વાત છે એ વિશાળ હ્રદયત્વ ની. જે હંમેશા પીગળી જાય છે, કયાંક કોઈ ને પ્રેમ આપીને ; તો કયાંક મેળવીને...
ન જાણે કેટકેટલાયે વેદનારૂપી ઘાવ સહન કરીને , પોતાની ખુશી નો જીવ આપીને , કાળજા ના કટકા ને રક્ષવા માટે આજે પણ એ અડીખમ ઉભી છે.
હા , એ જ સિંહણ નું શૌર્ય રૂપી સ્ત્રીત્વ. એ જ નીડરતા, સાહસ અને તેજ છટા સાથે એ વાયુવેગે સિંહ રૂપી શિકારી સાથે બાથ ભીડવા જઈ રહી હતી.
હીરણ નો એ કાંઠો આજે કાંઇક બિહામણું સ્વરૂપ લઈને જાણે કે પોતાના ઘુઘવાટ ભર્યા નાદ થી સિંહણ ને લડવાનું પ્રોત્સાહન આપતો હોય એમ કાંઈક શોર મચાવી રહ્યો હતો.
ત્યારે એકબાજુ ભુખ થી તડપતો પોતાનો જ ડાલમથથો એના કાળજા ના કટકા નો જીવ લેવા માટે ઝઝૂમતો હતો અને સિંહણે એ બંને માંથી પોતાના બચ્ચા પર પસંદગી ઊતારી હતી.
એક ગુમાન ભરી નજરે , જાણે પોતાનો શિકાર છીનવતી હોય એમ એ સિંહણ સામે ઘૂરી રહ્યો હતો , આ સાથે સિંહણ ની આંખોમાં પણ પોતાના બચ્ચા ને બચાવવા માટે ની તલપ લાગી હતી.
બંને નજરો એકબીજાના અભિગમ વ્યકત કરતી હતી અને એ નાનકડી જાન પોતાના પ્રાણ બચાવવા માટે ઝઝૂમતી હતી.
એ સાથે જ ઘડીભર ના પલકારામાં એ સાવજે હુમલો બોલી દીધો અને સિંહણ પણ એનો સામનો કરવા માટે મેદાન માં ઊતરી પડી, અટલ શૌર્ય સાથે...
આ માતૃત્વ અને ભુખરૂપી યુદ્ધ માં બંને અડગ જુસ્સા સાથે લડાઈ શરૂ કરે છે જાણે કે જીવન અને મૃત્યુ વચ્ચે ની લડાઈ હોય એમ બંંને એકબીજા પર હુમલો બોલે છે. બીચારું આ નાનકડું સીંહબાળ એનેે તો સપને પણ ખ્યાલ નહોતો કે પોતે આવી વીકટ પરિસ્થિતિમાં મૂકાઈ જશે.
એક બાજુ મમતા અને બીજી તરફ પોતાના જ પાલનહાર ની નિષ્ઠુરતા..!! આ તરફ લડાઈ માં સિંહણ પોતાની પુરી તાકાત લગાવી ને પોતાના જ સાવજ સાથે કલાકો સુધી બાથ ભીડી ને સામનો કરે છે. અને સિંહ ને જોરદાર ઘાયલ કરી નાખે છે.
સિંહ ના શરીર માંથી દડ..દડ..દડ લોહી વહેવા લાગે છે અને એ ત્યાં જ ઢળી જાય છે. આ તરફ સિંહણ એના માસુમ બાળ ને લઈને ત્યાંથી જતી હોય છે ત્યાં તો...
આ..શું..!! સિંહણ ની પાછળ પાછળ ચાલતી એની જાન પર સિંહ જોરદાર તરાપ મારી ને એના પર કબજો કરી લે છે. પોતાના પિતા નો વાર નાનકડું એવું સિંહબાળ કયાંથી સહન કરવાનું...!
એ નાનકડી જાન ઘડીક ભર તો હેબતાઈ જાય છે અને પોતાના પ્રાણ બચાવવા એના સકંજામાંથી છુટવાના મરણીયા પ્રયાસો કરતું હોય છે ત્યાં તો સિંહ ફરી પાછો પંજો મારી ને એને લોહીલુહાણ કરી નાખે છે.
પોતાની જીત નો જશન મનાવવા માટે બેતાબ બની ગયો હતો એ પણ એને કયાં ખબર હતી કે એનો ઘમંડ એના મોત નું કારણ બને તેમ હતો. જંગલ નો રાજા હોવાનો ખોફ પોતાનો જ જીવ લેશે એવો તો એને વિચાર પણ નહોતો કર્યો.
આખરે એક માં પોતાના કાળજા ના કટકા ને કેવી રીતે મરવા દેત...! એની જાન વસતી હોય છે પોતાના વહાલસોયા માં. અને વાત જયારે મમતા ની આવે ને ત્યારે તો નહીં જ , કોઈ સંજોગ માં નહી હાર માનવાની.
એક પણ ક્ષણ નો વ્યય કર્યા વગર એ એના પંજા ના તિક્ષણ નાખુન થી સિંહ પર હુમલો કરે છે અને આ તરફ સિંહ પણ નીચું મુકવા તૈયાર નથી એ પણ સામે પ્રહાર કરે છે.
સિંહ ના સામા પ્રહાર થી ગુસ્સે ભરાયેલ સિંહણ અનેક ગણા જુસ્સા સાથે વારંવાર હુમલો કરી ને આખરે સિંહ ને મોત ને ઘાટ ઊતારી દે છે.
છેવટે એક સિંહણ રૂપી માતા નો પ્રેમ જીતી જાય છે. આ જીત છે એના માતૃત્વ ની કે જે પોતાના બાળક માટે જંગલ ના રાજા સામે લડતા પણ ખચકાતી નથી.
સ્ત્રી ના હ્રદયત્વ નો કોઈ માપદંડ નથી હોતો ; એના હ્રદયત્વ ને માણવા માટે એ લાગણીરૂપી સાગર માં ગરકાવ થવું પડે.
- Meera Vala