amne tak joiae chhe books and stories free download online pdf in Gujarati

અમને તક જોઈએ છે

હું જ્યારે જન્મ્યો ત્યારે અપંગ હતો. બન્ને પગમાં ખોટ-ખાપણ હતી. કોઈ સામાન્ય ખોટ નહીં, બંને પગની આંગળીઓ પગની એડીએ અડેલી હતી. સાદી ભાષામાં કહું તો વાંકો અને ચાપો હતો. નાનકડાં ગામડામાં રહેતા મારા માતા-પિતાએ પોરબંદરમાં સતત ૩ વર્ષ સુધી સારવાર કરાવી ત્યારબાદ હું સ્વસ્થ થયો. સામાન્ય રીતે બાળક એક વર્ષમાં તો ચાલતા શીખી જાય. પણ હું ૩ વર્ષ બાદ ચાલી શક્યો હતો. જો ત્યારે કોઈ ઓપરેશન ન થયું હોત તો આજે અપંગ જ હોત. આ મારી રિયલ સ્ટોરી છે જે મે અત્યાર સુધી કોઈને નથી કહી આજે પેહલી વખત કહી રહ્યો છું. પણ આ બધું કેહવા પાછળ મારો ઈરાદો હવે તમને સ્પષ્ટ કરું....

જ્યારે મારી આવી હાલત હતી ત્યારે પપ્પાના ભાઈ કુટુંબના બધા લોકો સમયે સમયે પૂછવા આવતા, અમને પડતી તકલીફો વિશે પણ કદાચ તે વાકેફ હતા. એનાથી આગળ કહું તો બનતી મદદ પણ કરતા. પરંતુ આ બધું એટલે કરતા કે જેરામ ભાઈ ( મારા પપ્પા ) તેમનો કુટુંબનો માણસ હતો. અથવા તેનો કોઈ સગો હતો.

એક વીડિયો વાયરલ થયો છે ડાંસ ઈંડિયા ડાંસનો જેમાં એક પ્રજ્ઞાચક્ષુ બાળક ખતરનાક ડાંસ કરી રહ્યું છે. વીડિયો તમારે જોવો હોય તો મને મેસેજ કરજો હું મોકલી આપીશ. ( ખરેખર એક વખત વીડિયો જોવા જેવો છે.) શરૂઆતમાં તમને એવું લાગશે કે આ માત્ર એક્ટિંગ છે. ડાન્સ કરતો બાળક એકદમ નોર્મલ છે. પણ પછી છેલ્લે ખબર પડે કે, એ બાળક તો કશું જ જોઈ શકતો નથી. સંપૂર્ણ રીતે પ્રજ્ઞાચક્ષુ છે. તમને એ બાળકમાં કોઈ જ ટેલેન્ટ ઓછું નહીં લાગે. તમને એવું લાગશે કે આ બાળક બધું જ કરી શકશે. તમે એની આવડત જોઈને આત્મવિશ્વાસનો પણ અંદાજો લગાવી શકો. તમે કહેશો કે બાળકમાં બધું જ છે. માત્ર આંખો નથી. તમે વિચારતા હશો કે, બાળકની કલાકારી પ્રમાણે આટલું મોટું સ્ટેજ પણ મળી ગયું. કદાચ આજે સમાજમાં એ બાળક માટે સૌ કોઈને માન હશે... પણ, પણ, પણ, પણ..

આં બાળક જેવું જ ટેલેન્ટ, આવડત અને આત્મવિશ્વાસ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિ તમારી અને મારી આજુબાજુ ભીંસાય રહી છે. દિવસે અને દિવસે અંદર અંદર મરી રહી છે. કેમ કે તેના પ્રત્યે કુટુંબ ભાવના કે પછી સગાપણું દાખવવામાં મારી અને તમારી ખોટ વર્તાઈ રહી છે. વારે તેહવારે પણ કોઈ એને પૂછવા તૈયાર નથી કે, તમે કઈ રીતે જીવો છો. આપણાપણું ક્યાંક છૂટી ગયું. આવડતનો ખજાનો છે એ લોકોમાં. તમે અને હું એમને જરાય નથી ગણકારતા છતાં એ જીવે છે એનો અર્થ જ એ થયો કે, આત્મવિશ્વાસની મશાલ છે.

તમને સામાન્ય રીતે જ કહું કે વિચારો... ફિલ્મ જોઈને તમને ઘણા વિચાર આવે અને જિજ્ઞાસા જાગે કે, કઈ રીતે શૂટિંગ થતું હશે, હીરો હિરોઈનની પર્સનલ લાઇફ કેવી છે, એમની લવ લાઇફ કેવી છે. ક્રિકેટ જોઈને પણ તમે નેટ પર ઘણી વસ્તુ સર્ચ કરતા હશો. પણ દિલ પર હાથ મૂકીને કહેજો.. તમે બસમાં જ્યારે જતા હોવ ત્યારે આવા કોઈ દિવ્યાંગ જોઈ જાવ તો એના જીવન વિશે વિચાર્યું છે ક્યારેય? એ લોકો જમવાનું કેમ બનાવતા હશે? ફોનનો ઉપયોગ કેમ કરતા હશે? ટ્રાવેલિંગ કરવામાં કેવી તકલીફ પડતી હશે? એ લોકોનું દામ્પત્ય જીવન કેવી રીતે ચાલતું હશે??? આવા તો ઘણા બધા પ્રશ્નો.....

જેમ ફિલ્મ જગત અને ક્રિકેટ માટે તમને જિજ્ઞાસા જાગે એમ ક્યારેક આમાં પણ જગાડો. માત્ર એક વખત દિવ્યાંગનું પેપર લખવાથી કે રસ્તો ક્રોસ કરાવવાથી એ લોકો સમજાય નથી જતા દોસ્ત...

તમે એમના વિશે જાણશો તો હકીકત ખબર પડશે. હકીકત જાણ્યા બાદ તમને એનામાં માટે કંઇક કરવાનું મન થશે અને ખરા અર્થમાં મદદ થશે. હાલમાં એ લોકોમાં આવડત હોવા છતાં કોઈ નોકરી આપવા તૈયાર નથી. હોસ્ટેલમાં રેહવા દેવા તૈયાર નથી. આવા જે પણ પ્રશ્ન છે એમનું નક્કર સમાધાન આવશે. પણ આ બધું ત્યારે જ થશે જ્યારે હું અને તમે એમના વિશે જાણશું. તો મેહરબાની કરીને એમની પ્રત્યે કુટુંબ ભાવના અને સગાપણું દાખવો અને એમને ખરી રીતે ઓળખો. એમનામાં બધું છે, માત્ર આપણે આપણા તરફથી એમને તક આપવાની જરૂર છે, સ્ટેજ આપવાની જરૂર છે. એ પણ હૂંફ, લાગણી અને સમજણ સાથે...

અલ્પેશ કારેણા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED