breakup - beginnig of self love - 8 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 8

બે દિવસ પછી વિજયને કોલેજના અસાઇનમેંટ સબમિટ કરવાના હતા તેથી તે બે દિવસ પછી સવારે નવ વાગ્યાની બસમાં જામનગર જવા રવાના થઇ ગયો. બસ જામનગર પહોંચી ત્યારે દસ વાગ્યા હતા. અસાઇનમેંટ સબમિટ કરવાનો ટાઈમ અગિયાર વાગ્યાનો હતો એટલે તેણે સંજયને કોલ કરી તેને થોડીવાર માટે આઈ.ટી.આઈમાંથી બહાર બોલાવ્યો. સંજય આવ્યો એટલે બંને મિત્રો ચા પીવા ગયા અને ચા પીધા પછી સ્ટેશન ગયા. બંને મિત્રો સ્ટેશન પહોંચ્યા તો વિજયે જોયું કે લકી નીક સાથે વાતો કરી રહ્યો હતો. વિજયે તેના મિત્રો પાસેથી લકીનું માત્ર નામ સાંભળ્યું હતું. વિજયે અસાઇનમેંટ સબમિટ કરવાના એક દિવસ પહેલા નીકના એક મિત્ર દ્વારા લકીને પહેલી વખત જોયો હતો. જ્યારે વિજયે નીકના મિત્ર પાસેથી લકી વિશે જાણવાની કોશિશ કરી હતી ત્યારે વિજય કંઈપણ પૂછે એ પહેલા જ નીકના મિત્રએ તેને જણાવી દીધું હતુ કે નિશા બંને સાથે રિલેશનશીપમાં છે અને બંને પાસે ખોટું બોલી રહી છે કે તે ફક્ત એક વ્યક્તિને જ પ્રેમ કરે છે. વિજયને બીજાની વાતો પર વિશ્વાસ ન હતો. તે લકીને રૂબરૂ મળી તેની પાસે સાચું શું છે તે જાણવા માંગતો હતો અને આજ એ મોકો હતો. વિજયને સામે ઉભેલો જોઈ નીક બોલી ઉઠ્યો,

“તારે લકી સાથે વાત કરવી હતી ને? આ રહ્યો લકી. તારે જે પૂછવું હોય એ પૂછી લે.”

“મારો બસ એક જ સવાલ છે કે તેની અને નિશા વચ્ચે શું ચાલી રહ્યું છે?”

“મને ના પૂછ. હું લકી નથી. તેની સાથે ફેસ ટુ ફેસ વાત કર.” નીકે કહ્યું.

“ઓકે. તો તારી અને નિશા વચ્ચે શું ચાલી રહ્યું છે?” વિજયે લકી સામે જોતા પૂછ્યું.

“તારે શું સાંભળવું છે?”

“સાચું હોય એ.”

“જો ભાઈ તુ મારી વાત પર વિશ્વાસ કર કે ન કર પણ હું સાચું જ કહીશ. સાચું એ છે કે અમે બંને રિલેશનશીપમાં છીએ.”

“કેટલા સમયથી?”

“પંદરથી વીસ દિવસ થઇ ગયા હશે.”

“ઓહ. ઠીક... હા ઠીક છે.” વિજય નિરાશ થઈ ગયો.

“ભાઈ મને ખબર ન હતી કે નિશા તારી સાથે રિલેશનશીપમાં છે નહિતર હું તેની સાથે સંબંધ રાખવાની કોશિશ ન કરત. ભાઈ તુ કહેતો હોય તો હું બંને વચ્ચેથી નીકળી જાવ.”

“ના ભાઈ ના. તારે નીકળવાની કોઈ જરૂર નથી. નિશા માટે મારા કરતા તુ વધારે ઈમ્પોર્ટન્ટ છો એટલે જ તે તને મારાથી છુપાવી રહી છે.” વિજય લાગણી છુપાવતો હોય એમ હસવા લાગ્યો.

“ભાઈ હું જાણું છું કે તુ નિશાને ખૂબ જ પ્રેમ કરે છે પણ સાચું કહું તો તારે જેવું પાત્ર જોઈતું હતુ એ તને નથી મળ્યું. કદાચ સાચો પ્રેમ તારા નસીબમાં જ નથી.”

“હા સાચી વાત છે.” વિજયની આંખોમાં ધીમે ધીમે આંસુઓ આવવા લાગ્યા.

“ભાઈ તમે બંને ખુશ રહો. હું બંનેથી દૂર ચાલ્યો જઈશ. કદી તમારી વચ્ચે નહી આવું.”

“ના ભાઈ. આમાં તારો કોઈ વાંક નથી. નિશાની ખુશી હું નથી તુ છો અને હું બસ તેને ખુશ જોવા માંગું છું. બસ દુખ એ વાતનું છે કે તમારા રિલેશનનો આટલો સમય થઇ ગયો તેમ છતાં નિશા મારી પાસે જુઠું જ બોલે છે. મને સાચું કહેતી જ નથી કે તેની લાઈફમાં મારી સિવાય બીજું કોઈ છે. મારા નસીબ તો જો. મને અત્યારે ખબર પડે છે કે જેને હું મારું સમજુ છું એ મારું નથી! વાંધો નહી પણ હું નિશાની પસંદને સલામ કરું છુ કે તેણે તને પસંદ કર્યો. ખોટું નથી કહેતો તારી સાથે વાત કરીને સારું લાગ્યું. ઠીક છે હવે મારે કોલેજનો ટાઈમ થઇ ગયો છે મારે જવું પડશે.”

“હા ભાઈ વાંધો નહી. આપણે ફરી મળીએ. આ મેટર જલ્દી પતાવી નાખીએ. નિશા જ ચૂઝ કરશે તેને કોણ જોઈએ છે?”

“હા. એ બરાબર રહેશે.”

વિજય નિરાશ થઇ ત્યાંથી ચાલ્યો ગયો. તે બસ ચુપચાપ કોલેજના રસ્તા તરફ ચાલવા લાગ્યો. તેને જોઇને સંજય તેની પાછળ ગયો. સંજયે પાછળથી વિજયના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું,

“તુ ઉદાસ ન થા. તને લાગે છે એ સાચું બોલે છે? કદાચ તમારો પ્રેમ લકી જોઈ નથી શકતો એટલે આવી વાતો બનાવતો હશે. નિશા તને કહે એ જ સાચું. બીજાની વાત પર ભરોસો ન કર.”

“ના ભાઈ હું ઉદાસ નથી. બસ આજે રિક્ષામાં જવાનું મૂડ નથી. હું આજ પહેલી વખત એ માણસને મળી રહ્યો છું. તને લાગે છે લકીને મારી સાથે કોઈ પર્શનલ દુશ્મની હશે? એ સાચું બોલી રહ્યો હતો. તે જોયું નહી? અમારી સાથે નીક પણ હતો. તને લાગે છે તેના પાસે હોવા છતાં એ માણસ મારી પાસે જૂઠું બોલે? યાર વાંક મારો છે. મારામાં જ કંઇક ખામી છે. અત્યાર સુધી છોકરીઓના રીજ્કેશન જ મળ્યા હતા. ખુશ હતો કે જીવનમાં કોઈક તો આવ્યું જેણે મને સ્વીકાર્યો. પણ હવે... છોડને યાર. જા આઈ.ટી.આઈનો ક્લાસ મિસ થઇ જશે. હું અગિયાર વાગ્યા પહેલા પહોંચી જઈશ. મારી ચિંતા ન કર. આઈ એમ ઓકે.”

“ના તુ દુખી છો. તારે કોલેજ જવું હોય તો રિક્ષામાં જ જા. આગળ ચાર રસ્તા પડે છે અને તુ રોડ ક્રોસ કરવામાં કાચો છે. આ હાલતમાં હું કોઈ રિસ્ક ન લઈ શકું.”

“શું યાર તુ પણ. છેલ્લા ચાર મહિનાથી એ રોડ ક્રોસ કરું છું. ચિંતા ન કર હું ઠીક છું. અત્યારે રિક્ષાની રાહ જોવા ઉભો રહીશ તો લેટ થઇ જશે. યુવીના બે કોલ આવી ગયા છે. એ મારી રાહ જોતો હશે. તુ ચિંતા ન કર હું ઠીક છુ અને કોલેજ સમયસર પહોંચી જઈશ.”

“ઠીક છે જા. યાદ રાખજે નિશાએ હજી નથી કીધું કે તે લકી સાથે રિલેશનશીપમાં છે. જ્યાં સુધી નિશા જાતે ન સ્વીકારે ત્યાં સુધી તુ કોઈ ખોટા વિચારો ન કરતો. તને બે દિવસ પહેલા કીધું હતું અને આજ પણ કહીશ કે બ્રેક તો આવ્યા કરશે પણ તેનો એર્થ એ નથી કે... સમજી ગયો ને?”

“હા ભાઈ સમજી ગયો. ચાલ તો પછી મળીશું.”

સંજય તેના આઈ.ટી.આઈમાં ગયો અને વિજય કોલેજ તરફ ઉતાવળા પગે ચાલવા લાગ્યો. અગિયાર વાગ્યાની પાંચ મિનીટ પહેલા તે કોલેજના મેઈન ગેટે પહોંચી ગયો. તેણે સિક્યુરીટી ગાર્ડને “મહાદેવ હર” કહ્યું અને તેના ગળામાં પહેરેલું આઇકાર્ડ બતાવી અંદર ચાલ્યો ગયો. તે તેના ક્લાસમાં જઈ ફટાફટ બેસી ગયો. બાર વાગ્યા સુધીમાં કોલેજનું કામ પૂરુ થઇ ગયુ અને વિજય ધીમે ધીમે ચાલતો સ્ટેશન આવી ગયો. બસ આવવાની તૈયારીમાં હતી. વિજય સ્ટેશનમાં નિશાને શોધવા લાગ્યો. થોડીવાર પછી તેના મિત્ર દ્વારા તેને જાણ થઇ કે નિશાના ગામની બસ થોડીવાર પહેલા જ નીકળી ગઈ છે. વિજયના મનમાં સતત લકીની વાતો ફર્યા કરતી હતી. નિશાની એવી વાતો સાંભળી વિજયને ગુસ્સો આવતો હતો પણ ગુસ્સાથી વધારે તેને પોતાના નસીબ પર રડવુ આવતું હતું. બસ આવી એટલે તેની સાથે અપડાઉન કરતા મિત્રો બસ તરફ ભાગવા લાગ્યા અને બસની બારીમાં પોતાના બેગ નાખી જગ્યા રોકવા લાગ્યા. નીક ક્યારે બારીમાં કૂદીને બસમાં તેના મિત્રો માટે જગ્યા રોકીને બહાર આવી ગયો એ કોઈને ધ્યાન જ ન રહ્યું. નીક વિજય પાસે આવ્યો અને તેનું બેગ આપી વિજયને છેલ્લી સીટ પર પહોંચવા કહ્યું. વિજય નીકના કહ્યા પ્રમાણે છેલ્લી સીટ પર જઈ બેસી ગયો. નીકે રોકેલી સિટ પર ધોમે ધીમે તેના મિત્રો બેસવા લાગ્યા. નીક વિજય સામે જોઈ રહ્યો અને થોડીવાર પછી બોલ્યો,

“શાંતિથી સુઈ જા. ખોટા વિચારો ન કર. આપણે આરામથી વાત કરશું.”

“ઓકે” કહી વિજયે બેગમાંથી ઈયરફોન કાઢ્યા અને ફોન સાથે કનેક્ટ કરી સોંગ સાંભળવા લાગ્યો.

બસ જામનગર સ્ટેશનમાંથી નીકળી ગઈ...

ઘરે પહોંચી વિજયે પોતાની જાતને તેના રૂમમાં બંધ કરી દીધી. તે નિશા વિશે વિચારતો રહ્યો અને પોતાના નસીબ પર રડતો રહ્યો. તે વારંવાર પોતાના જમણા હાથમાં લખાવેલા નિશાના નામને જોઈ રડતો રહ્યો. વિજય ધીમે ધીમે માનવા લાગ્યો હતો કે જેને તે પોતાની દુનિયા માની રહ્યો છે એ હવે ટૂંક સમયમાં જ ખત્મ થઇ જવાની છે. વિજયે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. તે ન હતો ચાહતો કે કોઈ તેની આસપાસ રહે કે કોઈ તેના સંપર્કમાં રહે. તે નિશાને યાદ કરતો રહ્યો, તેની સાથે વિતાવેલા પળોને યાદ કરતો રહ્યો, જે સપના તેણે નિશા માટે જોયેલા હતા તેને યાદ કરતો રહ્યો અને રડતો રહ્યો. તે થોડીવાર પછી નાહવા ચાલ્યો ગયો અને ફ્રેશ થયા બાદ નોર્મલ છે એ રીતે વર્તન કરવા લાગ્યો.

રાતના અગિયાર વાગ્યા એટલે કલ્પેશ કામ પરથી ઘરે આવ્યો. કલ્પેશ હંમેશાં કામ પરથી આવી પહેલા નાહવા જતો અને ફ્રેશ થયા બાદ આરામથી જમવા બેસતો. વિજય હંમેશાં કલ્પેશ સાથે જ ડીનર કરતો. હંમેશાની જેમ કલ્પેશ ફ્રેશ થયો ગયો એટલે બંને સાથે જમવા બેઠા. બંને જમ્યા બાદ સોડાશોપ તરફ ચાલવા લાગ્યા. કલ્પેશ સમજી ગયો હતો કે વિજયનું વર્તન કંઇક જૂદું છે. કલ્પેશે વાતની શરુઆત કરતા પૂછ્યું,

“આજ કેમ એક્ટિંગ કરવી પડે છે?”

“હું એક્ટિંગ કરું છું? તને એમ કેમ લાગે છે?”

“બસ એમ જ. આજ એ વિજય નથી જે હંમેશાં હોય છે. તુ લાગણી છુપાવવાની કોશિશ કરી રહ્યો હોય એવું મને લાગે છે. કદાચ એવું ન પણ હોય. મેં તો બસ એમ જ કહ્યું.”

“હા સમજી ગયો. જાણું છું કે તારાથી કંઈપણ છુપાવી નહિ શકું.”

“તો પછી જણાવી દો.” કલ્પેશ હસતા બોલ્યો.

“બસ હવે મારી દુનિયા રહેવાની નથી.”

“કેમ?”

“મારા મિત્રો સાચા હતા કે નિશાની લાઈફમાં મારી સિવાય પણ કોઈક છે.”

“તને એવું લાગે છે? તુ વિશ્વાસ કરે છે આ વાત પર?”

“ખબર નહી પણ મારા પાસે વિશ્વાસ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવું કંઈપણ નથી કે હું મારી જાતને મનાવી શકું કે નિશાની લાઈફમાં મારા સિવાય કોઈ નથી.”

“એવું તો વળી શું થયું?”

“આજ હું લકીને મળ્યો. એ લકી જેનો નીકે તને ફોટો બતાવ્યો હતો. મને તો સારો વ્યક્તિ લાગ્યો પછી તો ઈશ્વર જાણે.”

“એવું પણ બની શકે ને કે એ માત્ર ફ્રેન્ડ હોય.”

“હું પણ એમ જ માનતો હતો પણ આજ લકીએ કીધું કે એ બંને રિલેશનશીપમાં છે.”

“તુ તેની વાત પર વિશ્વાસ કરે છે? કદાચ એ તમને એકબીજાથી દૂર કરવા માટે તારી પાસે જૂઠું બોલતો હોય એવું પણ બની શકે.”

“મને નીકે પહેલા જ કહ્યું હતુ કે રિલેશનશીપમાં ડીપમાં ન ઉતરતો પણ મેં એ કર્યું. યાર મારે કોઈની સાથે ટાઈમપાસ ન હતો કરવો. મારે બસ પ્રેમ જોઈતો હતો. મારી લાઇફમાં એવું કોઈ વ્યક્તિ હોય જેના માટે હું ખાસ લાગણીઓ રાખી શકું એવી મારી ઈચ્છા હતી. હવે ટૂંક સમયમાં ફરી એ અધૂરી થઇ જવાની છે. કદી કલ્પના પણ ન હતી કરી કે આમ બધું અચાનક જ થઇ જશે. રડવાની ઈચ્છા તો ઘણી છે કલ્પેશ પણ હવે તો આંસુઓએ પણ સાથ છોડી દીધો છે.”

કલ્પેશ વિજયને ઈમોશનલ થયેલો જોઇને તેને ભેટી પડ્યો...

To be continued…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED