તાદાત્મ્ય
*******
"શાંતનુ તને શું લાગે હવે આપણે કદી મળી શકીશું ? મને તો નથી લાગતું કે આ બંને આપણને હવે ક્યારેય ભેગા થવા દે."
વલ્લરીએ મનનો બળાપો આજે શાંતનુ પાસે ખુલ્લો મૂકી દીધો. શાંતનુ તો બસ શાંતિથી સાંભળી રહ્યો, એને ચીતરવામાં જ એવો આવ્યો હતો. એકદમ શાંત, સરળ, નિર્વિવાદી. ને વલ્લરી તો વીંટળાઈ પડતી કોઈ વેલ. સતત ઝૂલતી ને સતત વિકાસ પામતી.
હવે શાંતનુ ને વલ્લરીને અલગ થવાનું હતું. શાંતનુ કશું બોલતો ન હતો, પણ વલ્લરી ખૂબ ખીજાઈ હતી. એને શાંતનુથી અલગ થવું ન હતું. એને શાંતનુ સાથે જ રહેવું હતું. વલ્લરી સતત શાંતનુને કહેતી હતી, કે એ એની સાથે જ રહેવા માંગે છે પણ અફસોસ આ શક્ય ન હતું. બંને કેટલા સમયથી આમ જ સાથે હતા. લોકોની જીભે ચડી ગયેલા હતા. બધાને શાંતનુ ને વલ્લરીને સાથે જોવા ખૂબ ગમતા. કોઈ એવું તો વિચારી પણ ન શકે કે આ બંને ક્યારેય અલગ થઈ શકે. પણ આજે એ દિવસ આવવાનો હતો, બંનેને અલગ પાડવાનું લખાઈ ગયું હતું. એ બંનેના વિધાતાએ એની કિસ્મત બદલી નાખી હતી. એમાં કોઈનું પણ ચાલે એમ ન હતું. લોકોને અણસાર આવી ગયો હતો, પણ શું થાય કોઈ કશું કરી શકે એમ ન હતા. બધાને આ બંનેના વિધાતાની કલમનો સ્વીકાર કરવો પડે એમ જ હતો.
વલ્લરી કહે, " શાંતનુ હું બળવો કરું કે મારે તારાથી અલગ નથી થવું એમ !"
વલ્લરી હવે લડી લેવાના મૂડમાં હતી. એણે શ્રીયાને તાબે ન થવા મન મક્કમ કરી લીધું. શાંતનુ પાસે જઈ એ ખૂબ રડી. કારણ કે સવારે તો એમની નિયતિ નક્કી થઈ ગઈ હતી. વલ્લરીએ શાંતનુના ખભે પોતાનું માથું ઢાળી દીધું. બંનેની આંખ સામે એ દિવસો આવી ગયા જ્યારે એ મળ્યા હતા. વલ્લરીને નડેલો અકસ્માત ને શાંતનુનું મદદ માટે દોડી આવવું. બસ ત્યારથી શરૂ થયો હતો આ મળવાનો, મજાકનો ને અજાણતા જ થઈ ગયેલા પ્રેમનો કિસ્સો. જે હવે કહાની બની ગયો હતો. વલ્લરીની શાંતનુનો સ્વભાવ ખૂબ ગમી ગયો હતો. કેટલો સરળ ને શાંત, કોઈ જાતનું કપટ નહિ. ને વલ્લરી તો ચંચળ નદી જોઈ લો. ઉછળતી, કૂદતી બધાને હસાવતી. શાંતનુને પણ વલ્લરીની આ અદાઓ જ ગમી હતી ને ! બંને વચ્ચે પાંગરેલો પ્રેમ મોટું વૃક્ષ બન્યો હતો.
એકબીજા વગર જરાય ન રહેનાર આ બંને અલગ કેમ રહી શકશે એ જ મોટો પ્રશ્ન હતો. બધાને દિલમાં ધ્રાસકો પડ્યો હતો કે હવે શું થશે ? આ તો અંત જ હોવો જોઈએ, બાકી વલ્લરી ને શાંતનુને અલગ તો કોઈ હવે વિચારી પણ ન શકે. આકાશકુસુમવત હતું પણ તોય એ શક્ય બનવાનું હતું.
વલ્લરીની હજુ પણ માનવા કે સમજવા તૈયાર ન હતી. માણસને ખબર હોય નિયતિ જે ઈચ્છે એ જ થાય છે તોય એ વિરોધ કરતા થાકતા નથી. અહીં પણ એવું જ થયું, વલ્લરીની ખબર હતી કે એના વિરોધથી કઈ ઉપજવાનું નથી તે છતાં એ વિરોધ કરતી હતી. વલ્લરીની સમજાવટ પછી શાંતનુ બોલ્યો :
"વલ્લરી તને શું લાગે છે એ હવે શક્ય બનશે, ખોટા ફાંફા મારવાનું બંધ કર, ને આપણાં વિધાતાની કલમને માન આપ."
સ્નેહે ઘણા પ્રયત્નો કર્યા શ્રીયાને સમજાવવાના કે વલ્લરી ને શાંતનુને અલગ ન કરે, પણ શ્રીયા એકની બે ન થઈ. શ્રીયા હવે જીદે ચડી હતી, અને ચડે પણ કેમ નહિ, સ્નેહે કામ જ એવું કર્યું હતું જેની સજા વલ્લરી ને શાંતનુ ભોગવી રહ્યા હતા.
હા સ્નેહે શ્રીયાની નજરમાં ઘણો મોટો ગુનો કર્યો હતો, એણે શ્રીયાને પ્રેમ કર્યો હતો. જે સ્નેહને નહતો કરવો જોઈતો. શ્રીયાની વાત પણ સાચી હતી, પોતાનાથી સોળ વર્ષ મોટી એક સિંગલ વુમન સાથે સ્નેહ કઈ રીતે પ્રેમ કરી શકે ? પોતે તો બંને ખાલી કોવર્કર જ હતા, ખાલી સાથે મળીને કામ જ કરતા હતા. સ્નેહને કોઈ હક ન હતો આમ કરવાનો.
સ્નેહને આમાં કશું ખોટું નહતું લાગતું, એ તો કહેતો હતો,
"શ્રીયા કેટલીક ખુદના કોચલામાં જ બંધ રહીશ, બહાર નીકળ ને જો દુનિયા કેટલી સુંદર છે, તું આ વલ્લરી જેવી કેમ નથી, એને જો કેવી ચંચળ ને મનમૌજી છે, તું કેમ એમ નથી જીવતી. તું ગમે એટલા ધમપછાડા કરીશ તોય હકીકત નથી બદલવાની, મને પ્રેમ થયો તો થયો. એમાં મારું પણ કશું નથી ચાલવાનું. તું ક્ષણિક આવેશ કહી શકે તો પણ મને એ આવેશ ગમે છે, જ્યારે આવેશ નહિ હોય ત્યારે જોયું જશે. હું અહીંથી અટકવાનો નથી, હું ખુદને અટકાવી શકું એમ જ નથી, ને મારે પ્રયત્ન પણ નથી કરવા. "
શ્રીયાએ સ્નેહથી દુર રહેવાનું શરૂ કર્યું. એના પર ધ્યાન આપવાનું બંધ કર્યું પણ બધું વ્યર્થ. સ્નેહ તો છડેચોક જાહેરાત કરતો ફરતો હતો બધે. એને મન ઉંમરને કોઈ બાધ હતો જ નહીં. સ્નેહ કહેતો,
"પ્રેમને થોડી ઉંમર નડે છે, હું થોડી એની ઉંમરને પ્રેમ કરું છું હું તો એ વ્યક્તિને પ્રેમ કરું છું,અને પ્રેમને થોડી સીમાઓ હોય, બસ થયો તો થયો, કોઈ ગમે એટલું સમજાવશે તોય હું સમજીશ, આ દિલને કેમ સમજાવીશ..."
હવે શ્રીયાએ છેલ્લું હથિયાર અપનાવ્યું, એણે વલ્લરીને અને શાંતનુને અલગ કરવાનું વિચાર્યું. શ્રીયાને ખબર હતી કે સ્નેહ આના માટે તૈયાર નહિ થાય, એટલે જ એણે એક શરત મૂકી જો વલ્લરી ને શાંતનુને સાથે રાખવા હોય તો હું કામ પડતું મુકું છું, હું બીજે કામ ગોતી લઈશ. હવે સ્નેહ ખરો ફસાયો. શું કરવું એ એને સમજ પડતી ન હતી. આ કઈ રીતે શક્ય બને વલ્લરી અને શાંતનુ અલગ થઈ જ ન શકે. વલ્લરીના વલોપાતમાં સ્નેહ પોતાને જ જોતો હતો. પોતે હૃદયભેદક વલોપાત અનુભવી રહ્યો. સમગ્ર અસ્તિત્વના ટુકડા થઈ ગયા હોય એવું લાગ્યું. વિરહની વ્યથા સ્નેહને હચમચાવી ગઈ. સ્નેહને લાગ્યું વલ્લરી અને શાંતનુ નહિ પણ પોતે ને શ્રીયા અલગ થઈ રહ્યા છે.
ને એ દિવસ પણ આવી ગયો. વલ્લરી ને શાંતનુ અલગ થઈ ગયા, એમ કહો કે અલગ કરવામાં આવ્યા. પણ હવે થાય પણ શું. એમના હાથમાં કશું જ ન હતું. વલ્લરીએ શાંતનુને લાચાર થઈ કહ્યું પણ ખરું,
" શાંતનુ એક દિવસ આપણને આ વિરહમાં નાખનાર ખુદ વિરહની આગમાં તડપશે. આપણે જેમ કઠપૂતળી થઈ રહી ગયા એમ એ પણ એના વિધાતાને હાથે વિવશ બની જશે."
સ્નેહે શ્રીયાને કહ્યું,
" શ્રીયા, હજુ પણ વિચારી લેજે તે કર્યું એ બરાબર તો છે ને, આટઆટલું કર્યા પછી પણ તને શું મળ્યું. તું મને તો પ્રેમ કરતો અટકાવી જ નહીં શકે."
શ્રીયા કઈ સમજવા માંગતી જ ન હતી. એની જીદે બે પાત્રો અલગ થઈ ગયા હતા. બધું સમાપ્ત થઈ ગયું હતું. એક નાસમજ પગલું શ્રીયાએ ભરી લીધું હતું. વલ્લરી ને શાંતનુ ભલે ખાલી પાત્રો જ હતા પણ એ બે પાત્રોએ શ્રીયા ને સ્નેહના જીવનને ઘણી અસર કરી હતી. વલ્લરી અને શાંતનુ નો વિરહ કહો કે ગમે તે પણ શ્રીયા આજે એના જેટલી જ પીડા અનુભવી રહી હતી.
હા, શાંતનુ ને વલ્લરી એ ફક્ત બે પાત્રો જ હતા જે શ્રીયાએ અને સ્નેહે સાથે મળીને રચેલા હતા. શ્રીયા એક સરળ, સાલસ છોકરી, ને સ્નેહ એકદમ વિસ્તૃત વિચાર ધરાવતો આધુનિક યુવાન. બંનેએ મળીને એક વાર્તાનું નિર્માણ કર્યું હતું. શાંતનુ ને વલ્લરીને ભેગા કર્યા ને હવે બંનેને અલગ પણ કર્યા. એકદમ વિચારી ન શકાય એવો ટર્ન વાર્તાને આપી દેવાયો. શ્રીયાની જીદે વાર્તાના ફક્ત બે પાત્રો અલગ થઈ ગયા હતા. પણ હકીકતમાં તો એણે પોતાની જ નિયતિ વાર્તારૂપે લખી હોય એવું લાગતું હતું.
આજે શ્રીયા વલ્લરી જેટલી જ વિરહ વ્યથા અનુભવી રહી. સ્નેહ આજે ન હતો, શ્રીયા હવે એકલી પડી ગઈ. સ્નેહનો પ્રેમ અસર કરી ગયો કે નહીં એ તો ખબર નહિ પણ વિરહ અસર કરી ગયો. આજે વલ્લરીની જગ્યાએ શ્રીયા ઉભી હતી. વલ્લરી ને શાંતનુને લખતી વખતે ભલે શ્રીયા કોઈ તાદાત્મ્ય ન અનુભવી રહી હોય પણ અત્યારે એને વલ્લરીમાં પોતાનો ચહેરો દેખાતો હતો, ને શાંતનુ કે સ્નેહ ક્યાંય જ નજરે પડતા ન હતા. પ્રેમની બીજી બાજુ એટલે વિરહ શ્રીયા આજે બખૂબી અનુભવી રહી હતી. વાર્તાની રચના કરી એણે પોતાના જીવનને જ સ્થગિત કરી દીધું હોય એવું એને લાગતું હતું.
એક દિવસ હોસ્પિટલમાં રાડ સંભળાઈ,
" શાંતનુ, તું ક્યાં છે ? હું તારી વલ્લરી જો તને શોધું છું, પ્લીઝ આવી જા મારી પાસે...."
દવાખાનામાં બે વોર્ડન શ્રીયાનો હાથ પકડી એને શૉક ટ્રીટમેન્ટ માટે લઈ ગયા....
© હિના દાસા