બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 7 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 7

“શું વિચારો છો? મને ખબર છે તમને મારામાં પર ટ્રસ્ટ જ નથી.”

“ના નિશુ એવું કંઈ નથી. મને ટ્રસ્ટ છે તારા પર. સોરી તુ વાત ન હતી કરતી એટલે હું આવા વિચારોમાં ચડી ગયો. પ્લીઝ મને માફ કરી દે.”

“પણ હું કહું એ કરશો તો જ માફ કરીશ. ઓકે?”

“હા બોલ.”

“બીયરનો ઓર્ડર આપું છું.”

“ના નિશુ. હજી દવા ચાલુ છે અને ક્યાં આ ઠંડુ... ઓકે જોયું જશે. એક કામ કર તને જે ગમે એ બંને માટે લઇ લે.”

“ઓકે તો ઓરેન્જ જ બરાબર રહેશે. ચિંતા ન કરો કંઈ નહિ થાય. આજ લાગે છે તમે મારી બસ મિસ કરાવીને જ રહેશો.” નિશા હસવા લાગી.

“એવું નહી થાય. તમારી બસ આમય દસ મિનીટ મોડી જ આવે છે. નિશુ એક કામ કરને. પ્લીઝ આજે મારા ગામની બસમાં મારી સાથે ચાલને. તુ આવીશ તો મને સારું લાગશે. પ્લીઝ.”

“હું પણ ચાહું છું કે તમારી સાથે આવું પણ તમારા ગામની બસ અમારા ગામમાં અંદર નથી જતી. ઘરે મોડી પહોંચીશ તો ઘરના ચિંતા કરશે એ તો ઠીક પણ ઘણા સવાલો કરશે અને હું જવાબ નહી આપી શકું. આપણી માટે શનિવાર છે તો પછી શું વાંધો? શનિવારે આવીશ તમારી સાથે. ઓકે?”

“તને ખબર છે? તુ છેલ્લા ચાર શનિવારથી મારી સાથે નથી આવી. હવે વારંવાર શનિવારની રાહ જોઇને હું કંટાળી ગયો છું. યાર મારે તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. મારા ઘણા નાના નાના ડ્રીમ્સ છે જે માત્ર તુ જ પૂરા કરી શકે છે.”

“એમ! જરા મને તો કહો એ નાના નાના ડ્રીમ્સ.”

“તુ સારી રીતે જાણે છે. જો ન ખબર હોય તો એ તારા માટે સરપ્રાઈઝ છે. તુ જાતે ટ્રાય કરજે જાણવાની અને જ્યારે તને ખબર પડી જાય ત્યારે એક એક કરીને પૂરા કરી નાખજે. દીકાને ખબર તો પડે બેબી તેને કેટલો પ્રેમ કરે છે? તને યાદ હોય તો મેં તને વોટ્સેપમાં પણ એ લીસ્ટ કીધી હતી.”

“સોરી હું ભૂલી ગઈ છું અને આપણી ચેટ મારે હંમેશાં ક્લીન રાખવી પડે છે. તમને તો ખબર જ છે કે મારી પાસે પર્શનલ ફોન નથી.”

“હા એ જ મને નથી ગમતું. હું કદી તને સામેથી મેસેજ નથી કરી શકતો.” વિજય હસવા લાગ્યો.

“પણ હવે વોટ્સેપની જરૂર જ નહી પડે. હવે તો બસ પાસ થઈને તમારી કોલેજમાં આવું એટલે બસ તમારી સાથે કોલેજમાં ટાઈમ સ્પેન્ડ કરવો છે. દીકા હવે બસ થોડા ટાઈમ સુધી વેઇટ કરવાનો છે.”

“એક વાત પૂછું?

“હા. પૂછો.”

“તને તારું બર્થડે ગીફ્ટ ન ગમ્યું?”

“બહુ ગમ્યું. પણ તમે એમ કેમ પૂછો છો?”

“એક્ચ્યુલી તારા બંને કાનમાં તુ રેગ્યુલર પહેરે છે એ જ ઇયરરિંગ્સ જોયા એટલે.”

“હા તમે આપ્યા હતા એ મમ્મીએ સાચવીને તેમની પાસે રાખી લીધા છે. કહેતા હતા કે આવી વસ્તુ કોઈ સારા પ્રસંગોમાં પહેરવાની હોય. ચાલુમાં નહિ.” નિશા હસવા લાગી.

“તો મમ્મીને પણ બર્થડે ગીફ્ટ ગમી ગયું!” વિજય પણ હસવા લાગ્યો.

“તો હવે આપણે નીકળીએ? બસ હવે આવી ગઈ હશે.”

“નિશુ મારાથી એક લોચો થઇ ગયો છે.”

“શું? કેવો લોચો?”

“સોરી નિશુ મેં મમ્મીને આપણી રિલેશનશિપ વિશે જણાવી દીધું છે.”

“પણ મારી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી તો વેઇટ કરવો હતો. ઓકે ઠીક છે વાંધો નહી.”

“એટલે તને પ્રોબ્લેમ નથી ને?”

“ના. કેમ પ્રોબેલ્મ હોવો જોઈએ?”

“ના ના. મને લાગ્યું તુ ગુસ્સે થઈશ. થેંક્યું નિશુ.”

“હા પણ ધ્યાન રાખજો મારા ઘરે ખબર ન પડે.”

“તેની તુ ચિંતા ન કર. હું પૂરી કોશિશ કરીશ કે એ સમય જ ન આવે અને જો આવશે તો નીક બધું જ સંભાળી લેશે.”

“તો હવે જઈએ?”

“નિશુ તુ મારો સાથ કદી છોડીશ નહી ને?”

“હા નહી છોડું. જ્યારે છોડવાનો વિચાર આવશે ત્યારે હું આ દુનિયા જ હંમેશાં માટે છોડી દઈશ બસ? તમારે હવે કોઈ બીજું પ્રૂફ જોઈએ છે?”

“મને મારી બેબી પર વિશ્વાસ છે. તુ દર વખતે મરવાની વાત ન કર. તારે જીવવાનું છે મારા માટે અને તુ મને તમે કહીને ન બોલાવ. તુ કહીને બોલાવીશ તો મને વધારે ગમશે.”

“ના હું એ રીતે જ બોલાવીશ. મને ગમે છે તમે કહીને બોલાવવું. ખબર છે કેમ? કેમ કે જ્યારે તમે કહીને બોલાવું છું ત્યારે તમારી વાઈફ હોય એવું ફિલ થાય છે.”

“તુ મારી વાઈફ જ છે. હા એ વાત અલગ છે કે આપણા લગ્ન નથી થયા.” વિજય હસવા લાગ્યો.

“તો શું થયું? વહેલા-મોડા એ તો થઇ જ જશે. તો હવે આપણે શનિવારે મળીશું ઓકે? પ્લીઝ તમે ટાઇમ-ટુ-ટાઈમ દવા લઇ લેજો. જો નહી લો તો તમને મારા સમ છે.”

“હા લઇ લઇશ. તે સમ આપી દીધા એટલે લેવી તો પડશે જ.” વિજય હસવા લાગ્યો.

બંનેએ પોતાની સોડા પૂરી કરી અને ત્યાંથી નીકળી સ્ટેશને પહોંચી ગયા. બંનેની બસ પ્લેટફોર્મ પર આવી ગઈ હતી. નિશા ફટાફટ તેના ગામની બસમાં ચડી ગઈ. નિશાના ગામની બસ જ્યાં સુધી સ્ટેશનની બહાર ન ગઈ ત્યાં સુધી વિજય તેને જોઈ રહ્યો. નિશાના ગામની બસ સ્ટેશનની બહાર નીકળી ગઈ એટલે વિજય તેના ગામની બસમાં બેસી ગયો. તે ઘણો ખુશ હતો. તે તેના બેગને હગ કરી સીટ પર સુઈ ગયો. તેને એવું કરતા જોઈ તેની સાથે જામનગર આવતા તેના મિત્રો તેની પાસે આવી ગયા અને મશ્કરી કરવા લાગ્યા. તે બધાને જોઈ નીક હસતા બોલ્યો,

“સુવા દો તેને. વિજયભાઈને લવનો નશો ચડ્યો છે. અત્યારે તે પોતાની અલગ દુનિયામાં ખોવાઈ ગયા છે. હવે બેગમાં પણ તેને પોતાનો લવ ફિલ થાય છે.”

“નીકભાઈ ધ્યાન રાખજો. આ પછી લવના નશાના કારણે બીજા નશામાં ચડી દેવદાસ ન બની જાય. હજી તેને કોઈ અનુભવ નથી કે લવ કેવી ખતરનાક ચીજ છે.” નીકનો મિત્ર મજાક કરતા બોલ્યો.

“ચિંતા ન કર. હવે થોડા દિવસમાં તેને પણ અનુભવ થઇ જશે. કોઇપણ નશો લાંબા સમય સુધી નથી ચાલતો પછી એ લવનો હોય કે દારૂનો.”

“એટલે હવે તૈયારી જ છે એમને? પણ ટાઈમ છે. તમે તેને સમજાવો.”

“એ વિજય હોત તો માની જાત પણ અત્યારે એ આશિક છે અને આશિક દિલ તૂટ્યા વગર નથી સમજતા. તેને અનુભવ થવો જરૂરી છે. ઠેસ લાગશે તો પડીને ઉભો થતા શીખી શકશે.”

નીકે તો બસ મજાકમાં કહ્યું હતુ કે વિજય પોતાની અલગ દુનિયામાં ખોવાઈ ગયો છે પરંતુ એ જ હકીકત હતી. વિજય ફરી તેની કલ્પનાની દુનિયામાં ચાલ્યો ગયો હતો. તેને કોઈ ભાન ન હતુ કે તેની બાજુમાં કોણ શું કરી રહ્યું છે અને કોણ શું બોલી રહ્યું છે. સમય વીતતો ગયો અને કલાક પછી બસ વિજયના ગામમાં એન્ટર થઇ ગઈ. વિજયનું સ્ટોપ આવ્યું એટલે તેના મિત્રએ તેને જગાડ્યો. વિજય ફટાફટ બસમાંથી ઉતરી ગયો અને ઘરે આવી ગયો. નિશા સાથે વાત થઇ એટલે વિજય એકદમ નોર્મલ થઇ ગયો હતો. નિશાનો સુંદર ચહેરો જોઇને અને તેના મીઠા અવાજને સાંભળીને જ જાણે વિજયની તબિયત સારી થઇ ગઈ હતી એવું તેને જોતા લાગી રહ્યું હતું. વિજય વારંવાર આંખો બંધ કરી ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને હેડફોન લેપટોપ સાથે કનેક્ટ કરી પહેર્યા. તેણે લેપટોપમાં તમિલ સોંગ “ક ક ક પો” પ્લે કર્યું અને સોંગમાં એક્ટર વિજય સેતુપતિ જે રીતે ડાન્સ કરી રહ્યો હતો તે રીતે ડાન્સ કરવાની કોશિશ કરવા લાગ્યો. જ્યાં સુધી સોંગ ચાલ્યું ત્યાં સુધી વિજય ડાન્સ કરતો રહ્યો અને સોંગ પૂરું થતા થાકેલી હાલતમાં તેના બેડ પર સુઈ ગયો. પોતાની ખુશી વ્યક્ત કરવાની વિજયની આ એક રીત હતી.

સાંજ પડી એટલે સંજય વિજયના ઘરે આવ્યો. તે વિજયના રૂમમાં ગયો તો તેણે વિજયને હેડફોન પહેરીને બેડ પર પડેલો જોયો. તે ખૂલેલું લેપટોપ જોઇને સમજી ગયો કે વિજય હેડફોન પહેરીને કેમ સુતો છે? તેણે હેડફોન કાઢ્યા અને વિજયને લાત મારી ઉઠાડતા બોલ્યો,

“ચાલ ઉઠતો. ભાન નથી પડતી? સાત વાગી ગયા. ઉઠ હવે.”

“શું યાર. ઘણા દિવસ પછી મસ્ત સપનું આવ્યું હતું.” વિજય ઉઠતા બોલ્યો.

“શું સપનામાં રસ્મિકા મંદાના આવી હતી?” સંજયે હસીને પૂછ્યું.

“ના એ તો ફિલ્મની શૂટિંગમાં બીઝી છે. સપનામાં તો મારી બેબી આવી હતી. તળાવની પાળે હું તેના ખોળામાં માથું રાખી સુતો હતો. તેના કોમળ હાથ મારા ગાલ પર હતા અને તેના ખુલ્લા વાળ મારા ચહેરા પર હતા. હું બસ તેના પ્રેમમાં ડૂબી ગયો હતો. કાશ એ સપનાની જગ્યાએ હકીકત હોત.” વિજયના ચહેરા પર કંઇક અલગ જ આનંદ હતો.

“હવે આ સપનું ફરી આવે તો પ્રેમમાં ડૂબકી ન લગાવતો. તને તરતા નથી આવડતું.” સંજય હસવા લાગ્યો.

“શું યાર તુ પણ. તારી આ મજાક કરવાની આદત ક્યારે જશે? તો અત્યારે અહીંયા...”

“ભાઈના ફ્રેન્ડના ઘરે કામ હતું એટલે તેની બાઈક લઈને આ બાજુ આવ્યો હતો. ફ્રી થયો એટલે વિચાર્યું કે તને મળતો જાવ. નિશાને મળ્યો?”

“હા.”

“મને કોલ પણ ન કર્યો ને?”

“ટાઈમ જ ન મળ્યો અને યાદ પણ ન આવ્યું કે તને બોલાવવાનો છે.”

“હા એ તો દીકાને તેની બેબી મળી જાય પછી ફ્રેન્ડની શું જરૂર?”

“એય એવું કંઈ નથી. તને કાલ જ કીધું હતું કે હું એકલો જ જવાનો છું અને આમય તુ તો બપોરે આપણી એસ.ટીમાં પણ ન હતો આવ્યો. હતો ક્યાં તુ?”

“યાર આજ આઈ.ટી.આઇમાં પ્રેક્ટીકલ ક્લાસ હતો એટલે પછી બે વાગ્યાની બસમાં ઘરે આવ્યો. થાકી ગયો હતો એટલે પછી તને કોલ ન કર્યો.”

“સંજય હું બહુ ખરાબ માણસ છુ ને?”

“ના. એવું કોણે કીધું?”

“મને એવું લાગે છે.”

“પણ તને એવું કેમ લાગે છે? માનું છું તે ઘણી વખત ભૂલો કરી છે પણ એ એવી ભૂલો તો ન હતી કે કોઈ તને ખરાબ કહી શકે.”

“યાર હું ખરાબ માણસ જ છું. નિશાએ પહેલા જ કહી દીધું હતુ કે મારી પહેલા તેનો એક બોયફ્રેન્ડ હતો.”

“તો એ પાછો આવી ગયો છે એમ?”

“પહેલા મારી વાત તો સાંભળ. જ્યારે તેણે મને કહ્યું હતુ કે તેનો એક બોયફ્રેન્ડ હતો ત્યારે મેં તેને કહ્યું હતુ કે મને તેના ભૂતકાળથી કોઈ ફર્ક નથી પડતો. અત્યારે તે મારી છે એટલું કાફી છે મારા માટે પણ આજ...”

“પણ આજ શું?”

“પણ આજ જ્યારે મેં તેની સાથે વાત કરી તો ખબર પડી કે હું બસ તેના પર શંકા કરી રહ્યો હતો અને મારી શંકાઓ ખોટી હતી. હું ખોટો હતો. સંજય તુ સાચું કહેતો હતો કે બ્રેકઅપ માત્ર ફિલ્મોમાં હોય છે. નિશા પોતાના ભૂતકાળને ભૂલીને મારી સાથે નવી શરુઆત કરી રહી હતી અને હું એ વિચારોમાં ખોવાયેલો હતો કે તેની લાઈફમાં કોઈ બીજું છે. હવે તુ જ કહે હું ખરાબ માણસ નથી તો કેવો માણસ છું?” વિજયની આંખમાં આંસુ હતા.

“ઠીક છે તને સાચું શું છે તેની ખબર તો પડી. તો હવે તમારી વચ્ચે બધું નોર્મલ થઇ ગયું ને?”

“હા.”

“ગુડ. તો હવે આવા ખોટા વિચાર કદી ન કરતો. બ્રેક તો આવ્યા કરશે પણ એનો અર્થ એવો નથી કે બ્રેકઅપ થઇ ગયું. બીજી વાત કે નિશાને તુ પસંદ છો એટલે એ તારી સાથે છે. કોઈના કહેવાથી નથી. સમજી ગયો ને?”

“હા. મારા ભાઈ. હા. ચાલ હવે બાઈક લઈને આવ્યો છે તો ક્યાંક જઈએ.”

“ક્યાં જવું છે તારે?”

“ગમે ત્યાં. જ્યાં તુ કહે ત્યાં.”

“ઠીક છે તો આ બધી વસ્તુ વ્યવસ્થિત કરીને બહાર આવ હું બાઈક સ્ટાર્ટ કરું છુ.”

વિજય લેપટોપ અને હેડફોનને તેની જગ્યાએ મૂકી બહાર આવ્યો. સંજયે બાઈક સ્ટાર્ટ કરી એટલે વિજય તેની પાછળ ગોઠવાઈ ગયો. વિજય બરાબર બેસી ગયો એટલે સંજયે બાઈક હંકારી મૂકી.....

To be continued…..