આંખોમાં સમયની વ્યાકુળતાને જાકારો, કપાળમાની કરચલીઓ તો જાણે મોરપિચ્છની કલગી, વાર્ધકયનો રંગ કેશને મનોરમ્ય બનાવવામાં સફળ થઈ રહ્યો હતો. જીભ ને કાન ક્યારેક વળી સાયુજ્ય સ્થાપી ન હતા શકતા.
મારી સવાર આવી એક સારસબેલડી ને જોઈને થતી. ઉઠવાનું તો વહેલું હોય પણ મને જગાડવાનું કામ આ બંને કરતા.
હું રોજ સવારે જ્યા ઉભી હોય ત્યાં સામે એક વયોવૃદ્ધ દંપતી શાકભાજી વેચવા બેઠા હોય. ઓળખાણ તો કાંઈ નહિ, પણ મને એ બંનેને જોવા બહુ ગમે, મારી પ્રતીક્ષાને તેઓ કંટાળાજનક માંથી રસપ્રદ બનાવી દે.
દાદા બધો વહીવટ કરે, બા તો બસ ટેકો દેવા જ બેઠા હોય એવું લાગે, હાવભાવ કે આંખો ભલે ન કહે પણ બને એકબીજાના પૂરક જોઈ લો. ક્યારેક એકાદ જણ ન આવ્યું હોય ને તો બીજું વહેલું ને અધૂરું શાકભાજી વહેંચીને જતું રહે.
એકબીજાથી ક્યારેક છૂટવા આપણા હાઈ ક્લાસ સોસાયટી ના માણસો એકબીજાને એટલી સ્વતંત્રતા આપી દે છે કે એકબીજાની લાઈફ મા શુ થયું છે ક્યારેક તો પતિ પત્ની ને પણ જાણ નથી હોતી, જ્યારે આ સાવ સામાન્ય લાગતા માણસો કેટલું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
હું રોજ તેમને જોઉં ને એટલે મારો ગર્વ ઉતરી જાય. કેટલી સરળતા બંનેમા. જરાય મોહ નહિ, વ્યાજબી ભાવ હોય ને તાજું શાકભાજી હોય, ખબર છે કે આનાથી જ તેની રોજીરોટી છે તો પણ મોકળા મનના.
હું રોજ વિચારું કે આજે તો એમની સાથે વાત કરું પણ કાંઈ મેળ પડે નહીં, એ તો આતુર નજરે ગ્રાહક ની રાહ જોતા હોય, દરેક પસાર થતી વ્યક્તિ એના માટે તો ભગવાન જ જોઈ લો, અને વર્તન પણ એવું જ કરે હો, કે તમે એના માટે કેટલા મહત્વ ના છો.
એક દિવસ તો મેં હિંમત કરી જ લીધી ને પૂછ્યું,
"દાદા છોકરા શુ કરે તમારા? "
તો કહે,
"અરે બેન, એ તો ખબર નહિ કોણ જાણે કયા હશે?"
એટલી વાત થઈ ત્યાં મારી બસ આવી ગઈ ને હું નીકળી ગઈ. પણ આખો દિવસ ને રાતે પણ મને એ જ દેખાયા. વિચારો તો હજારો આવી ગયા કે એમના છોકરાને શુ થયું હશે. પણ વિચારોના ઘોડા દોડાવ્યા સિવાય મારી પાસે કોઈ જ વિકલ્પ ન હતો.
બીજે દિવસે હું થોડી વહેલી નીકળી કે આજે તો પુરી વાત કરવી જ છે. એ તો હાજર જ હતા વગર ઘડિયાળે પણ સમયસૂચકતા તેમની પાસે હતી.
ગ્રાહકો હતા એટલે હું નિરાંતે બેઠી હતી, ત્યાં તો દાદા બોલ્યા કે કેમ બેન આજે વહેલા મેં હકારમાં માથું હલાવ્યું. મેં કહ્યું,
"દાદા કાલની વાત અધૂરી રહી ગઈ હતી, તમારો દીકરો શુ કરે? "
જરાય સંકોચ વગર કહે
"બેન એને તો ઘરમાંથી કાઢી મુક્યો."
મેં કહ્યું, "કેમ ?"
તો દાદી બોલ્યા,
"કપાતર ને શુ ઘરમાં રાખે."
હવે દાદા બોલ્યા,
"અમારે એક નો એક દીકરો હતો. લાડકોડથી ઉછેર્યો એમ તો ન હતું, અમારે વળી લાડકોડ કેવા! પણ અમે કામે જઈએ એટલે એ એકલો હોય. એટલે અવળે રવાડે ચડી ગયો હશે. અમને તો મોડિ ખબર પડી. જુવાન થયો એટલે અમને એમ કે હવે બેસીને રોટલો ખાશું.
એય એવો કામનો હતો. અમને કહે કે બા બાપુ હવે તમે આરામ કરો હું કમાઈશ. અમે તો બહુ રાજી થયા. બસ એના લગન કરી અમારે તો શાંતિથી રેવુ હતું.
સારી છોકરી જોઈને પરણાવી પણ દીધો. ભગવાને ફૂલ જેવી દીકરી પણ તેને ત્યાં આપી. બસ હવે તો કોઈ તમન્ના ન'તી.
સમય પસાર થતો ગયો તેમ છોકરો પીવાના રવાડે ચડ્યો ને ફૂલ જેવી વહુને મારવા લાગ્યો. હું જોઈ ગયો. તે દિ'ની ઘડી ને આજનો દી. એનું મોઢું જોયું નથી. કાઢી મુક્યો ઘરમાંથી.
ઘરે બે દીકરીઓ હતી એક વહુ ને બીજી એની દીકરી એમને પાળવા તો ખરી ને એટલે પાછું કમાવાનું ચાલુ કરી દીધું.
વહુ ને કહ્યું કે તારે બીજું ઘર કરવું હોય તો તારી દીકરીને અમે સાચવશું, પણ એ ન માની, એને છૂટાછેડા અપાવી ને અમારી પાસે જે થોડું હતું તે એ બેય મા દીકરીના નામે કરી દીધું. એટલે પાછળથી કોઈ એમને હેરાન ના કરે."
હું તો અવાચક!
એમને તો જરાય અફસોસ પણ ન હતો. ના નસીબને દોષ આપ્યો કે ના ઇશ્વરને. કેટલી ધીરજ ને ઈમાનદારી!! નૈતિકતાની કેટલી મોટી મિસાલ.
આંખો મા જરાય થાક નહિ, ન ઉંમરનો કે ન મુસીબતો નો, સાચા સંપત્તિવાન તો મને મારી સામી બેઠેલી આ બે મૂર્તિઓ લાગી.....
© હિના દાસા