છ
“કેવો રહ્યો આજનો પહેલો દિવસ? રન બનાવ્યા કે પહેલે જ બોલે ક્લીન બોલ્ડ?” સાંજે લગભગ સાડાસાતે ઘરમાં ઘૂસતાં જ હર્ષદભાઈએ વરુણને સવાલ કર્યો.
“તમને મેં સવારે જ કહ્યું હતું ને પપ્પા કે સમય આવે તમને હું અપડેટ આપીશ. હજી તો આજે પહેલો દિવસ હતો!” વરુણે લગભગ ફરિયાદના સૂરમાં જવાબ આપ્યો.
“દીકરા મારા, જે ખેલાડી એની પહેલી જ ઇનિંગમાં સેન્ચુરી બનાવે એ ઇતિહાસમાં અમર થઇ જતો હોય છે.” હર્ષદભાઈ સોફા પર બેસતા બોલ્યા.
“પણ તમે નેટ પ્રેક્ટિસમાં સેન્ચુરી બનાવો તો એની કોઈજ વેલ્યુ નથી હોતી, બાપ મારા!” વરુણે ચેનલ બદલતા જવાબ આપ્યો.
“કાન પકડ્યા...અને મને આનંદ થયો કે મારો દીકરો પૂરેપૂરી નેટ પ્રેક્ટીસ કર્યા બાદ જ મેદાનમાં ઉતરવા માંગે છે.” હર્ષદભાઈ પોતાની શૂ લેસ ખોલતા બોલ્યા.
“ખબર નહીં, તમને લોકોને છોકરીઓમાં શું રસ છે આટલો બધો?” હાથમાં પકડેલા મેગેઝીનના પાના ઉથલાવતાં ઇશાની બોલી.
“તને છોકરીઓમાં રસ નથી એ જાણીને મને અને પપ્પાને હાશ પણ થઇ અને આનંદ થયો.” વરુણ ઇશાની સામે જોઇને હસતાં હસતાં બોલ્યો.
“ચૂપ કર ચક્રમ!” બાજુમાં જ બેઠેલા વરુણને ઈશાનીએ ધક્કો માર્યો.
“તો ખબર ન પડે એ સબ્જેક્ટના ડિસ્કશનમાં વચમાં ના બોલતી હોય તો કાગડી!” વરુણે ઇશાનીને વળતો ધક્કો માર્યો.
“તમે બંને ઝઘડવાનું બંધ કરો તો મારે એક વાત કરવી છે.” રસોડામાંથી બહાર આવીને હર્ષદભાઈને પાણીનો ગ્લાસ પકડાવતા રાગીણીબેન બોલ્યા.
“બોલો બોલો સરકાર! તમને ના પડાય? તમારે તો હુકમ કરવાનો હોય.” હર્ષદભાઈએ રાગીણીબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ લેતા હર્ષદભાઈ બોલ્યા.
“રૂપમની સગાઈ નક્કી થઇ!” રાગીણીબેને હર્ષદભાઈની બાજુમાં બેસતા જાહેરાત કરી.
“આપણા રસિકલાલની રૂપમ?” હર્ષદભાઈનો ઘૂંટડો એમના ગળામાં જ રહી ગયો.
“હા, તો આપણે બીજી કેટલીક રૂપમ છે?” રાગીણીબેને પૂછ્યું.
“પણ હજી તો એ TYમાં છે!” ઇશાનીને આશ્ચર્ય થયું.
“કોઈક અમેરિકાથી છોકરો આવ્યો છે આજે બંનેએ હા પાડી એટલે આવતીકાલે સવારે સગાઈ અને પંદર દિવસમાં લગ્ન, હમણાંજ ભાભીનો ફોન હતો.” રાગીણીબેને બાકીની માહિતી આપી.
“તમે બધા જજો મારે સવારની કોલેજ છે.” વરુણે ટીવી સામે જોતજોતા કહ્યું.
“મને હતું જ કે તું ના પાડીશ, પણ રસિકકાકાને ખરાબ લાગે દીકરા.” રાગીણીબેને વરુણને સમજાવવાની કોશિશ કરી.
“પણ મમ્મી કાલે હજી કોલેજનો બીજો જ દિવસ છે અને તને ખબર તો છે જ કે અમારી કોલેજ એટેન્ડન્સ માટે કેટલી સ્ટ્રીક્ટ છે. વર્ષના અંતે સિત્તેર ટકા હાજરી ન હોય તો પરીક્ષાનું ફોર્મ પણ ભરવા દેતા નથી.” વરુણે પોતાની મજબૂરી જણાવી.
“એક દિવસ કોલેજ ના જઈએ તો એટેન્ડન્સ કાઈ પચાસ ટકા ના થઇ જાય.” ઈશાનીએ ટહુકો કર્યો.
“બકા, આ સ્કુલ નથી ઓકે કે લીવ નોટ આપીએ એટલે કામ પતી જાય? કાલે ના જાઉં તો ચાલશે, પછી એવી રીતે બધે જવા માટે એક એક રજા લઉં તો છેલ્લે સિત્તેર ટકાથી પણ ઓછી હાજરી થઇ જ જાય.” વરુણે ઈશાની તરફ ચીડિયું કર્યું.
“જો રસિકકાકા તારા પપ્પાના ખાસ મિત્ર છે અને દાદા વખતે એ દિવસ રાત હોસ્પિટલમાં ખડેપગે હાજર રહ્યા હતા. આપણને એકલાને સહપરિવાર બોલાવ્યા છે એટલે આમ ના ન પડાય દીકરા, એમને ખરાબ લાગે.” રાગીણીબેને વરુણને સમજાવતા કહ્યું.
“એમને ખરાબ લાગે એટલે મારે મારી એટેન્ડન્સ ખરાબ કરવાની? અને લાસ્ટ લેક્ચરમાં નવા પ્રોફેસર આવવાના છે. પહેલા દિવસે મારી ગેરહાજરી સારી ના લાગે.” વરુણનો વિરોધ ચાલુ જ હતો.
“પપ્પા, તમને ખબર છે રૂપમની બે કઝીન્સ છે, શૈલી અને પરાગી. એ બંનેએ પણ આ વખતે જ કોલેજમાં એડમિશન લીધું.” ઈશાનીએ દાવ ફેંક્યો.
“જો મને એમ છોકરીઓની લાલચ ના આપ કાગડી!” વરુણ ઇશાનીનો દાવ સમજી ગયો.
“એક મિનીટ, એક મિનીટ, એક મિનીટ. હું કશું બોલું?” હર્ષદભાઈએ હુકમનો સૂર આલાપ્યો.
“યસ પ્લીઝ...” બીજા કશું બોલે એ પહેલા ઈશાનીએ બધા વતી હા પાડી દીધી.
“સગાઈનો પ્રસંગ કેટલા વાગ્યે શરુ થશે?” હર્ષદભાઈએ રાગીણીબેન તરફ જોઇને કહ્યું.
“મુરત સવારે સાડાનવ વાગ્યાનું છે. પછી ચા નાસ્તો. નાસ્તો ભારે જ હશે એમ ભાભીએ કહ્યું છે.” રાગીણીબેને જવાબ આપતા કહ્યું.
“બસ તો નો પ્રોબ્લેમ! વરુણ તારી હાજરી તો દરેક લેક્ચરમાં લેવાતી હશેને? સ્કુલની જેમ સવારે એક વાર તો નહીં લેવાતી હોય ને?” હર્ષદભાઈએ વરુણ સામે જોઇને તેને પૂછ્યું.
“હા, પપ્પા.” વરુણે જવાબ આપ્યો.
“તો રિસેસ પહેલાના લેક્ચર્સ સ્કિપ કરને? તારા નવા પ્રોફેસરતો છેક છેલ્લા લેક્ચરમાં આવવાના છે ને? અને રસિકકાકાનું ઘર સ્વસ્તિક સોસાયટીમાં છે ત્યાંથી તારી કોલેજ ક્યાં દૂર છે? સાડા નવે સગાઈ થાય અને પછી ચા-નાસ્તો કરીને રીક્ષામાં જતો રહેજે, દસ મિનિટમાં તો કોલેજ પહોંચી જઈશ! અને હું પણ હાફ ડે જ લઈશ.” હર્ષદભાઈએ ઉપાય બતાવ્યો.
“આપ કે ચરણ કહાં હૈ પિતાશ્રી? તમે તો એક મિનીટમાં કેસ સોલ્વ કરી દીધો.” આટલું કહીને વરુણ ઉભો થયો અને થોડેજ દૂર બેઠેલા હર્ષદભાઈને પગે લાગ્યો.
“જીતે રહો બચ્ચા...જીવનમેં બહુત સારી લડકિયાં પટાઓ...” હર્ષદભાઈ કશું બોલે એ પહેલા જ ઈશાનીએ દૂરથી જ પોતાનો હાથ અધ્ધર કરીને વરુણને આશિર્વચન આપી દીધા.
“ઇસ રૂટ કી સભી લઈને વ્યસ્ત હૈ, કૃપયા આશિવાદ દેને ક લોડ ના લેં...” વરુણે ઉભા થઈને ઇશાનીને ટપલી મારી અને પોતાની જગ્યાએ ફરીથી બેસી ગયો.
“તો પછી કાલનો પ્રોગ્રામ નક્કી બરોબરને? હું ભાભીને કોલ કરીને આપણા બધાનું કન્ફર્મ કરી દઉંને?” રાગીણીબેને બધા પાસે કન્ફર્મ કર્યું.
જવાબમાં ઘરના બાકીના ત્રણેય સભ્યોએ ડોકું હકારમાં ધુણાવ્યું.
==::::==
બીજે દિવસે સવારે ભટ્ટ પરિવારના ચારેય સભ્યો સવારે વહેલા તૈયાર થઈને રસિકભાઈને ઘરે પહોંચી ગયા. વરુણના સદનસીબે સગાઈની વિધિ સમયસર એટલેકે સાડા નવ વાગ્યે શરુ થઇ ગઈ. પરંતુ વરુણના બદનસીબે ઈશાનીએ જેમની વાત કરી હતી એ રૂપમની બે કઝીન્સ શૈલી અને પરાગી ગેરહાજર હતી એટલે વરુણ થોડો નિરાશ થયો.
પરંતુ લગભગ સાડા દસે ચા-કોફી, ચણા-પૂરી, ગુલાબજાંબુ, સેલડ, પાપડ અને છાશનો ભારે નાસ્તો કરી અને લાગતાવળગતા તમામને વરુણે આવજો કહી અને રસિકભાઈના ઘરની બહાર ઉભી રહેલી રીક્ષામાં બેસીને કોલેજ તરફ પ્રયાણ કર્યું.
==::==
કોલેજ પહોંચીને વરુણે તરતજ કૃણાલને વોટ્સ એપ પર મેસેજ કરીને તે ક્યાં છે તે પૂછ્યું. કૃણાલે પોતે કેન્ટીનમાં બેઠો છે એમ કહ્યું એટલે વરુણ કેન્ટીન પહોંચી ગયો.
“મને ખબર જ હતી કે મારી ગેરહાજરીમાં ઈથિયોપિયાના નાગરીકો અહીં જ બેઠા હશે જસ્ટ કન્ફર્મ કરવા જ મેસેજ કર્યો હતો!” કૃણાલની પીઠ પોતાની તરફ હતી એટલે વરુણે સીધો એને ધબ્બો જ માર્યો.
“બે...આટલું જોરથી મરાય? મારો કોળીયો બહાર નીકળી જાત હમણાં.” કૃણાલે તરતજ ફરિયાદ કરી.
“એ બધું છોડ, ચોથો પીરીયડ તો કમ્પલસરી ઈંગ્લીશનો હતોને? તો તું કેમ અહીંયા કેન્ટીનમાં?” વરુણે ઇન્ક્વાયરી કરી.
“બે બહુ ભૂખ લાગી હતી. આજે એક પણ લેક્ચર ફ્રી નથી. રિસેસમાં પંદર મિનીટમાં ઉતાવળમાં ખાવાની મજા ના આવે એટલે ચોથું લેક્ચર સ્કીપ કર્યું.” કૃણાલે રડમસ ચહેરે કહ્યું.
“ભણવા કરતા ભૂખ પહેલા? જબરો છે બે તું! હવે આની નોટ્સ કોની પાસેથી લઈશું?” વરુણે પૂછ્યું.
“સોનલબેન ગયા છે, મેં એમને કહી દીધું છે કે છેલ્લું લેક્ચર પતે એટલે મને અને વરુણને નોટ આલી દેજો અમે ઉતારો કરી લઈશું.” કૃણાલે સેન્ડવીચનો છેલ્લો કોળીયો મોઢામાં ચાવતા કહ્યું.
“જીવનમાં ચોથીવાર તે અક્કલનું કામ કર્યું. ચલ હવે જલ્દી પતાય ત્રીસ નંબરમાં પાંચમું લેક્ચર છે, ત્રીજે માળે, એટલે દોડવું પડશે. ખબર નહીં નવો પ્રોફેસર કેવો હશે. એક તો ત્રાસદાયક નીકળ્યો, બારોટ સર સારા નીકળ્યા એ સારું થયું હવે આ ત્રીજો ત્રાસ ન આપે તો સારું.” વરુણે ચિંતા વ્યક્ત કરી.
“પેલા એક પ્રોફેસર પણ છે ને? એ આજે પણ નહોતા આયા, તો એમનું લેક્ચર જયરાજ સરે લઇ લીધું. એટલા બધા બોર થયા બે? એમને જાણેકે ગુજરાતી આવડતું જ નથી એવું કરતા હતા. બસ નોટમાંથી બોલતા ગયા અને અમને લખાવતા ગયા.” કૃણાલે પાણી પીધું અને ઉભો થયો.
“એ ગેરહાજર પ્રોફેસર પણ ખબર નહીં કેવા હશે. ચલ, આપણે જઈએ નહીં તો નવા પ્રોફેસરના પહેલા જ દિવસે મોડા પડીશું તો છાપ ખરાબ થશે.” વરુણ આગળ ચાલવા લાગ્યો.
“અરે! હજી ચોથું લેક્ચર નથી પત્યું.” કૃણાલે પાછળથી બૂમ પાડી.
“તારે આવવું હોય તો આય, હું તો આ ચાલ્યો.” વરુણે પાછળ જોયા વગર પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી.
==::==
“પતાવી આવ્યા સગાઈ?” ક્લાસમાં પ્રવેશતાની સાથેજ સોનલબાએ પહેલી બેંચ પર બેસેલા વરુણને જોઇને પૂછ્યું.
“હા, એક કામ પતાવ્યું.” વરુણે હસતાંહસતાં કહ્યું.
“મને પેલી નોટ્સ આપી દેજોને સોનલબેન!” કૃણાલે સોનલને કહ્યું.
“કશું ખાસ નથી ચલાવ્યું, જસ્ટ ઇન્ટ્રો કર્યો આજે એટલે કોઈ ચિંતા નથી.” સોનલબાએ હસીને જવાબ આપ્યો.
ત્યાંજ રૂમનો દરવાજો ખુલ્યો અને બધાંની નજર દરવાજા તરફ ગઈ. વરુણતો કલાસરૂમની અંદર પ્રવેશતી વ્યક્તિને જોઇને સડક જ થઇ ગયો!
“હલ્લો, હું તમારી નવી પ્રોફેસર છું. હું તમને આધુનિક ભારતના ઇતિહાસનો બીજો હિસ્સો ભણાવીશ. અને હા, મારું નામ છે...”
==:: પ્રકરણ ૬ સમાપ્ત ::==