રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 37 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 37

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૭

"રુદ્ર આમને આમ તો આપણાં બધાં સૈનિકો મરી જશે.!" પ્રક્ષેપાસ્ત્રમાંથી છોડવામાં આવેલાં ભીમકાય પથ્થરથી બચતાં-બચાવતાં વીરસેને રુદ્રને કહ્યું.

રુદ્રને પણ આ વાત સમજાઈ ચૂકી હતી કે જો આવું ને આવું એકાદ ઘડી ચાલુ રહેશે તો એમનાં સૈન્યમાંથી કોઈપણ સૈનિક જીવિત નહીં બચે. આ મુશ્કેલીમાંથી કઈ રીતે છૂટકારો મેળવવો એ અંગે રુદ્ર વિચારી રહ્યો હતો ત્યાં એને પોતાનાં ખિસ્સામાં પડેલાં એ મોતીની યાદ આવી જે ગુરુ ગેબીનાથે એને આપ્યું હતું. આ મોતીની અંદર ત્રણ અગનપક્ષી હતાં જે આ કપરી પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાં સમર્થ નીવડશે એ જાણતાં રુદ્રએ પોતાનાં અંગરખામાંથી ગુરુ ગેબીનાથે આપેલું મોતી નિકાળ્યું.

રુદ્રએ મનોમન ગેબીનાથનું સ્મરણ કર્યું અને પછી મહાદેવનું નામ લઈ એ મોતીને જમીન પર અફડાવી તોડી નાંખ્યું. આમ થતાં જ એ મોતીની અંદરથી ત્રણ વિશાળકાય પક્ષીઓ પ્રગટ થયાં. ગુરુ ગેબીનાથે જે પ્રમાણેનું વર્ણન કર્યું હતું એવો જ દેહાકાર આ પક્ષીઓનો હતો. હાથીથી બમણું કદ અને પાંખોનો વિશાળ ઘેરાવો ધરાવતા આ પક્ષીઓને જોઈને અકીલાનાં પ્રસન્નચિત મુખ પર અચરજ છવાઈ ગયું.

અકીલાની સાથે રત્નનગરીનાં સૈન્યની આગેવાની કરતાં પ્રમુખ યોદ્ધાઓ અને રત્નનગરીનાં તમામ સૈનિકો આશ્ચર્યાઘાત અનુભવવા લાગ્યાં. એ અગનપક્ષીઓ જાણે પોતાને શું કરવાનું હતું એનાંથી અવગત હોય એમ રત્નનગરીનાં સૈનિકો તરફ આગળ વધ્યાં. પોતાની પાંખોને જોરજોરથી હલાવી ભારે ચક્રવાત ઉડાવતાં, મુખેથી આગનાં ભીષણ ગોળા છોડતાં એ પક્ષીઓ રત્નનગરીનાં સૈનિકો માટે કાળ બનીને ત્રાટકયાં.

સૌપ્રથમ તો એમની અગનજવાળાઓની ચપેટે નિમલોકો માટે દુઃસ્વપ્ન બનેલાં બંને પ્રક્ષેપાસ્ત્ર ચડી ગયાં. થોડી જ ક્ષણોમાં લાકડાની બનેલી એ યાંત્રિક રચના સળગીને અહીં-તહીં અવશેષો રૂપે પડવા લાગી. આવાં જ એક અવશેષ નીચે દબાઈને અકીલાના ભાઈ આરાનનું શરીર જુલસી ગયું. અગનપક્ષીઓએ ફેલાવેલી અંધાધૂંધીને પગલે સમયસર મદદ ના મળવાનાં લીધે આરાનનું ખૂબ જ દયનીય સંજોગોમાં મોત થયું.

એકાદ ઘડી સુધી અગનપક્ષીઓએ ફેલાવેલાં આતંકમાં પચાસ હજાર જેટલાં રત્નનગરીનાં સૈનિકો હોમાઈ ગયાં. અકીલાનું નબળું નેતૃત્વ એ બધાંની મોતનું કારણ બન્યું. પોતાનું કાર્ય પૂર્ણ કરી ત્રણેય અગનપક્ષીઓ દૂર દક્ષિણ પૂર્વ સમુદ્ર તરફ આગળ વધ્યાં, જ્યાં એક જ્વાળામુખી પર એમનો વાસ હતો.

ત્યાંથી ગયાં પહેલાં અગનપક્ષીઓ જે તારાજી સર્જી ગયાં હતાં એ જોઈ અકીલા સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી રત્નનગરીનાં એંશી હજારથી વધુ સૈનિકો મોતને ભેટી ચૂક્યાં હતાં જ્યારે સામા પક્ષે નિમલોકોનાં માત્ર પચ્ચીસ હજાર સૈનિકોનું મોત થયું હતું. આ ખુવારી ઓછી હોય એમ અકીલા પોતાનાં ખાસ સલાહકાર વિશ્વા અને પોતાનાં ભાઈને ગુમાવી ચૂક્યો હતો. આ ઉપરાંત રાજા મહેન્દ્રસિંહનાં શરીરનો ડાબો ભાગ સળગી ચૂક્યો હતો.

અકીલાને હતું કે સાંજ થાય એ પહેલાં તો એ નિમલોકોનાં સમગ્ર સૈન્યનો ખાત્મો કરી દેશે પણ અહીં તો રુદ્રની યુદ્ધનીતિ અને અગનપક્ષીઓની મદદથી આખી બાજી પલટાઈ ચુકી હતી એ જોઈ અકીલા ધૂંવાપૂંવા થઈ ગયો હતો. વધારામાં આરાનની મોત બાદ તો એનાં હૃદયમાં સળગતી ગુસ્સાની આગ એની આંખોમાં ઉતરી આવી હતી. હવે આ રીતે એક પછી એક ઘા સહન કરવાનાં બદલે દુશ્મનો ઉપર પ્રહાર કરવાનું મન અકીલાએ બનાવી લીધું હતું.

રુદ્રએ પણ એક પ્રામાણિક રાજાની જેમ રત્નનગરીનાં મૃત સૈનિકોને યુદ્ધમેદાનમાંથી ખસેડવાનો પૂરતો સમય આપ્યો. સૈનિક કોઈપણ પક્ષનો હોય પણ એનાં મૃતદેહનું સદાય યોગ્ય સમ્માન થવું જોઈએ એવું રુદ્રનું માનવું હતું.

આખરે મૃતદેહો ખસેડવાનું કામકાજ પૂર્ણ થયું. રાજા મહેન્દ્રસિંહને પણ તાત્કાલિક ઉપચાર માટે જગતેશ્વર જોડે મોકલવાનો પ્રબંધ કરવામાં આવ્યો. આ બધું કાર્ય પૂરું થતાં જ અકીલાએ પોતાનાં તમામ સૈનિકોને છેલ્લાં શ્વાસ સુધી લડવા માટે આદેશ આપ્યો. રાજા અગ્નિરાજનું આ સંજોગોમાં પણ યુદ્ધમેદાનમાં ના આવવું રત્નનગરીનાં સૈનિકો માટે ભારે નવાઈની વાત હતી. એ લોકોને દાળમાં કંઈક કાળું હોવાની શંકા જરૂર થઈ છતાં અત્યારે સેનાપતિ અકીલાનો આદેશ માન્યા વિનાં કોઈ છૂટકારો ના હોવાથી તેઓ મને-કમને નિમલોકોનાં સૈન્ય સામે સામી છાતીએ મુકાબલો કરવા અગ્રેસર થયાં.

અકીલા, સાત્યકી અને બાહુક એમ ત્રણ જ પ્રમુખ યોદ્ધાઓ રત્નનગરીનાં પક્ષે બચ્યાં હતાં એટલે એમને ત્રણેયે પોતાની બચેલી સેનાનું નેતૃત્વ લેવાનું નક્કી કર્યું. જ્યારે સામે પક્ષે રુદ્ર માટે એ મહત્વની વાત હતી કે ભલે એનું સૈન્ય રત્નનગરીનાં સૈન્ય કરતાં ઓછું હતું પણ એનાં જોડે પોતાનાં તમામ યોદ્ધાઓ સકુશળ હતાં.

"હર મહાદેવ!"

"હર હર મહાદેવ!!"નાં ગગનભેદી નારા સાથે નિમસૈનિકો રત્નનગરીનાં સૈનિકોનો સફાયો કરવાનાં ઉદ્દેશથી રુદ્રની પાછળ-પાછળ રણમેદાનમાં અગ્રેસર થયાં.

હજુ પણ નિમ સૈનિકો કરતાં રત્નનગરીનાં સૈનિકોની સંખ્યા વધારે હતી. બીજી વસ્તુ એ હતી કે નિમ સૈનિકોમાંથી અડધા ઉપર સૈનિકો તો હકીકતમાં સૈનિક જ નહોતાં. એ તો બસ પોતાનાં રાજાની મોતનો બદલો લેવાં આ ભીષણ યુદ્ધમાં જોડાયેલા સામાન્ય જીવન જીવતાં નિમ હતાં જેમકે ક્યારેક હોઈ શસ્ત્ર ઉપાડ્યું પણ નહોતું.

થોડી જ વારમાં યુદ્ધમેદાનમાં શસ્ત્રોનાં એકબીજા સાથે ટકરાવવાનો ધ્વનિ ગુંજી ઉઠ્યો. રુદ્ર પોતાનાં બંને હાથમાં બે ધારી તલવાર લઈને ચિત્તાની ગતિએ દુશ્મનોનાં સૈન્ય વચ્ચે ઊંડો ઉતરી ગયો. આજે એની તલવાર જાણે મોતનો નગ્ન નાચ કરતી હોય એમ રત્નનગરીનાં એકપછી એક સૈનિકોનાં શરીર પર જીવલેણ પ્રહારો કરી રહી હતી.

સામે પક્ષે અકીલા અને સાત્યકી પણ ગજબની તાકાત અને સ્ફૂર્તિથી એક પછી એક નિમ સૈનિકોને યમલોક પહોંચાડી રહ્યાં હતાં. આ એક ભીક્ષણ રક્તપાત હતો જે જોઈ રુદ્રનું હૈયું દ્રવી ઉઠ્યું. અન્ય કોઈ કારણ હોત યુદ્ધનું તો રુદ્ર હમણાં જ આ યુદ્ધ અટકાવી દેત પણ આ યુદ્ધ તો દેવદત્તની મોત માટેનાં પ્રતિશોધનું હતું, આ યુદ્ધ તો નિમલોકો સાથે વર્ષોથી થતાં રહેલા અન્યાયનો જવાબ આપવાનું હતું એટલે આ યુદ્ધ અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.

આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે અકીલાનો પુત્ર બાહુક રુદ્રની સામે આવી ગયો. રુદ્રનો મિત્ર હોવાં છતાં બાહુક એક ક્ષત્રિયની માફક રુદ્રની સામે લડ્યો પણ સામે ત્રણેય લોકનો સૌથી કુશળ યોદ્ધા રુદ્ર હતો. થોડો સમયમાં તો રુદ્રની તલવાર બાહુકની ગરદન સુધી આવી પહોંચી. રુદ્ર ઈચ્છત તો એક ક્ષણમાં બાહુકની ગરદન એનાં ધડથી અલગ કરી શકે એમ હતો પણ એને આવું ના કર્યું. એને પોતાનાં મિત્રનો જીવ બક્ષી દીધો.

એક તરફ જ્યાં રુદ્રએ તો પોતાની કરુણાનો પરિચય યુદ્ધમેદાનમાં પણ આપ્યો હતો ત્યાં બીજી તરફ અકીલાએ થોડી પણ દયા ના દાખવી અને હિમાલ દેશનાં સેનાપતિ વારંગાને યમલોક પહોંચાડી દીધો. શતાયુ અને સાત્યકી વચ્ચે પણ જોરદાર દ્વંદ્વ થયું જેમાં જો અંત સમયે જરા શતાયુની મદદે ના પહોંચ્યો હોત તો શાયદ સાત્યકી એને જીવિત નહોતો મૂકવાનો. આમ છતાં શતાયુનાં ખભા અને છાતીનાં ભાગ પર સાત્યકીની તલવાર ઊંડો ઘસરકો કરી ચૂકી હતી.

આખરે સૂર્યોદય થયો અને આજના દિવસનાં યુદ્ધનો અંત થયો. પ્રથમ દિવસનાં અંતે રત્નનગરીનાં સવા લાખ સૈનિકો મોતને ભેટ્યા હતાં જ્યારે સાઠ હજાર નિમલોકો પણ પ્રથમ દિવસે વીરગતિ પામ્યાં હતાં. વિશ્વા, આરાનની મૃત્યુ અને રાજા મહેન્દ્રસિંહનું ઈજાગ્રસ્ત થવું એ ઘટનાઓની સામે રુદ્રને પક્ષે વારંગા સિવાય અન્ય કોઈ મોટાં યોદ્ધાને જીવ નહોતો ગુમાવવો પડ્યો.

રત્નનગરીનાં મૃત સૈનિકોની સંખ્યા પોતાનાં મૃત સૈનિકો કરતાં બમણી હોવા છતાં પ્રથમ દિવસને અંતે રુદ્રના ચહેરા પર કોઈ ઉત્સાહ કે ખુશી નહોતી જણાઈ રહી. પોતાની છાવણીમાં એકલો બેસેલો રુદ્ર કોરી આંખે રડતાં-રડતાં પોતાનાં ઈષ્ટદેવ મહાદેવને એક જ પ્રાર્થના કરી રહ્યો હતો કે કાશ આ યુદ્ધ રોકવાનો કોઈ રસ્તો નીકળી આવે.

પોતાનાં માતા પિતાનું અકાળે થયેલું નિધન, મેઘના જોડેનો વિરહ અને હવે હજારો નિર્દોષ સૈનિકોનું મોત આ બધાં વિશે આંખો બંધ કરીને ક્યાંક સુધી વિચારતો રહ્યો. આ વિશે વિચારતાં જ રુદ્રને ત્રિવેણી સંગમ ઘાટે મળેલાં અઘોરીના શબ્દોનું સ્મરણ થયું.

"રુદ્ર, તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તારો જન્મ આ જગતનાં કલ્યાણ માટે થયો છે. તું જે કાર્ય કરવાં નીકળ્યો છે એને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે એ માટે તારું ધ્યેય ફક્ત એ કાર્ય જ હોવું જોઈએ અન્યથા તું તારો માર્ગ ભટકી જઈશ. તારી ઉપર આ સૃષ્ટિનું અને સમસ્ત પાતાળલોકનું ભાવિ લખાયેલું છે. તો હવે તારો જન્મ જ આ કાર્ય માટે થયો હોય તો તારું પણ કર્તવ્ય છે કે એ કાર્યને કોઈપણ ભોગે તારે સિદ્ધ કરવું જોઈએ."

"આ કાર્યને પૂર્ણ કરવાં જતાં તારે ઘણું બધું ગુમાવવું પડશે જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. આમ છતાં એ બધી જ વિકટ પરિસ્થિતિમાં પણ અડગ રહી મક્કમ મને તારે ફક્ત તારાં ધ્યેય તરફ આગળ વધવાનું છે. તારી અંદર મોજુદ તારો આત્મા જ તારો પરમાત્મા બની તને તારો આગળનો રસ્તો બતાવશે..બસ તારે સાચા મનથી એ રસ્તે આગળ વધવાનું છે."

અઘોરી રૂપે આવેલાં પોતાનાં આરાધ્ય દેવ મહાદેવનાં આ શબ્દો હજુપણ રુદ્ર માટે એક ગૂઢ રહસ્ય સમાન હતાં. આખરે સંધિનો નાશ કરવો એ એની મંજીલ નહોતી તો પછી એની મંજીલ શું હતી એ અંગે ઘણું વિચારવા છતાં રુદ્ર કોઈ નિષ્કર્ષ પર પહોંચી ના શક્યો.

*********

યુદ્ધમેદાનમાં શું થયું હતું એ વાતથી બેખબર અગ્નિરાજ પોતાનાં પરિવાર સાથે પોતાનાં જ મહેલમાં કેદ હતો. અકીલાના ખાસ માણસો અગ્નિરાજ અને એનાં પરિવાર પર ચોવીસે કલાક નજર રાખે હતાં. કોઈપણ ભોગે આ યુદ્ધ અટકવું જોઈએ એવું અગ્નિરાજનું માનવું હતું પણ અત્યારે પોતે જે અવસ્થામાં હતાં ત્યાંથી પોતે કંઈ કરી શકવા અસમર્થ હોવાનાં લીધે અગ્નિરાજ મનોમન વ્યથિત માલુમ પડી રહ્યો હતો.

એકાએક એ લોકો જ્યાં કેદ હતાં એ કક્ષની બહાર કોઈનાં આવવાનો પગરવ સંભળાયો. જે ગતિમાં એ પગરવ કક્ષ તરફ આગળ વધી રહ્યો હતો એ પરથી અગ્નિરાજ સમજી ગયો કે આવનારો વ્યક્તિ ભારે ગુસ્સામાં કે અકળામણમાં છે. આ વિચારતાં જ એમને મેઘનાની જીંદગીની ચિંતા ઘેરી વળી.

થોડી જ ક્ષણોમાં કક્ષનો દરવાજો ખૂલ્યો અને એક ભીમકાય માનવાકૃતિ દરવાજે આવીને ઊભી રહી. જેને જોઈ અગ્નિરાજનાં ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું.

********

વધુ આવતાં ભાગમાં

એ માનવાકૃતિ કોની હતી? રાજપરિવાર કેદમાંથી છૂટી શકશે? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરાવી હતી? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

આવતાં સપ્તાહથી એક નવી હોરર સસ્પેન્સ શરૂ થવા જઈ રહી છે જેનું નામ હશે પ્રતિશોધ. એને પણ આપ સૌ અવશ્ય વાંચજો એવો અનુરોધ.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)