સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૩  ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૩ 

ભાગ :- ૧૩

આપણે બારમાં ભાગમાં જોયું કે અનુરાધા સૃષ્ટિના ઘરે જાય છે અને ત્યાંથી એ બંને સાર્થકના ઘરે મળવા જાય છે. સૃષ્ટિ અનુરાધાને બીજા દિવસે બપોર પછી અંબાજી જવાની વાત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

રાત્રે મોડા સુધી અનુરાધા અને સૃષ્ટિ એકબીજાની જિંદગીની વાતો કરે છે. સતત સૃષ્ટિની વાતોમાં સાર્થક, સાર્થક સાથેનો પ્રેમ, સાર્થક સાથેની લાગણીઓ વ્યક્ત થઈ રહી હતી અને આ વાતોમાંને વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી. આખરે મોડી રાત્રે બધા સૂઈ જાય છે. અનુરાધા પણ થોડાક વિચારો કરીને સૂઈ જાય છે.

રાત્રે મોડા સૂવાના કારણે સવારે ૯ વાગે અનુરાધા ઊઠે છે. આજુબાજુ અને ઘરમાં નજર કરે છે પણ સૃષ્ટિ ક્યાંય દેખાતી નથી. મનસ્વી અને એની દીકરી હજુ સૂતી હોય છે. અનુરાધા સૃષ્ટિ સાથે વાત કરવા ફોન ઉઠાવે ત્યારે સૃષ્ટિનો આવેલો મેસેજ વાંચે છે. "અનુ... હું અને સાર્થક મોર્નિંગ શોમાં મૂવી જોવા જઈએ છીએ. તું સૂતી હતી એટલે તને કહેવા કહેવા ના રોકાઈ. હું ૧૧ વાગ્યા સુધીમાં ઘરે આવી જઈશ." આ મેસેજ વાંચી એ એનું રોજીંદુ કામ પતાવે છે અને બંને દીકરીઓને ઉઠાડીને ઘરના કામમાં ને રસોઈમાં લાગી જાય છે.

લગભગ પોણા અગિયાર વાગે સૃષ્ટિ ઘરે પાછી ફરે છે. અનુરાધા તો એને જોઈને અવાક થઈ જાય છે. "અરે વાહ.!! તું તો કાંઈક અલગજ દેખાય છે.! લોંગ સ્કર્ટ અને ટોપ, જોરદાર લાગી રહ્યા છે. સૃષ્ટિ લાગે છે કે, સાર્થકનો પ્રેમ તારા અસ્તિત્વ ઉપર છવાઈ ગયો છે."

સૃષ્ટિ હસીને કહે છે કે, "હા મારી રાધા ડાર્લિંગ... એટલેજ તો કહ્યું, આ સાર્થક છે જ એવો. નશો ખબર નથી ક્યાંથી થઈ આવે કે તારી સૃષ્ટિના હોશ ખોવાઈ જાય." અને બંને આ વાત ઉપર હસે છે.

"રંગ જ એવો ચઢે છે પ્રીતનો,
જગની સુંદરતમ એક રીતનો.
ઓગળી જાય પછી અસ્તિત્વ,
ને છવાઈ જાય એહસાસ મિતનો."

૧૨ વાગ્યે તો બધા જમીને ફ્રી થઈ જાય છે અને સૃષ્ટિ અનુરાધાને એક તરફ લઈ જઈને કહે છે કે, "મારે સાર્થક સાથે સવારે વાત થઈ હતી, એ પણ આપણી સાથે અંબાજી આવવાનો છે. બસનો સમય જોઈ લીધો છે, બે વાગ્યાની બસ છે અને લગભગ ૬ વાગે આપણે ત્યાં પહોંચી જઈશું અને સંધ્યા આરતીનો લાભ પણ લઈ શકીશું."

અચાનક આ બદલાયેલા ઘટનાક્રમ કે સાર્થક પણ સાથે આવશે, અનુરાધા માત્ર સાંભળી રહી અને પછી તરત હા પાડીને જવાની તૈયારીઓમાં લાગી ગયા.

ગુજરાત એસટીમાં ટોટલ પાંચ સીટ બૂક કરાવવામાં આવી હતી. સાર્થકે મૂવી જોયા પછી પહેલાં આ જ કામ કર્યું હતું. પોણા બે વાગે સૃષ્ટિ, અનુરાધા અને બંનેની દીકરીઓ અમદાવાદ એસટી સ્ટેન્ડ પહોંચી ગયા હતા. ત્યાં પહેલેથી હાજર સાર્થક રિઝર્વ ટિકિટ સાથે ઉભો રહ્યો હતો. બસ પણ આવીને ઊભી હતી.

સૃષ્ટિએ અનુરાધાને કહ્યું કે, "સાર્થક અને મનસ્વી લોકો જોડે બેસે અને આપણે બે બીજી સીટમાં બેસીશું.

પણ અનુરાધા સૃષ્ટિના મનની વાત સમજતી હતી એટલે એણે કહ્યું કે, "તું અને સાર્થક સાથે બેસો."

અને બધા બસમાં ગોઠવાઈ જવા લાગ્યા. ત્રણની સીટમાં અનુરાધા અને બે દીકરીઓ અને બે જણની સીટમાં સૃષ્ટિ અને સાર્થક ગોઠવાઈ ગયા.

"નવી મંઝિલ તરફ લઈ જાય છે આ સફર,
લાગે છે નવા સૂર્યોદય જોડે મળાવશે આ સફર.!"

બસ પોતાના સમયમાં ત્યાંથી રવાના થઈ ગઈ. બારીમાંથી આવતા પવનના લીધે સૃષ્ટિના વાળ સાર્થકના ચહેરાને છેડી રહ્યા હતા. સાર્થક પણ આ પળનો જાણે ફાયદો ઉઠાવી રહ્યો હોય એમ અંતરમનથી ખુશ થઈ ક્યારેક ક્યારેક સૃષ્ટિના હાથ દબાવી આંખોના ઇશારે એના વાળ કાબુમાં રાખવા કહેતો હતો. સૃષ્ટિ પણ જાણે આ પળો લૂંટી લેવાના મૂડમાં હોય એમ કોઈપણ ચિંતા કે ફિકર વગર પોતાનું ધાર્યું કરી રહી હતી. વચ્ચે વચ્ચે સાર્થક સૃષ્ટિને પૂછી લેતો હતો કે, "આમ તું મારી પાસે છે તો અનુરાધાબેનને ખોટું નહી લાગે ને.!? એ એકલા નહીં પડે ને.!?"

અને આ વાત સૃષ્ટિ પણ અનુરાધાને પૂછતી હતી, પણ અનુરાધા તો પોતાના વિચારોમાં મગ્ન હતી.! એક તરફ સાર્થક અને સૃષ્ટિ, બીજી તરફ બંને દીકરીઓ તો ત્રીજી તરફ અનુરાધા અને એનો શ્યામ. જ્યારે પણ આવું એકાંત મળતું, એ શ્યામમાં ડૂબી જતી અને બસ એના માટે આટલું પૂરતું હતું. આજે પણ એ શ્યામમાં ડૂબી એને અંતરમનમાં મળી લેવા માંગતી હતી.

આમને આમ બસ આગળ વધી રહી હતી અને સૃષ્ટિના સૂર્યોદયને એક નવી દિશા મળી રહી હતી. સૃષ્ટિ ખુબજ ખુશ હતી આજે મા અંબાના સાનિધ્યમાં પહેલી વખત એ સાર્થક સાથે જઈ રહી હતી અને જીવનનો એક નવો અધ્યાય અને પોતાનું ગમતીલું સપનું પૂરું કરવા આગળ વધી રહી હતી. સૃષ્ટિ સાર્થક સાથે લગ્ન કરવાનું મન બનાવીને જ આ અંબાજી આવવા નીકળી હતી. સમાજ માટે કહેવા જઈએ તો એક અયોગ્ય અને નીતિમત્તાના ધોરણે અન્યાયી સબંધ હતો, પણ હવે જાણે સૃષ્ટિને એનાથી કોઈ ફેર પડતો નહોતો. સૃષ્ટિ જિંદગીનો આ બચેલો સમય માત્ર ને માત્ર પોતાના માટે જ ફાળવવો એવું નક્કી કરી બેઠી હતી.

સૃષ્ટિ સાર્થકની થવા જઈ રહી હતી એ છતાં નિરવને કોઈ જાતનો અન્યાય ના થાય એવું પણ ધ્યાન રાખી રહી હતી. જો કે નિરવને બહુ ફેર પડતો નહોતો, એ છતાં સૃષ્ટિ એનું અને એની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં ઉણી નહતી ઉતરતી. આ બધું સૃષ્ટિના મગજમાં ચાલી રહ્યું હતું ત્યાં જ સાર્થકે એને ઢંઢોળી, એના ગાલને એક હળવો સ્પર્શ કરી પોતાની તરફ ધ્યાન દોર્યું અને હાથમાં હાથ પરોવી ફરી સૃષ્ટિને નિરવની દુનિયામાંથી પાછી પોતાની દુનિયામાં લઈ આવ્યો. ફરી એ બંને એકમેકમાં ખોવાઈ ગયા અને થોડી વારમાં સૃષ્ટિ સાર્થકના ખભે માથું રાખી નિરાંતની ઊંઘમાં સરી પડી. સાર્થકે અનુરાધા તરફ જોયું તો એ વિચારમગ્ન ચહેરે ક્યાંક ખોવાયેલી હતી.

આખરે સાંજે છ વાગ્યે એ બધા અંબાજી પહોંચી ગયા અને ધર્મશાળામાં બે રૂમ લઈ ફ્રેશ થઈ ગયા. સૃષ્ટિ સાડી પહેરી જાણે લગ્નનના જોડામાં સજી હોય એવી લાગતી હતી. આછા લીલા કલરની સાડી, હાથમાં મેંચીંગ ચૂડા, કાનમાં લટકતા ઝૂમખા, રૂમજૂમ કરતી પગની પાયલ... આ બધુંજ જોઈ સાર્થક આભો બની જોઈ રહ્યો. આખરે સંધ્યા આરતીના સમયે એ લોકો મંદિરના શિખરમાં ગોઠવાઈ ગયા.

આરતી પુરી થતાં જ અનુરાધા અને દીકરીઓ મંદિર પાછળ આવેલા પ્રસાદ કાઉન્ટર આગળ પ્રસાદ લેવા ગયા અને આ તરફ સૃષ્ટિ અને સાર્થક મંદિરની બહાર આવેલા પરિસરમાં ઉભા હતા. સાર્થક કંકુ લાવ્યો અને મા અંબાની સાક્ષીએ એણે એ કંકુ સૃષ્ટિના સેથામાં પુરી પોતે આંજેલું અને સૃષ્ટિને બતાવેલુ એક સપનું પૂર્ણ કર્યું. આ સાથે જ સૃષ્ટિ સાર્થકના પગે પડી અને આશીર્વાદ લીધા. ત્યારબાદ બંનેએ મા અંબાના દર્શન કરી તેમની આ જોડી, તેમનો આ સાથ અક્બંધ રહે એવી પ્રાર્થના કરી. સૃષ્ટિની આંખમાં પાણી ઉતરી આવ્યું, આ અલૌકિક દ્રશ્ય સ્વપ્ન હતું કે હકીકત એ પણ જાણે સમજી શકવાની ક્ષમતા ખોઈ બેઠી હતી.! આ ભાવ સાર્થક સમજી રહ્યો હતો આથી એણે સૃષ્ટિના હાથમાં હાથ પરોવી પોતે અહીંજ છે અને સાથેજ છે એવા અહેસાસ સાથે એને પોતાની તરફ વાળી.

અનુરાધા અને દીકરીઓ પ્રસાદ લઈને આવી ગયા હતા. આ પ્રસાદ લઈ બધાએ પોતાની જાતને મા અંબેના સાનિધ્યમાં છે એવા અહેસાસ સાથે મંદિર પ્રાંગણમાં બેઠા અને મન ભરીને વાતો કરી. અનુરાધા સૃષ્ટિના સેંથામાં કંકુ જોઈ સમજી ગઈ હતી કે વિધિના એક લેખ અહીં પૂર્ણ થયા અને એક નવી શરૂઆત થઈ ચૂકી છે. ત્યાંથી બધા સીધા હોટેલમાં ગયા અને ત્યાંથી જમીને લગભગ ૧૦ વાગ્યા સુધીમાં બધા રૂમ ઉપર પહોંચી ગયા.

"શરૂઆત થઈ છે એક નવજીવનની,
વિધિના એક નવા લેખના આરંભની."

*****

એક એવા લગ્ન જે સમાજની નીતિમત્તા ઉપર ખોટા છે એનાથી શું વંટોળ સર્જાશે?
હવે આ સૃષ્ટિ અને સાર્થકના સહજીવનમાં નિરવનું શું સ્થાન રહેશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ