રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 36 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 36

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૬

ઈશાન જ્યારે નિમલોકોની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થવાં દુર્વા જોડે નક્કી કરવામાં આવેલાં સ્થાને પહોંચ્યો ત્યારે એને જોયું કે ત્યાં બાંધેલાં બંને અશ્વ કે દુર્વા કોઈ ત્યાં હાજર નહોતું.

"દુર્વા ઉતાવળમાં અહીંથી નીકળી ગયો લાગે છે." મનોમન આટલું વિચારી ઈશાન ઉતાવળાં ડગલે પોતાની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થયો.

ઈશાન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રુદ્રએ એને પહોંચતાં જ સવાલ કર્યો

"ઈશાન, દુર્વા કેમ તારી જોડે નથી આવ્યો?"

"રુદ્ર, મને એમ કે દુર્વા મારી પહેલાં આવી ગયો હશે."

"વાંધો નહીં એ હમણાં આવી જશે! તું એ જણાવ કે મેઘનાને મળ્યો? એની તબિયત કેવી છે?"

રુદ્રના આ પ્રશ્નનાં જવાબમાં ઈશાને મેઘનાએ જણાવેલી દરેક વાત શબ્દશઃ રુદ્રને જણાવી. આ સાંભળી રુદ્રને થયું કે મેઘના એટલે જ એનાં પિતાજીને હત્યારા તરીકે નથી સ્વીકારતી કેમકે એને અગ્નિરાજનો ક્રૂર ચહેરો ક્યારેય જોયો જ નથી.

રાત્રીભોજનો વખત થવા આવ્યો હતો છતાં દુર્વા પાછો નહોતો આવ્યો જે જોઈ રુદ્રને કંઈક અઘટિત બનવાનો પૂર્વભાસ થયો.

"રુદ્ર, મને લાગે દુર્વાનો જીવ જોખમમાં છે, નહીં તો એ અત્યાર સુધી અહીં આવી ગયો હોત!" પોતાનાં ભાઈની ચિંતા જરાના અવાજમાં સાફ વર્તાતી હતી.

"મને પણ એવું જ લાગે છે, કેમકે અમે જ્યાં અમારાં અશ્વ બાંધ્યા હતાં એ સ્થળે હું આવ્યો ત્યારે ત્યાં બાંધેલાં અશ્વમાંથી એકપણ અશ્વ ત્યાં હતો જ નહીં." ઈશાન પણ જરાની વાતને ટેકો આપતાં બોલ્યો.

"એનો અર્થ કે અગ્નિરાજે દુર્વાને બંદી બનાવી લીધો હશે. બાકી કોઈ રાજદૂતની હત્યાનો આરોપ પૃથ્વીલોકનો કોઈપણ રાજા કોઈપણ સંજોગોમાં પોતાનાં શિરે ના જ લે." રુદ્ર થોડું ચિંતન કરીને બોલ્યો.

"તો આનો એ અર્થ નીકળે છે કે એ અગ્નિરાજ યુદ્ધની જ ઝંખના રાખે છે. જો એ એવું જ ઈચ્છતો હોય તો આપણે એ લોકોનો એ અંજામ કરીશું કે સમગ્ર પૃથ્વીવાસીઓ જ્યારે આ વિશે સાંભળે ત્યારે ભય અનુભવે." શતાયુની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું.

"તો પછી કાલે આપણે સાબિત કરી દઈશું કે નિમલોકો મનુષ્યો કરતાં જરાપણ ઉતરતાં નથી..હર મહાદેવ." પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી બંધ કરી હાથ ઊંચો કરતાં રુદ્ર બોલ્યો.

"હર હર મહાદેવ!" મહાદેવના જયઘોષ સાથે વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. નિમલોકોએ કરેલો આ જયનાદ એટલો શક્તિશાળી હતો કે એની ગુંજ છેક રત્નનગરીનાં રાજમહેલ સુધી સંભળાઈ જ્યાં અત્યારે સાત્યકી અને અકીલાની આગેવાનીમાં નિમલોકો વિરુદ્ધ થનારાં યુદ્ધની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી હતી.

આ સભામાં અકીલા અને સાત્યકી ઉપરાંત રાજા મહેન્દ્રસિંહ, અકીલાનો ભાઈ આરાન, અકીલાનો દીકરો બાહુક, રાજમંત્રી વિશ્વા અને અકીલાના વફાદાર સંત્રીઓ હાજર હતાં. એ લોકોને વિશ્વાસ હતો કે પોતાનાં અઢી લાખ પ્રશિક્ષિત યોદ્ધાઓ સામે એકાદ લાખ નિમલોકો એકાદ દિવસ માંડ લડી શકશે.

ઘણીવખત આ વધુ પડતો વિશ્વાસ અભિમાનનું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે એ કાલે યુદ્ધ દરમિયાન એ લોકોને સમજાઈ જવાનું હતું.

**********

આખરે યુદ્ધનો દિવસ આવી ગયો. પ્રથમ પ્રહર વીત્યો પણ નહોતો ત્યાં બંને પક્ષોએ પોતપોતાનાં સૈનિકોને યુદ્ધમેદાનની બંને તરફ ગોઠવી દીધાં હતાં. રુદ્રએ નજર દોડાવીને જોયું તો રત્નનગરીનાં સૈનિકો એમનાં સૈનિકો કરતાં બમણાં કરતાં પણ વધુ હતાં. આ જોઈને રુદ્રને વધુ આશ્ચર્ય ના થયું કેમકે એને આની ગણતરી પહેલેથી જ કરી રાખી હતી પણ રત્નનગરીનાં સૈન્યનાં પ્રમુખ યોદ્ધાઓની હરોળમાં અગ્નિરાજને ના જોઈ રુદ્રને ભારે નવાઈ લાગી.

યુદ્ધનાં નિયમો મુજબ યુદ્ધ શરૂ થયાં પહેલાં બંને પક્ષનાં યોદ્ધાઓને યુદ્ધમેદાનની મધ્યમાં આવીને જરૂરી ચર્ચાઓ કરવાની હોય છે. આ મુજબ નિમલોકો તરફથી રુદ્ર તો રત્નનગરી તરફથી સેનાપતિ અકીલા પોતપોતાનાં અશ્વ પર સવાર થઈને યુદ્ધમેદાનની મધ્યમાં આવ્યાં.

"કેમ છે રુદ્ર? એકવાર તો તું મારાં હાથે જીવિત બચી ગયો હતો પણ આજે તું સામે ચાલીને મરવા આવ્યો છે તો હું તારી એ ઈચ્છા અવશ્ય પુરી કરીશ.!" અકીલાએ પોતાનાં ચિત પરિચિત અંદાજમાં કહ્યું.

"મને ખબર છે કે તે મારી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ સમયે હું એટલે મૌન રહ્યો કેમકે મારી યોજના તયારે દાવ ઉપર હતી. પણ આજે હું તને એવી મોત આપીશ કે મોત પણ ધ્રુજી જશે."

"તારી યોજના શું હતી એ તો જણાવ?"

"મારે નિમલોકો અને મનુષ્યો વચ્ચે થયેલી સંધિની જરૂર હતી. હવે જ્યારે મને એ મળી ગઈ અને હું એનો નાશ કરી ચૂક્યો ત્યારે હું તને તો અવશ્ય સબક શીખવાડવાનો જ હતો, પણ હવે તારાં સ્વામી અગ્નિરાજે જે કર્યું છે એ પછી તો હું તમારાંમાંથી કોઈને પણ જીવિત નહીં છોડું. અને એ તો જણાવ ક્યાં છે એ દુષ્ટઆત્મા જેને મારાં પિતાજીની હત્યા કરાવી?"

"મતલબ એ સંધિ તને મળી ગઈ અને તે એનો નાશ કરી દીધો! ખૂબ સરસ. એ તો આ યુદ્ધ બાદ હું એનાંથી પણ વધુ આકરી સંધિ બનાવીશ. રહી વાત અગ્નિરાજની તો એમને તમારાં જેવાં મગતરા વિરુદ્ધ યુદ્ધ કરવામાં એમને નાનમ લાગતી હતી એટલે એ યુદ્ધમાં નથી આવ્યાં. આમ પણ અડધો દિવસ ચાલનારાં યુદ્ધ માટે અગ્નિરાજને અહીં આવવાની શું જરૂર?

"એ તો ખબર પડી જશે કે એક મગતરું પણ સમય આવે મદમસ્ત હાથીનાં નાકમાં ઘૂસીને એને એ હદે પાગલ કરી મૂકશે કે હાથી જીવ ગુમાવી દે."

"રુદ્ર, લાગે છે તારાં પિતાનાં ગયાં પછી બદલામાં ને બદલામાં તારું મગજ છટકી ગયું છે. વાંધો નહીં યુદ્ધ શરૂ થશે એટલે ઠેકાણે આવી જશે."

"દુર્વા ક્યાં છે?"

"એને અગ્નિરાજે કેદ કરાવ્યો છે. એ હજુ જીવિત છે પણ તમને બધાંનાં અહીં મર્યા પછી એ પણ જલ્દી તમારી જોડે આવી જશે."

"એ તો થોડાં જ સમયમાં ખબર પડી જશે. હવે વાત કરું યુદ્ધ નિયમોની તો પહેલો નિયમ કે સૂર્યાસ્ત પછી યુદ્ધ નહીં થાય. બીજો નિયમ કે કોઈ નિઃસસ્ત્ર યોદ્ધાની સામે યુદ્ધ નહીં કરે અને ત્રીજો નિયમ કે જો દુશ્મન શરણાગતિ સ્વીકારી લે તો એ જ ક્ષણે યુદ્ધ પૂર્ણ જાહેર થશે. સામે પક્ષે હારનારે જીતનારની દરેક શરતોનું પાલન કરવું પડશે."

"મંજૂર છે." આટલું કહી અકીલાએ પોતાનાં અશ્વને પોતાનાં સૈન્ય તરફ ભગાવી મૂક્યો. રુદ્ર પણ અશ્વને લઈને પોતાનાં સૈન્યની આગળ ગોઠવાઈ ગયો.

શંખ ફૂંકાઈ ગયાં અને એ સાથે જ યુદ્ધનો આરંભ થઈ ગયો. રુદ્રને ખબર હતી કે એમનું સૈન્ય સંખ્યાબળમાં ખૂબ જ ઓછું છે એટલે એને રક્ષણાત્મક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું. દુશ્મન જ્યારે થોડો પણ ગાફેલ હોય ત્યારે પૂર્ણ તાકાત સાથે એની પર આક્રમણ કરવું એવું રુદ્રએ પોતાનાં સૈન્યની અલગ-અલગ ટુકડીઓની આગેવાની લઈ રહેલાં યોદ્ધાઓને જણાવી દીધું

પચાસ હજાર જેટલાં સૈનિકો ધરાવતા પાયદળની આગેવાની રુદ્રએ અનુભવી વીરસેન, વારંગા અને ઈશાનને સોંપી. રુદ્રના વ્યૂહ મુજબ પાયદળ વચ્ચે રહેવાનું હતું જ્યારે એની પાછળ દસ હજાર ધનુર્ધરો. આ ધનુર્ધરોનાં દળની આગેવાની દુર્વાની ગેરહાજરીમાં એનાં મોટાં ભાઈ જરાએ લીધી હતી.

પાયદળની જમણી અને ડાબી બંને તરફ અશ્વરોહી દળ હતું. જમણી તરફથી ખૂંખાર હિમાલ ઘોડેસવારોનાં દળની આગેવાની ખુદ રાજા હિમાન લઈ રહ્યો હતો તો ડાબી તરફ શતાયુને આ કામ સોંપવામાં આવ્યું હતું. રુદ્રએ આ દરેકને યોગ્ય નેતૃત્વ પૂરું પાડવાની મંછા સાથે પોતાનાં સૈન્યની અગ્રીમ હરોળની આગળ મધ્યમાં સ્થાન લીધું હતું.

સામે પક્ષે પણ અનુભવી અકીલાએ પોતાનાં સૈન્યને અગ્નિ વ્યૂહમાં ગોઠવ્યાં હતાં. આ વ્યૂહ મુજબ એમનું સૈન્ય ત્રણ પંક્તિ પાયદળ અને એક પંક્તિ અશ્વરોહી દળ એમ ચાર પંક્તિઓમાં છેલ્લે સુધી ગોઠવાયેલું હતું. અકીલાનો વ્યૂહ સાફ હતો કે એને વહેલી તકે આ યુદ્ધ સમાપ્ત કરવું હતું.

"આરાન, ધનુર્ધરોને બોલ બાણ ફેંકવાનું આરંભે.!"

અકીલાના આમ બોલતાં જ આરાને પોતાનાં ધનુર્ધરોને નિમલોકોનાં સૈન્ય પર બાણ ફેંકવાનો આદેશ આપ્યો.

"ઢાલ ઊંચે.!" રુદ્રના આમ બોલતાં જ એમનાં દરેક સૈનિકે પોતપોતાની ઢાલ ઊંચે કરી પોતાની આત્મરક્ષા કરી. પુનઃ બીજી વખત રત્નનગરીનાં ધનુર્ધરોનાં બાણ હવામાં વધતાં જોઈ રુદ્રએ પુનઃ ઊંચા સાદે પોતાનાં સૈન્યને ઢાલ ઊંચી રાખવા કહ્યું. આમને આમ અકીલાની ધનુર્ધરોની મદદથી નિમલોકોને બાણથી નુકશાન પહોંચાડવાની યોજના પાંચ વખત વિફળ રહી.

"આક્રમણ..!" ધનુર્ધરો દુશ્મનને નુકશાન પહોંચાડવામાં અસફળ રહ્યાં એ જોઈ અકીલા અને સાત્યકીએ રત્નનગરીના સૈનિકોએ આગળ વધવાનો આદેશ આપ્યો. પોતાનાં રાજાની મરજી વિરુદ્ધ આ યુદ્ધ થઈ રહ્યું છે એ વાતથી બેખબર રત્નનગરીનાં સૈનિકો અકીલા અને સાત્યકીની મહેચ્છાઓ પૂરી કરવા પોતાનો જીવ ખોવા ઉતાવળા બન્યાં હતાં.

રુદ્રએ પોતાનાં સૈન્યને ત્યાં સુધી આગળ વધવા ના દીધું જ્યાં સુધી રત્નનગરીનું સૈન્ય યુદ્ધમેદાનનાં મધ્યમાં ના પહોંચી ગયું.

"જરા, હવે આક્રમણ કરવાનો સમય આવી ગયો છે."

રુદ્રના આમ બોલતાં જ જરાની આગેવાનીવાળા ધનુર્ધરોએ હર મહાદેવનાં નાદ સાથે પોતાનાં ધનુષની પણછ ખેંચી અને બાણને રત્નનગરીનાં સૈનિકોની દિશામાં ચલાવી દીધાં. પાયદળ અને ઘોડેસવારોની પાછળ હોવાથી નિમ સૈન્યનાં ધનુર્ધરો અકીલા કે સાત્યકીની નજરે ના આવ્યાં. એટલે અચાનક થયેલાં આ હુમલાથી તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયાં.

એ લોકો કાંઈ સમજે એ પહેલાં તો રત્નનગરીનાં ત્રણ હજારથી વધુ યોદ્ધાઓ સ્વધામ પહોંચી ચૂક્યાં હતાં. અકીલા પોતાનાં સૈનિકોને પાછા લેવાનો હુકમ કરે એ પહેલાં તો પુનઃ બીજી વાર બાણવર્ષા થઈ અને બીજાં હજારો સૈનિકો એમાં ખપી ગયાં. રત્નનગરીમાં સૈનિકો મૂળ સ્થાને ગોઠવાય ત્યાં સુધીમાં તો નિમ ધનુર્ધરોએ રત્નનગરીનાં પચીસ હજારથી વધુ સૈનિકોનો સફાયો કરી દીધો હતો.

પોતાનાં સૈન્યનાં આ પ્રારંભિક વિજય પર રુદ્રના ચહેરા પર ચમક પથરાઈ ગઈ. જ્યારે અકીલાની આગેવાની ધરાવતાં રત્નનગરીનાં સૈનિકોનો જુસ્સો ઓગળી ગયો.

"રુદ્ર, હવે આ ધનુર્ધરોની આડમાં યુદ્ધ કરીશ કાયર. હિંમત હોય તો સીધો મુકાબલો કર." અકીલાએ રુદ્રને સંભળાય એમ મોટેથી ગર્જના કરી.

"જેવી તારી ઈચ્છા.!" રુદ્રના આટલું બોલતાં જ એમનાં સૈન્યની બંને તરફ ગોઠવાયેલાં અશ્વરોહી સૈનિકોએ પોતપોતાનાં અશ્વોને આગળ દોડાવ્યાં. સામે વિશ્વા અને બાહુકની આગેવાનીમાં રત્નનગરીનાં ઘોડેસવારોએ પણ આગળની તરફ કૂચ કરી.

થોડાં જ સમયમાં બંને પક્ષનાં ઘોડેસવારો યુદ્ધમેદાનની મધ્યમાં એકબીજાની ઉપર મોત બનીને ત્રાટકયાં. બંને પક્ષે લગભગ એકસરખી ખુવારી થઈ રહી હતી. એકાદ ઘડીનાં દ્વંદ્વમાં બંને પક્ષનાં કુલ મળીને દસ-દસ હજાર અશ્વરોહી યોદ્ધાઓ માર્યા ગયાં. રુદ્રનાં પક્ષે એક ફાયદો રહ્યો કે એનો કોઈ પ્રમુખ યોદ્ધો આ દરમિયાન વીરગતિ નહોતો પામ્યો. જ્યારે અકીલાનો ખાસ વફાદાર અને કુશળ કૂટનીતિજ્ઞ વિશ્વા હિમાલનાં હાથે સ્વધામ પહોંચી ચૂક્યો હતો.

એક ઘડી સુધી ચાલેલા દ્વંદ્વ બાદ વધુ ખુવારીને ટાળવા રુદ્રએ અને અકીલાએ પોતપોતાનાં અશ્વરોહી સૈન્યને પાછું બોલાવી લીધું હતું. મહેન્દ્રસિંહ અને સાત્યકી તો વધુ ચિંતા કર્યા વગર એકતરફ સુરક્ષિત ઊભાં રહીને મોતનું આ તાંડવ જોઈ રહ્યાં હતાં. એમનાં માટે તો એમનાં જે બે-ત્રણ હજાર સૈનિકો આ યુદ્ધમાં હતાં એ જીવે કે મરે એમને કોઈ ફિકર નહોતી.

વિશ્વાનું મૃત શરીર જોઈ અકીલાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો અને એને પોતાનાં ભાઈ આરાનને ઉદ્દેશીને કહ્યું.

"આરાન હવે સમય આવી ગયો કે પ્રક્ષેપાસ્ત્રનો ઉપયોગ કરવાનો." અકીલાના આમ બોલતાં જ રત્નનગરીનાં સૈન્યની બંને તરફથી વિશાળકાય લાકડાની અને ધાતુની બનેલી યાંત્રિક રચનાને બહાર નીકળવામાં આવી.

"આરાન, હવે આ તુચ્છ નિમલોકોને એમની અસલી જગ્યા ક્યાં છે એ બતાવવાનો સમય આવી ગયો છે." અકીલાના આમ બોલતા જ આરાનના આદેશ પર રત્નનગરીનાં સૈનિકોએ પ્રક્ષેપાસ્ત્રમાં વિશાળકાય ગોળાકાર પથ્થરોને ગોઠવી દીધાં. પથ્થર ગોઠવાતાં જ આરાને હાથનાં ઈશારા વડે પ્રક્ષેપાસ્ત્રનો ઉપયોગ કરતાં સૈનિકોને હુમલો કરવાનું કહ્યું.

એ સૈનિકોએ પ્રક્ષેપાસ્ત્રમાં બનેલી એક યાંત્રિક કળ દબાવી. આમ કરતાં જ એમાં મૂકેલાં પથ્થર ગોફણની જેમ પાછળની તરફ ખેંચાયા અને બીજી જ ક્ષણે કાળ બનીને નિમ સૈનિકો પર જઈ પડ્યાં.

પ્રક્ષેપાસ્ત્રનાં એક જ વારમાં પોતાનાં બે હજારથી પણ વધુ સૈનિકોનાં મૃત્યુ થતાં રુદ્રના ચહેરા પર ચિંતાનાં વાદળ ઘેરી વળ્યાં. રુદ્ર કંઈ વિચારે એ પહેલાં તો બીજાં બે પથ્થરો ઝીંકાયા અને બીજાં બે હજાર નિમ સૈનિકો સ્વધામ પહોંચી ગયાં.

એક તરફ જ્યાં રુદ્ર અસહાય ઊભો હતો તો બીજી તરફ યુદ્ધમાં ઓચિંતી સરસાઈ મેળવવાની ખુશી અકીલા અને રત્નનગરીનાં અન્ય યોદ્ધાઓનાં મુખ પર સાફ દેખાઈ રહી હતી.

********

વધુ આવતાં ભાગમાં

પ્રક્ષેપાસ્ત્રની પળોજણમાંથી રુદ્ર કઈ રીતે છુટકારો મળશે? રાજપરિવાર કેદમાંથી છૂટી શકશે? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરાવી હતી? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)