કલ્પેશ બાઈક લઈને વિજય પાસે આવી ગયો અને વિજયને બેસાડી તેને હોસ્પિટલ લઇ ગયો. તેણે હોસ્પિટલના ગેટ પાસે બાઈક પાર્ક કરી અને વિજયને ટેકો દઈ હોસ્પીટલના મેઈન ગેટ પર લઇ ગયો. તેણે ગેટ ખોલવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે તેમાં તાળું લાગેલું છે. તાળા સાથે બાંધેલી સાંકળના અવાજને કારણે કમ્પાઉન્ડર જાગી ગયો અને ઉભો થઈ ગેટ પાસે આવી તાળું ખોલવા લાગ્યો અને બોલવા લાગ્યો,
“અત્યારે જ ટાઈમ મળ્યો તમને? શું થયું છે?”
“તાવ આવ્યો છે.” કલ્પેશ જવાબ આપી વિજયને અંદર લઇ ગયો અને તેને સીટ પર બેસાડ્યો.
“કલ્પેશ... ઘરે ચાલ પ્લીઝ... ઇન્જેક્શન..નહી..ઇન્જેક્શન.”
“વિજય ચુપ થઇ જા. તને કોઈ ઇન્જેક્શન નથી મારવાનું.”
કલ્પેશ વિજયને સરખો બેસાડી રહ્યો હતો એવામાં નર્સ આવી અને વિજયના ગળા અને કપાળ પર હાથ રાખી અને ગુસ્સો કરતા બોલી,
“આટલો તાવ આવ્યો છે અને તમે આને અત્યારે લાવો છો! સાવ કેરલેસ છો. આ કોઈ ટાઈમ છે આવવાનો? અત્યારે ડોક્ટર પણ નથી શું કરશો?”
“સોરી સિસ્ટર હું હજી જોબ પરથી આવી રહ્યો છું. સવારમાં તો ઠીક જ હતો. સાંજ પછી ઘરે કોઈ હતુ નહિ એટલે હોસ્પિટલ નહી આવ્યો હોય એટલે મારે અત્યારે લાવવો પડ્યો.”
“આ કાંઈ નાનું બાળક છે કે ઘરના હાજર હોય તો જ હોસ્પિટલ આવી શકે? જાણો છો ને કે હમણાં મલેરીયાના કેસ વધી રહ્યા છે? બ્લડ ટેસ્ટ વગર આને કોઈ પણ ટેબ્લેટ નહી આપી શકું. પી.સી.એમથી અત્યારે થોડી રાહત મળી જશે.” નર્સે બોક્સમાંથી ટેબ્લેટ આપતા કહ્યું.
“થેંક્યું સિસ્ટર” કલ્પેશ વિજયને લઈને ગેટ તરફ જવા લાગ્યો.
“કાલ સવારે લઈ આવજો. બ્લડ ટેસ્ટ કરવો પડશે. આઈ હોપ કે મલેરિયા ન હોય.”
“હા જરૂર સિસ્ટર. થેંક્યું.”
કલ્પેશે વિજયને બાઈક પર બેસાડ્યો અને બાઈક સ્ટાર્ટ કરી ઘરે લઇ આવ્યો. તે વિજયને તેના રૂમમાં લઇ ગયો અને તેને બેડ પર બેસાડી તેના માટે પાણી લેવા બહાર આવ્યો એવામાં બાજુના રૂમમાંથી વિજયના મમ્મીનો અવાજ આવ્યો,
“શું કીધું ડોક્ટરે?”
“અત્યારે તો ગોળી આપી છે પણ કાલે ડોક્ટર લોહી તપાસીને દવા આપશે.”
“હા તો કાલે બપોર સુધીની રજા લઈને તેને હોસ્પિટલ લઇ જજે. આ મોડી રાત સુધી લેપટોપમાં ફિલ્મો જોયા કરો છો એમાં તાવ આવી ગયો છે. આવી જ જાયને! શરીરને આરામ જોઈએ કે નહિ? સવારે પાંચ વાગે ઉઠીને રાતે બે વાગે સુવા જાય પછી તાવ આવે જ ને!”
કલ્પેશ વિજય પાસે ગયો અને તેને ઉભો કરી તેને ટેબ્લેટ આપી અને પાણી આપતા કહેવા લાગ્યો,
“આ દવા પીયને સુઈ જા. કાલ સવારે બ્લડ ટેસ્ટ આપવાનો છે.”
“નથી પીવી... મને... મને સુવા દે. મરવા દે આવી જ હાલતમાં. કદાચ મારા મર્યા પછી જ મારી બેબીને મારી કિંમત સમજાશે. યાર તે કેમ આવું કરે છે મારી સાથે?” વિજય રડવા લાગ્યો.
“એય ખોટી લવારી ન કર. છાનો માનો દવા પીયને સુઈ જા. ખાલી તાવ આવ્યો છે સાપ નથી કરડ્યો કે મરી જઈશ. ચુપચાપ સુઈ જા. તારો અવાજ મામી સાંભળશે તો મારે તેમને સમજાવવા મુશ્કેલ થઈ જશે. પ્લીઝ મારી વાત માનને યાર.”
“પહેલા મને મારો ફોન આપ. જ્યાં સુધી બેબીને નહી જોવ ત્યાં સુધી... ત્યાં સુધી મને ઊંઘ... ફોન દે.”
કલ્પેશે ફટાફટ ચમચીમાં ટેબ્લેટ ઓગાળી અને વિજય બબડ્યા કરતો હતો એવામાં તેનું મોં પકડી દવા પાઈ દીધી. વિજય તેને બહાર કાઢવાની કોશિશ કરે એ પહેલા કલ્પેશે વિજયનું મોં અને નાક બંધ કરી દીધું અને બોલ્યો,
“હવે સુઈ જાશ કે પછી બીજી ઓગાળુ?”
“જલ્દી પાણી... થૂં થૂં... પાણી દે.”
કલ્પેશે વિજયને પાણી પીવડાવ્યું. તેણે નેપકીનથી વિજયનું મોં સાફ કર્યું અને તેને બેડ પર વ્યવસ્થિત રીતે સુવડાવી નીચે જમીન પર પથારી કરી સુઈ ગયો.
સવારે નવ વાગ્યા અને વિજયની આંખ ઉઘડી. તેના તાવમાં કોઈ મોટો ફેરફાર ન હતો થયો. તે તેની રૂમની ચારે તરફ નજર કરવા લાગ્યો. તેને ભાન થયું કે તે રૂમમાં એકલો છે. તેણે તેના મમ્મીને બૂમ પાડી બોલાવ્યા. તેના ધીમા અને અસ્વસ્થ અવાજને સાંભળીને તેના મમ્મી તેની પાસે આવી ગયા અને કહેવા લાગ્યા,
“બોલો બેટા. શું થાય છે? પાણી પીવું છે?”
“મમ્મી મારે તમને કંઇક કહેવું છે.”
“હા બોલને બેટા. બોલ તારે જે બોલવું હોય એ.”
“ના... કંઈ નહી. બસ એમ જ.”
“ના બોલ તને મારા સમ છે.”
“મમ્મી કીધુંને કંઈ નથી. આ સમ બમ રહેવા દો.”
“એટલે માં મરી જાય તો તને ફર્ક નહી પડે ને?”
“મમ્મી શું બોલો છો? સાચું કહું છું કંઈ વાતમાં નથી.”
“હા તો બોલ.”
“એમ કહેતો હતો કે હાલરડું સંભળાવો. મને ખબર છે તમે હું નાનો હતો ત્યારે મને હાલરડું સંભળાવ્યું જ નથી.”
“વિજય આ શું ગાંડાની જેમ વાત કરે છે! સાચું કે શું વાત છે? મને ખબર છે તુ કંઇક બીજું જ કહેવા માંગે છે. બોલ જે વાત હોય એ. તને મારા સમ છે.”
“મમ્મી બસ આ જ વાત છે. હું સાચું બોલું છું.”
“વિજય સાચું બોલ. જો મેં તને સમ આપ્યા છે.”
“મમ્મી મને એક છોકરી ગમી ગઈ છે.”
“શું? ફરી બોલ.”
“મમ્મી મને એક છોકરી ગમી ગઈ છે. તેનું નામ નિશા છે.”
“ક્યાંની છે?”
“બસ આપણા જામનગરની જ સમજો ને.”
“કેવી જ્ઞાતિની છે?”
“નથી ખબર.”
“માબાપ શું કામ કરે છે?”
“નથી ખબર.”
“એક કામ કર મને તેની સાથે વાત કરાવ.”
“નહી થાય. એ થોડા સમયથી મારી સાથે વાત નથી કરતી.”
“તને તો બધીય છોકરીઓ ગમી જાય તો શું બધા સાથે તને પરણાવતી ફરું? વાહ! દીકરા વાહ! માબાપનું સારું એવું નામ ઊંચું કર્યું. માબની આબરૂ વધારી.” વિજયના મમ્મી ગુસ્સે થઇ ગયા.
“પણ મમ્મી હું એવું ક્યાં બોલ્યો કે મને તેની સાથે પરણાવો? હું બસ તમને જાણ કરું છુ. પછી તમને એમ ન થાય કે હું બધું છુપાઈને કરું છું.”
“માંને આ વાત કરતા તને શરમ આવવી જોઈએ દીકરા. અમને તો એમ કે અમારો દીકરો કોલેજ ભણવા જાય છે. અમને શું ખબર હતી કે એ ભણવા નહી પણ લફરાં કરવા જતો હશે.”
“મમ્મી પણ...”
“ચુપ થઇ જા. એક શબ્દ પણ હવે ન બોલતો. તને લફરાં કરવા કોલેજ મોકલ્યો હતો? મને થતુ જ હતુ કે કોલેજમાં આવતા તારી રીત ભાત કેમ બદલી ગઈ! હું તો થોડા દિવસથી એ જ વિચારું છું કે ધોધમાર વરસાદ હોય તોપણ આ છોકરો કોલેજ કેમ ચાલ્યો જાય છે?”
“મમ્મી હવે બસ કરો. લફરું લફરું ન કરો. હું નિશાને પ્રેમ કરું છું.” વિજયની આંખમાં આંસુ હતા.
“રડવાનું બંધ કર. આવી મોટી ઉંમરે આંસુ ટપકાવતા શરમ આવી જોઈએ. આ કોઈ ઉંમર છે પ્રેમ કરવાની.” વિજયના મમ્મી ગુસ્સેથી બોલ્યા.
“તો કેટલી હોવી જોઈએ? જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે તો મને કહો છો કે હું જુવાન થઈ ગયો છું. કામે તો લાગવું જ પડશે અને અત્યારે મને કોઈની સાથે પ્રેમ થયો છે તો તમારી માટે હું નાની ઉંમરનો થઇ ગયો?”
“અમે બીજાને સલાહ આપતા હતા કે સંતાનોનું ધ્યાન રાખો ક્યાંક ખોટા રસ્તે ન ચડી જાય. પણ તે આજ એ બધા લોકો સામે અમને નીચું જોવડાવ્યું.”
“મમ્મી હું માણસ નથી? શું મારામાં લાગણી નથી? શું મને કોઈની સાથે પ્રેમ ન થાય. પહેલા તો તમે જ મારા મિત્રોને પૂછ્યા કરતા હતા ને કે મારી કોઈ બહેનપણી છે કે નહી? તો અત્યારે તમને શું થઇ ગયું? લોકો કહેતા હોય છે કે માંને બધી જ ખબર હોય છે તો અત્યારે હું તમને આ વાત કહી રહ્યો છું ત્યારે તમને આટલી નવાઈ કેમ લાગે છે? શા માટે વાતને આટલી મોટી બનાવો છો?”
“માંને માત્ર એટલી જ ખબર હોય છે કે તેનો દીકરો કે દીકરી કોઈ ખોટું કામ નથી કરતા.”
“તો પ્રેમ કરીને મેં શું ખોટું કરી નાખ્યું?”
“દીકરા હું તને પરણાવ્યા વગરની તો ન જ રાખત. આ બધું કરીને તે મારો વિશ્વાસ તોડ્યો છે.”
“મેં કોઈ વિશ્વાસ નથી તોડ્યો. તમે તો એવી રીતે વાત કરો છો જાણે મેં કોઈનું ખૂન કરી નાખ્યું હોય કે પછી કોઈ બેંક લુંટી હોય!”
“હવે તુ કામે લાગી જા. તારે કોલેજ કરવાની જરૂર નથી.” વિજયના મમ્મી ફરી ગુસ્સો કરતા બોલ્યા.
“મેં તો તમને પહેલા જ ના પાડી હતી કે મારે કોલેજ નથી કરવી. તમે જ મોકલ્યો હતો. કોઈ આવીને કહે કે કોલેજ કરો તો નોકરી મળશે તો કોલેજે મોકલશે અને જો કોઈ કહે કે કોલેજ કરવામાં કોઈ ફાયદો નથી એની જગ્યાએ આઈ. ટી. આઈ કરી લેવાય તો ત્યાં મોકલી દેશે. બીજા કહે અને કરે એ જ મારે કરવાનું?”
“મને ન હતી ખબર કે તુ ત્યાં જઈને આવા ખેલ કરીશ નહિતર ન ભણાવત. મને કોઈ શોખ ન હતો થયો પૈસા બગાડવાનો. મારે કોલેજના ગ્રુપમાં ભણવાના મેસેજ આવે છે એમ કહી કહીને વીસ હજારનો ફોન લીધો. એ ઓલી કાલની આવેલી સાથે વાત કરવા માટે જ ને? એ કાલની આવેલી માટે તુ અત્યારે મારી સામે અવાજ કરી રહ્યો છે! તારે જે કરવું હોય એ કર. તને પોસાય તો રહે આ ઘરમાં નહિતર આખી દુનિયા પડી છે. હું તારું જરા પણ સહન નહી કરું. એ છોકરી મને મારા ઘરમાં જોઈએ જ નહિ. બે-ત્રણને ફેરવતી હોય એવીને લાવવા કરતા તને કુંવારો રાખું.”
“મમ્મી જે કહેવું હોય એ મને કહો. આમાં નિશાનો કોઈ વાંક નથી. તેના વિશે જેવું તેવું ન બોલો.” વિજયએ ગુસ્સામાં કહ્યું.
“તુ નથી બોલતો દીકરા. મારા નસીબ બોલે છે. આ બધું તારા મિત્રોના સંગને કારણે જ થયુ છે. કેવી તારી બુદ્ધી હતી! કેટલી ભાન હતી કે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ! એ બધાની તો ફરિયાદ હું કરીશ જ.”
“મમ્મી નિશા પરથી હવે મારા મિત્રો પર આવી ગયા! તમે એવું ઈચ્છો છો કે હું આખો દિવસ ઘરમાં જ રહું. ત્રણથી ચાર તો મિત્રો છે મારા હવે એ પણ ન રહે? મારા પ્રેમને તમે ભૂલ ગણતા હોય તો બધી જ ભૂલ મારી છે. મારા મિત્રોને આ ભૂલ સાથે કોઈ લેવા દેવા નથી. મોટી ભૂલ તો મારી એ છે કે મેં તમને મારા હ્રદયની વાત કરી. વિચાર્યું હતુ કે તમે માં છો દીકરાની લાગણી સમજી શકશો. મેં બસ તમને જાણ કરવા કહ્યું હતુ કે મને કોઈ ગમે છે. એમ ન હતુ કહ્યું કે મારે અત્યારે જ લગ્ન કરવા છે.”
“કલ્પેશ આને મારી આંખો સામેથી લઇ જા. આ દીકરા નથી દીપડા છે.” વિજયના મમ્મી રૂમમાંથી ગુસ્સો કરતા બહાર નીકળી ગયા.
કલ્પેશ શાંતિથી માં-દીકરાની વાતો સાંભળી રહ્યો હતો. તે વિજય પાસે ગયો અને તેનો હાથ પકડી તેને ઉભો કરવા લાગ્યો અને બોલ્યો,
“ચાલ તારે બ્લડ ટેસ્ટ આપવાનો છે. હમણાથી મલેરિયાના કેસ વધી રહ્યા છે તો હોસ્પિટલમાં ઘણી ભીડ હશે. ચાલ પછી મોડું થઇ જશે.”
“મારે નથી જવું ક્યાંય.”
“વિજય ખોટી રીસ ન રાખ. માંની વાતોનું ખોટું ન લગાવવાનું હોય.”
“એ તો ફુઈ મમ્મી જેવા નથી એટલે તુ કહી શકે છે.”
“અહી ફુઈ કે મામીની વાત નથી. દુનિયાની બધી માં એક જેવી જ હોય છે. ફર્ક માત્ર સ્વભાવનો જ હોય છે બાકી હ્રદય તો દરેક માંનું એક જ જેવું હોય છે. અત્યારે તુ ગુસ્સામાં છો એટલે તને આ વાત નહિ સમજાય. ચાલ ઉભો થા બ્લડ ટેસ્ટ માટે જઈએ. આ ભાઈની વાત નહિ માને?”
“કલ્પેશ તુ કેમ મમ્મીને સમજાવતો નથી? મેં પ્રેમ કરીને કોઈ ક્રાઈમ નથી કર્યો અને હું કોઈ ક્રિમિનલ નથી કે તે મારી સાથે આવી રીતે વાત કરે છે.”
“હું ન સમજાવી શકું. એ મારાથી મોટા છે. મારી કોઈ લાયકાત નથી તેમને સમજાવવાની. તે મામી છે મારા અને ખાસ ઘરના વડીલ છે. તેમને સમજાવવાની કોશિશ કરવી એ તેમનું અપમાન છે. ભૂલ નહિ કે મામીએ તારા કરતા વધારે દુનિયા જોયેલી છે.”
“પણ કલ્પેશ...”
“મારી વાત નહી માને?” કલ્પેશે વિજયને અટકાવતા કહ્યું.
વિજય આગળ ન બોલ્યો અને ઉભો થઇ રૂમની બહાર નીકળી ગેટ ખોલી ઘરની બહાર આવી ગયો. કલ્પેશે ઘરના ફળીયામાંથી બાઈક બહાર કાઢી અને ગેટ બંધ કર્યો. વિજય બાઈકમાં બેઠો એટલે કલ્પેશે બાઈક સ્ટાર્ટ કરી અને હંકારી મૂકી.....
To be continued…