"સુવર, સાલા!,લંપટ ની ઓલાદો છે બધા. ભિખારીઓ સાલા. આ હાલી નિકળા છે, મારું ચાલે તો બધાને ગોળીઓથી ફૂંકી મારું. "
જગત પાસે બેઠેલા બધા એની સામે જોઈ રહયાં. આની પાસે તો બેસવામાય સાર નથી, એમ માની ધીમે ધીમે બધા સરકવા લાગ્યા.
ગાડરિયા પ્રવાહ મા તણાઈ જતા લોકો કરતા જગત બિલકુલ અલગ હતો. એ કાંઈક અલગ માટીનો ઘડાયેલો હતો. ગામના પ્રતિષ્ઠત વ્યક્તિ માટે ઉપરના ભળતા વાક્યો બોલવા કોઈ પોચા દિલના માણસનું કામ નથી. પણ જગત તો જગત હતો. એય પાછા માણિક શેઠ માટે પાછા.
માણિક શેઠ એટલે ગામના અટકેલા કામનો એકમાત્ર સહારો. ધંધો ભલે ધીરધારનો પણ માણિક શેઠ કોઈને ના ન પાડે. ધંધો પણ રહેમદિલથી કરે. મજૂરી કરતો માણિક જાત મહેનતથી માણિકશેઠ બન્યો હતો. આજે ગામ આખા નો મુખ્ય સૂત્રધાર બન્યો હતો. શેઠ કહે ગામ એટલું જ પાણી પીવે. કોઈ તેમની વિરુદ્ધ વિચારે પણ નહીં ને બોલે પણ નહીં.
આજે તેઓ સ્ટેજ ઉપરથી બોલતા હતા, ગામ આખા પર મોહિની હોય તેમ બધા તેમા તણાતાં હતા. બસ એક જગત ગાળો ભાંડતો હતો. તેને માણિક શેઠ પ્રત્યે કોઈ અભાવ ન હતો તેને તો રાજકારણીઓ પ્રત્યે જJ નફરત હતી.
માણિક શેઠ પાસે પૈસા, પ્રતિષ્ઠા બધું હતું. હવે તેમને પદ ની ભૂખ જાગી હતી, બસ એટલે જ હવે તેમણે ચૂંટણી મા ઝંપલાવ્યું હતું. એનો જ આજે પ્રચાર કરતા હતા. જગતને આ ગમ્યું ન હતું.
આમ તો જગત ને માણિક શેઠ બંને સરખા હતા, સારા હતા. આ માણિક શેઠ ને વળી શુ ભૂત વળગ્યું કે એણે ચૂંટણીમા આવવાનું વિચાર્યું.
જગત એક સીધો સાદો તરવરીયો યુવાન ને ઉત્સાહી પણ ખરો, બીજા બધા કરતા તેને માનવીય મૂલ્યો ની કિંમત વધુ, ને લાગણીશીલ પણ ખરો, ગમે તેનું કામ અધરાતે પણ કરી આપે, ને પાછો પ્રામાણિક પણ એવો જ.
દિવસો વીતતા ચાલ્યા એમ માણિકશેઠ નો જોમ વધતો ચાલ્યો, જીત તો એની પાકી જ હતી બધાએ ધારી જ લીધું હતું. કમાયેલા બધા પૈસા ને પ્રતિષ્ઠા દાવ પર લાગ્યા હતા. જીત થશે તો તો બધું પાછું જ આવી જશે એમ વિચારી માણિકશેઠે હાથ છુટા કરી મુક્યા હતા.
તેમના પ્રયત્નો રંગ પણ લાવ્યા હતા. એમની જીત પાકી જ હતી.
****************
એક દિવસ સવારે માણિકશેઠનો ખાસ એવો રામજી સમાચાર લઈ ને આવ્યો કે,
"શેઠ, પેલો જગત ગામને અવળે રવાડે છડાવે છે. બધાને સમજાવે છે કે આમાંથી કોઈ ન ગમતો હોય તો હવે તો મશીન આવી ગયા છે, તમે છેલ્લું બટન દબાવો તો કોઈને મત ન જાય. ને જો એની બહુમતી હોય તો ચૂંટણી પણ પાછી થાય.
ને શેઠ! ગામના અભણ લોકો તો એની વાત માની પણ ગયા છે, એના જેવો માણસ સમજાવે એટલે લોકોને પણ એક વખત હામી તો ભરવી જ પડે. ક્યાંક આ જગત તમારી બાજી પલટાવી ન નાખે."
માણિકશેઠને હાથમાં આવેલી બાજી બગડતી લાગી. આટલી મહેનત કર્યા પછી પરિણામ શૂન્ય આવે તો ગમે તેવો પણ વ્યક્તિ પણ ભૂલ કરી બેસે.
માણિકશેઠને હવા આપનાર તેમના ખાસ સાગરીત મોહને કહ્યું,
આ જગત બધું બગાડશે, એને ઠેકાણે પાડો. માણિકશેઠનું નામ આપી માણસો પણ મોકલી આપ્યા, જગતને સીધો કરવા.
પરિણામનો દિવસ આવ્યો. માણિકશેઠ હારી ગયા, નોટા મા મોટાભાગના મત પડયા હતા. પણ જગત આ જોવા માટે હાજર ન હતો. બધા કહેતા હતા કે તે ક્યાંક જતો રહ્યો હતો, તો કોઈ કહેતા કે મોહને તેને પતાવી દીધો હતો.
માણિકશેઠ તો ઘર પકડીને બેસી ગયા હતા. પણ...
રાત્રે શેઠાણીથી ડૂસકું મુકાઈ ગયું, કોઈ સાંભળ્યુ તો ન હતું, પણ તેમની વિનંતીથી જગત માણિકશેઠ ને હરાવવા તૈયાર થયો હતો. શેઠાણી જાણતા હતા કે જો શેઠ જીતશે તો તેમની માણસાઈ નેવે મૂકી દેશે જે એ ઇચ્છતા ન હતા.
જગત એટલે જ તેમની રડમસ આખો જોઈ પીગળ્યો હતો, ને શેઠને હરાવવા તૈયાર થયો હતો, પણ તેને કયા ખબર હતી કે આ ચૂંટણી શેઠની માનવતા ને પોતાનો જીવ લઈને જશે.......
આવી ચૂંટણીનું દુષણ તો આવા કેટલાય નિર્દોષ ને હત્યારા ને સ્વર્ગવાસી બનાવીને જ જાય છે......
© હિના દાસા