breakup - beginnig of self love - 6 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 6

બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચે વિજય જામનગર જવા માટે તૈયાર થઇ ગયો હતો. તેણે તેનું બેગ લીધું અને બેડ પરથી ઈયરફોન લઇ તેમાં નાખ્યા. તેણે ફોન ચાર્જિંગમાંથી લઇ લીધો અને ખિસ્સામાં નાખી તેના મમ્મી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તે રોજની જેમ તેમને પગે લાગ્યો અને બોલ્યો,

“મમ્મી હું કોલેજ જવ છું.”

“શું કામ છે કોલેજે? ક્યાંય નથી જવાનું. સુઈ જા તારા રૂમમાં જઇને.” વિજયના મમ્મી ઊંઘમાંથી આંખો ખુલતા જ બોલી ઉઠ્યા.

“પણ મમ્મી મારે જવું પડશે.”

“શું પેલી રાહ જોઈ રહી છે? તેને મળવા માટે કોલેજનું બહાનું બનાવી રહ્યો છે. ભલે રાહ જોતી. તારે ક્યાંય નથી જવાનું. આપણે એવી કોઈ શોભા નથી જોઈતી. કોલેજ કરીને પણ નોકરી નથી મળવાની. હવે કામે ચડી જા. કોલેજ કરવાની કોઈ જરૂર નથી. કામે ન જવું હોય તો ઘરમાં શાંતિથી પડ્યો રહેજે. જા સુઈ જા.”

“ના મમ્મી એવું કંઈપણ નથી. તમે શું તેની પાછળ પડી ગયા છો?”

“એ ભાઈ હું કોઈની પાછળ નથી પડી. તારે જે કરવું હોય એ કર. આમય તુ મારું માનતો હોત તો આ દિવસ મારે જોવો જ ન પડ્યો હોત. જા જ્યાં જવું હોય ત્યાં જા પણ એટલું યાદ રાખજે કોઈ માણસ તને શોધતો આપણા ઘરના દરવાજે ન આવવો જોઈએ અને જો તને કોઈ મારે તો અહી તો પાછો આવતો જ નહિ.” વિજયના મમ્મી ગુસ્સે થઇ ગયા.

“મમ્મી કોઈને પ્રેમ કર્યો તેમાં મેં શું ખોટું કરી નાખ્યું? જ્યારે માણસને ઘરમાં પ્રેમ ન મળતો હોય ત્યારે જ માણસ બહાર પ્રેમ શોધે છે ને? જ્યારે કોલેજ માટે ના પાડી હતી ત્યારે કોલેજ કરાવી અને હવે કોલેજ જવાનું કહું છું તો હવે ના પાડો છો. તમારી આ જ બાબત મને નથી ગમતી.”

“અમે એવું તો શું ન કર્યું કે તને બીજા પાસેથી પ્રેમ મેળવવાની જરૂર પડી? તે કહ્યું લેપટોપ લેવું છે તો અમે તાત્કાલિક પાત્રીસ હજારનું લેપટોપ લઇ દીધું. તેના હજી હપ્તા પણ પુરા નથી થયા ત્યાં તે વીસ હજારનો ફોન લીધો અને હવે તેના પણ હપ્તા ચાલુ થઇ ગયા. આ બધું ઓછુ છે? પૈસાના કોઈ ઝાડ નથી આપણા ઘરે કે આ બધું એમજ આવી જાય છે. આ તો માબાપ કામ કરે છે એટલે આ બધા જલસા થઇ શકે છે પણ તને અમારી કદર છે?”

“તમે બધી વાતમાં આ ખર્ચાઓ વચ્ચે લઇ આવો છો અને મને સંભળાવ્યા કરો છો. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. હું કોલેજ જવ છું કોઈ છોકરીને મળવા નહી. વિશ્વાસ ન હોય તો ચાલો મારી સાથે નહિતર મોકલો કલ્પેશને. કલ્પેશ તો હશે એવું કહેશે ને?”

“જ્યાં જવું હોય ત્યાં જા. કોલેજ જવું હોય તો કોલેજ જા અને પેલીને લઈને ફરવું હોય તો ત્યાં જા. તને કોઈએ રોકી નથી રાખ્યો.” વિજયના મમ્મી વિજય સામેથી મોં ફેરવીને ફરી સુઈ ગયા.

વિજય ગુસ્સે થઇ ગયો અને કંઈપણ બોલ્યા વગર ગેટ ખોલી ઘરની બહાર નીકળી ગયો. તે બસ ચૂકી ન જાય એ માટે ફટાફટ ચાલવા લાગ્યો અને બસ આવવાના ટાઈમ પહેલા બસ સ્ટોપ પર પહોંચી ગયો. થોડીવાર પછી બસ આવી અને વિજય તેમાં ચડી ગયો. તેણે આજુબાજુ નજર નાખી તો એકપણ સીટ ખાલી ન હતી. તેણે બેગમાંથી ઈયરફોન કાઢ્યા અને ફોનમાં કનેક્ટ કરી સીટના ટેકે ઉભો રહી ગીતો સાંભળવા લાગ્યો. વિજય ઘણો ખુશ હતો કારણ કે તે નિશાને મળવાનો હતો. વિજય સોન્ગ્સ સાંભળતો સાંભળતો આંખો બંધ કરી સોંગમાં તેને અને નિશાને કલ્પવા લાગ્યો. તે પોતાની કલ્પનાની દુનિયામાં ખોવાઈ ગયો હતો એવામાં મેડમ આવ્યા અને તેને ટીકીટ માટે પૂછ્યું. વિજય તેની કલ્પનાઓમાંથી બહાર આવ્યો અને ખિસ્સામાંથી પાસ કાઢી મેડમને બતાવ્યો. પાસ જોઈ મેડમ આગળ ચાલ્યા ગયા. વિજયે બારીમાંથી બહાર જોયું તો તેને જાણ થઇ કે બસ જામનગરમાં એન્ટર થઇ ગઈ છે.

બસ થોડીવાર પછી સ્ટેશન પહોંચી ગઈ. વિજય સ્ટેશનના બાંકડા પર બેસી નિશાના આવવાની રાહ જોવા લાગ્યો. વિજય સ્ટેશન પર આવતી અને જતી બસ ધ્યાનથી જોઈ રહ્યો હતો, બસમાંથી ઉતરતા પેસેન્જરોને જોઈ રહ્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે નિશા કઈ બસમાં આવે છે અને તેણે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હશે તેમ છતાં તે બસમાંથી ઉતરતી દરેક છોકરીઓને જોવા લાગ્યો. તે કોઇપણ ચશ્માં પહેરેલી છોકરીને જોતો તો તેને એવો ભ્રમ થતો કે તે નિશા છે પણ થોડીવાર જોયા પછી તેને ભાન થઈ જતું કે નિશા હજી આવી જ નથી. સમય વીતતો ગયો પણ નિશા ન આવી. આઠ વાગ્યા એટલે વિજયને તેના કોલેજના મિત્રોના કોલ આવવા લાગ્યા. વિજયે તેના મિત્રોને જણાવી દીધું કે આજ તે કોલેજ નહી આવી શકે. તેને અચાનક મહત્વનું કામ આવી ગયું છે. વિજયને થયું કે નિશાની બસ વહેલા આવી ગઈ હશે એટલે તે સ્કૂલે પહોંચી ગઈ હશે. વિજય પાસે માત્ર હવે એક જ વિકલ્પ હતો કે તે બપોર સુધી નિશાની રાહ જુએ. તેણે તેના બેગમાંથી વર્ષા અડાલજાનું પુસ્તક “લાક્ષાગૃહ” કાઢ્યું અને વાંચવા લાગ્યો. વિજય લાક્ષાગૃહની સ્ટોરીમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને ભાન જ ન રહ્યું કે ક્યારે બાર વાગી ગયા! તેણે ફટાફટ પુસ્તક તેના બેગમાં નાખ્યું અને નિશાની સ્કૂલના રસ્તામાં વચ્ચે આવતી સોડાશોપ પર પહોંચી તેની રાહ જોવા લાગ્યો. સવા બાર થયા એટલે નિશા તેની ફ્રેન્ડ્સ સાથે ત્યાંથી નીકળી. નિશાની ફ્રેન્ડ્સ વિજયને સોડાશોપ પર ઉભો જોઈ સમજી ગઈ અને નિશાથી અલગ થઇ આગળ ચાલવા લાગી. નિશાનું ધ્યાન વિજય તરફ ગયું એટલે તે રોડ ક્રોસ કરી વિજય પાસે આવી ગઈ અને બોલી,

“નીકભાઈ કહેતા હતા કે તમારી તબિયત બરાબર નથી.”

“હા થોડો તાવ આવી ગયો હતો પણ હવે ઠીક છે.”

“તો તમારી માટે બીયરનો ઓર્ડર આપું?”

“ના આજ મારી કંઈપણ પીવાની ઈચ્છા નથી. નિશુ મારે તને કંઇક કહેવું છે.”

“હા બોલો.”

“પહેલા મને પ્રોમિસ કર કે તુ ગુસ્સે નહી થા.”

“કદી તમારા પર ગુસ્સે થઇ છુ? બોલો તમારા મનમાં જે હોય એ. જો નહી બોલો તો તમને મારા સમ છે.”

“નિશુ પ્લીઝ મને સાચું કહેજે તારી લાઈફમાં મારી સિવાય બીજું કોઈ નથી ને? પ્લીઝ મારે સાચું સાંભળવું છે. સાચું બોલજે તને તારા દીકાના સમ છે. જો કોઈ હશે તો તને પ્રોમિસ કરું છુ હું જરા પણ ગુસ્સે નહી થાવ. એમ ન વિચારતી કે કોઈ તારા જીવનમાં હશે તો હું તને છોડી દઈશ. હું હંમેશા તારી સાથે છુ અને સાથે રહીશ. નિશુ હંમેશા યાદ રાખજે મારી બેબી જ મારી દુનિયા છે. તેના વગર મારી કોઈ દુનિયા નથી. જો તને મારી સાથે ન ગમતું હોય તો હું પોતે જ તારી લાઈફમાંથી દૂર ચાલ્યો જઈશ. તારે પરાણે મારી સાથે રહેવાની જરૂર નથી. તારી લાઈફ છે અને તને પૂરો હક છે ચૂઝ કરવાનો કે તારે કોની સાથે રહેવું? તો પ્લીઝ મને સાચું શું છે તે જણાવ.”

“એવું કંઈપણ નથી. કોણ તમારા મગજમાં આવી વાતો નાખે છે?”

“સોરી નિશુ પણ મને એવું લાગે છે કે કોઈક આવી ગયું છે તારી લાઈફમાં જે તને મારાથી દૂર કરવા માંગે છે.”

“તમને કેમ એવું લાગે છે કે મારી લાઇફમાં તમારી સિવાય બીજું કોઈ છે?”

“કેમ કે હું ઘણા સમયથી નોટીસ કરું છુ કે તુ મને ઇગ્નોર કરી રહી છે. પહેલા આપણે ચાર ચાર કલાક વોટ્સેપમાં વાતો કરતા અને હવે તુ પાંચ મિનીટ પણ મારી સાથે વાત કરે છે? ક્યારેક કરે છે તો લાગે છે તને કોઈ રસ જ નથી. તને ખબર છે? મને કોઈ રસ નથી જામનગર આવવામાં, હું બસ તારા માટે આવું છું કેમ કે નથી રહી શકતો તારા વગર. શું હું તારી એક સ્માઈલનો પણ હકદાર નથી કે તુ સવારમાં મને જોઇને સેડ ફેસ બનાવી લે છે? સવારનું તો ઠીક બપોરે બસ સ્ટેશને પણ મારાથી ચહેરો છપાવે છે. નિશુ માનું છું કે આ લવ અને આ જી.એફ.-બી.એફ. જેવી બાબતો મારા માટે નવી છે પણ હું વ્યક્તિના વર્તનને જરૂર સમજી શકું છુ. નિશુ સાતમ-આઠમની રજાઓ પછી તુ એકદમ બદલાઈ ગઈ છે.”

“તમે એવું ન વિચારો. હવે એક્ઝામ નજીક આવે છે એટલે સ્કૂલેથી પ્રેસર હોય છે એટલે ટેન્સનમાં હોવ છુ. ઘરેથી ફોન યુઝ કરવાની ના પાડી છે એટલે ક્યારેક જ વાત થાય છે.”

“તો લકી સાથે વાત કરવા માટે ટાઈમ પણ મળી જાય છે અને તેની સાથે વાત કરતી વખતે ઘરના ફોન પણ યુઝ કરવા દે છે. સાચું ને?

“મેં તમને પહેલા પણ કહ્યું છે કે એ બસ ફ્રેન્ડ છે અને ક્યારેક જ તેની સાથે વાત કરું છું. જ્યારે પણ વાત કરું છું ત્યારે પહેલા તમારી સાથે અને પછી તેની સાથે. જો તમને ન પસંદ હોય તો હું તેને બ્લોક કરી નાખીશ.”

“નિશુ જો તને ખરેખર મારા ઈમોશન્સની પડી હોત ને તો તુ તેની સાથે અત્યાર સુધી વાત જ ન કરતી હોત. શું જરૂર છે તેની સાથે વાત કરવાની?”

“હવે નહી કરું બસ. આજ ઘરે જઇને વોટ્સેપ જ ડીલીટ કરી નાખીશ. તમે પ્લીઝ લકી હોય ત્યારે એમ ન બોલ્યા કરો કે તમે મારી સાથે જ મેરેજ કરવાના છો. જ્યારથી તેણે તમારા હાથમાં મારું નામ જોયું છે ત્યારથી તેને ખબર પડી ગઈ છે કે આપણી વચ્ચે શું રીલેશન છે.”

“તો શું પ્રોબ્લેમ છે?”

“તે મારા પપ્પાને ઓળખે છે. જો મારા ઘરે આપણી ખબર પડશે તો મારું સ્ટડી બંધ થઇ જશે.”

“મારી સાથે વાત ન થઇ શકે એ માટે વોટ્સેપ ડીલીટ કરવું છેને? એવું ન કરતી. તારે મારી સાથે પરાણે વાત કરવાની કોઈ જરૂર નથી. મારે આ કહેવું ન જોઈએ પણ કહું છું. તને લકી પસંદ હોય તો તુ તેની સાથે ખુશ રહે. હું તારી લાઈફમાંથી ચાલ્યો જઈશ. નિશુ હું બસ તને ખુશ જોવા માંગું છું. તારી ખુશી માટે મારે તને છોડવી પડે તો હું એ પણ કરવા તૈયાર છું. તારે છુપાઈને આ બધું કરવાની કોઈ જરૂર નથી. નિશુ કદાચ મારામાં જ કંઇક ખામી છે કે તને કોઈ બીજા સાથે વાત કરવાની જરૂર પડી. હું બસ હંમેશાં તને ખુશ જોવા માંગું છું. ભલે પછી એ ખુશી કોઈ બીજો વ્યક્તિ હોય. બસ દુખ એ વાતનું છે કે તુ કોઈ બીજા સાથે વાત કરે છે એ મને તારી સિવાય બીજા પાસેથી જાણવા મળ્યું. તે જાતે જ મને જાણ કરી હોત તો મને એ વધારે ગમ્યું હોત.”

“પ્લીઝ તમે આવું બધું ન વિચારો. મારી લાઈફમાં મારા દીકા સિવાય બીજું કોઈ નથી. હું હંમેશાં તમને કહેતી આવી છુ અને આજ પણ કહું છુ કે હું બસ તમારી છુ અને તમારી જ રહીશ. જો તમે મને ન મળ્યા તો હું મરી જઈશ. પ્લીઝ આવું બધું હવે ન વિચારતા તમને તમારી બેબીના સમ છે.”

વિજય નિશાની વાતો સાંભળી બસ ચુપચાપ તેની સામે જોઈ રહ્યો. તે મનોમન વિચારવા લાગ્યો કે નિશા સાચું બોલી રહી છે કે પછી કલ્પેશના કહ્યા મુજબ એ માત્ર તેનું મન રાખવા માટે એ બધું બોલી રહી છે.....

To be continued…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED