બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 4 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 4

બંને હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જાણ થઇ કે હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ મોટી ભીડ છે. કલ્પેશે હોસ્પિટલ અંદર પાર્કિંગની જગ્યા ન મળતા હોસ્પિટલની સામે સાઈડમાં બાઈક પાર્ક કરી અને કહ્યું,

“આપણે થોડું વહેલા આવવાની જરૂર હતી. ઠીક છે તુ સીધો અંદર ચાલ્યો જજે અને ક્યાંક જગ્યા શોધીને બેસી જજે. હું ફટાફટ તારો કેસ લખાવીને આવું છુ.”

“કલ્પેશ ચાલ ઘરે. મારે કોઈ બ્લડ ટેસ્ટ નથી આપવો અને આમય આજના દિવસમાં મારો રીપોર્ટ આવે તેનો કોઈ ચાન્સ નથી. યાર અંદર ભીડ તો જો. પાર્કિંગની પણ જગ્યા નથી!”

“તારે ફરી મામીને ગુસ્સે કરવા જવું છે?”

“કલ્પેશ પણ મેં બસ તેમને જાણ કરી એમાં ખોટું શું કર્યું?”

“એ મને નથી ખબર પણ તારે આ બધું કહેવાની શું જરૂર હતી? કોણે કહ્યું હતુ તને આ વાત કહેવાનું?”

“કલ્પેશ હું બસ મમ્મીથી કોઈ વાત છુપાવવા ન હતો ઈચ્છતો. કોઈ બીજા દ્વારા વહેલા મોડી મમ્મીને જાણ થાય અને તેમને દુખ લાગે એ પહેલા મેં જાતે જ તેમને કહી દીધું. કલ્પેશ હું જો નિશા સાથે ટાઈમપાસ કરતો હોત તો હું ઘરે આ વાત ન કરત પણ હું નિશાને ખૂબ પ્રેમ કરું છુ અને બસ તેની સાથે જ મારું જીવન પૂરું કરવા માંગુ છું.”

“વિજય જેવું સાઉથની ફિલ્મોમાં થાય છે તેવું હકીકતમાં નથી થતું. એ ફિલ્મોમાં દીકરો માંને પોતાના દિલની બધી જ વાત કરે છે. જ્યારે માંને ખબર પડે છે કે તેનો દીકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે તો તે ખૂબ ખુશ થાય છે અને દીકરા પાસે વચન પણ લઇ લે છે કે એ જ છોકરી તેના ઘરની વહુ બનવી જોઈએ! ફિલ્મમાં આ બધું જેટલું સરળ લાગે છે એટલું સરળ વાસ્તવમાં નથી. વિજય પ્લીઝ યાર સાઉથના ફિલ્મના હીરોની લાઈફ જીવવાનું છોડી દે. વાસ્તવિકતાને સ્વીકારવાનું શરૂ કરી દે ભાઈ.”

“કલ્પેશ હું કોઈ હીરોની નકલ નથી કરી રહ્યો. નીક તેના મમ્મીને તેની ગર્લફ્રેન્ડ વિશે બધી જ વાતો કરે છે. વાતો શું તેના ફોટા બતાવે છે અને તેના મમ્મીને તેની જી.એફ. સાથે વાત પણ કરાવે છે. તો મેં તો બસ...”

“એટલે તુ નીકની નકલ કરે છે એમને? તને વિજય રહેવામાં શું વાંધો છે?”

“કલ્પેશ હું કોઈની નકલ નથી કરતો. હું વિજય જ છું અને વિજયે આ વાત જરૂરી સમજી એટલે ઘરે કરી.” વિજય ગુસ્સેથી બોલ્યો.

“હું જાણું છું અત્યારે તને મારી વાત નથી ગમતી. હું તને બસ એટલું કહેવા માંગું છું કે નીકની લાઈફ જુદી છે અને તારી પણ. નીકના મમ્મી તેની માં કરતા ફ્રેન્ડ વધારે છે તો નીક તેની જી.એફ. વિશે વાત કરે તો એમાં વાંધો નથી પણ તારું શું? તુ કોઈ દિવસ મામી સાથે આટલો સરળ થઇ શક્યો છે? મામીની જનરેશનમાં આ જી.એફ.-બી.એફ જેવી બાબતો એટલી સરળ ન હતી જેટલી આજે છે એટલે તેમને સ્વીકારતા સમય લાગશે. તુ વધારે ઉતાવળો થઇ ગયો.”

“ઓકે તો ભૂલ મારી જ છે. સાચી વાત છે ભૂલ તો મારી જ છે. જો મને ખબર હોત ને કે મમ્મી મારા પ્રેમને લફરું કહીને નકારશે તો હું આ વાતની તેમને ક્યારેય ખબર જ ન પડવા દેત. તેમની નજરમાં તો હું જાણે માણસ જ નથી! શું હું કોઈ વ્યક્તિને પ્રેમ ન કરી શકું? શું મારામાં લાગણીઓ નથી?” વિજય ગુસ્સામાં બોલવા લાગ્યો.

“વિજય ગુસ્સે થઈ જોરજોરથી બોલવાની જરૂર નથી. આપણે પબ્લિક પ્લેસમાં છીએ આપણા ઘરે નહી. આ બધું છોડ તુ અંદર જા. હું કેસ લખાવીને આવું છું.”

“કલ્પેશ એ કાલ થઇ જશે. હજી અગિયાર નથી વાગ્યા. એક કામ કર તુ ફટાફટ ઘરે ચાલ. હું ફટાફટ તૈયાર થઈને અગિયારની બસમાં જામનગર ચાલ્યો જાવ. મારે નિશા સાથે વાત કરવી પડશે કે તે હમણાથી મને ઇગ્નોર કેમ કરે છે? ચાલ જલ્દી એટલે હું સમયસર જામનગર પહોંચી જાવ.”

“ના પહેલા બ્લડ ટેસ્ટ પછી બીજું બધું. જો હજી તાવ છે. ન કરે નારાયણ અને મલેરિયા હશે તો નિશાને થોડા સમય માટે તુ નહી મળી શકે. શું તુ વધારે સમય સુધી નિશાથી દૂર રહેવા માંગે છે? હું તને મળવા જવાની ના નથી કહેતો પણ પહેલા ટેસ્ટ કરાવી લે પછી જજે. આજ તો બપોર સુધી મને રજા મળી છે કાલ નહિ મળે એટલે રીપોર્ટ આજના દિવસમાં જ લેવો પડશે. જા હજી ભીડ ઓછી છે. થોડીવારમાં વધી જશે તો આપણો ટાઈમ વેસ્ટ થશે.”

કલ્પેશની વાત વિજયને બરાબર લાગી. બંને હોસ્પિટલમાં ગયા. કલ્પેશ સીધો કેસબારીએ ગયો અને વિજય અંદર જઈ દર્દીઓની લાઈનમાં ઉભો રહી ગયો. કલ્પેશ વિજય પાસે આવ્યો અને જણાવતા બોલ્યો,

“વિજય જાણું છું આ દર્દીઓની લાઈનમાં ઉભા રહેવું તને નથી ગમતું પણ તારો વારો મોડો આવવાનો છે. આઈ થીંક સાડા અગિયાર તો થઇ જ જશે તો આટલો ટાઈમ વેસ્ટ કરવા કરતા હું કામે જવા માટે તૈયાર થઈ આવું. આઈમીન ઘરે જઈ યુનિફોર્મ પહેરીને રેડી થઈને સીધો તને પીકઅપ કરવા આવું અને તને ઘરે ડ્રોપ કરીને સીધો કામ પર ચાલ્યો જવ. બોલ તારું શું કહેવું છે?”

“ઠીક છે તુ જા.”

કલ્પેશ હોસ્પિટલમાંથી બહાર આવ્યો અને બાઈક લઈને ઘરે આવી ગયો. તેણે ફટાફટ બાઈક સાઈડમાં પાર્ક કરી અને ગેટ ખોલી ઘરમાં ગયો. તેને જોતા જ વિજયના મમ્મી બોલી ઉઠ્યા,

“આપણો કુંવર ક્યાં છે? તેને રીસ ચડી હોય તો ભલે ચડી. ભલે બહાર રખડતો. તુ તેને મનાવવા ન જતો. અમે બીજાને કહેતા હતા કે અમારા છોકરામાં કોઈ ખરાબ લક્ષણ નથી પણ આ તો...”

“મામી હવે એ વાતને ભૂલી જાવ ને. તમારા માટે તો આ સારું કહેવાય કે વિજય બીજાની જેમ છુપાઈને આ બધું નથી કરતો. હું એમ નથી કહેતો કે વિજયે જે કર્યું એ બરાબર છે પણ હવે એ નાનો નથી રહ્યો. કોલેજ જાય છે એટલે આ બધું સ્વાભવિક છે.”

“મોટો થઇ ગયો તો શું આ બધું કરવાનું? કલ્પેશ બેટા તને નથી ખબર આ લફરાંના પરિણામ કેવા આવે? મેં અને તારી માએ નજરે જોયા છે. હજી વિજયમાં એટલી બુદ્ધિ નથી કે તે આ બધું સમજી શકે. શું ખાતરી છે કે જ્યારે છોકરીના ઘરનાને આ વાતની ખબર પડશે ત્યારે તે વિજયને હાની નહિ પહોચાડે? એક તો અહીંથી ત્રીસ કિલોમીટર દૂર જામનગર અપડાઉન કરે છે એની ચિંતા તો હતી જ એમાં વળી આ નવી ચિંતા આવી.”

“મામી તમે વિજયની એવી ચિંતા ન કરો. એવું કંઈપણ નહી થાય. હું તેને સમજાવીશ.”

કલ્પેશ નાહવા ગયો અને નાહીને ફટાફટ તૈયાર થઇ ગયો. તેણે તેનું ટીફીન પેક કર્યું અને રસોડાના પ્લેટફોર્મ પર રાખી દીધું. તેણે બાઈકની ચાવી લીધી અને ઘરની બહાર આવી ગેટ બંધ કરી બાઈક લઈને વિજય પાસે હોસ્પિટલ આવી ગયો. તે વિજય પાસે ગયો તો ત્યાં વિજય ન હતો. તેણે દર્દીની લાઈનની આસપાસના રૂમમાં ચેક કરી જોયું પણ ત્યાં વિજય મળ્યો નહિ. તે લેબોરેટરી તરફ જતો હતો એવામાં વિજય તેને સામેથી આવતો દેખાયો. વિજય તેની અનામિકા આંગળી ચુસતો ચુસતો કલ્પેશ સામે આવી રહ્યો હતો. તેને જોઈ કલ્પેશ બોલી ઉઠ્યો,

“આ શું કરે છે?”

“શું?”

“આ આંગળી...”

“આ લેબોરેટરીવાળા મેડમે સુઈ મારી છે તો લોહી નીકળે છે.”

“તો ટેસ્ટ થઇ ગયો! રીપોર્ટ શું આવ્યો?”

“ટેસ્ટ થઇ ગયો છે પણ રીપોર્ટ બાર વાગ્યા પછી આવશે. ત્યાં સુધી રાહ જોવી પડશે. ચાલ બહાર બાંકડા પર બેસીએ.”

બંને મિત્રો બહાર આવ્યા અને બાંકડા પર બેઠા. વિજયે ખિસ્સામાંથી તેનો ફોન બહાર કાઢ્યો અને ઓન કર્યો પણ તે ઓન ન થયો. વિજયે ફરી પાવર બટન પ્રેસ કર્યું પણ ફોન ઓન ન થયો. તેને વારંવાર પ્રયત્નો કરતા જોતા કલ્પેશ બોલી ઉઠ્યો,

“પાછો રાખી દે. આ શું ગાંડાની જેમ મથી રહ્યો છે? તને દેખાતું નથી ફોન સ્વીચ ઓફ થઇ ગયો છે. ગેમ રમીને બેટરી ઉતારી નાખી હશે.”

“હા સાચી વાત છે. તુ ગયો પછી ગેમ જ રમતો હતો. તારે કામે જવાનું મોડું થતુ હોય તો ચાલ્યો જજે કેમ કે રીપોર્ટ આવતા ઘણી વાર લાગશે.”

“ચાલશે. જો હું જાવ પછી ઘરે આડુંઅવળું કંઈપણ કરતો નહી. મામી કામે ચાલ્યા ગયા છે અને થોડીવાર પછી હું પણ જાવ છું. પેલી નિશા કેમ ઇગ્નોર કરે છે? તે આવું કેમ કરે છે? વગેરે વિચારીને મગજ ખરાબ ન કરતો. આખો દિવસ ફોનમાં મન ન લાગે તો લેપટોપમાં ફિલ્મો જોયા કરજે. હું સાંજે તને નીલીયાના ફોનમાંથી કોલ કરીશ અને મામી સાથે વાત કરાવીશ. તુ તેમની સાથે વાત કર ત્યારે સોરી કહી દેજે. ઓકે?”

“પણ મારો કોઈ વાંક જ નથી તો...”

“તો માંને સોરી બોલવામાં શરમ આવે છે? એક સોરી કહેવાથી બધું ઠીક થઇ જતું હોય તો તેમાં તને પ્રોબ્લેમ શું છે?”

“ઓકે કહી દઈશ પણ તેનાથી કંઈપણ બદલવાનું નથી. મમ્મી આ વાતને રીપીટ કર્યા જ કરશે. અત્યાર સુધી કામને લઈને સંભળાવતા હતા અને હવે આ વાતને લઈને. ફર્ક એટલો જ હશે કે કામની બાબતમાં પપ્પા મારો પક્ષ લેતા હતા પણ આ બાબતમાં નહી લે. મને તો સતત એ જ વિચાર આવ્યા કરે છે કે પપ્પાને આ વાતની ખબર પડશે તો તે કેવી રીતે રીએક્ટ કરશે?”

“મને નથી લાગતું કે મામી મામાને આ વાત કરશે.”

“હા આશા તો એવી જ છે કે ન કહે.”

“પણ તારે એક વખત મને વાત તો કરાય ને કે તુ આ વિશે ઘરે કહેવાનો છે તો હું તને આ કરવા જ ન દેત. છોકરી સાથે લગ્નનું નક્કી હોય અને તુ ઘરમાં વાત કરતો સારું લાગે. અત્યારે તે વાત કરી તેનો કોઈ મિનીંગ જ નથી.”

“મિનીંગ છે કલ્પેશ મિનીંગ છે. નિશાએ મને કહ્યું છે કે એ લગ્ન કરશે તો મારી સાથે જ કરશે નહિતર મરી જશે. અમે જ્યારે વાત કરીએ ત્યારે હું તેને આ પ્રશ્ન કરતો ત્યારે એ મને આ જ જવાબ આપતી કે તેના જીવનમાં હું નહી હોવ તો એ મરી જશે.”

“તેણે એવું કહ્યું અને તે માની પણ લીધું? વિજય આ સાંભળવામાં સારું લાગે છે. હકીકતમાં આ પોસીબલ જ નથી. આ જમાનામાં આવું કોઈ કરે એ હું તો નથી જ માનતો. બસ મન રાખવાની વાતો છે. હું આ વાત માની લેત કે નિશાએ કહ્યું એ નિશા કરશે જ પણ એ વાત હું ત્યારે જ માનત જ્યારે તમારા રીલેશનનો સારો એવો સમય વીત્યો હોય. તારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઇ તેનો માત્ર મહિનો થયો હશે. હવે જે વ્યક્તિ એક મહિનામાં જ તને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે તે વ્યક્તિની આવી વાતો પર તુ કેવી રીતે વિશ્વાસ કરી શકે છે? માણસની એક ટેવ છે. તેને થોડા સમય પછી તેની અતિશય પ્રિય વસ્તુ પણ તેને બોરિંગ લાગવા લાગે છે. શરુઆતમાં જેટલું અટેચમેંટ હોય છે એટલુ થોડા સમય પછી નથી હોતુ. આ માત્ર વસ્તુ પર લાગુ નથી પડતું વ્યક્તિ પર પણ પડે છે. વિચારવા જેવી વાત એ છે કે મહિનામાં જ અટેચમેંટ ઓછું થઇ ગયું! હું એમ નથી કહેતો કે હું જે તને કહું છું એ સાચું જ છે. તને ઇગ્નોર કરવાના કારણ બીજા પણ હોઈ શકે. બસ હું એટલું કહેવા માંગું છું કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કર.”

કલ્પેશની વાતો સાંભળી વિજય એકદમ નિરાશ થઇ ગયો અને હોસ્પિટલ સામે ચુપચાપ જોઈ રહ્યો...

To be continued…..