પ્રાર્થના, પૂજા પાઠ
આપણા ધર્મ અને શાસ્ત્રોમાં પૂજાનું ઘણું મહત્વ છે. પૂજાપાઠ દ્વારા સુપ્રીમ પાવર , પરમાત્મા અને ભગવાન સાથે કોઈ જાતનું જોડાણ કરવાનો પ્રયત્ન હોય છે. એ જોડાણ કરીને એમની સમક્ષ જાતજાતની આજીજીઓ, માગણીઓ મુકવામાં આવતી હોય છે. મોક્ષની પણ વિનંતી કરવામાં આવે છે, પ્રમોશન, બિઝનેશ વધે, સમૃદ્ધિ વધે , નોકરી મળે એવી ઈશ્વરને વિનંતી કરવામાં આવે છે. પૂજા પહેલા અને પછી ભગવાનને પ્રસાદી ચડાવવાની હોય છે, ધજા પણ ચડાવાય છે. એક ભાવના હોય કે આ બધું સ્વીકારી ભગવાન ખુશ થાય, રાજી થાય અને પ્રાર્થના સ્વીકારે. પૂજા અને પ્રાર્થના હવે જાતજાતની વિધીઓ, રિવાજોમાં તબદીલ થઈ ગયો છે. મૂર્તિની આજુબાજુ ચક્કર લગાવવા, બે હાથ જોડી મંત્ર બોલવો, પ્રભુનું નામ બોલવું, યજ્ઞમાં બેસવું, મૂર્તિને નવડાવવું, ઉપર દૂધ કે પાણીનો અભિષેક કરવો. માથું નમાવવું.... આ પૂજા નથી, આતો આંધળું અનુકરણ છે જે તમે બાળપણથી જોઈ જોઈને શીખ્યા છો. જોકે ઘણી એવી આત્માઓ છે કે ખૂબ દિલથી મંદિરમા પૂજા કરતા હોય છે અને આશીર્વાદ પણ મળે છે.
માટે આપના મન, દિલ સાથે સીધો સંબંધ છે. તમારામાં પૂજાથી કોઈ બદલાવ આવ્યો એ પણ તપાસો!
મંદિરમાં એટલે પવિત્ર જગ્યામાં વહેલી સવારે બ્રહ્મમુર્હુતમાં પૂજા કરી આવ્યા... કેટલીવાર ?? કલાક! બે કલાક? શ્રાવણ મહિનામાં રોજની મુલાકાત..ટીલા ટપકા કર્યા...પૂજા કરી, સરસ વાત છે, પરંતુ એમાં સમજણ નથી. વર્ષોનું જોઈ અનુકરણ છે. મન તો ક્યાંય બીજે ભટકે છે અને હાથમાં માળા છે, વ્રત લીધું છે એટલે મંત્ર જાપ કરવા પડે.
મિત્રો, આ બ્રહ્માંડ ચોતરફ અને અનંત સુધી ફેલાયેલું છે, તો પછી પવિત્ર જગ્યા કઈ? ક્યાં લીટી દોરશો? તમે નક્કી કરો એ પવિત્ર કે કોઈપણ ચીજ વસ્તુ , સ્થાન એના ગુણધર્મથી પવિત્ર?? અન્ય ધર્મના લોકો માટે તમારું મંદિર અપવિત્ર બની જાય એમાં કોઈ લોજીક નથી. આવા ભેદ કરવા જરૂરી નથી. આ બ્રહ્માંડ, આ પૃથ્વી, આ જમીન બધુજ પવિત્ર છે , પહેલા એ જુઓ તમારું મન પવિત્ર છે? તેવીજ રીતે આ સમય પણ અનંત છે, અવિરત છે. શુભ સમય, શુભ મુર્હુત ક્યાંથી હોય.
ચોવીસ કલાક, દરેક ક્ષણ પવિત્ર અને શુભ જ છે. તમે ચોવીસ કલાક પૂજા કરી શકો છો, તમારા અસ્તિત્વ સાથે પૂજા જોડાઈ જવી જોઈએ. બે કલાક મંદિર જઈ આવ્યા કે ઘરમાં એક ખૂણામાં ત્રણ કલાક માળા જપી એ પૂજા નથી, યંત્રવત કામ છે. એ ધ્યાન પણ નથી. પૂજા કરવા મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવાની જરૂર નથી, મોટાભાગે એ બધું બાહ્ય દેખાદેખીની ક્રિયાઓ છે.
તમારું અસ્તિત્વ જ જ્યારે પૂજામય બની જાય છે ત્યારે દરેક જગ્યા મંદિર બની જાય છે. ક્યાંય સ્પેશિયલ જગ્યામાં જવાની જરૂર નથી, તમે કાયમ પવિત્ર જગ્યામાં જ છો. તમે જે કાર્યો દિલથી કરો તો પવિત્ર બની જાય છે. એ પૂજા બની જાય છે. કોઈ કામ બીજાના કહેવાથી, દેખાદેખીથી, કે મજબૂરીથી કે પરાણે કરવાથી તે બોજ બની જાય છે . કોઈ ડોકટર સાહેબ જ્યારે દિલથી દર્દીની સારવાર કરે છે , ટ્રીટમેન્ટ કરે છે તો તે કાર્ય પૂજા છે. અને અસંખ્ય આશીર્વાદ પણ લાવે છે. એટલે work અને worship માં આ ભેદ છે.
તમે તો મંત્રોના જાપ કરતા શીખી ગયા છો, એકજ રિપીટ કર્યે રાખવાનું, તેનાથી કોંસંનટ્રેશન વધે, મગજ શાંત થાય, આરામ મળે એટલે ઊંઘ આવી જાય. પરંતુ પૂજાનો અસલી હેતુ આ નથી. તેનો અસલી હેતુ તમને તમારી જાત/ સ્વ થી પરિચિત કરાવવાનો છે! "અલ્યા કોણ છે તું" આતો સંપૂર્ણ જાગૃતિની વાત છે, ધ્યાનની વાત છે. વર્ષોથી ચવાઈ ગયેલી પધ્ધતિઓથી મનની એકાગ્રતા જ તમને શીખવવામાં આવે છે. જે ધ્યાન , પૂજા નથી. ધ્યાન વડે , પવિત્ર પૂજા વડે તમારે અંદરથી જાગૃત થવાની છે. આવી જાગૃત અવસ્થામાં તમે સમગ્ર " અસ્તિત્વ" સાથે તાલમેલમાં આવી જાવ છો. પરિણામે આપનો ઈગો, અહમ એકદમ અદ્રશ્ય થઈ જાય છે અને આ મજબૂત ઇગોની દીવાલ ધરાશાયી થતાં તમેં અને અસ્તિત્વ એક થઈ જાવ છો. બ્રહ્માંડ સાથે એકાકાર થવાય છે, સમાધિની ક્ષણ આવી ગઈ! તમે જોઈ શકશો કે આ બ્રહ્માંડ તો અનંત છે, અસીમ છે, એની વિશાળતા કલ્પના બહારની છે. અને એની સાથે તમે ભળી જાવ છો, એક થઇ જાવ છો( હજી વાર છે!) એટલે તમે પણ વિરાટ થઈ ગયા, દરિયામાં ટીપું મળી ગયું અને એજ ટીપું હવે દરિયો બની ગયું. આને પૂજા કહેવાય છે. તમને ગમતાં ગમે તે કાર્ય કરતાં કરતાં પૂજા થઈ શકે છે, એ કાર્ય જ પૂજા બની જાય, પ્રાર્થના બની જાય! હા! કોઈપણ કાર્ય કરતા કરતા ...જેમકે વાંચન, પરીક્ષાની તૈયારીઓ, ચાલવું, સંગીત, કચરો વાળવો, કપડાની ઈસ્ત્રી કરો છો...એટલી મગ્નતાથી, દિલથી કરો કે તે જ પૂજા બની જાય! સંગીત વગાડતા વગાડતા પણ ઓટોમેટિક પૂજા થઈ જાય છે, ઈશ્વર સાથે સંવાદ થઈ જાય છે. તન્મય બની જવું તે.
આવા લોકડાઉનમાં મંદિરો ખોલ્યા, અનલોક 1, કે 2...હવે આપ આવી ભીડમાં મંદિરમાં જશો, ઘરે કોરોના લઈ આવશો, એના કરતા ઘરમાં બેઠા બેઠા એટલા દિલથી ભીંડા સમારો કે પૂજાપાઠ થઈ જાય. ભીંડા ન ફાવે તો ગુવાર! અને કિચન જેવી પવિત્ર ભૂમિ ક્યાં હશે આ જગતમાં...જ્યાં પત્ની હોય, મા હોય !!
પવિત્રતા અને ધાર્મિકતા કોઈ લેબલ નથી જે વેચાતા મળે છે કે કોઈ બાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી મળી જાય. આ આંતરિક મામલો છે! મારા વિચારો કોઈને ન પણ ગમે, અણગમો થાય , સત્ય ન જણાય...આ સામાન્ય બાબત છે.