર્યું હોત તો તે અત્યારે ભારત છોડી ચૂક્યો હોત પરંતુ તેની કિસ્મતમાં કંઈક અલગ જ લખાયેલું હતું. તેના માણસોનાં કારણે તેનો એક આખો દિવસ બગડયો હતો અને હવે અત્યારે બધું જ પરફેક્ટ રીતે ચાલતું હતું ત્યાં કોણ જાણે ક્યાંથી આ લોકો ટપકી પડયાં હતા. તે ચારુંને ઓળખતો હતો પરંતુ તેની સાથે આવેલા બીજા શખ્સનો કોઈ પરીચય નહોતો. છતાં… એક આછો અણસાર તેને આવી જ ગયો હતો કે એ કોણ હોવો જોઈએ! અને એ અણસાર તેના જીગરમાં ફફડાટ જન્માવતો હતો. તેણે એ નામ પાછલાં થોડા દિવસોમાં બહું સારી રીતે સાંભળ્યું હતું. તે એ પણ જાણતો હતો કે ગોવામાં જે કંઈપણ આંચકાઓ સર્જાયા છે તેની પાછળ આ એક જ શખ્સનો હાથ હતો. અને હવે એ શખ્સ તેની સામે ઉભો હતો.

“મિ. અભિમન્યુ સૂર્યવંશી. એમ આઇ રાઈટ? તને અહી જોવાની આશા નહોતી. પણ તું આવી જ ગયો છે તો બોલ, તારી શું સેવા કરી શકું..?” અવાજમાં બને એટલી ઠંડક લાવીને તેણે પૂછયું. એ તેના સ્વભાવ વિરુધ્ધની બાબત હતી છતાં અત્યારે તે કોઈ નવી મુસીબત ઉભી કરવા માંગતો નહોતો એટલે બને એટલી ઠાવકાઇથી મામલો હેન્ડલ કરવા અવાજમાં નરમાશ ઘોળી હતી. તે જાણતો હતો કે પાછલાં થોડા દિવસોની અંદર ગોવામાં જે અરાજકતા ફેલાઈ હતી, જે ધમાકાઓ થયા હતા, તેના ધંધાનો જે સત્યાનાશ નિકળ્યો હતો તેનું કારણ અભિમન્યુ હતો. અભિમન્યુએ વર્ષોની મહેનતથી જમાવેલું તેનું સામ્રાજ્ય એક જ ઝટકે ખેદાન મેદાન કરી નાંખ્યું હતું. તે એકલો જ બધાનો બાપ સાબિત થયો હતો. તે એકલો જ બધા ઉપર ભારે પડયો હતો એ કોઈ નાનીસૂની વાત નહોતી. અભિમન્યુનાં કારનામાનાં સમાચાર તેના કાન સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂકયું હતું. તેણે ડગ્લાસ અને સંભાજી ગોવરીકરને ઓલમોસ્ટ ખતમ કરી નાંખ્યાં હતા પરંતુ તે પોતે અત્યાર સુધી બચી શક્યો હતો તેનું કારણ એ હતું કે ડગ્લાસનાં ધંધામાં પ્રત્યક્ષ રીતે તેણે ક્યારેય કોઈ ભૂમિકા ભજવી નહોતી. તે હંમેશા પડદા પાછળ સંચાલન કરવામાં માનતો હતો એટલે જ તેનું નામ મોટેભાગે ક્યાંય સંડોવાતું નહી.

પરંતુ આ વખતે વાત કંઈક ઓર હતી. તે સમજી ગયો હતો કે ગોવાનું પોલીસ ખાતું યેનકેન પ્રકારે તેનાં છેડા મેળવશે અને તેને તેમાં સંડોવ્યાં વગર જંપશે નહી. એટલે જ તે સાવચેત બની ગયો હતો અને સંજય બંડુ મરાયો ત્યારે જ તેણે પોતાનાં બોરીયા બિસ્તરા બાંધવાની તૈયારીઓ કરવા માંડી હતી. બંડુનાં મોતથી ગોવામાં ભૂચાળ આવવાનું નક્કી હતું અને તેના છાંટાં બધા ઉપર ઉડયા વગર રહેવાનાં નહોતા.

રાયસંગા એક ખંધો રાજકારણી હતો. સમયની નજાકત જોઈને પડખું ફેરવી લેતા બહું સારી રીતે શિખ્યો હતો. ક્યારે ફ્રન્ટ ફૂટ ઉપર રમવું જોઈએ અને ક્યારે પડદા પાછળથી દોરી સંચાર કરવો જોઈએ એ તો તે આ ધંધામાં પ્રવેશ્યો ત્યારે જ શીખી ગયો હતો અને એ પ્રમાણે જ હંમેશા વરત્યો હતો. અત્યારે પણ તેણે એ પેંતરો જ અજમાવ્યો હતો. પરંતુ… આ વખતે તેનો સામનો અભિમન્યુ સાથે થયો હતો. તેને ખબર નહોતી કે અભિમન્યુને આવી કોઈ વાતોમાં ભોળવી શકાય તેમ નહોતો. તે પહેલાં ઘા કરતો અને પછી પૂછતો.

“એક જ સવાલ… અને તેનો સીધો જવાબ. રક્ષાએ તારું શું બગાડયું હતું…?” અભિમન્યુનાં અવાજમાં લાવા ધધકતો હતો.

“રક્ષા..! કોણ રક્ષા…?” થડકી ઉઠયો રાયસંગા. તેના જીગરમાં ફાળ પડી.

“અચ્છા..! તો તું રક્ષાને નથી જાણતો?” ધારદાર નજરે અભિએ તેની આંખોમાં ઝાંકતાં પૂછયું. રાયસંગા એ નજરોનાં તાપથી ઓઝપાઇ ગયો હોય એમ તેણે નજરો નીચી ઢાળી લીધી. તે ઈચ્છતો હતો કે આ સમય ક્યારેય ન આવે. પરંતુ એવું થતું હોતું નથી. જે પરિસ્થિતિની તમને બીક લાગતી હોય, જે પરિસ્થિતિનો સામનો કરવાથી તમે દૂર ભાગતાં હોવ… મોટેભાગે એજ પરિસ્થિતિ એવા સમયે તમારી સામે આવીને ઉભી રહે છે જ્યારે તમે ભયંકર મુસીબતમાં હોવ. રાયસંગા છટપટાઇ ઉઠયો. રક્ષા… આ નામ તેણે ક્યારેય સાંભળ્યું પણ નહોતું. પરંતુ એક દિવસ અચાનક તેનો માણસ ખબર લઈને આવ્યો હતો કે તેનું નામ ’ગોલ્ડનબાર’નાં લાઉન્જ એરિયામાં ઉછળી રહ્યું છે. એ પહેલી વખત હતું જ્યારે રક્ષા સૂર્યવંશીનું નામ તેના કાને પડયું હતું. અને ત્યારબાદ જે થયું એ કોઈ દુસ્વપ્નથી કમ નહોતું. એ દિવસને તે ક્યારેય ભૂલી શકે તેમ નહોતો….

@@@

ડ્રગ્સ માફિયાઓ માટે ગોવા સ્વર્ગ સમાન હતું. ડ્રગ્સનાં કાળા કારોબારમાં મબલખ કમાણી હતી. પરંતુ દરેક ધંધામાં થાય છે એમ એક ટોચ ઉપર પહોંચ્યાં પછી તેના વિકાસની તકો સમાપ્ત થતી જાય છે અને સાથોસાથ હજું વધારેની લાલસા વધતી જાય છે. ત્યારે માણસનું મન નવી દિશામાં… નવો ધંધો વિકસાવવાની સંભાવનાઓ તલાશવા માંડે છે. દૂર્જન રાયસંગા. ડગ્લાસ અને સંભાજીની ત્રિપૂટી સાથે પણ એમ જ બન્યું હતું. એક તબક્કે ડ્રગ્સનાં પૈસા તેમને ઓછા લાગવાં માંડયાં ત્યારે તેમણે એક સાવ નવો… બિભત્સ… ધ્રૂણિત… બિઝનેસ શરૂ કર્યો. એ ધંધો હતો માનવઅંગોની તસ્કરીનો… માનવીય ઓર્ગનની હેરાફેરીનો. એ દિવસેથી શરૂ થયો હતો ગોવાનાં ઈતીહાસમાં ક્રાઈમનો એક નવો અધ્યાય… જેણે માનવતાની તમામ સીમાઓ ઓળંગી નાંખી હતી. એ ધંધો જેટલો નીચ, અધમ અને છેલ્લી પાયરીનો હતો, એટલી જ તેમાં બેહિસાબ મબલખ કમાણી હતી. શરૂઆતમાં તેઓએ પુખ્તવયનાં અને ગરીબ વર્ગનાં લોકોનાં અંગોનાં વેપારમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બહું જલ્દી તેમને ખ્યાલ આવી ગયો કે તેમાં ભારોભાર જોખમ સમાયેલું છે એટલે તેમણે પોતાનું ફોકસ બદલ્યું અને બસ્તીમાંથી બાળકો ઉઠાવવાનાં શરૂ કર્યાં. તેમાં બે ફાયદા હતાં… એક તો બસ્તીમાંથી ગુમ થતાં બાળકોની ફરીયાદ કરવાવાળું કોઈ નહોતું અને બીજું, જો કોઈ ફરીયાદ થાય તો પણ તેને નીચેના લેવલે જ દબાવી દેવાય એવા સોર્સ તેમની પાસે હતા. અને… એ ધંધો બેરોકટોક, ફૂલફોર્સમાં શરૂ થયો હતો. ધીરે-ધીરે કરતાં તેમની પાસે ડોકટરોની એવી ટીમ તૈયાર થઇ હતી જે નાના-નાના કૂમળા બાળકોનાં સ્વસ્થ અંગો દુનિયાભરનાં માલેતૂજાર… પરંતુ જેમને ભયંકર બિમાર લાગું પડી ચૂકી હોય એવા લોકોનાં શરીરમાં પ્રત્યારોપણ કરી શકે.

એ ધંધામાં કરોડોનો નફો થતો હતો અને દિવસે ન વધે એટલી કમાણી રાતોરાત વધતી જતી હતી. એ ધંધાનું સંપૂર્ણ સૂકાન રોબર્ટ ડગ્લાસ અને સંભાજીની ગેંગ ચલાવતી હતી. દૂર્જન રાયસંગાનું કામ તેમાં એટલું રહેતું કે જો કોઈ રાજકિય કે કાયદાકિય મુશ્કેલી આવે તો તેને પોતાની વગનો, પોતાનાં પાવરનો ઉપયોગ કરીને દૂર કરવી. ધીરે-ધીરે કરતાં એક દળદાર ફાઈલ તૈયાર થઇ હતી જેમાં જે બાળકોનાં અંગો બીજાનાં શરીરમાં પ્રત્યારોપણ કરવાનાં હોય તેમની સંપૂર્ણ વિગતો લખવામાં આવતી હતી. એ ધંધો ભારતનાં સિમાડાઓ ઓળંગીને આંતરરાષ્ટ્રિય લેવલે પહોંચી ચૂકયો હતો. તેને વ્યવસ્થિત રીતે ચલાવવા એક આખું વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં આવ્યું હતું જેથી તેનું એક સિસ્ટમ પ્રમાણે સંચાલન થઈ શકે.

એ ફાઈલમાં એક નામ ખુદ તેનું પોતાનું પણ હતું. તેને કેન્સર ડીટેક્ટ થયું હતું અને તેનું એક અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેમ હતું. એ માટેની તમામ તૈયારીઓ ઓલરેડી થઇ ચૂકી હતી અને બહું જલ્દી તેનું ઓપરેશન પણ થવાનું હતું. પરંતુ એ દરમ્યાન તેનાથી એક ભૂલ થઇ હતી. અને એ ભૂલ તેને જ ભારે પડી હતી.

તે ઔરતોનો જબરો શોખિન માણસ હતો. તેનાં બિસ્તરમાં લગભગ દરરોજ નવી યુવતી તેને જોતી. એક દિવસ તે એક રશીયન યુવતીને લઈ આવ્યો હતો. એ યુવતી હતી જૂલીયા… રક્ષાની ખાસ બહેનપણી જૂલીયા. રાયસંગાએ પોતાના ઓપરેશનવાળી વાત એવા સમયે ઉચ્ચારી હતી જે સમયે તેના કમરામાં જૂલીયા હાજર હતી.

દૂર્જન રાયસંગા જૂલીયા સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો એ સમય દરમ્યાન તેને કોઈનો ફોન આવ્યો હતો. ફોન ઉપર તેણે પોતાનાં ઓપરેશનની અને પેલી ફાઈલ વિશે વાતો કરી હતી. એ વાર્તાલાપ સાવ અનાયાસે જ જૂલીયાએ સાંભળી લીધો હતો અને તે નાજૂક યુવતી ફફડી ઉઠી હતી. તે ગભરાઈ ગઈ હતી અને તેનુ હદય ભયંકર ડરથી થડકવા લાગ્યું હતું. એ સમયે જાણે તેણે કંઈજ સાંભળ્યું ન હોય એવી સ્થિતિમાં તે રાયસંગાનાં કમરામાંથી બહાર નિકળી હતી. એ રાઝ તેણે પોતાની અંદર જ ધરબી રાખવાની જરૂર હતી. જો એવું થયું હોત તો ચોક્કસ આ કહાનીનો અંત અલગ આવ્યો હોત. પરંતુ એવું થયું નહોતું અને તેના જીવનમાં એક ભયાનક આંધી ઉઠી હતી. એ રાઝ તેણે રક્ષાને કહેવાની ભૂલ કરી હતી. તેને એમ હતું કે રક્ષા કોઈ સામાજીક સંસ્થામાં કામ કરે છે તો તે આ બાબતમાં ચોક્કસ કંઈક કરી શકશે. તેણે જે સાંભળ્યું હતું એ વિસ્તારથી રક્ષાને જણાવી દીધું. પરંતુ… એ તેની ગંભીર ભૂલ હતી. તેને ખ્યાલ નહોતો કે તેમની વાતો ’ગોલ્ડનબાર’ નાં લાઉન્જમાં કોઈક સાંભળી રહ્યું છે. એ દિવસ રક્ષા અને જૂલીયા… બન્ને માટે ગોજારો સાબિત થયો હતો. પોતાનાં અંધકારમય ભવિષ્યથી બેખબર તે બન્ને માસૂમ યુવતીઓ ગોલ્ડનબારમાંથી નિકળી ત્યારે તેમની પાછળ મોત ભમવા લાગ્યું હતું. તેમની વચ્ચે થયેલી વાતો રોબર્ટ ડગ્લાસનાં કાને પહોંચી હતી. તેણે દૂર્જન રાયસંગાને જણાવ્યું હતું અને દૂર્જન રાયસંગાએ તે બન્નેનાં મોતનું ફરમાન જારી કરી દીધું હતું. એ કામ તેણે ડગ્લાસ ઉપર છોડયું હતું. સૌથી પહેલું મોત જૂલીયાનું થયું હતું. ડગ્લાસનાં આદમીઓએ તે રાતે જ જૂલીયાને ઉઠાવી લીધી હતી અને તેને મારીને કલંગૂટ બીચ ઉપર પથ્થરોની વચ્ચે નાંખી દીધી હતી. પછી તેઓ રક્ષાની પાછળ પડયાં હતા પરંતુ રક્ષા જૂલીયા કરતાં વધું સાવધ નિકળી અને ડગ્લાસનાં માણસો તેની સુધી પહોંચે એ પહેલાં ગાયબ થઇ ગઈ હતી. પૂરા સત્તર દિવસ તે ગાયબ રહી. એ દરમ્યાન તેણે પોતાનાં તમામ સોર્સ કામે લગાડીને આ મામલાની તપાસ કરી હતી પરંતુ માથે મોત ભમતું હોય ત્યારે કોઈ વધું કરી પણ શું શકે..? તે બેબસ અને બેસહાય ચારેકોર ભટકી રહી હતી. ગોવા જેવા શહેરમાં તે વધું સમય સંતાઈને જીવી શકે એવી શક્યતાઓ નહોતી. તે ડરતી હતી, ફફડતી હતી. તેણે પોતાની તમામ તાકાત, તમામ ઓળખાણ કામે લગાવી હતી પરંતુ સત્તરમાં દિવસે તે રાયસંગાની નજરે ચડી ગઈ હતી. સાવ અનાયાસે જ એ બન્યું હતું. ખરેખર તો રક્ષાને ડગ્લાસનાં માણસો શોધી રહ્યાં હતા પરંતુ તે રાયસંગાનાં હાથમાં આવી પડી હતી.

નસીબની બલીહારી જૂઓ… રક્ષા એવી જગ્યાએ જઈ પહોંચી હતી જ્યાં તે દિવસે જ રાયસંગા પણ આવ્યો હતો. એ જગ્યા હતી પેલી જેટ્ટી… જ્યાં સુશિલ દેસાઈની યોટ ’જૂલી’ લાંગરેલી હતી. તમે તેને કિસ્મતનો અજીબ ખેલ કહી શકો કે પછી માનવીની વિચિત્ર નિયતી ગણી શકો. પરંતુ હકીકત એ હતી કે તે દિવસે સાવ અનાયાસે જ તેમનો ભેટો થઇ ગયો હતો. બન્યું એવું હતું કે રક્ષા ઠેકઠેકાણે ભટકીને થાકી હતી એટલે તેણે દરિયા કિનારેનાં કોઈ બીચ ઉપર, જ્યાં ટૂરિસ્ટો રહેતાં હોય એવી જગ્યાએ સંતાવાનું મન બનાવ્યું હતું. એવાજ સ્થળની તલાશમાં તે જેટ્ટી સુધી આવી હતી અને બરાબર એ સમયે જ દૂર્જન રાયસંગા અને તેના માણસો સમુદ્રની સહેલગાહે જવા માટે ત્યાં આવી પહોંચ્યાં હતા. એ જબરો વિચિત્ર સંયોગ હતો. રક્ષા પોતાના માટે સંતાવાની જગ્યા તલાશતી હતી જ્યારે રાયસંગા સુશિલ દેસાઈની યોટ લઈને સહેલગાહ માટે જવા માંગતો હતો.

રાયસંગા ગોવાનો ડેપ્યૂટી સીએમ હતો. તેને નાં કહેવાની સુશિલ દેસાઈની હેસીયત નહોતી. તે ધારે ત્યારે તેની યોટનો ઉપયોગ પોતાની સગવડતા માટે કરતો હતો. તે દિવસે પણ ’જૂલી’ રાયસંગા પાસે હતી અને… તેણે રક્ષાને જોઈ હતી.

(ક્રમશઃ)

મિત્રો… આ કહાની તેના અંત તરફ જઈ રહી છે. આ પછીનો એપીસોડ છેલ્લો હશે. તો….

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED